STORYMIRROR

Lata Pandya

Drama

4  

Lata Pandya

Drama

મેઘા

મેઘા

5 mins
376

"રમાં કાકી,લ્યો જોઈ જુઓ..બત્તી ચાલું થઈ ગઈ છે." આમ કહી ગામનો એક માત્ર ઈલેક્ટ્રીશન જતો રહ્યો.

 રમાં ઘરની વચ્ચે ટમટમતાં બલ્બને અને ઘડીક દીકરી મેઘાનાં દીવાલે ટાંગેલા ફોટાને જોતાં ભૂતકાળમાં સરી પડી. 

  હા ! આખું ગામ એને મેઘલી કહેતું. પણ એનું ખરું નામ તો મેઘા હતું. એ જન્મી હતી અષાઢી પૂનમની મેઘલી રાતે.

  એ જમાનો કંઈ આજનાં જમાનાં જેવો ન હતો. આ તો વાત 1960 ની સાલની.સાસુ-સસરા અને નાનકા દીયર સાથેનું હૂંફાળું કુટુંબ હતું. લગ્નને થોડો સમય વિતી ગયો હોવા છતાં રમાં અને કાનજીને કંઈ બાળક ન હતું. ખાસ તો સાસુમા જીવતી બાને ખુબ લાગી આવતું. 

"અરે,તમને કવ છું આ રમાવવને હજી હારા દી નથી રેતા. તી હંતોક દાયણ પાહેં જાવું જોહે. ઈ કેય તો શેરમાં જઈને દાકતરને બતાડવું જોહે." જીવતી બાએ પતિને કહ્યું. 

"તી જઈ આવો ને.કોણ ના કેય છ" જીવણ બાપા બોલ્યાં.

 થોડાં વર્ષો આમ જ વહ્યાં. ડૉકટરી સારવાર શરું થઈ હતી. અંતે માતાજીની કૃપા થઈ.મા રાંદલ તૃઠવાણ થયાં. રમાને અઘરણી છે એ વાત ગામ આખામાં જીવતી બાએ વહેતી કરી. પુરાં સમયે રમાંને પ્રસવ પીડા ઉપડી. પુરાંઢી પૂનમની રાત હતી. ગાંડોતૂર થયેલો વરસાદ સાંબેલાધારે વરસી રહ્યો હતો.સાથે સાથે વીજળીનાં કડાકા ઘરનાં મોભને ધૃજાવતાં હતાં. ગમાણમાં બાંધેલી ગાયું વાછરુંને ચાટતી ચાટતી વચ્ચે ભાંભરતી હતી.

  દાયણ સંતોક માએ આવતાં વેત કહ્યું "જીવતી બુન,અડધી રાત તો થઈ જાહે હો"

  "માતાજી લાજ રાખે.હમેહુતરે રમાં છુટી થાય અને નનકડું આવી જાય એટલે હાંઉ." જીવતી બા બોલ્યાં.

  "પણ આ જોને મંડ્યો છે આજ.સાંબેલાધારે વરસે છ.થોભવાનું નામ નથી લેતો મારો રોયો".સંતોક મા જાણે વરસાદને લાડ કરતાં બોલ્યાં.

  વીજળીનાં ગડગડાટથી રાત થોડી બિહામણી લાગતી હતી.

  "અલ્યા કાનજી,આ વીજળી ક્યાંક ગમાણ ઉપર ત્રાટકશે તો ! એમ કઈરને એનાં વાછરું હાયરે ગાયુંને ઓસરીમાં લઈ લે" જીવણ બાપાએ અગમચેતી વાપરી.

કાનજીએ ગાયુંને ઓસરીમાં લઈ લીધી.ને પછી ખાટલે બેઠો બીડી પીવા લાગ્યો.

  "હવે તમારે બાપ દીકરાઓને લંબાવવું હોય તો ઓરડામાં આડા પડો. કંઈ નનકડું આવશે એટલે જગાડીશ." આમ કહી જીવતી બા રમા પાસે જતાં રહ્યાં. 

  અધરાતે સંતોક માએ કહ્યું "બસ હવે વાર નથી.લ્યો ગરમ પાણી લેતાં આવો."

