We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

Mitra Writes

Inspirational


2.3  

Mitra Writes

Inspirational


મોક્ષ, તું આવીશ ને...?

મોક્ષ, તું આવીશ ને...?

11 mins 14.3K 11 mins 14.3K

           સફેદ કોટ પહેરેલ ડોકટરે આવી, આલ્કોહોલમાં ભીંજવેલ રૂનું પૂમડું હાથ પર ઘસ્યું, અને યોગ્ય નસ શોધી, તેમાં બોટલની ટ્યુબ સાથે જોડાયેલ સીરીંજ ઘુસાવી, ઉપર એડહેસીવ ટેપ લગાવી... અને ઝીણી આંખે, બોટલમાંથી પડતા ટીપાઓની સ્પીડ ચકાસીએ બોલ્યો,

          “બુઢાને હવે થોડી રાહત રેહશે, ચલો હવે પંદર નંબરના દર્દીને જોઈ આવીએ...” અને તે સફેદ કોટ અને તેની જોડે ઉભી બે નર્સો, ધીરેધીરે નજરો સામેથી ઓઝલ થઈ ગયા. કોઈક પંદર નંબરના પેશન્ટને જોવા. કમાલ છે નહીં, હોસ્પીટલમાં વ્યક્તિ તેના નામથી નહીં, પણ તેને અપાયેલા ખાટલાના નંબર પરથી ઓળખાય છે!

          મારો પણ કોઈક નંબર હશે, અને જોડે ઉંમર થકી મળેલી એક ઓળખાણ પણ...’બુઢો’!

          હા, આ લોકો મને બુઢાના નામથી ઓળખે છે, અને કદાચ ‘પાગલ’ પણ.. આ દુનિયા આખીને હું પાગલ લાગુ છું... પણ હું ક્યાં પાગલ છું... ! હા, હા જાણું છું, દરેક પાગલ એવું જ કહે છે, એટલે હું પણ કહી જ દઉં છું...! ખૈર, હું પાગલ હોઉં કે ન પણ હોઉં, એથી તમારે શું... 

          અરે, પેલી સામેની દીવાલ પર લટકાવેલ ઘડિયાળ કેમ ઉંધી ચાલે છે... કે પછી મને ઘેન ચઢી રહ્યું છે એટલે એવું લાગે કે... કે પછી મારું પાગલપન...

          ના, સાચે જ એ ઘડિયાળ ઉંધી ચાલી રહી છે, ભૂતકાળ તરફ... મારા ભૂતકાળ તરફ... આ ‘પાગલ બુઢા’ના ભૂતકાળ તરફ... 

          શું કર્યું છે મેં જીવનમાં? કંઈ જ નહી...

          એક હિંમત કરી પ્રેમ કરવાની... સંઘર્ષ કર્યો એને પામવા માટે. પણ મા-બાપાની ઈચ્છાઓ સામે હારી ગયો, હું અને મારો પ્રેમ બંને... 

          મા-બાપાએ કહ્યું ત્યાં પરણી ગયો. છોકરી સારી હતી, ગમે એવી હતી, પરણી શકાય એવી હતી... પણ પ્રેમ ન હતો...

          પણ હા, જો શારીરિક સંબંધ બનાવાને પ્રેમ કહેવાય... તો હા, મેં તેની સાથે એ ‘પ્રેમ’ કર્યો હતો. શરીરની જરૂરિયાત કહું, કે પછી મારી હવસ! પણ હા, મેં એ પ્રેમ કર્યો હતો... એક વાર, બે વાર નહી પણ વારંવાર!

          પણ પછી? માત્ર એ ‘પ્રેમ’ના સહારે થોડી સંબંધ ટકે... ! એને ટકાવવા તો કોઈક કડી જોઈએ, કદાચ એક સંતાન...

          હા, સંબંધ ટકાવી લેવા એક સંતાન હોય તો ચાલી જાય. અમારી જોડે પણ કંઈક એવું જ થયું હતું, સંબંધ જોડાયો, ચાલતો રહ્યો, એમાં તિરાડ પડતી ગઈ, અને પછી એક સંતાન આવ્યું, ‘તું’ આવ્યો ‘મોક્ષ’... અને એથી અમે જોડાયેલા રહી શક્યા.

