STORYMIRROR

Irfan Juneja

Inspirational

3  

Irfan Juneja

Inspirational

મારુ જીવન પરિવાર ને સમર્પિત

મારુ જીવન પરિવાર ને સમર્પિત

10 mins
14.9K


સુરેન્દ્રનગર જિલ્લા ના છેવાળે આવેલા એક નાનકળા ગામ વણોદમાં આલમાબેન ૧૯૬૦ની પહેલી જૂન એ એક દીકરા ને જન્મ આપ્યો. આલમાબેન અને અલ્લુભાઈને બે જ દીકરીઓ હતી. પહેલા દીકરાના જન્મથી અલમાબેન અને અલ્લુભાઈ ખુબ જ ખુશ હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. દીકરાનું નામકરણ કરાયું. અનવર નામ સાથે આવેલા એ નવજાત શિશુનું જીવન આગળ વધ્યું. અનવરનો ચહેરો ખુબ જ આકર્ષિત અને ગોરી ત્વચા સાથે ખુબ સુંદર દેખાવ ધરાવતો હતો. અલ્લુભાઈ વ્યવસાયે ખેડૂત હતા. અને એમના પિતાજી જાફરભાઈ પણ ખુબ જ લાગણીશીલ અને સમાજના સારા આગેવાન હતા. જાફરભાઈ તો ખેતીની વાર્ષિક આવક આવતી અને એમને ખબર પડે કે કોઈ ગામમાં દીકરો કે દીકરીનું કાજ કરવાનું છે તો એ કહ્યા વગર એના ઘરે જઈ એકાંતમાં મૂડી આપી આવતા. કદાચ જાફરભાઈના એ દાનવીર સ્વભાવને દુવાઓ થી જ આજે એમના વંસજો આગળ આવ્યા છે.

અનવર ધીરેધીરે મોટો થતો ગયો. આલમાબેન ઢોરની રખવાળી કરતા એટલે ઘરે બે ગાય પણ હતી. એ રોજ સવારે શિરામણમાં અનવરને બાજરાના રોટલા પર માખણ લગાવીને આપતા સાથે ગાયનું ચોખ્ખું ઘી. અનવરને આ શુદ્ધ અને તાકાતવર ખોરાકના કારણે એના શરીરનો બાંધો પણ મજબૂત બની રહ્યો હતો. અનવર શાળાએ જતો પણ ભણવામાં મન માનતું નહિ. શાળાએથી નીકળી એ વણોદ ગામના પાદરે એક બગીચો આવેલો હતો. જ્યાં ઘણા આંબલીના ઝાડ હતા. અનવર ત્યાં જઈને બેસતો કે આરામ કરતો.

અલ્લુભાઈ પાસે ૪૫ વિધા જમીન હતી. પણ મોટી બે દીકરીઓના લગ્ન અને બીજા ઘરના ખર્ચાઓમાં એ ગિરવી મુકવી પડી હતી. અનવર હવે થોડો મોટો થઇ ગયો હતો. મોટી બહેનને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ખુબ જ કપરી પરિસ્થિતિ હતી. કરકસર પૂર્વકનું જીવન અને અનવરના જન્મ બાદ એના બીજા ત્રણ ભાઈને એક બહેનનો જન્મ એટલે કુલ સાત સંતાનો, અલ્લુભાઈ અને આલમાબેન સાથેનો નવ જણના પરિવારમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું.

અનવર હવે પિતાની ખેતીમાં મદદ કરવા લાગ્યો. ધોરણ ૮ના અભ્યાસ બાદ એને ભણવાનું છોડી ખેતી કરવાનો વિચાર કર્યો. પોતાના પિતાની ગિરવી પડેલી જમીન એમના ફુઆ પાસે અને બીજા સગાવહાલાં પાસે હતી. અનવર એ ખેતરનો પાક જયારે એમના ફુઆને ત્યાં ગાડામાં મુકવા જતો ત્યારે એની આંખમાં ઝળઝળિયાં આવી જતા. એ વિચાર તો કે આખું વર્ષ ખેતર ખેડવાથી માંડીને પાકની લણણી સુધી ઢોની જેમ જાત તોડી અંતે મામુલી રકમ માટે કોઈ ને બધું ધન આપી દેવું એ તો કેવી વાત. ધીરે ધીરે એને ત્રણ બળદનું સંતારડું કર્યું. એ સમય એ જીરાની ખેતી માં વધુ પૈસા મળતા. એટલે બીજાની જમીન ભાગવી રાખીને એમાંથી પૈસા કમાઈ પોતાની જમીન છોડાવી.

