લાલચી ધનવાન
લાલચી ધનવાન
જગતપુર નામનું એક ગામ હતું. તે ગામના લોકો ખુબ માયાળુ અને શાંતિપ્રિય હતા. તે લોકો ખુબ હળીમળીને રહેતા અને ખુબ મહેનત કરતાં. તેમના વ્યાપાર સારા ચાલતા એટલે ગામના લોકો પ્રમાણમાં સુખી પણ હતા. તે ગામમાં ધનીચંદ નામનો એક વેપારી પણ રહેતો હતો. તેની પાસે ઘણા પૈસા હતા. પણ તેને સંતોષ ન હતો. તે વધુમાં વધુ પૈસા કમાવવા માંગતો હતો.
તે હમેશા એમ જ વિચાર તો કે હું શરુ તો મારું ધન વધે ! હું શું કરું તો બીજા કરતાં મારી પાસે વધારે પૈસા થાય ! હમેશા તે આવા વિચારો કર્યા કરતો. આમ કરતાં તેણે એક વિચાર સુઝ્યો. તેણે મનમાં વ્યાજનો ધંધો કરવાનું નક્કી કર્યું. તે જરૂરીયાતવાળા લોકોને વ્યાજે પૈસા આપવા લાગ્યો. વ્યાજના પૈસાથી આવક વધવા લાગી. તે વધુને વધુ ધનવાન થવા લાગ્યો. સાથેસાથે તેનો લોભ પણ વધતો ગયો. તે વધુને વધુન પૈસા વ્યાજે આપવા લાગ્યો.
તેની પત્ની ખુબ જ સમજણી અને સંતોષી જીવની હતી. તેણે પોતાના પતિને સમજાવ્યું, કે આટલો ધંધો ઘણો છે. વધારે લાલચ સારી નહિ. સંતોષમાં જ સુખ છે. પણ તે પોતાની પત્નીનું કહેવું માનતો નહિ. હવે તે જ ગામમા મણિપુરી નામનો એક માણસ રહેતો હતો. તે પણ આ માણસની જેમ લોભી અને પૈસાનો લાલચુ હતો. તે લોકો પાસેથી વ્યાજે પૈસા લેતો પણ પાછા આપતો નહિ. પણ તેના આ સ્વભાવની પેલા વ્યાજે આપનાર શેઠને ખબર હતી નહિ.
એકવાર મણિપુરી આ ધનીચંદ પાસે ગયો. અને પૈસા વ્યાજે માંગ્યા. બીજા લોકો કરતાં પોતે વધારે વ્યાજ આપવા તૈયાર હતો. આ સાંભળી ધનીચંદ વધારે વ્યાજ મળવાની લાલચમાં આવી ગયો. પોતાની પાસે જેટલા પૈસા હતા તે બધા પૈસા વધારે વ્યાજ મળવાની લાલચમાં મણિપુરીને આપી દીધા. તેમણે દસ ટકા વ્યાજનો દર નક્કી કર્યો હતો. અને દર મહિને વ્યાજ પહોંચાડવાની બોલી કરી હતી.
એમ કરતાં એક મહિનાનો સમય પસાર થયો. ધનીચંદનો વ્યાજ લેવાનો સમય આવ્યો. પણ મણિપુરીએ બહાનું બતાવ્યું કે અત્યારે મારો દીકરો બિમાર છે. દવાખાનામાં પૈસા વપરાય છે. એટલે હું અત્યારે વ્યાજ નહિ આપી શકું. આવતા મહિને બધા પૈસા આપી દઈશ. આમ કહી તેણે ધનીચંદને પાછો મોકલી દીધો. બીજો મહીનો પુરો થતા ધનીચંદ ફરીથી મણિપુરી પાસે વ્યાજ લેવા એના ઘરે ગયો. પણ ત્યાં જઈને તે ચોંકી ગયો.
મણિપુરીનું ઘર બંધ હતું. ઘરના દરવાજે મોટું તાળું લગાવેલું હતું. ધનીચંદને ધ્રાસકો પડ્યો. તેણે આજુબાજુના પડોશી લોકોને પૂછ્યું, ‘અહીં મણિપુરી નામનો માણસ રહેતો હતો, તેનું ઘર કેમ બંધ છે. ?’ ત્યારે પડોશી લોકોએ જવાબ આપ્યો. ‘મણિપુરી તો કેટલાય દિવસથી આ ગામ છોડીને ચાલ્યો ગયો છે. તે ક્યાં ગયો તેની કોઈને ખબર નથી. તે ગામમાંથી કેટલાય લોકોના પૈસા વ્યાજે લઈને ભાંગી ગયો છે.’
આ બધું સંભાળીને ધનીચંદને તો ચક્કર આવવા લાગ્યા. કેમકે મણિપુરી ધનીચંદની જિંદગીભરની કમાણી લઈને ભાંગી ગયો હતો. ધનવાન ધનીચંદ હવે કંગાળ બની ગયો હતો. તે જોર જોરથી રોવા લાગ્યો. પણ હવે રોવાથી શું ફાયદો. એટેલે આપણે ક્યારેય જીવનમાં લોભ કરવો જોઈએ નહિ. અને થોડામા જ સંતોષ માનીને રહેવું જોઈએ.