  જીવતી મા ગરમ પાણી લઈને જેવાં ઓરડાનું કમાડ ખોલવાં ગયાં ત્યાં જ એને બાળાસાદ સંભળાયો એ સાથે જ મહા તેજ પ્રકાશપુંજ એક સામટું ફળિયામાં ખાબક્યું. અને એજ ક્ષણે કાનનાં પડદા ચીરતો વીજળીનો કડાકો સંભળાયો. બધું પળવારમાં સાથે બન્યું કે બધાં અવાચક બની ગયાં. 

હાથમાં નવજાત બાળકીને પકડી ઉભેલાં સંતોક મા બરાડ્યા." કમાડ બંધ કરો જીવતી બુન. રમાને દીકરી અવતરી છે"

  ગરમ પાણી અંદર આપી જીવતી મા બહાર આવ્યાં.

 "હાય હાય ! આ તો મૂઈ વીજળી પડી છે ફળિયામાં." જીવતી બા હેબતાઈ ગયાં. 

  જીવણ બાપાએ ઠરી ગયેલું ફાનસ હાથમાં લીધું ને ફરી સળગાવ્યું."આમ તો બધું સલામત છે. ફક્ત ફળિયામાં ખાડો પડ્યો છે. ઢોર ઢાંખર ઓસરીમાં લઈ લીધાં હતાં ઈ હારું કર્યું." બાપાને મનમાં હાશ થઈ. 

  પણ અંદર નવજાત બાળકી આ વીજળીનો ગરમાટો સહન ન કરી શકી. ચામડીનો રંગ શ્યામ થઈ ગયો હતો. સંતોક માનાં હાથમાં કણસતી હતી.

 રમાએ સંતોક માને પુછ્યું,"મારી દીકરી ઠીકઠાક છે ને માડી ?"

  નવજાતને ગરમ પાણીથી નવરાવતાં સંતોક મા ધીમું મરક્યાં. 

 હળવેથી રમાંનાં માથે હાથ ફેરવી ને બોલ્યાં, "હંધુય બરાબર છે છોડી."

જીવતી બા ઓરડામાં આવ્યાં. સંતોક માએ ઈશારે નજીક બોલાવી દીકરીનું મોઢું બતાવ્યું.

  હાથમાં નવજાત બાળકીને લઈ જીવતી બા બોલ્યાં, "અરે! સાંભળો છો ? કાનજીનાં બાપા; આપડી ઘરે લક્ષ્મીજી પધાર્યા છે.મેઘ ઘનશ્યામ જેવી મેઘલી અવતરી છે."

  હાથમાં ફાનસ લઈ દાદાએ પૌત્રીનું મોઢું જોયું. પત્નીની ઠાવકાઈને એણે આંખોથી બિરદાવી. પછી બોલ્યા,"મારી દીકરીનું નામ મેઘલી નહી મેઘા રાખશું."

સમય એના સમય પ્રમાણે સરતો રહ્યો. રમાંની મેઘલી એ સમયચક્રમાં હરણફાળ ભરતી મોટી થવાં લાગી. ભણવામાં ખુબ તેજસ્વી મેઘા નિશાળમાં હંમેશા પ્રથમ ક્રમાંકે પાસ થતી.

  એક દિવસ જીવતી માએ રમાને કહ્યું,"ઓણસાલ મેઘલી હત્તર વરહની થાહે.આપણે હવે કોક મુરતિયો ગોતવો પડશે."

બે પાંચ મુરતિયા સાથે વાત ચાલી. એકાદ બે જોવાં પણ આવ્યાં હતાં. પણ મેઘાની ચામડીનાં રંગને કારણે બધેથી નકાર આવતો હતો. પોતાની મનની સુંદરતા અને આંતરિક ગુણની અવગણનાથી મેઘાનું મન ખિન્ન થઈ ગયું હતું. 

એક દિવસ સાંજે ફાનસ પેટાવી મેઘા ફળિયામાં દાદા તથા દાદી પાસે આવીને બેઠી.

  દાદા સામે જોઈને બોલી,"દાદા ઘણાં ગામમાં વીજળી આવી ગઈ છે. આપણાં ગામમાં ક્યારે આવશે ?"

"મારી મેઘા લઈ આવે તંઈ આવશે એવું મને લાગે છે." દાદાએ વ્હાલથી કહ્યું. 

મેઘાએ કહ્યું,"તો દાદા વાત પાકી હો ! મને સાથ આપોને તો હું ગામમાં વીજળી લઈ આવું." 