          તું ! તને પહેલી વખત મેં જયારે જોયો, ત્યારે તું, હોસ્પીટલના ઘોડિયામાં નિરાંતે સુઈ રહ્યો હતો! તારી એ ફૂલ-ગુલાબી ચામડી પર હું મારી કઠોર આંગળી ફેરવી રહ્યો હતો, અને ત્યાં જ તેં મારી આંગળી તારી નાની એવી હથેળીથી પકડી લીધી, અને ઝીણી આંખ ખોલી મને જોવા લાગ્યો...  અને ફરી આંખ મીંચી સુઈ રહ્યો... એ ક્ષણ! એ ક્ષણ ખરેખર એક અદ્ભુત ક્ષણ હતી!

          એ ક્ષણ પહેલા હું કોઈનો પુત્ર હતો, કોઈનો પતિ હતો, અને હવે તારો પિતા પણ હતો. મારા આખા જીવનમાં આવેલ કદાચ શ્રેષ્ઠ ક્ષણ માત્ર એ જ હતી.

          લગભગ બે-ત્રણ દિવસ પછી તને ઘરે લઈ આવ્યા...  તારી છઠી થઈ, થોડા દિવસો બાદ નામકરણ થયું... મેં જ તારું નામ રાખ્યું, ‘મોક્ષ’.

          તારા બા-દાદા અને તારી માને પણ આ નામ પસંદ નહોતું, અને એ નામ તારી રાશિથી પણ વિરુધ્ધ નું હતું... પણ મને બસ, તારા માટે આ જ નામ ગમ્યું, એટલે મેં એ જ રાખ્યું, ‘મોક્ષ’.

          તારા જન્મદિવસથી જ હું એક અલગ ડાયરી લખવા માંડ્યો હતો. ડાયરીઓ લખવાનો શોખ મને યુવાવસ્થાથી હતો... મારી રોજની જીંદગીમાં ઘટતી દરેક ઘટના હું એમાં લખતો, અને ફરી ક્યારેક વાંચતો, ત્યારે બધું ફરી જીવી લેતો...

          તારા માટે ડાયરી લખી, તને તારું બાળપણ, મારા શબ્દોમાં ભેટ આપવાની ઈચ્છા હતી. કદાચ હું તને તારા વીસમા જન્મદિવસ પર એ આપતો... ! તારા જન્મસમયથી માંડી, એ ક્ષણોની મારી અનુભતીઓ મેં એમાં લખી... 

          ધીરે ધીરે તું મોટો થતો ગયો, એક મહિના નો, બે મહિનાનો, પાંચ મહિનાનો... અને ડાયરીના પાના ભરાતા ગયા. કોણ જાણે કેમ, પણ હું એમાં કોઈ પણ ક્ષણ લખવાની ચુકી જવા નહોતો માંગતો... 

          એમાં, તું તારી ઝીણી-ઝીણીઆંખોથી મને કઈ રીતે જોતો એ લખતો, તું કઈ રીતે મારી ઉપર પેશાબ કરી, કપડાં બગાડતો એ લખતો, કઈ રીતે તું તારી માને પજવતો એ લખતો, રાત્રે ઉઠીને, અમારી ઊંઘ બગડતો એ પણ લખતો... તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ એમાં લખતો... 

          ઓફીસ જઈ, તારી યાદોમાં ખોવાઈ રહેતો, પાછો આવી તને વળગી પડતો... તું પણ મારા આવતાની સાથે હસી દેતો... પણ જયારે તારી મા પાસે ધાવણ લેતો, ત્યારે મને એની અદેખાઈ આવતી... એવું થવું તો ન જોઈએ... પણ થતું... 

          તારા આવ્યા બાદ મારી દુનિયા આખી જાણે તારી આસપાસ વીંટળાઈ ચુકી હતી. તારા આવ્યા બાદ, ગલીના કુતરા મારા માટે ‘કુકુ’ બની ચુક્યા હતા, તારા આવ્યા બાદ, મારી ભાષા કાલીઘેલી થઈ ચુકી હતી, તારા રમકડા તારા ઓછા, અને મારા વધારે થઈ ગયા હતા... તું જાણે તું નહી, પણ મારું બાળપણ બનીને આવ્યો હતો.

          મેં ક્યાંક વાંચ્યું હતું કે, પોતાના બાળક સ્વરૂપે પિતા એક નવો જન્મ ધારણ કરે છે. હા, એક પિતા બન્યા પછી એ વાત હું ખુબ સારી રીતે સમજી શક્યો હતો...  તું મારી બેરંગ જિંદગીનો એકમાત્ર રંગ હતો... 

