જયહિંદ સર !
જયહિંદ સર !
"સવારથી સાંજ થઈ ગઈ. ખબર નહીં કેમ આ સરકારી કામકાજ તો ક્યારેય સીધી રીતે પતતા જ નથી. ક્યારેક અધિકારીઓને રજાઓ આવી જાય તો ક્યારેક તેમની રીસેસ, ને વળી બધુજ બરાબર હોય ત્યાં કાગળિયાં ખૂટી પડે ! ખબર નહીં શું થશે આ દેશ નું !?? સારું છે હવે આ સોશીયલ મીડિયાના જમાનામાં ભ્રષ્ટાચાર પર તો મહદઅંશે લગામ લાગી છે !" મનમાં બબડતા બબડતા હું એ સાંજે 05 વાગે ને 55 મિનિટએ એક મિલિટરી ઑફિસના પગથિયાં ચડી ગયો. સવારથી નગરપાલિકાથી લઇને કલેકટર ઑફિસ સુધી દરેક પ્રકારની સરકારી ઇમારતોની મુલાકાત લઈ ચૂક્યો હતો અને સઘળાં ખરાબ અનુભવોનો ભાર લઈને આ આખરી ઑફિસે આવ્યો હતો ! શું થાય? કામ જ એવું હતું !!! ખરું પૂછો તો કામ નહીં પણ મારું સ્વપન . . . એક એવી શૂટિંગ રેંજ બનાવવી જ્યાં હું ગુજરાતના બાળકોને અતમરક્ષણની તાલીમ આપી શકું, સશસ્ત્ર અને શસ્ત્ર વિના પણ તેઓને શારીરિક અને માનસિક રીતે લડવા માટે સક્ષમ બનાવી શકું !
સરકાર તરફથી બધીજ મંજૂરીઓ મેળવ્યા પછી, હવે એક આખરી કામ બાકી હતું, ઇન્ડિયન આર્મી પાસેથી હથિયાર તાલીમ માટે એક મંજૂરી મેળવવાનું.
હું તે મિલિટરી ઑફિસમાં હું જે કર્નલને શોધવા આવ્યો હતો તે સામે જ લોબીમાં ઉભા હતાં. તેઓની સાથે બીજા પણ એક અધિકારી ફાઈલ લઈને વાત કરી રહ્યા હતાં. હું ચૂપચાપ તેઓની પાછળ જઈને ઉભો રહ્યો. મને તેઓની વાતોથી ખ્યાલ આવ્યો કે મારે જે કર્નલનું કામ છે, તેઓની સર્વિસનું આ છેલ્લું અઠવાડિયું છે અને તેઓને તેમના ઉપરી અધિકારી રજા ઉપર ગયા હોવાથી તેમના કામનું ભારણ પણ સોંપવામાં આવ્યું હતું !
મારે મારું કામ કોઈ અજાણ્યા વ્યક્તિ સામે નહોતું જણાવવું અને એટલે જ, હું શાંતિથી તેઓનો સંવાદ સાંભળી રહ્યો હતો.
"સર, તમે બ્રિગેડયરની ઓફીસમાં ખોટી હા પાડી દીધી, તમારી સર્વિસનું આ છેલ્લું અઠવાડિયું છે, તમે જો ગેરહાજર અધિકારીના કામનું પોટલું ઉઠાવવાની ના પણ કહી હોત, તો કંઈ ખાટું મોળું ના થઈ જાત ! તમે નાહકની જવાબદારી માથે લીધી . . ."
હજું પેલો બીજો અધિકારી આગળ કંઈ બોલે એના પહેલાંજ તેને વચ્ચે અટકાવીને કર્નલએ પોતાની રૂઆબદાર મૂછો ને તાવ આપતા કહ્યું, "સાહેબ, ત્રીસ વરસથી યુનિફોર્મ પહેરી ને આ દેશની સેવા કરું છું. આજ સુધી ક્યારેય મારા સિનિયર ને 'નો સર' નથી કહ્યું; તો આજે કઈ રીતે કહી દઉં ? "
આ નાનકડો સંવાદ સાંભળીને મારા હાથના રુંવાટા ઉભા થઇ ગયા, અને સામેવાળા અધિકારીના હોઠ પણ સિવાઈ ગયા. કર્નલની કાર્યનિષ્ઠા અને દેશ માટે કંઇ પણ કરી ગુજરવાની ભાવનાને મેં એક ક્ષણમાં અનુભવ્યાં. દેશમાં ભ્રષ્ટ નેતાઓ અને સરકારો બદલાતી રહે છે, પરંતુ, હજુ પણ આપણો દેશ મહાન છે આવા પ્રમાણિક કર્મચારીઓના કારણે !!! કર્નલના શબ્દોએ મારા સિસ્ટમ અને સરકારથી ઉઠી ગયેલા ભારોસાને ફરીથી પ્રસ્થાપિત કર્યો. હું મનમાં ને મનમાં કર્નલને સેલ્યુટ કરવાનું વિચારી રહ્યો હતો, ત્યાંજ તેઓ પાછળ ફર્યા અને મારા ચહેરા સામે સ્મિત લહેરાવીને પૂછ્યું, "હાઉ
મે આઈ હેલ્પ યુ?"
મારા દિલની વાત શબ્દો બનીને સરી પડી ને મેં કહ્યું, "જયહિંદ સર !"