નાનકડી વાત
નાનકડી વાત


"કાયમ મને હેરાન કર્યે રાખે છે, એમને કંઇ સમજણ જ નથી પડતી ! હું ક્યારનો કેહતો હતો કે વહેલા ઘેર જઈએ પણ આ પપ્પાને તો ખુરશીમાથી ઉભાજ નતું થવું ! એક તો સાંજે થાકયાપાકયા ધેર આવીએ અને એમાંય પપ્પાના શોખ પૂરા કરવાના, કોઈ જરૂરજ નોતી આ પ્રસંગમાં આવવાની, સાવ ફોગટમાં આખી સાંજ બગડી. આના કરતાં તો હું ઘેર રહ્યો હોત તો સારું થાત !"
રાહુલ ઉદાસ મને આ બધું વિચારી રહ્યો હતો ત્યારેજ, તેના પપ્પા એ અચાનક ખભા પર હાથ દબાવી ને કહ્યું કે, "બેટા, જરા બાઈક સાઇડ પર ઊભી રાખ તો. અહીં સુધી આવ્યા છીએ તો અંબામાતાના મંદિરએ દર્શન કરતા જઈએ !" અને આ વાત સાંભળી ને રાહુલ મનોમન વધુ ધુંધવાયો, "અરે યાર, આમને સમયની કંઈ કિંમતજ નથી, સાંજે છ વાગ્યાથી મને ફેરવે છે. એક તો કોઈ વાતની ના પાડીએ તો માઠાં લાગી જાય એમને ! માન્યું કે એમનો જ દીકરો છું, પણ મારો સમય સાવ બરબાદ કરવાનો કોઈ જ ઈરાદો નથી મારો. હજું તો ઘેર જઈને કેટલા બધા કામ બાકી છે ." પોતાના પિતા વિશે આ વિચારો કરતાં કરતા રાહુલ એ બાઇક મંદિરના દરવાજા સામે પાર્ક કર્યું.
રાહુલ તેના પિતા સાથે મંદિર માં દાખલ થાય છે અને ભીડને ચીરતો સૌથી આગળ અંબામાતાની મૂર્તિ પાસે પહોંચી જાય છે, ફકત પગે લાગવાનો ડોળ કરીને એકજ મિનિટમાં પ્રદક્ષિણા પણ પતાવી દે છે. મંદિરની બહાર નીકળતા એ પાછળ વળીને જુએ છે, હજુ તો તેના પિતા ભક્તજનોની ભીડમાં ધક્કા ખાતા ખાતા માતાજીની મુર્તિ સુધીજ પહોંચ્યા હોય છે ! તે એક ઊંડો નિસાસો નાખીને ટાઈમ પાસ માટે પ્રસાદના કાઉન્ટર આગળ જાય છે, ત્યાં સાકારના પ્રસાદની મુઠ્ઠી ભરીને મંદિર ના પગથીયા સડસડાટ ઉતરી જાય છે.
આશરે આઠથી દસ મિનીટ પછી, રાહુલ જ્યારે બાઈક પાસે ઉભા ઉભા પ્રસાદની સાકારનો છેલ્લો દાણો પોતાના મોઢામાં મુકે છે ત્યારે તેના પિતા ડગુમગુ પગે તેની પાસે આવે છે અને હરખ સાથે તેની સામે હાથ લંબાવતા બોલે છે, "લે બેટા, પ્રસાદની સાકાર, તને બહું ભાવે છે ને ! આ મુઠ્ઠી ભરીને લાવ્યો હું; તું બધીજ લઈ લે મેં તો એક દાણો ખાધો છે. ને એમ પણ ડાયાબિટીસ છે મને ! તારા માટેજ લાવ્યો છું આ પ્રસાદ ! "
રાહુલ એકીટસે પિતા ના ચહેરા ને તાકતો રહ્યો. તેને એક અજૂગતો ઝટકો લાગ્યો હતો. પોતે જે પિતા વિશે મન માં ને મનમાં ક્યારનોય ખરાબ ખોટું વિચારતો હતો, તેઓને આશરો આપ્યા વગર જુવાનીના જોરે ફટાફટ મંદિરમાં એકલો આગળ પહોંચીને બહાર આવી ટેસ થી ઉભો હતો, અને આ ઉંમરે પણ પોતે એકલો પ્રસાદ ખાઈ ગયો અને પિતા ને માટે પ્રસાદ લાવવાની દરકાર સુધ્ધાં ના લીધી ! પોતાનાજ વ્યવહાર વિશે વિચારીને રાહુલ નું હૃદય ચિરાઈ ગયું ! જાણે કે પોતેજ પોતાનાથી રિસાઈ ગયો હોય !
વાત તો ખૂબ જ નાનકડી હતી ને ? પિતા એ પ્રસાદ પુત્રને આપ્યો અને પુત્ર તો પહેલાજ ઘરડાં પિતાનો વિચાર કર્યા વગર પ્રસાદ ખાઈને બેઠો હતો ! પરંતુ, આ જ જમાનાની સચ્ચાઈ છે. આજકાલના જુવાનિયાઓને પોતાના મા-બાપ માટે સમય અને લાગણીજ નથી ! મોબાઈલની અલગજ દુનિયામાં તેઓ એટલા બધા મશગૂલ છે કે વાસ્તવિક સમાજ અને સામાજિક પ્રસંગોમાં હાજર રહેવું તેઓને સમયનો બગાડ લાગે છે ! કેટલાય સ્કૂલને કૉલેજના વિદ્યાર્થીઓ કારણ વગર ઘેર બેઠા પબજી રમતાં રમતાં પિતાજીને વિસરી જાય છે. અને ભગવાનને પણ મંદિરમાં નહીં પણ ઑનલાઇન સ્ક્રિન પર મળી લે છે !
આ નાનકડી ઘટનાના અંતે, રાહુલને સમજાઈ ગયું હતું કે પોતે કેટલો સ્વાર્થી છે, ને પિતા કેટલા નિસ્વાર્થ છે ! પોતે આજ સુધી કેટલો દુર્વ્યવહાર કર્યો છે, ને સામે પિતા એ કેટલો વ્હાલ કર્યો છે ! પોતે કેટલી વાર ના કહી છે, અને પિતાએ હંમેશા હા કહી છે ! તેણે નિશ્ચય કર્યો કે આજ થી જ તે હંમેશા પોતાના પપ્પા ને સમય આપશે, તેઓની જરૂરિયાતો ને સમજીશ અને તેમની સંભાળ રાખશે.