કન્યાદાન
કન્યાદાન
વરસાદનાં ફોરાં ભારતી અને ભરત પર પડી રહ્યાં હતાં. મેંના અંતની અસહ્ય ગરમી પછીના વરસાદની શરૂઆતનાં આ અમીછાંટડાં બંને માણી રહ્યાં હતાં. અમેય મહાનગરી મુંબઈમાં વરસાદનું આગમન વહેલું થાય. “ભારતી… જો જોરદાર વરસાદ પડેને તો ડુંગળીનાં બમ્બઈયા સ્ટાઈલ ભજીયા સાથે તળેલ મરચાં અને ગરમ ગરમ આદુ – ફૂદીનાવાળી ચા કરજે હો..!” ગેલેરીની સામે મૂકેલ હિંચકે બેસીને ભરતે કહ્યું. ભારતીએ જવાબમાં મીઠો ઠપકો આપ્યોઃ “તમે વરસાદ માણો અને હું ચા – ભજીયા બનાવું એ વળી ક્યાંનો ન્યાય ?” હિંચકાની ઠેંસ સાથે એક સાથે મલકી ઊઠ્યાં. જરાવારે ભારતી ઊભી થવા લાગી પણ ભરતે એને ફરી બેસી જવા ઈશારો કરતાં કહ્યું; “આપણે બંને સાથે બનાવીશું અને વરસાદ પણ સાથે બેસીને માણીશું ! હોંને ?”
ભરત અને ભારતી દુનિયાદારીની બધી જ જવાબદારીઓ અને ફરજો; અકળામણો આ વરસાદનાં આગમનથી સાતા મેળવી હોય એમ ખુશ થયાં. ઉર્ધ્વગતિએ આંદોલિત થતા હિંચકાની મોજ માણતા ભરત સાથે ભારતી પણ નિવૃત્તિમય જીવનનો આસ્વાદ એકસાથે લેતાં હતાં. ઓગણીસ્સો એક્યાસીમાં ભરત અને ભારતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. ભરતને બેંકની નોકરી હોવાથી પ્રોમોશન મળતાં મુંબઈ જેવા મહાનગરમાં બદલી થઈ અને અહિં જ સ્થાઈ થયાં. શરૂઆતનું દામપત્ય જીવન તેમનાં સંયુક્ત પરિવાર સાથે સરળતાથી પસાર થયું હતું. ત્યાં બદલી થવાનાં સમાચારથી જાણે તેમનાં જીવનવમળમાં કાંકરો પડ્યો. બંનેનું ‘વે ઓફ થિંકીગ’ એટલું તો ‘મિક્ષ એન્ડ મેચ’ થયેલું હતું કે એકમેકનાં પ્રેમ થકી દરેક પરિવર્તન સ્વીકારવા તૈયાર હતાં.
“હાય મમ્મી, હાય પપ્પા…! જય શ્રી કૃષ્ણ. ગુડમોર્નિંગ…” રિદ્ધિ એનાં ઓરાડામાંથી બોલતી બોલતી આવી અને મમ્મી – પપ્પાને આમ સવાર સવારમાં હિંચકે બેઠાં જોઈ એ પણ બંને વચ્ચે ગોઠવાઈ. “તે સિદ્ધિને જગાડી કે નહિ?” ભારતીએ પૂછ્યું. અને વળી ઉમેર્યું, “બંને પહેલા વરસાદમાં ભીંજાઈ આવો અને આવીને ગરમાગરમ કાંદાભજી બનાવો.” આટલું કહી ભારતીએ ભરત સામે આંખો મિંચકારી !
“વ્હાય શૂડ આઈ ? ના હો.. મમ્મી મારે જિમ જવું છે હમણાં. અને સિદ્ધિ તો વહેલી જાગીને કાર ડ્રાઈવિંગની ટ્રેનિંગ પ્રેક્ટીસમાં નીકળી ગઈ.” રિદ્ધિએ સિદ્ધિનું ઊપરાણું તાણ્યું અને એ જોગિંગનાં પહેરવેશમાં સજ્જ થઈને રવાના થઈ.
