કર્મવાદ
કર્મવાદ


જીવનના પરમ લક્ષ્યને પામવાના સર્વોત્તમ ઉપાયો એટલે શ્રીમદ્દ ભગવદ્ ગીતા. જન્મથી મૃત્યુ સુધીના તમામ પ્રશ્નોનું સમાધાન એટલે શ્રીમદ્દ ભગવદ્ ગીતા. જીવનનાં દરેક પાસા પર આપણને એમાંથી સત્યના માર્ગ તરફ ચાલવાનો બોધ મળે છે એટલે જ ખરા અર્થમાં જીવન જીવવાની જડીબુટ્ટી એટલે શ્રીમદ્દ ભગવદ્ ગીતા. શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં વર્ણવેલ કર્મવાદ એ સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓમાંની એક માન્યતા છે. હા, કર્મવાદ એ દરેક જીવ પ્રાણી માત્રને લાગુ પડતી સત્ય વાસ્તવિક માન્યતા રહી છે.
શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં વર્ણવેલ કર્મવાદ એ મારા જીવનનાં હર ક્ષણનો સાક્ષી બનીને રહેલો છે. જ્યારે પણ કોઈ કાર્ય કરું છું ત્યારે સતત કર્મવાદ નું અનુસંધાન રહે જ છે. કાર્ય કરતા પૂર્વ શ્રીમદ્દ ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખી વિચારું છું કે આ કાર્ય કરીશ એનું કર્મ કેવું હશે ? શું આ કાર્યથી બીજાનું ભલું થશે ? શું આ કાર્યથી કોઈની લાગણી દુભાશે ? આવા અનેક વિચારો મનમાં સ્ફુરે છે. મનથી કરેલા વિચારો પણ એક કર્મ જ છે ને.
નાનપણથી જ શ્રીમદ્દ ભગવદ્ ગીતાનો આ મહત્વનો સિદ્ધાંત દૃઢાયેલો છે. સારા કરેલા કર્મો હંમેશા સત્ય તરફ અને પરિણામ સ્વરૂપ સારું ફળ આપે છે એનો હું સાક્ષી રહેલો છું. એક મહત્વની વાત, બીજા શબ્દોમાં પરિવર્તનની વાત કે જ્યારે મને કોઈપણ વસ્તુ જે કિંમત વાળી હોય અથવા કિંમત વગરની પણ હોય એ જ્યારે કોઈપણ સ્થાન પર નજરે પડે છે ત્યારે તરત જ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કર્મવાદ યાદ આવે છે કે આ વસ્તુ કોઈની જાણ બહાર ખોવાય હશે અથવા ભૂલી ગયા હશે. હું એને લઈને આનંદ માણીશ પરંતુ જે તે વ્યક્તિની એ વસ્તુ એને નહિ મળે તો એ કેટલા ચિંતિત હશે.
બસ, આજ અનુસંધાન મને એ વસ્તુને સ્પર્શ કરવા તરફથી પણ દુર રાખે છે. આવી જ રીતે મનથી થતું કર્મ પણ પરિણામ સ્વરૂપ ભોગવવું પડે જ છે એ સત્ય હકીકત છે. આ અનુસંધાને કોઈપણ પરાયી વસ્તુ કે દ્રવ્યને સ્પર્શ કરવાનો સંકલ્પ પણ થતો નથી.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ના આ સિદ્ધાંતનું મારા જીવનમાં અણમોલ પ્રદાન છે અને એ સત્ય સિદ્ધાંત સાથે જ જીવવું છે એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા નો કર્મવાદ એ મારા માટે જડીબુટ્ટી સમાન છે.