અલ્લુભાઈ હવે ખેતીમાં પૂરતું ધ્યાન ન આપતા હોવાથી અનવર પર જ બધી જવાબદારી આવી ગયી હતી. એક દિવસ બંને જમવા બેઠા હતા અને અલ્લુભાઈ એ અનવરને કોઈ વાત માટે થઇને છણકો કર્યો. અનવર પોતાની પરિસ્થિતિ અને પરિવારના આ માહોલ અને શિક્ષણના થોડા અભાવને કારણે થોડો ઉગ્ર સ્વભાવનો બની ગયો હતો. આટલી મેહનત કરવા છતાં એને છણકો સાંભળવા મળ્યો એ એનાથી સહન ન થયું ને એ એજ સમય એ ઘર છોડીને ચાલ્યો ગયો.

અનવર પાસે એ સમય એ ખિસ્સામાં માત્ર ૨૦ રૂપિયા હતા. પહેરેલ કપડે એ નજીકના ગામ હારીજ પહોંચ્યો. ત્યાં એમના જ ગામના હરદનભાઈ ગઢવીને ત્યાં રોકાયો. હરદનભાઈને અનવરે ગાડી શીખવાડવા આજીજી કરી પણ હરદનભાઈ ભાઈ એની પાસે ખેતરમાં મરચા, ટામેટી જ વીણાવતાં. અને અનવર પૂછે તો કેહતા કે કોઈ આવશે તો એની બદલીમાં મોકલી આપશે. અનવરને થોડા દિવસ પછી અનુભવાયું કે અહીં ગાડી શીખવા નહિ મળે એટલે એ ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યો. કાલુપુર રેલ્વેસ્ટેશન એ પહોંચી અમદાવાદની eએ.એમ.ટી.એસ.માં અમદાવાદમાં રેહતા પોતાના મામા પાસે જઈ રહ્યો હતો. ત્યાં બસ માં ટિકિટ ન હોવાથી ચેકિંગ વાળાઓ એ એને પકડીને ગાડીમાં બેસાડ્યો. અનવર પાસે એ સમય માત્ર ૧૦ રૂપિયા હતા. જો એ દંડ રૂપે આપીને છૂટી જાય તો આગળ કેમ ચાલશે એમ વિચારી એ ચેકિંગ વાળા સાથે ગાડીમાં જ ગયો. ત્યાં એક સિનેમાનો શો છૂટ્યો. અનવર ત્યાંથી એ ટોળાંમાં ખોવાઈ ગયો. અને ચેકીંગ વાળા ગયા પછી એ એક ગાડી વાળા પટેલને મળવા ગયો.

પટેલ એ તેને નાઈટમાં ચાલતી ગાડીમાં મોકલ્યો. ડ્રાઈવર દારૂનું સેવન કરતો હતો. અનવર કન્ડક્ટર તરીકે બાજુમાં ગાડીમાં હતો. એને એ બધું કામ ઇલીગલ લાગ્યું. પણ ઘર છોડ્યા પછી કમાવાનો રસ્તો બીજો કોઈ હતો નહિ. અને ભણવાનું તો પહેલે થી જ છોડી દીધું હતું. એક દિવસ એને ગાડીમાં જૂનાગઢ મોકલવામાં આવ્યો. અનવર ત્યાં જમીયલ શા દાતારના દર્શન કરી ગાડી માં સૂતો. રાત્રે એને એક સ્વપ્ન આવ્યું એમાં જમીયલ શા દાતાર એ એને કહ્યું. "યહાં સે ચલા જા બેટે. ગાવ જા કે ખેતી કર ઉસી મેં તેરી રોઝી કા જરીયા હૈ."

અનવર સવાર થતા જ જૂનાગઢથી અમદાવાદ આવ્યો. પટેલ પાસેથી પગાર લઈને એ ઘરે રવાના થયો. ઘરે પહોંચી પિતા સાથે ફરી જેમ રેહતા હતા એમ રેહવા લાગ્યો ને ખેતીમાં જોડાયો. વર્ષો વીતતા ગયા. અનવર અને એની બીજી બહેનના લગ્ન નો સમય આવ્યો. પૈસાની તંગીને કારણે એક સો રૂપિયાના સૂટ માં અનવરના લગ્ન થયા. પરણીને ઘરે આવી અનવર પાછો પોતાની ખેતીમાં વ્યસ્ત થયો.

