Urmila Paleja

Inspirational Children

3  

Urmila Paleja

Inspirational Children

મીઠી દીકી

મીઠી દીકી

3 mins
7.6K


બાળકો સાથેની દુનિયા એટલે એક અલૌકિક દુનિયા. એ લોકોની નિર્દોષ આંખો ને નિર્દોષ વાતો મનને અપાર શાંતિ, સુકુન ને નવજીવન બક્ષે છે. જીવનને તરબતર કરી નાખે છે. મેં હંમેશાં નોઘ્યું છે બાળકનું એક નાનકડું સ્મિત પણ કોઈની વેદના, દુખ, દર્દ ભુલાવીને એને એક સ્મિત કરવા મજબૂર કરે છે ને એક પળની ખુશી આપવા પૂરતું બને છે.

આજે મારે વાતો કરવી છે એવીજ એક નાનીશી, મીઠીશી, વહાલીશી મારી ૩ વર્ષની પૌત્રી માયરાની. છોકરીઓ બોલતી થાય અને પછી કુદરતી નિયમ મુજબ લવલવ કર્યે જ રાખે, ચુપ ન રહી શકે. મારી માયરા પણ એવી જ છે. જુઓ હું તમને એની વાતો કરું ને મને ખાતરી છે તમે મારી સાથે સંમત થશો જ.

મારા નાના દિકરાના લગ્ન હતાં ને માયરા એના કાકાના લગ્ન મહાલવા એના માબાપ સાથે અમેરીકાથી આવી હતી. લગ્નનો માહોલ હતો, બધાં પોતપોતાના રુમમાં કાંઈકાંઈ કામમાં વ્યસ્ત હતાં. મારા મોટા વહુ દિકરાએ એને અમેરીકામાં ઘરમાં ગુજરાતી બોલવાની આદત પાડી છે જેથી અહીં આવે ત્યારે એકલી ન પડી જાય ને બધાં સાથે એનું ચટર પટર ચાલું રહે. એ હોલમાં એનાં કિચનસેટથી રમવામાં મશગૂલ હતી. ને અચાનક દોડતી આવી મારો હાથ ખેંચી મને હોલમાં લઈ ગઈ. મેં પૂછ્યું, "શું થયું ડીકુ, કેમ અહીંયા લઈ આવી? બેટા, મને બહુ કામ છે, હમણાં તારી સાથે નહીં રમી શકું." મને કહે, "નો દાદી નોટ ફોર ઘેટ, પણ દાદી ફંખો (એનો નવો શબ્દ પંખો+ફેન) ચાલુ કરોને?" ત્યારે જાન્યુઆરી મહિનો હતો, મેં કીઘું, "બેટા તને ગરમી લાગે છે? અત્યારે તો ઠંડી છે." મને કહે, "ના દાદી અપ જો, ફંખાની ઉપર સ્પેરૉ બેઠી છે, તું ફંખો ચાલુ કર ધેન શી વીલ એન્જોય મૅરી ગો રાઉન્ડ રાઈડ." એની આવી મીઠી ને લાગણીસભર વાત સાંભળી અમે બઘાં હસી પડયાં. અને એને ટોકવા કે સમજાવવાને બદલે એના કહ્યા મુજબ ફંખાની સ્વીચ ચાલુ કરી દીઘી. ચકલી ફરરર ઉડી ગઈ એટલે કહે, "એની ફ્રેન્ડસને બોલાવવા ગઈ છે મેરી ગો રાઉન્ડમાં બેસવા." કેવી સુંદર બાળસહજ ને આનંદી વાત કરી દીઘી એણે. મારાથી એને એક વહાલભરી ઝપ્પી જ અપાઈ ગઈ.