દાદા કંઈ સમજ્યાં નહી."એટલે કેવી રીતે બેટા ?"

"દાદા મને ભણવા દ્યો. ગમે તેની સાથે પરાણે નથી પરણવું મારે."હળવા પણ મક્કમ અવાજે મેઘા બોલી.

"હા તે ભણને તને કોણ ના કેય છે ?" અત્યાર સુધી દાદા પૌત્રીની વાત સાંભળી રહેલા દાદી બોલ્યાં. 

"બાપુજી તમે શું ક્યો છો ?" મેધાએ કાનજીને પુછ્યું. 

ગાયુંની ગોવાળી કરતો કાનજી બોલ્યો,"જે તારાં દાદા દાદી ક્યે ઈ હાચું."

મા બાપની હાજરીમાં કાનજી બહું વધારે બોલતો નહી. મોટાઓનું માન રાખતો.

********

 અને એ દિવસ દાદા દાદી તથા મા બાપ માટે સોનાનો ઊગ્યો. મેધા ગામની તલાટી મંત્રી બની હતી. ખુબ ભણીને અનેક પરીક્ષા પાસ કરી આ સિધ્ધિ પ્રાપ્ત કરી હતી મેઘાએ. અને ભણતરની એ કેડી પર એને ક્યાંય રંગરૂપ નડ્યા ન હતાં.

ગામની તલાટી મંત્રીની ખુરશી પર બેસી મેઘાએ પહેલું કામ દાદાને આપેલું વચન નિભાવવાનું કર્યું. ગામમાં વીજળી લાવવાનું. 

  રાજ્ય કક્ષાએ ઘણી અરજીઓ કરી ગામમાં વીજળી લઈ આવવાની તજવીજ શરું કરી.

અને આખરે એ દિવસ આવ્યો.

"ઘરમાં કોઈ છે કે ?" કમાડની સાંકળ ખખડાવી કોઈ પૂછી રહ્યું હતું. 

  રમા કમાડ ખોલવાં આવી. "અરે પ્રકાશ ! આવ આવ ભાઈ."

"વીજળીનું મીટર ક્યાં લગાવવાનું છે રમા કાકી ?"

"ઓહ! આ બાજું ઓસરીની ડાબી બાજુંની ભીંતે લગાડી દે." રમાની આંખ માતૃત્વથી ભિંજાય ગઈ. દીકરીની કાર્યસિદ્ધિ ઉપર રમા વારી ગઈ.

ઈલેક્ટ્રીયશને મીટર લગાવ્યું. સાથે સાથે બન્ને ઓરડામાં અને ઓસરીમાં બલ્બ લગાવ્યાં. 

"રમાં કાકી લ્યો જોઈ જુઓ બત્તી ચાલું થઈ ગઈ છે." 

"આ બત્તીને જોયા જ કરીશ કે અમને કંઈક ગળ્યું કરીને ખવડાવીશ ?" સાસુમાનાં અવાજથી રમાં તંદ્રામાંથી ઝબકી ગઈ. ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી.

" બા ! હું તો એમ વિચરતી હતી કે ક્યાં એ અષાઢી પૂનમની મેઘલી રાત ! સાંબેલાધારે એ આડો ને ઊભો વરસતો હતો. આપણે બધાં પ્રાર્થના કરતાં હતાં કે આ વીજળી ઘર ઉપર ત્રાટકે નઈ તો હારું. અને આટલાં વરહે આ વીજળી ઘરમાં આવી તો ઘરને અને આપણને ચમકતાં કરી દીધાં."

  "ખાલી ચમકતાં જ નહી ધરતીથી વ્હેંત એક અધ્ધર કરી દીધાં છોડીએ." જીવતી બા ગર્વથી મલક્યાં.

મેઘા ઘરે આવી. એ સાથે દાદા દાદીએ ગળે વળગાડી. 

રમાએ અમી નિતરતી આંખે દીકરી સામે જોઈને કહ્યું,"ચાલો બા આજ તો લાપસીનું આંધણ મૂકું છું હો." અને દીકરી સામે હળવું મલકીને રસોડામાં જતી રહી. જાણે કાનજી-રમાનાં સંસારમાં વીજળીનાં ચમકારે એક મૂલ્યવાન મોતી પરોવાઈ ગયું હતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Lata Pandya

મેઘા

મેઘા

5 mins વાંચો

Similar gujarati story from Drama