          તારા જન્મની મેં ઓફિસમાં મિત્રોને પાર્ટી પણ આપી હતી, અને આજે પણ યાદ છે મને, કોઈકે મજાકમાં કહ્યું હતું, ‘સર, હમણાં તમે એના જન્મની મીઠાઈઓ વહેંચો છો, પણ તમારા વૃધ્ધ થતા, એ તમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવશે, અને પછી તમારે એને મળવા માટે પણ ચિટ્ઠી લખવી પડશે કે,‘મોક્ષ, તું મને મળવા આવીશને?’ એ સમયે તો હું ફિક્કું હસી ગયો હતો, પણ મને એનો પણ વાંધો ન હતો... એ અવસ્થા સુધી પંહોચતા પહેલા હું તને મનભરીને રમાડી લેવા માંગતો હતો, તને મારી નજરો સામે મોટો કરવા માંગતો હતો... અને પછી જો કદાચ એ દિવસ જોવો પણ પડે તો... તો તને એ ચિઠ્ઠી લખવા માંગતો હતો કે,‘મોક્ષ તું આવીશ ને...?”

          તું મોટો થતો ગયો, બેસતો થયો, ઘૂંટણીયે ચાલતો થયો, મોં માંથી જાતજાતના અવાજો કાઢતો થયો, તને બે નાના દાંત પણ ફૂટ્યા.... અને હું એ બધું જ તારીખ-વાર સહિત ડાયરીમાં ટપકાવતો રહ્યો ! અને એમ જ હસતા-રમતાં, તું દસ મહિનાનો થઈ ગયો. તારા મોઢામાંથી અવાજો સાંભળી, હું ‘પપ્પા’ સાંભળવા તરસવા લાગ્યો... બસ હવે તું મને ‘પપ્પા’ કહે, અને હું તને બચીઓ ભરતો રહુ... ! હું ત્યારથી જ મનમાં અલગ અલગ રીતે, તારા પહેલા જન્મદિવસની ઉજાણીઓ કરવા લાગ્યો હતો.

          પણ મને શું ખબર, કે આગળ શું થવાનું છે... અને એ જ વચ્ચે તું બીમાર પડ્યો... તું ધાવણ નહોતો લેતો, અને લે તો ઉલટીઓ કરી દેતો...  જોડેજોડે થોડો તાવ પણ રહેતો. તારી બાએ ભુવાને બતાવવા કહ્યું, પણ હું તને દવાખાને લઈ જવાની જીદ પર કાયમ રહ્યો...  મારી અંદરનો બાપનો જીવ કોઈ જોખમ લેવા નહોતું માંગતું... 

          શહેરના એક મોટા ડોક્ટરને બતાવ્યું. એમણે થોડા રીપોર્ટસ કર્યા, અને રીપોર્ટમાં તાકી રહેલ તેમનો ચેહરો થોડો વધુ પડતો ગંભીર લાગતો હતો... જે મને ડરાવી મુકવા પુરતો હતો...  તેમણે ચિંતા ન કરવા જણાવ્યું, અને પછી તારી સારવાર ચાલુ કરી... 

          તને કાચની એક પારદર્શક પેટીમાં મુકવામાં આવ્યો, અને એની ઉપરની સપાટીએ ભૂરા રંગની લાઈટો ચાલુ હતી, જે આખી પેટીને ભૂરા રંગમાં બોળી દેતી હતી. કાચના એ રૂમમાં એવી બીજી આઠ-દસ પેટીઓ હતી, અને દરેકમાં એક કુમળો જીવ!

          ડોકટરે તને તેમાં સુવાડી, ઇન્જેક્શન લગાવી બોટલ જોડ્યો. તું ઇન્જેક્શન પર પણ ન રડ્યો, કદાચ રડી શકાય એટલી પણ તાકાત નહી રહી હોય. તને માના ધાવણથી દુર રહી, સ્ટીલના ડબ્બામાં પેક બેબી-ફૂડ પચાવવાનું હતું. તારા બા-દાદા અને તારી માને પણ મેં ઘરે જ રેહવા જણાવ્યું હતું... અને હું જો તારી સાથે હતો, પછી એમને ડરવા જેવું કઈ રહ્યું નહી... પણ સાચું કહું... એ સમયે હું ખુદ ઘણો ડરી ગયો હતો... ત્યાનું વાતાવરણ જોઈને, તને એ રીતે જોઈને.

