ઓચિંતા
ઓચિંતા


એ ઘરેથી જલ્દીમાં નિકળ્યો હતો. સાંજનું જમવાનું પતાવવાની પણ એણે તસ્દી નહોતી લીધી. કારણ કે આજ એ કંઈ વધારે જ ઉતાવળમાં હતો. લિફ્ટ પાસે આવી જોયું તો લિફ્ટ હજી ગ્રાઉન્ડ ફ્લોર પર અટકેલી હતી. એ સીડીથીજ નીચે ઉતર્યો. પાર્કિગમાં આવી એણે ગાડી સ્ટાર્ટ કરી. રોજ ત્રણ-ચાર સેલ લેનારી ગાડી આજે ફક્ત પહેલા સેલમાં જ સ્ટાર્ટ થઈ ગઈ. એના મોઢે આછું સ્મિત ફરી વળ્યું અને દિલમાં હતી એનાથી વધુ હિંમત અને વિશ્વાસ બંધાઈ ગયા. ગાડીને જીવની જેમ સાચવનારાએ આજ ખાડા પણ જોયા વિના એ વાંકા-ચુંકા રસ્તા પર 60-70 ની એકસરખી સ્પીડ પર ગાડી દોડાવે રાખી. બે કિલોમીટરનો ખરબચડો મારગ પુરો થતાં એને હાશ થઈ. એ રસ્તો પાર કરી હાઈવે પર આવી ગયો હતો. હજી તો આગળ બસો કિલોમીટરની મંઝિલ હતી. પહોંચી શકાય એટલા જલ્દી એને પહોંચવું હતું. ગાડી પુરપાટ ઝડપે હાઈવે પર દોડી રહી હતી.
અચાનક એની નજરે કોઈ ચડ્યું. રસ્તાની સાઈડમાં એક યુવતી લિફ્ટ માટે હાથ બતાવી રહી હતી. આમ તો હાઈવે રોજ ટ્રાફિકથી ભરચક રહેતો પણ કોણ જાણે કેમ આજે એકલદોકલ વાહનો જ જતા હતા. એને કોઈપણને લિફ્ટ આપવી ગમતી. રોજ સૌને એવું વિચારીને લિફ્ટ આપતો કે આજ મુશ્કેલીમાં હું એમની મદદ કરું છું તો કાલે કોઈક મારી પણ કરશે. આજે એને ગાડી ઉભી રાખવાની ઈચ્છા નહોતી પણ યુવતીને એકલી જોઈ અને એ પણ આવા સમયે. ઈચ્છા ન હોવા છતાં અનાયાસે એનો પગ બ્રેક પર લાગી ગયો. દરવાજાનો કાચ નીચો કરી એણે પૂછ્યું. " ક્યાં જવું છે." સામેથી ગભરાયેલ સ્વરે ટહુકો થયો "સોનપુર". ડ્રાઈવિંગ સીટ પર બેઠાં બેઠાં જ એણે દરવાજો ખોલ્યો. ત્યાં એ યુવતી ફરી બોલી. "મારી સાથે મારા પિતા પણ છે. તેઓ હાર્ટના પેશન્ટ છે." એ બહુ ઉતાવળમાં હતો છતાં એણે મંજૂરી આપી દીધી.
એણે સામે નજર કરી તો જોયું કે હાઈવેની સાઈડમાં અડધા તુટેલ બાંકડા પર એક વૃદ્ધ બેહોશીની અવસ્થામાં બેઠો હતો. તરત એ યુવતી ઉતાવળા પગલે પાછી ફરી અને હાઈવેની સાઈડમાં એ બાંકડા તરફ ચાલી. કંઈક વિચારી દરવાજો ખોલી એ પણ એ બાંકડા તરફ ચાલ્યો. વૃદ્ધની પાસે પહોંચી એમને ટેકો આપી એ ગાડી સુધી લઈ આવ્યો. ગાડીમાં બેસાડી ફરીથી ગાડી એજ રસ્તે એજ સ્પીડથી ભગાવી મુકી. વૃદ્ધના મોઢામાંથી વારંવાર થુંકના ગળફા બહાર આવી અને ગાડીની સીટ પર પડતા હતા. યુવતી પોતાના દુપ્પટાથી એ ગળફાની સાથે એ વૃદ્ધના મોઢાને સાફ કરી રહી હતી. પોણી બે કલાકની મઝલ કાપી ગાડી સોનપુરમાં પ્રવેશી. વૃદ્ધની હાલત વધુને વધુ ખરાબ થતી હતી.
થોડીવારમાં ગાડી એક હૉસ્પિટલની બહાર ઉભી રહી. ફરી એજ રીતે વૃદ્ધને અંદર લઈ જવામાં આવ્યા. વૃદ્ધને જલ્દીથી જલ્દી આઈ.સી.યુ.માં ખસેડાયા. એ યુવતી સાથે રહી જરૂરી કાર્યવાહી પુરી કરી ત્યાંથી એ પોતાની મંઝિલ તરફ રવાના થયો. પાર્કિંગમાં ગાડી મુકી એ એક બિલ્ડિંગના ફ્લેટમાં પ્રવેશ્યો. ડોરબેલ વગાડતા થોડીવારે ફ્લેટના દરવાજામાંથી એક ડોકું બહાર નીકળ્યું. "બોલો ? કોનું કામ છે?" સણસણતો સવાલ એના તરફ ફેકાયો. એણે પણ ઉદાસ વદને સામે સવાલ મુક્યો "ભટ્ટ સાહેબ છે ?" "ના એતો હમણાં અડધા કલાક પહેલાં જ લંડન માટે નીકળી ગયા." એ ઉદાસ થઈ ગયો પાછો ફરી જઈ જ રહ્યો હતો કે એ યુવકનો અવાજ ફરી એના કાને અથડાયો. "અરે ભાઈ થોભો, આપનું નામ શું ?" "પ્રતિક, પ્રતિક ભાટી.." એણે અચકાતા સ્વરે પોતાનું નામ આપ્યું. "થોભો આ લ્યો. સાહેબ તમારા માટે મુકી ગયા હતા અને કહ્યું હતું કે તમને આપી દઉં" એટલું કહી એ યુવકે એના હાથમાં એક લેટર મુકી દીધું.
લેટર જોઈ એનું મુખ ચમકી ઉઠ્યું. એ મસ્તીથી સીટી વગાડતો વગાડતો બિલ્ડિંગની બહાર નીકળી ગયો. આજે એના ચહેરા પર બે ખુશી હતી. કોઈનો જીવ બચાવવાની અને ખુદની ઈચ્છા પુરી થવાની.