ધીરે ધીરે ખેતીમાંથી બધી ગિરવી જમીન છોડાવી અને બીજા બે ભાઈ બેનના લગ્ન કરાવ્યા. પણ કેહવાય છે ને કુદરત ચાહે એની પરીક્ષા લે એવું જ કંઇક અનવરના જીવનમાં બન્યું. સતત બે વર્ષ દુષ્કાળ પડ્યો. બળદ માટે ખાવા ધાન ન હતું. ના ખેત માં ટ્યુબવેલ કે જેથી કોઈ પાક કરી સકાય. બળદ, ગાય, ભેંસને સરકારી કેમ્પમાં રોજ ચારો ખાવા મોકલી આપતા. અનવર એ હવે વિચાર કર્યો કે જો આ દુષ્કાળનો સામનો નઈ કરીયે તો ફરીથી જમીન ગિરવી મુકવી પડશે.

અનવર એ ગામના એ સમયના કડિયા ઉંમરભાઈ ભૂતાભાઈ પાસે વરસળીયું નામના ખેતરમાં એક ૨૦ ફુટ ઊંડો કૂવો બનાવડાવ્યો. અને એમાં પાઇપ ઉતારી રાજકોટિયા પાણીના પંપ દ્વારા પાણી ઉત્પન્ન કર્યું. વરસળીયું ૨૦ વિધાનું ખેતર હોવાથી એમાં સાહસ કરવું અનવરને યોગ્ય લાગ્યું. હવે રાત દિવસ એક કરી અનવર એ એ દુષ્કાળના દિવસોમાં પણ પોતાના પરિવારની જરૂરિયાતોને જાળવી રાખી. ક્યારેક તો પંદર-વીસ દિવસે એકવાર ઘરે આવતો. બાકીનો સમય ખેતરમાં જ વિતાવતો.

અનવર પરિવારની આ જવાબદારીઓમાં પોતાના પરિવારને જ સમય ન આપી સકતો. એના લગ્ન પછી પત્ની માટે પણ એટલો સમય એ ન ફાળવી શકતો. જો એ બીજા લોકોની જેમ પત્ની કે પરિવારને સમય આપે તો કદાચ એના પરિવારની જરૂરિયાત પુરી ન થાય. લગ્નને આમ જ દસ વર્ષ થયા પણ એને સંતાન સુખ ન મળ્યું. અનવરને પણ મનમાં ક્યારેક અનુભવાતું કે લોકો શું કહેશે. પણ એની પાસે પરિવારની જરૂરિયાતો પુરી કરવા માટે કોઈ ચારો ન હતો. એને લોકો એ ઘણા મંતવ્યો આપ્યા કે તું બીજા લગ્ન કરી લે , તને આ સ્ત્રી સંતાન નઈ આપી શકે. પણ અનવર પોતાની જાત, એની પત્ની અને પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતો. અનવર એ કોઈની વાત ન માની.

અગિયાર વર્ષ પછી અનવરની પત્ની એ એક દીકરાને જન્મ આપ્યો. અનવર એ દિવસોમાં પણ પોતાના કુટુંબની જરૂરિયાત માટે ખેતીમાં જ વ્યસ્ત હતો. અનવરને ખુશી મળી પણ એના બાળકને જોવા માટે એ જઈ શકે એમ ન હતો. અંતે એક અઠવાડિયા પછી એનાથી પુત્ર ને જોવાની ઈચ્છાને એ દબાવી ન સક્યો ને એ અમદાવાદ પોતાના પુત્રને જોવા આવી ગયો. પુત્રને પોતાના હાથો માં લઇ એના પિતા તરીકેનું સવરૂપ પ્રગટ થયું. ખુશીની લહેર એના ચહેરા પર દોડી ગઈ. એની આંખોના ખૂણા ક્યાંક ભીના થઇ ગયા. પણ પોતાની જાતને એ ક્યારેય ઢીલી પડવા ન દેતો.