          આજુબાજુના બધા તને જોઈ રહ્યા હતા, એમની માટે તું નવું કુતુહલ હતો... ! બેશક, એમના પણ બાળકો એ જ હાલતમાં હતા, પણ તું ત્યાં નવો હતો, હું એ રૂમમાં નવો હતો... ! બધા થોડી થોડી સલાહો-સૂચનો અને સાંત્વનાઓ આપતા હતા. પણ હું...? પણ હું ક્યાં કોઈને સાંભળી જ રહ્યો હતો, હું તો માત્ર નિષ્પલક દ્રષ્ટિથી પેટીમાં સુતેલ તારું નગ્ન શરીર જોઈ રહ્યો હતો.

          તું, ધમણ ફૂલતી હોય એ રીતે છાતી ફૂલાવતો, અને ફરી શ્વાસ ભરી છોડી દેતો... ! અને હું બસ તને જોઈ રેહતો... ! ડોકટરે વચ્ચે-વચ્ચેથી તને બેબી ફૂડ આપવાનું કહ્યું હતું... અને હું એ આપતો રેહતો. તું થોડું લેતો, થોડું બહાર કાઢી મુકતો... રાત આખી કોઈ એક જણે બાળક સાથે જાગવું જરૂરી હતું, હું તો એકલો જ હતો... હું જાગ્યો... તારા માટે એવી એક રાત શું, હાજર રાતો જાગતો... 

          જ્યારથી તને એ પેટીમાં સુવાડ્યો હતો ત્યારથી જ તું થોડી થોડી વારે ઝબકીને જાગી જતો, હું તારી છાતી પર હાથ થપથપાવતો, અને તું શાંત થઈ જતો. તારી ઝીણી આંખોથી મારી હાજરી નોંધી, તું ફરી સુઈ જતો.

          અને તું રાત્રે પણ એમ જ ઝબકીને જાગતો રહ્યો... પણ માત્ર અડધી રાત સુધી જ... 

          પછી તું ન જાગ્યો...! કેમ...?

          કેમ ન જાગ્યો મોક્ષ...!

          હું હતો જ ને ત્યાં તારી છાતી પર હાથ થપથપાવવા... તો કેમ ન જાગ્યો મોક્ષ...?

          શું તને તારા બાપ પર વિશ્વાસ નહોતો...?

           તને શાંત જોઈ, તારી છાતીને શાંત જોઈ, હું ડરી ગયો. અને જોરજોરથી ડોક્ટરને બુમો પાડવા લાગ્યો. મારી બુમોથી બીજી પેટીના બાળકો ઉઠી ગયા, અને રડવા લાગ્યા... એ જોઈ હું વધુ જોરથી બુમો પાડવા લાગ્યો, કે કદાચ તું પણ જાગે અને રડે... પણ તું ન જાગ્યો...!

          ડોકટરે આવીને મને શાંત પાડ્યો, અને તપાસવા લાગ્યા... અને પછી એકાએક, હાથ પરની એડહેસીવ ટેપ હટાવી લઈ, સિરીંજ કાઢી લઈ... મને કહ્યું, ‘આઈ એમ સોરી..!’

           શું મતલબ સોરી...? એ કહેવા શું માંગતો હતો, એ મને સમજાતું ન હતું. કે પછી મને બધું જ સમજાતું હતું... પણ મારી અંદરનો બાપ, એ સમજવા જ નહોતો માંગતો!

           હું નિ:શબ્દ બની રહી તારા નિષ્ક્રિય શરીરને જોતો રહ્યો. આંખના ખૂણે એક આંસુ ધસી આવ્યું, પણ વહી ન શક્યું...! કદાચ પુરુષ બની રડવું અઘરું લાગતું હતું...! મેં તને પેટીમાંથી બહાર કાઢી, તને ચુંબનોથી ભીજવી નાંખ્યો. ના, એ આઘાત ન હતો, એ તો મારો પ્રેમ હતો... મારા મોક્ષ માટેનો પ્રેમ...

           બાકીની રાત તારું શરીર હું ખોળામાં લઈ, ત્યાં જ બેસી રહ્યો... સવારે ડોક્ટર તારું ડેથ-સર્ટીફીકેટ અને જોડે હોસ્પીટલનું બીલ લઈને આવ્યા... મેં પૈસા ચૂકવ્યા... તને બચવવાના કે પછી તને ગુમાવવાના...!