શહેરની અવિરત ધમધમતી સડકો હજુ વહેલી સવારની દોડધામમાં પરોવાઈ ત્યાં વરસાદનાં અમીછાંટણાં માણતે એકલવાયાં બેસી રહીને આ સારસ બેલડી સમાં દંપતિ ભૂતકાળનાં સંસ્મર્ણોમાં સર્યાં.
ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં કેટલાંક મુખ્ય શહેરોમાંનું એક એવા અંજારનાં તેઓ વતની. સરકારી બેંકનાં ઉચ્ચ અધિકારીનું પદ મળવાથી ‘રોટલો ત્યાં ઓટલો’ એ ન્યાયે મુંબઈ આવીને વસ્યાં. તે દરમિયાન ભારતીને એમનાં પ્રણયનાં ફળ સ્વરૂપ સુંદર કન્યા રત્ન સાંપડ્યું. નામ રાખ્યું રિદ્ધિ. એ તો જાણે કાચની પૂતળી. દૂધ પીવે તો જાણે ગળામાંથી એ સરકતું દેખાય એવું ઉજળું રૂપ ! માતાપિતાનાં આનંદનો પાર ન રહ્યો અને બંનેએ રિદ્ધિનાં ઉછેરમાં પોતાનું જીવન પરોવી દીધું. ભારતી ‘મેરે ઘર આઈ એક નન્હી પરી..’ ગીત હાલરડાંની ગરજ સારે એમ ગાઈને સુવડાવતી અને એમ જ પ્રેમથી એને જગાડતી.
સમયનો કાંટો દોડવા લાગ્યો. સવા વર્ષમાં જ ભારતીને ફરી સારા દિવસો ચડ્યાં. સુશિક્ષીત દંપતિએ ચાર હાથે આ સમાચારને પણ વધાવી લીધા. તબિયત જરા નાદુરસ્ત થતાં સોનોગ્રાફી કરાવી પડી. અને વતનથી સાસુસસરા પણ ખુશી સમાચાર મેળવીને મુંબઈ દોડી આવ્યાં. સોનોગ્રાફી રિપોર્ટમાં લખ્યું હતું, “યોર બેબી ઈઝ નોરમલ.” અંગ્રેજીમાં તો હિ ઓર શી બેબી જ કહેવાય અને છતાંય જાતિય પરિક્ષણમાં બાળકીનો ઉલ્લેખ હતો. આ જોઈ જુનાં વડિલો બેબી શબ્દ સાંભળીને જ મોં મચકોડ્યું અને ગર્ભપાત કરાવવાની સલાહ આપી. પણ ભૃણહત્યા એ બંને માટે અકલ્પ્ય હતું. પતિપત્ની બંને પોતાનાં આદર્શોને વળગીને ચાલનાનો નિર્ણય લીધો. જાતે ઘડેલ સિદ્ધાંત ફકત એક મેડિલ રિપોર્ટ થકી કેમ બદલી લેવાય ? બીજું બાળક જે પણ હશે સહર્ષ વધાવી લઈ અન્ય કુટુંબીજનોનાં વિક્ષેપ, સમજાવટ અને અંતે વિરોધ હોવા છતાંય મક્કમ ઈરાદા પર કાયમ રહ્યાં. બીજી પણ રૂપકડી કન્યાનો જન્મ થયો અને નામ પાડ્યું, સિદ્ધિ.
રિદ્ધિ – સિદ્ધિની બેલડીએ આ દંપતિનાં જીવનને સંમૃદ્ધ કર્યું. બંને દિકરીઓનો અભ્યાસ આગળ વધતો ગયો અને પાણીનાં રેલા સમો સમય પણ સરકતો ગયો. શાળા અને કોલેજનાં ભણતર સાથે દરેક પ્રકારની ઈત્તર પ્રવૃત્તોમાં એક યા બીજી બંને અવ્વલ રહેતી. એવું શું નહોતું કે જેમાં રિદ્ધિ – સિદ્ધિને રસ પડે!
રિદ્ધિએ સંગીતશાસ્ત્રમાં ગાયકી સાથે વિશારદની પદવી લીધી અને સિદ્ધિને તો ભારતનાટ્ય વિશારદ કરીને આરંગેતરમ કર્યું. મમ્મી – પપ્પાનો અતિ લાડ પામેલી છોકરીઓ હવે ઘરરખ્ખું દીકરી થઈને પોતાનો સંસાર વસાવે એ સ્વપ્ન સેવતાં થયાં સાઠ દાયકાને આરે આવેલ દંપતિ. મહાનગરની આબોહવા સાથે પશ્ચીમી સંસ્કૃતિની છાંટ તેમની ઉછરણીમાં થોડીઘણી ભળી હતી પરંતુ ગળથુથીમાં દીધેલા સંસ્કારોને પણ નહોતી વિસરી હતી દીકરીઓ. સમય અને રેતી ક્યારે હાથમાંથી સરી જાય તે ખબર નથી પડતી. સોળેવાન ખીલેલી દીકરીઓ માટે માંગા આવવા લાગ્યા. મા – બાપનાં આંખનું રતન સમી આ ઢીંગલીઓને હવે પારકી કરવાનો સમય આવી ગયો એવું અનુભવ્યું. મુરતીયાઓનાં પરિવારો પણ જોવા આવવા લાગ્યાં.
ખબર નહિં પણ શું ખૂટતું હતું બંનેને કોઈ જ પાત્ર એમને પોતાનાં માટે યોગ્ય ન લાગતું. જે રિદ્ધિનો બોય ફ્રેન્ડ એ સિદ્ધિનો પણ બોય ફ્રેન્ડ ! બંનેનું મિત્ર વર્તુળ બહોળું રહેતું. પરંતુ ક્યારેય કોઈ અણછાજતા બનાવની ભીતિ ઉંમરલાયક માતાપિતાને નહોતી. બંને સમયવયસ્ક સખીઓની જેમ જ વર્તતી તેથી એકબીજીની પસંદગી અને મનની વાત સારી પેઠે સમજી શકતી. ક્યારેક સામે પક્ષે બંને દીકરીઓને એક સાથે પસંદ કરાતી તો ક્યારેક બંને દીકરીઓ નકારાતી. ક્યારેક ગામડેથી કોઈ ન્યાતનું કુટુંબ જોવા આવવાનું હોય ત્યારે ઘરમાં જાણે પ્રસંગ આજે જ હોય એવું વાતાવરણ ખડું થઈ જતું અને વાત બેચરાય એટલે છેક વતન સુધી અફવાની હવા ફેલાય પુત્રીઓ વિરુધી. તંગ અને ગમગીની છવાઈ જતી થોડા દિવસો. પતિ-પત્નીની વધતી જતી ઉંમર સાથે શારીરિક તંત્ર પણ ધીમી ગતિએ ખોરવાતું જતું હતું એ રિદ્ધિ – સિદ્ધિથી સહેવાતું નહોતું.
માબાપ કોને કહે? ભરત અને ભારતી એમની વ્યથા છૂપાવીને દીકરીઓની સુખાકારીની કામનાં કરતાં રહેતાં અને યોગ્ય પાત્રની અવિરત શોધમાં વ્યસ્ત રહેતાં. ચહેરા પર ચિંતાની કરચલી પડવા લાગી. પણ બંનેમાંથી એકેયનું સગપણ ગોઠવાયું નહોતું. આધૂનિક અને ભણેલી છોકરીઓનો શ્રેષ્ઠ ઉછેર કરવામાં ક્યાં કચાશ રહી? એનો જવાબ એકબીજાંને પૂછી બેસવામાં પણ અસમર્થ હતાં. સામાજિક રીતરિવાજોની અડફેટમાં અટવાઈને આમ ખુશહાલ માહોલ અવારનવાર તણાવમાં ફેરવાઈ જતો. તો ક્યારે વાદળો ઘેરાય અને અચાનક પડતા વરસદાનો આનંદ લેવાની ક્ષણીક મોજ પણ તેઓ માણી લેવા મથતાં.
