કયા વિટામિનની ખામી છે ?
કયા વિટામિનની ખામી છે ?
“નેક્ષ્ટ પૅશન્ટ પ્લીઝ”. ડૉ. સમીર દવે એ ઘંટડી વગાડીને આદેશ કર્યો એટલે તરત જ એમના કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને એક ગરીબી, લાચારી અને બીમારી આ ત્રણેયના સંગામી બિંદુ સમાન આધેડ વયનો એક પુરુષનો પ્રવેશ થયો.
ડૉક્ટર સાહેબ એ એનો રિપોર્ટ હાથમાં લીધો પછી એકાદ મિનિટ સુધી જોઈને બોલવા લાગ્યા : ” જોવો, વિટામિન –એની કમી છે. સાંજ પડયે ધૂંધળું દેખાવા લાગે છે ને ? એટલે જ. સફરજન અને ગાજર ખાવાનું રાખો. હિમોગ્લોબીન પણ ૧૩ ગ્રામ બોલે છે. બીટ અને ટામેટા ખાઓ. હાથ-પગમાં દુખાવો રહે છે ? ગભરામણ ? બી-૧૨ની ઉણપ તો છે જ. દૂધ અને ચીઝનું પ્રમાણ વધારી દો. ફ્રૂટ્સ લેવાનું રાખો. તોય બીજી દવાઓ લખી આપું છું.”
“એ સારું સાહેબ. પૈસા કેટલા આપવાના થયા ?” આટલું પૂછીને જયંતિભાઈ ઉભા થયા.
ડૉક્ટરને પૈસા આપી પ્રિસ્ક્રિપ્શનની ચિઠ્ઠી હાથમાં લઇને નીકળતા જ હતા, ત્યાં ડૉ. દવે એ પૂછી નાખ્યું, ”જયંતીભાઈ, આપણે શું કામ-ધંધો કરો છો ?”
”સાંજે રેલ્વે-ક્રોસિંગ આગળ માર્કેટમાં ફ્રૂટની લારી લઇને ઉભો રહું છું. આવજો સાહેબ ક્યારેક… ” કહીને જયંતિ નીકળી ગયો.
સાચી બીમારીનું નિદાન ડૉકટરને છેક હવે થયું કે વિટામિનની ખામી કેમ છે ?