           હું તને ઘરે લઈ જવા નહોતો માંગતો, એટલે સીધો જ સ્મશાન લઈ ગયો... હાથમાં તારું મૃત શરીર અને શર્ટના ઉપરના ખિસ્સમાં તારું ડેથ-સર્ટીફીકેટ લઈ, હું સ્મશાન પંહોચ્યો.

           જમીનમાં એક ખાડો કરી, તને એમાં મુકવામાં આવ્યો. અને મેં ઉપર થોડી માટી નાખી... અને છેક ત્યારે જઈ મને ભાન થયું, કે આ આપણી આખરી મુલાકાત છે... અને મારી આંખમાંથી આંસુ વહેવા માંડ્યા... ! ધીરે ધીરે ખાડો પુરાતો ગયો, અને હું મારા મોક્ષથી, મારા અંશથી દુર થતો ગયો!

           ઘરે ગયો, બધાને સમાચાર આપ્યા... અને એ પણ એટલી સાહજીકતાથી જાણે કંઈ થયુ જ ન હોય. તારા બા-દાદા અને મા, મારી પર તૂટી પડ્યા... અને એ વ્યાજબી પણ હતું... ! મેં કામ પણ તો એવું કર્યું હતું... તને હોસ્પીટલથી સીધા જ સ્મશાન લઈ જઈ, તારી અંતિમક્રિયા કરી હતી...! તારા અન્ય સ્વજનો પાસેથી, તને છેલ્લી વખત જોવાનો પણ હક મેં છીનવી લીધો હતો...!

           દિવસો વીતતા ગયા, તારી મા, મારી પર ગુસ્સે રહેવા લાગી, મા-બાપા એ ઘર છોડી દેશ ચાલ્યા ગયા. અને હું એક ખરાબ પુત્ર, એક ખરાબ પતિ, અને એક ખરાબ પિતા સાબિત થયો...!

           ઘરમાં તારા રમકડા પગમાં અથડાતા, તારા એ નાના નાના કપડા મારા ટેબલ પર આવી ચઢતા, અને તારી એ ડાયરી....! મને ડાયરી વાંચી ભૂતકાળ જીવવું ગમતું... પણ મનના કોઈક ખૂણે, તારી એ ડાયરી ફરી ક્યારેય ન ખોલવાનો નિર્ણય હું લઈ ચુક્યો હતો... ! એક દિવસ ગુસ્સામાં આવી, તારા બધા રમકડાં, કપડા, અને તારી સાથે જોડાયેલી અન્ય દરેક ચીજોને ભેગી કરી, મેં સળગાવી મૂકી... અને જોડે એ ડાયરી પણ...

           તારી મા પણ કંઈ ન બોલી... એ કદાચ મારું દુખ સમજતી હતી, કે પછી હું એના મન પરથી જ ઉઠી ગયો હતો... અમે એક જ છત નીચે, બે જીવતી લાશ બની રહેતા હતા... હવે તો શારીરિક સંબંધનો પ્રેમ પણ રહ્યો ન હતો... ! હું બીજું સંતાન કરવા માંગતો ન હતો, કારણકે એ તું ન હોત મોક્ષ, કોઈ બીજું હોત...!

           એ બાદ, મા-બાપાએ ક્યારેય સંપર્ક સાધ્યો જ નહી, અને હું દિવસ-રાત કામ પાછળ ભાગતો રહ્યો. એ વચ્ચે તારી મા, બીમારીનું બહાનું કરી, એકલી તારી પાસે ચાલી આવી... ! અને બસ, પછી તો મને મારા કરેલાની સજા આપતા હોય એમ મને એકલો મૂકી, એ બધા જ એક એક કરી તારી પાસે આવવા લાગ્યા. પહેલા તારી મા, એના છ મહિના પછી બાપુજી, અને એના થોડા મહિના બાદ બા પણ...!

           હવે હું સાવ એકલો હતો... મોતની રાહમાં... તને મળવાની રાહમાં...! પણ મને જોઈતું ક્યારે મને સરળતાથી મળ્યું જ છે, તો આ મોત મળી જાય...!

           દિવસો, મહિના, વર્ષો વીતતા ગયા, અને હું કામ કરતો ગયો... ખુબ કામ કર્યું, ખુબ પૈસા બનાવ્યા...પણ અફસોસ... ઘરે ઘર-ખર્ચની નોંકઝોક કરવા માટે કોઈ ન હતું, ચશ્માની ફ્રેમો અને ટેકા માટેની લાકડીઓ માંગવાવાળું કોઈ ન હતું, નવા કપડાં કે વીડીયોગેમ માંગવા વાળું કોઈ ન હતું...!

