Vijay Parmar

Inspirational

4.5  

Vijay Parmar

Inspirational

માનવતાના ડૉક્ટર

માનવતાના ડૉક્ટર

2 mins
253


એક નાનકડાં ગામમાં એક નાનકડું દવાખાનું. એના ડૉક્ટરનું નામ ડૉ. પ્રતિકભાઈ. ડૉ. પ્રતિકભાઈ સામાન્ય Msdsની ડિગ્રી ધરાવે પરંતુ એમનો માયાળુ સ્વભાવ અને કોઠાસૂઝને કારણે ગામલોકોના માનીતા થઈ ગયેલા. ગામના દરેક લોકો નાનીમોટી બીમારી હોય એટલે સીધા ડૉક્ટર પ્રતિકભાઈના દવાખાને પહોંચી જાય. ડૉ.પ્રતિકભાઈ પણ તેમને રૂપિયા ન હોય તો પણ દવા કરે અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરે. આમ ડૉ.પ્રતિકભાઈ ગામલોકો માટે જાણે ભગવાન જેવા બની ગયેલા.

આ ડૉક્ટર પ્રતિકભાઈની ઉંમર 40 વરસની આસપાસ એટલે તેઓ ગામના દરેક વડીલને કાકા કહીને જ બોલાવે.આવા માયાળુ સંબંધ કેળવીને દવાખાનું ચલાવે અને નિ:સ્વાર્થભાવે લોકોની સેવા કરે.

 હવે સમય પણ દરેકની પરીક્ષા લેતો હોય છે એમ આ સમયે પણ પ્રતિકભાઈની પરીક્ષા લેતો હોય એમ કોરોનાકાળ શરૂ થયો. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન થઈ ગયુ લોકો ભયના માર્યા એકબીજાથી દૂર રહેવા લાગ્યા. પ્રતિકભાઈ પણ દવાખાનું બંધ કરી ઘરે રહેવા લાગ્યાં. થોડા દિવસ પછી પ્રતિકભાઈને ગામલોકોની ચિંતા થવા લાગી એ રાત્રે શાંતિથી સૂઈ પણ શકતા ન હતાં. એમણે દવાખાનું ખોલવાનો નિર્ણય કર્યો પણ ઘરનાં લોકો તેમનો વિરોધ કરવા લાગ્યાં. ડૉ. પ્રતિકભાઈને દરરોજ ગામલોકોની ચિંતા થયા કરે. આખરે તેમણે ડૉ. બન્યા ત્યારે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી કે તેમણે બીમારી સામે લડતા લોકોની સેવા કરવાની છે. બીજા દિવસે વહેલી સવારે સ્કુટર લઈ પહોંચી ગયા દવાખાને અને જે થવાનું હોય એ થાય એમ નક્કી કરી ભગવાનનું નામ લઈ દવાખાનું ખોલી બેસી ગયા. ઘરના લોકો તેમની ચિંતા કરતા રહ્યાં પણ પ્રતિકભાઈએ તેમની ફરજને મહત્વ આપ્યું. આ બાજુ કોરોનાના કેસો વધવા લાગ્યાં હતા અને ગામડાંના લોકો માસ્ક પહેરવામાં માને નહી. જે ગામમાં બીમાર હોય એ પહોંચી જાય પ્રતિકભાઈના દવાખાને. આવા મુશ્કેલ સમયમાં પણ તેમણે બીક રાખ્યાં વગર દર્દીઓની દવા કરવા લાગ્યા.તેઓ પહેલા તો જે દવા લેવા આવે તેમની સાથે પ્રેમથી વાત કરે તેમને માસ્ક પહેરવાની સલાહ આપે પણ કોરોનાથી જરા પણ બીવડાવે નહીં ઉલટાનું તેમને હિંમત આપે. જેથી ગામના લોકો તેમની આ મામુલી દવા અને હિંમતના કારણે સારા થઈ જાય. આથી તેમના દવાખાને દર્દીઓની ભીડ જ જોવા મળે. 

કોરોનાકાળમાં જ્યારે આઈ.સી.યુ ખૂટી પડયા હતાં અને અમુક ડૉક્ટરોએ લૂંટવાનું શરૂ કર્યું હતું ત્યારે આ પ્રતિકભાઈએ રૂપિયા ન હોય તો પણ દર્દીની સારવાર કરી અને કેટલાય લોકોના રૂપિયા અને કેટલાયનાં જીવ બચાવ્યા. જ્યારે કોરોનાકાળમાં ડૉક્ટર દર્દીનો હાથ પકડવા તૈયાર ન હતા ત્યારે ડૉ. પ્રતિકભાઈ હાથ પકડી દર્દીઓને પ્રેમ આપી નિસ્વાર્થભાવે સેવા કરી.

કોરોનાકાળમાં ખરેખર આવા સેવાકર્મી ડૉક્ટરોએ પોતાના પરિવારની ચિંતા કર્યાં વગર જે સેવા કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આજે પણ ગામના લોકો પ્રતિકભાઈના વખાણ કરતાં થાકતા નથી.

ધન્ય છે આવા માનવતાવાદી ડોક્ટરોને.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational