કોરોનાની મહેરબાની
કોરોનાની મહેરબાની
લાલીમા સૂરજ સામે જોતાં "હે.. સૂર્યા તું આખા વિશ્વમાં ફરે છે અહીંથી તહીં ને તહીંથી અહીં તો મારા દીકરાઓને જાણ તો કર એક દી મોઢું દેખાણી જાય." લાલીમાના બે દીકરા બાબુ અને મીઠું જે શહેરમાં ગયાને વર્ષો વીતી ગયા. શરુઆતમાં મા ને છ, આઠ મહિને મળવા આવતાં ધીમે ધીમે બે વર્ષ અને હવે તો આવવાનું જ ભૂલી ગયાં. શું શહેરની હવા મા ની મમતા કરતાં પણ મીઠી હશે ! ચંદ્ર, સૂરજ અને વાયરા સંગ વાતો કરતી લાલીમાને આંસુઓની ધારાઓ વહેતી.
એક બાજુ લાલીમાની વેદના અને બીજી બાજુ અચાનક કોરોના વાયરસ ફાટી નીકળ્યું. લાલીમા માટે ચંદ્ર, સૂરજ સાથે વાતો કરવાં પર પણ પ્રતિબંધ લાગી ગયો. અસહ્ય વેદના જાણે ભગવાન જાણી ગયો હોય તેમ અચાનક લાલીમાના ઘર આંગણે બે મોટી ગાડી આવીને ઊભી રહી. બહાર જોતાં જ લાલીમાથી દોટ મૂકાઈ ગઈ. અરે... મારા લાલ, મીઠુડા, બાબુડા કયાં ખોવાઈ ગયા હતાં. અને સામેથી એ જ ભાવથી મીઠું અને બાબુએ લાલીમાને ઉચકી લીધી. લાલીમાની વહુઓ અને પૌત્રો પણ આ લાગણીનો દરિયા છલકાતો જોઈ તેમાં આનંદવિભોર બની રહ્યા હતાં.
બાબુ: "બા આ બે વીસનો વર્ષ તો પનોતી છે પનોતી."
મીઠું: "હા બા અમને શહેર છોડી ગામડામાં ભાગવું પડ્યું !"
લાલીમાની નનકી વહુ રાધુ: આ વર્ષ તો બહુ લાભદાયી છે. મા ને એમનાં સંતાન અને સંતાનોને એમની મા મળી છે."
રાધુની વાત સાંભળી લાલીમાની આંખમાથી ટપકતાં બિંદુ સાફ સાફ કહી રહ્યા હતાં કે "બહું તું મારી વેદના સમજી, તું મારી સંભાળ રાખીશ એવો મને ભરોસો છે."
બાબુ: હા સાચી વાત છે હવે બા ને મૂકીને કયાય નથી જવું.
બે હજાર વીસનો વર્ષ અનેકના સપના લઈ ગયો તો અનેકના અપના, અનેકને કુટુંબ સંગ જોડતો ગયો તો અનેકને સંસ્કૃતિના રંગ રંગતો ગયો.