           સમાજની નજરોમાં અમીર લોકોમાં મારી ગણના થતી હતી, પણ સાચું કહું... મારાથી મોટું ગરીબ બીજું કોઈ ન હતું...!

           સાહીંઠ પછી પાગલપન ચાલુ થવું શરુ થઈ જાય, એવું સાંભળ્યું હતું, અને થોડું થોડું અનુભવ્યું પણ હતું. સાહીંઠ બાદ મેં મારી બધી સંપત્તિ એક અનાથાશ્રમમાં દાન કરી દીધી... ! લોકોએ મને એ માટે ‘પાગલ’ ગણાવ્યો, આખરે આટલા બધા રૂપિયા એકઝાટકે છોડી દેવાનું કામ, કોઈ પાગલ જ કરેને!

           એક ખરાબ પુત્ર, ખરાબ પતિ અને ખરાબ પિતા બાદ, હું એક પાગલ પણ સાબિત થયો...!

           પણ મોક્ષ, તને એક વાત સાચી કહું... હું ભલે જેવો પણ હતો, પણ તું કેમ ‘એવો’ થયો? તું કદાચ દુનિયાનો સૌથી ખરાબ પુત્ર હોઈશ, પોતાનો ચેહરો બતાવવા એક બાપને નવ મહિના ઈન્તેજાર તો કરાવ્યો જ, પણ સામે એનો સાથ પણ કેટલો આપ્યો...!

           દસ મહિના...!

           માત્ર દસ જ મહિના બસ...!?

           તને ખબર પણ છે એ માણસ, જેને તારી નજરો બાપ તરીકે ઓળખતી હતી, એણે તારા માટે કેટલા સ્વપ્ન જોયા હતા... તને હાથ પકડીને ચલવવાથી માંડી, તારી લગ્નની વેદી સુધી જોડે ચાલવા સુધીના! અને તું, બસ ચાલી નીકળ્યો એને છોડીને...! તેં તો એને ‘પપ્પા’ સાંભળવાનું પણ સુખ ન આપ્યું...!

          મોક્ષ તું પણ તારા પિતાની જેમ ખરાબ પુત્ર સાબિત થયો... કેમ મોક્ષ...?

 

          પણ મને આજે આટલા વર્ષો બાદ આ બધું કેમ યાદ આવી રહ્યું છે? અને ખાસ તું જ કેમ?

          મારી પાસે યાદ કરવા માટે પણ કેટલું બધું છે, બા-બાપુજી, બાળપણ, પ્રેમિકા, મરેલી પત્ની, કામમાં વીતાવેલા અગણિત વર્ષો... પણ છતાંય આજે મને તું યાદ આવે છે મોક્ષ... જેણે મારી આટલી લાંબી જીંદગીમાં માત્ર દસ જ મહિના મારો સાથ નિભાવ્યો..!

           કદાચ હવે મારો પણ તને મળવાનો સમય થઈ ચુક્યો છે એટલે. આ બુઢાપો, અને એની જોડે આવેલ પાગલપન... અને ગઈ કાલે રાત્રે થયેલ રોડ-એકસીડન્ટ... બહાનું સારું છે, તારી પાસે આવવા માટે, તને ફરી મળવા માટે...!

           મોક્ષ... તેં, મને વૃધાશ્રમ પરથી ચિટ્ઠી લખવાનો મોકો તો ન આપ્યો, પણ આજે હું આ હોસ્પિટલની પથારી પર પડ્યો રહી તને પૂછું છું...

           “મોક્ષ તું મને મળવા આવીશને...? 

           બોલને મોક્ષ, આવીશને મને મળવા...?”

                                     * * *

           રાતભર વોર્ડની દીવાલો, એ પાગલ બુઢાના અંતિમ પ્રશ્નોની મુક સાક્ષી બની રહી. સવારે ડોકટરે આવીને પાગલ બુઢાને તપાસ્યો, અને હાથ પરથી એડહેસીવ ટેપ હટાવી, સિરીંજ કાઢી લઈ, ચેહરો સફેદ ચાદરથી ઢાંકી, હળવેકથી બબડ્યો... "બુઢો, મોક્ષ પામી ગયો...., ચાલો પેલા અઢાર નંબરના પેશન્ટને બોટલ ચઢાવવાનો છે... !”


Rate this content
Log in

More gujarati story from Mitra Writes

Similar gujarati story from Inspirational