મને તો ઘણીવાર એમ લાગે કે અમારી પેઢી નાના હતાં ત્યારે સાવ ઘોઘા ને બુધ્ધુ જેવાં હતાં. અમારા બાળકો અમારાથી હોશિયાર ને એમના બાળકો - ત્રીજી પેઢી તો એનાથી પણ હોશિયાર, સ્માર્ટ ને હાજરજવાબી. એકવાર રાતનાં જમીને બધાં ગપસપ કરતાં બેઠાં હતાં. એનું ફુદક ફુદક આવન જાવન એક બાળસહજ પ્રવૃતિ મુજબ ચાલુ હતું. થોડીવાર પછી અચાનક આવીને કહે, "દાદી, આય વૉન્ટ ટુ હૅવ આઈસ્ક્રીમ, મંમા ના પાડે છે." મેં કીઘું, "મંમાની વાત બરાબર છે બેટા, જો અત્યારે બહાર કેટલી ઠંડી છે એમાં આઈસ્ક્રીમ ના ખવાય માંદા પડાય." ને એણે એકદમ સ્વાભાવિકપણે જવાબ આપ્યો, "દાદી, પણ હું બહાર નહીં ખાવ ઘરમાં જ ખાઈશ." અને એની તર્કસભર દલીલ સાંભળી ઘરમાં હાસ્યનું મોજું જ ફરી વળ્યું. ને અંતે તો બાળહઠ સામે ક્યાં કોઈનું ચાલ્યું છે કે મારું કે એની મંમાનું ચાલે, ને આઈસ્ક્રીમ ખાઈને બધાંને આગ્રહ કરી કરીને ખવડાવીને જ જંપી.

બાળકોની સૌથી વધુ આકર્ષિત ખૂબી હોય તો એ એની નિર્દોષતા, નિષ્કપટતા, નિશ્ચીંતતાઈ - આજુબાજુ ચાલતી વાતોમાંથી નિષ્કર્ષ કાઢી સ્પષ્ટ કહી દેવાની વૃતિ. એનો એક માર્મિક કિસ્સો સાંભળો. એક દિવસ હું, મારો નાનો દિકરો, એની પત્નીને માયરા બ્રેકફાસ્ટ કરતાં હતાં. ખાતાં ખાતાં વાતો થતી હતી.એમાંથી કોઈ મુદ્દા પર મારી ને મારા નાના દિકરાની ચર્ચા શરુ થઈ. પછી વાદ વિવાદ, દલીલ, દલીલો, ઉગ્ર દલીલો શરુ થઈ. આ બધું ૧૦-૧૨ મિનિટો ખાતાં ખાતાં ચાલ્યે રાખ્યું. ત્યાં મારો નાનો દિકરો ઊભો થઈ ચાલવા માંડ્યો. એ અચાનક બોલી પડી, "દાદી, કાકા ડરી ગ્યા." અમે બધાં જોરથી હસી પડ્યાં ને તંગ વાતાવરણ એકદમ હળવું થઈ ગયું. હકીકતમાં મારા દિકરાનો બ્રેકફાસ્ટ થઈ ગ્યો હતો ને એ હાથ ધોવા ઊભો થયો હતો.

ને જ્યારે બાળમુખેથી આવું બધું સાંભળીએ ત્યારે મનમાં અચૂક એક પ્રશ્ર ઊભરી ઊભરીને બહાર આવે કે આ બાળકોની થિંકીંગ પ્રોસેસ કેવી રીતે ચાલતી હશે? ચાલો આ તો બાળમાનસનો વિષય થાય એમાં આપણી ચાંચ ન ડૂબે. આપણે તો આપણો બુઢાપો ને એનું બાળપણ માણીને ખુશ રહીએ. આમેય કહેવત છે ને કે મૂડી કરતાં વ્યાજ વહાલું- આ કહેવત એમ ને એમ નહીં પડી હોય. આ આપણી જેમ જ કોઈ દાદા-દાદી કે નાના-નાનીએ પોતાના અનુભવથી જ પાડી હશે.


Rate this content
Log in

More gujarati story from Urmila Paleja

Similar gujarati story from Inspirational