દિવસો પસાર થતા ગયા. હવે ચાર ભાઈ હતા પણ ઘરમાં બે જ ઓરડા હતા. એટલે અનવર એ ભાઈઓનો વિચાર કરી એક નવું ટ્રેક્ટર લીધું ને ખેતી મોટી કરી. પોતાના ઘરની બાજુમાં એક પ્લોટ રાખ્યો ત્યાં ઘર બનાવવાનું વિચાર્યું. પોતાના બીજા નંબરના ભાઈ માટે એક બીજા એરિયામાં ઘર બનાવડાવ્યું. નાના ભાઈના લગ્ન બાદ એક ઘનશ્યામ ઠક્કરનો ડેલો રાખ્યો. આ બધા જ પૈસા ખેતી માંથી એણે કમાવ્યા.

ગામમાં વિજળીમથકના નિર્માણની વાત સાંભળી એણે પોતાનું ટ્રેક્ટર ત્યાં લગાવ્યું. દિવસે ખેતી અને રાત્રે રેતીના ફેરા કરી એણે એ રાખેલ ઈ ડેલાવાળી જમીનમાં ૨ ઓરડા વાળા ઘર બનાવ્યા. પણ હજી પરિવાર સાથે જ રેહતા હતા. બીજા નંબરના ભાઈની દીકરો અનવરના દીકરા થી ખુબ મોટો હતી. એમના લગ્ન દરમિયાન બધા એ ભૈયો ભાગ પાડવાની વાત કરી.

અનવર એ આટલા વર્ષોમાં જાત ઘસી નાખી પણ ક્યારેય ભાઈઓ પાસેથી કઈ ન માંગ્યું અને ભૈયો ભાગમાં પણ જે ચોથે ભાગે આવ્યું એ જ સ્વીકાર્યું. અનવર એ એક વિધા જમીન પણ વધુ ન લીધી કે એક ઘરનો ઓરડો પણ.

અનવર જ્યાં સુધી પોતાની જાત ઘસી ત્યાં સુધી એના પરિવારનો ખર્ચ ખુબ જ ઓછો હતો. એનું એક જ બાળક અને એની પત્ની. પણ અલગ થયા બાદ એના દીકરાને વધુ ભણવા એ ખુબ કહેતો. એ એના દીકરા ને સમજાવતો કે,

"જો બેટા મેં જે કાળા પાણીની મેહનત કરી છે એ તું નઈ કરી શકે. બસ હું તને ભણાવી શકીશ બાકી મારી પાસે એવું કઈ નથી કે જેથી હું તારું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકુ. બસ તું ભણીને આગળ આવ તો મને શાંતિ.."

દીકરાના વધુ અભ્યાસ માટે એણે પહેલા હિંમતનગર અને પછી અમદાવાદ મોકલ્યો. દીકરો જે વસ્તુ માંગે એ અનવર એના માટે હાજર કરી દેતો. અનવર પાસે હવે ટ્રેક્ટર હોવાથી સમય બચતો એટલે એને અલ્લાહની રાહમાં એ સમયને પસાર કરવાનું વિચાર્યું. એ દિવસમાં જેટલો સમય મળતો નમાજ પઢવા મસ્જિદ જતો. અલ્લાહને દુઆ કરતો કે એનું બાળક ભણીને આગળ આવે. એ મસ્જિદમાં એક વહીવટ કરતા તરીકે કામ કરવા લાગ્યો. ક્યારેક મસ્જિદમાં સાફસફાઈ કરી લેતો. અનવરના કઠોર પરિશ્રમ અને અલ્લાહની દુવાથી એનો છોકરો ભણીને એન્જિનિયર બની ગયો. ક્યારેક ભણવા માટે વ્યાજવા રૂપિયા તો ક્યારેક કોઈ સગાંવહાલાં જોડે ઉછીના લઇને એને દીકરાની કોલેજની ફી, હોસ્ટેલના ખર્ચ ઉપડ્યા. પણ દીકરાને ક્યારેય એમ ન કહ્યું કે તું આટલા ખર્ચ કેમ કરે છે. દીકરો માંગે એટલા પૈસા એ દીકરાને મોકલાવી આપતો.