એ સાંજે વરસાદ પછીના ઉઘાડ થયા બાદની સુંદર સંધ્યા ખીલી હતી જેની ઝાંય બાલકનીમાંથી છેક દિવાન ખંડની શોભા સમાં હિંચકાનાં પાટ પર પડી રહી હતી. ધીમે અવાજે રેડિયો વાગી રહ્યો હોય અને સૌ પોતાનામાં વ્યસ્ત હોય એવી રાબેતા મુજબની ગોઠવાઈ ગયેલ ઘરેડમાં ત્રીસી વટાવવા જઈ રહેલી દીકરીઓ રિદ્ધિ – સિદ્ધિ એમનાં મમ્મી પપ્પાને એકસાથે સામે બેસાડીને બંને દીકરીઓએ વાત માંડી.
“પપ્પા મમ્મી, તમે અમારા લગ્ન વિશેની ચિંતા તમને કાયમ કોરી ખાય છે ને? તો આજે તમે અમારું કન્યાદાન કરી જ દ્યો.” રિદ્ધિએ મમ્મીનાં પગ પાસે બેસી જઈને હળવેકથી કહ્યું. “હા, મમ્મી – પપ્પા.” સિદ્ધિએ સાથ પૂરાવ્યો અને એ પણ પડખે બેસી ગઈ. “આ શું કહો છો બેય જણી?” મમ્મીને જાણે આ જે ઘટિત થઈ રહ્યું છે એનો આશ્વર્ય વ્યક્ત કરવો કે શા માટે કહી રહી છે એ જાણવા અધિરાઈ બતાવી.
“મમ્મી પપ્પા અમારા શોખનાં વિષયને અમે કારકિર્દી તરીકે પણ અપનાવી. અમે જે સંસ્થા સાથે જોડાંયા છીએ ત્યાં કેટલીય અપંગ બહેનો દીકરીઓ સાથે મારી કળા અને શોખને વહેંચીને આનંદ કરીએ છીએ.” રિદ્ધિએ કહ્યું. હા, અને અમે ક્યાં એકલાં છીએ? તમે છો જ ને? અને ઉલટાંનું જેઓ એકલાં જીવે છે અમે એમનો સધિયારો બનવા ઈચ્છીએ છીએ.” સિદ્ધીએ વાક્ય પૂરું કરતે રિદ્ધિનો હાથ પકડી લીધો. બંને એ પોતે એક સંસ્થા કે જ્યાં અપંગબાળાઓ અને અનાથબાળકોને પ્રશિક્ષણ અપાય છે ત્યાં સ્વેચ્છાએ સેવાયજ્ઞમાં સમર્પિત થઈ જઈને એમની હસ્તસિદ્ધ કળાઓને એક ઓપ આપવાનો નિર્ણય કહ્યો. તેઓ પાસે પગભર જીવવા માટે ધ્યેય અને કળા બંને છે. તેમને એમનાં ઘડપણની કરલચીનું કારણ નહિ પણ લાકડીનો ટેકો બનવું છે. આમ, અમૂલાં જીવનને માણવાને બદલે લગ્નવિષયક વિચારણાંમાં ડૂબ્યાં રહેશું તો કેમ ચાલે? યોગ્ય સમયે યોગ્ય પાત્ર મળશે તો ચોક્કસથી પરણી જવા વિચારીશું એવો વાયદો પણ કર્યો. પુખ્ત મનોબળ ધરાવતું કૌટૂંબિક સમજ ભરેલી કેટલીય ચર્ચા બંને દીકરીઓએ મુક્ત મને કરી.
મમ્મી પપ્પા ગર્વીત થઈને કશું કહે ત્યાં તો “મેરી લાડલી રે… ખમ્મા ઘણી…” ગીત એફ.એમ. પર ધીમા સ્વરે વાગી રહ્યું. રિદ્ધિએ મમ્મીનાં ખોળામાં માથું મૂકી દીધું અને સિદ્ધિએ પણ પપ્પાનાં ગોઠણ પર માથું ટેકવી દીધું.
