મહેનતની કમાઈ
મહેનતની કમાઈ
"પપ્પા મને વીસ રૂપિયા મળ્યાં"..... "જો.. જો.. મમ્મી મને વીસ રૂપિયાની નોટ મળી". નાનકડા માસુમે ખુશ થઈને ઝડપથી રસ્તા પર પડેલી વીસ રૂપિયાની નોટ ઉઠાવતાં કહ્યું, હું આમાંથી ક્રેઝી બોલ અને કાર્ટુનના સ્ટીકર ખરીદીશ. માસુમની ખુશીનો પાર ન હતો. માસુમ અને તેનો પરિવાર ધાર્મિક સ્થળે ગયા હતા. માસુમના માથા પર હળવેથી હાથ ફેરવતાં તેના પિતાએ કહ્યું, કે સારી વાત છે બેટા.. પણ આ રૂપિયા કમાવવા આપણે કોઈ મહેનત કરી છે ? કોઈ શ્રમ કર્યો છે ? માસુમે કહ્યું,"ના ,તમે જ તો જોયું ને હમણાં જ આ રસ્તા પરથી તો આ રૂપિયા મને મળ્યા છે !" માસુમે સહજતાથી કહ્યું.
તેના પિતાએ કહ્યું, હા બેટા મને તો ખબર જ છે અને એટલે જ તને કહું છું કે આ રૂપિયા મેળવવા આપણે કોઈ મહેનત કરી નથી એટલે એના ઉપર આપણો કોઈ જ અધિકાર નથી. આપણે હંમેશા પોતાની મહેનતનું જ ફળ લેવું જોઈએ. એમાં અપાર આનંદ મળે છે. જેના ઉપર આપણો અધિકાર જ નથી તે મેળવીને આપણે લાલચુ અને કામચોર બની જઈએ. માસુમે નિર્દોષ દલીલ કરતાં કહ્યું, મમ્મી.. પપ્પા ...આ તો મારા નસીબમાં છે,એટલે તો મને મળી છે... નહીં તો બીજા કોઈને ના મળત ?
મમ્મીએ સમજાવીને કહ્યું, કે હા બેટા તારું નસીબ છે એટલે તેને આ નોટ મળી છે, પણ નસીબ આ રૂપિયા વાપરવાનું નહીં, પણ સદકાર્ય કરવા માટેનું છે. નાનકડા માસુમને વાત સમજાઈ નહીં. તે માથું ખંજવાળતો રહી ગયો. પિતાએ વિસ્તારથી સમજાવ્યું, કે જો આ રૂપિયા કોઈ ગરીબ જરૂરિયાતવાળા વ્યક્તિને આપી દઈએ તો તેની મદદ થાય, અને આપણને સદકાર્ય કર્યાનો આત્મસંતોષ થાય. બંનેનું ભલું થાય, અને હા ..કોઈને મદદ કરીએ તો ઉપકારની ભાવના મનમાં બિલકુલ ન રાખીએ. " પણ પપ્પા..! આ તો માત્ર વીસ જ રૂપિયા છે.. પણ કદાચ કોઈ વાર પાંચસો કે હજાર રૂપિયાની નોટ મળે, તો પણ આપણે નહીં રાખવાની ? એ પણ આપી દેવાની ? " માસુમે વળી એક નિર્દોષ સવાલ પૂછી નાખ્યો. હવે મમ્મીએ સમજાવ્યું, કે હા, બેટા ! વીસ હોય, હજાર હોય કે લાખ, આપણી મહેનતના રૂપિયા ના હોય તો આપણા માટે એ નકામા છે. જેટલી મોટી રકમ મળે, તેટલું મોટું સત્કાર્ય કરવું જોઈએ. પણ આપણા ઉપયોગ માટે તો પોતાની ખરી મહેનતની કમાઈ જ ઉત્તમ કહેવાય. જા, આ વીસ રૂપિયા પેલા અપંગ અને અશક્ત વૃદ્ધ દાદા બેઠા છે તેમને આપી દે. માસુમ હવે બરાબર સમજી ગયો કે મહેનતનું જ ફળ શ્રેષ્ઠ હોય છે. અને ખુશ થતાં થતાં,સહેજ પણ કચવાટ વગર તેને મળેલા રૂપિયા એક ગરીબને આપી દીધા. તેના ચહેરા પર સદકાર્ય કર્યાનો આનંદ હતો. માસુમ પેલા ગરીબ વ્યક્તિને રૂપિયા આપતો હતો તે દરમિયાન તેની મમ્મીએ તેના માટે ક્રેઝી બોલ અને કાર્ટુનના સ્ટીકર પણ ખરીદી લીધા હતા. માસુમને સદકાર્ય કર્યાનો અને મનગમતી વસ્તુ મળ્યાનો બેવડો આનંદ થયો. તેને જોઈ તેના માતા પિતાને પણ થયો.