દીકરાના એન્જિનિઅર બન્યા પછી હવે એને દીકરના ખર્ચ ની તો ચિંતા ઓછી થઇ પણ હજી ઘર ચલાવવા અને દીકરાના લગ્ન માટે એની મેહનત ચાલુ જ રહી ૫૬ વર્ષની ઉંમરમાં પણ ખેતી ચાલુ જ રાખી. દીકરા એ એક દિવસ એને કહ્યું કે

"પપ્પા મારે અમદાવાદ જ સેટલ થવું છે, મારે તમને અને મમ્મી મેં પણ સાથે જ લઇ જાવા છે."

અનવર એ પહેલા તો ખુબ આનાકાનિ કરી કેમ કે એ જાણતો તો કે ખેતી જ એનો મુખ્ય વ્યવસાય છે. પરિવારનું ગુજરાન આમાં જ ચાલે છે. પણ પત્ની અને દીકરાની જીદ સામે એને એ વાતમાં પણ ઢીલું મુક્યુંને દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી માનીને હા પાડી.

દિકરાના સગપણ થયાને એને ફરીવાર દીકરાને સમજાવતા કહ્યું

"બેટા હું ત્યાં શું કરીશ. મને અને તારા મમ્મીને અહીં જ રેહવા દેને હવે તો તારી પત્ની આવી જશે તો હું અહીં ખેતી કરીશ."

પણ દીકરા એ જીદ કરીને ત્યાં સાથે રેહવા જ કહ્યું. ને ખેતી કાકાને સોંપી દેવા કહ્યું. પોતાના બાળપણથી લઈને ૫૬ વર્ષની ઉંમર જ્યાં વિતાવી એ ઘરબાર બધું છોડીને જવું કેટલું અઘરું હોય છે એ કદાચ શબ્દોમાં કહી શકાય નહીં. પણ એ પોતાની બધી જ જૂની યાદોનો પોટલી બાંધી પોતાની મહેનતથી બનાવેલ એ ઘરબાર મૂકીને એ દીકરા સાથે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ઘર લેવું ખુબ જ મુશ્કેલ હતું. અનવર એ પોતાના જીવનમાં જે પણ કમાવ્યું હતું એ પરિવારની જરૂરિયાતોમાં અને ભાઈ બહેનના લગ્નમાં તો પછી દીકરાના અભ્યાસમાં જ ખર્ચાઈ ગયું હતું. એટલે દીકરાને ભાડે ઘરમાં ના રેહવું પડે ને એના પર વધુ બોજ ન આવે એમ વિચારી એને વર્ષોથી સાચવેલી જમીન જેની સાથે એના હૃદયના સંબંધ હતા એવા એ કલેજાના ટુકડા રૂપી જમીનને વેચી ને અમદાવાદમાં ઘર લીધું અને દીકરાના ધામધૂમ થી લગ્ન કરાવ્યા.

અમદાવાદમાં આવ્યા પછી પણ એને દીકરાને વધુ જવાબદારી ન આવી જાય એટલે એક ચોકીદાર તરીકે નોકરી સ્વીકારી. દીકરાના સમજવા છતાં એ નોકરી કરવા લાગ્યા.

"બેટા જો બેસવાનું જ છે. કઈ કરવાનું નથી આમાં,ખેતી કરતા સારું છે આ, આરામ વાળી નોકરી છે. અને ઘરે પણ આખો દિવસ કેમ કાઢું એટલે આ સારું રે મારા માટે.."

આજે પણ અનવર પોતાના ૫૭ વર્ષની ઉંમર એ દીકરા માટે કમાય છે. એને ટેન્શન ન આવે અને એ ખુશ રહી સકે એટલા પ્રયત્નો કરે છે.

દરેક દીકરાને અનવરભાઈ જેવા પિતા. દરેક માતા-પિતાને અનવર જેવો દીકરો, દરેક પત્નીને અનવર જેવો પતિ મળે. જે હંમેશા પોતાની જાતને પરિવાર માટે સમર્પિત કરી દે. પોતાના દરેક શોખને મારી એને દરેક જવાબદારી સ્વીકારી. પોતાના સંતાનને ક્યારેય પોતે બોજ ન બન્યા. ક્યારેય પોતાના માતા પિતાને પોતાના ખર્ચ માટે ન કહ્યું આવા સજ્જન અને મહેનતુ દીકરા, પિતા અને પતિની સમાજને હંમેશા જરૂર રહેશે..

અનવરે બોલીને નહિ પણ કરીને બતાવ્યું કે...

"મારુ જીવન પરિવારને સમર્પિત!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational