ખેતા લીમડો
ખેતા લીમડો
લીમડો ખેતા બાપાનો લીમડો. ને હવે ખેતો લીમડો. ખેતા બાપા એટલે મારા પરદાદા, તેમના વખતે અમારા ખેતરમાં વાયેલો આ લીમડો. અમારું ખેતર ગામની વચોવચ, લીંમડાના ઝાડ પાસેથી જ ગામનો રસ્તો જાય. એટલે ગામના મધ્યે હોવાથી બધા ખેતા બાપાના લીમડાનું ઠેકાણું આપે. આજથી પચાસ વર્ષ પહેલા ગૂગલમેપ હતાં નહીં . ખેતા બાપાના લીમડા પર કોઈને કોઈ વિશ્રામ કરતું, કોઇની રાહ જોતું, અન્ય કામથી કોઈ હોય. છેવટે કોઇના હોય તો ડોસલાઓનું પંચાત ઘર તો ત્યાં હોય જ. આ અમારો નહિ પણ આખાય ગામનો લીમડો. ફેલાયલો અને ફૂલાયેલો લીમડો.
મને બરાબર યાદ છે કે જ્યારે હું ચાર વર્ષનો હતો અને મને ઓણી માતા નીકળ્યા હતાં, ત્યારે મારા બા મારી પાસે લીમડાના પાન રાખયા હતાં જેથી હું જલદી સાજો થયો હતો. લીમડાના ઝાડની ડાળ પર હીંચકો બાંધી બધા મિત્ર જોડે રમતો. ફેલાયલો લીમડો હોવાથી તેના છાયડામાં ઉટલી-બેઠલી, સતોલિયા, લખોટી વગેરે રમતાં. આમ, 'ખેતા લીમડો' મારા જીવનનું અભિન્ન અંગ બનતું ગયું.
જેમ ઉમર વધી તેમ ભણતર વધ્યું. ઘણી વાર ઘેર મેહમાન આવતા તો બા કહેતા કે "જા આકાશ લીમડા નીચે ભણવા જાતો રે" માટે લીમડાની છાયામાં ભણતો. જાણે ખેતા લીમડો મારા શિક્ષક હોય તેમ હુ દરોજે ત્યા જઈ ભણતો. મારા પાડોશમાં રેહતી ધરતી પણ ત્યાંજ ભણવા આવતી. અમે બંને એક જ વર્ગમાં હતાં. માટે સાથે લીમડા નીચે ભણતાં અને રમતાં. આમ એક દિવસ લીમડા નીચે પ્રિત પણ કરતાં થઈ ગયા. અમારી લાગણી, પ્રેમ, નારાજગી, મસ્તી-મજાક દરેકનો સાક્ષી લીમડો બન્યો. આમ, આકાશ અને ધરતી એક બન્યા તેમાં લીમડાની મેહરબાની અપરમપાર છે. યાદ છે, હજી એ દિવસ જ્યારે મેં ઘરતી ને પ્રપોઝ કર્યું હતું. તેને કીધું કે "આકાશ હું પણ તને ખુબ ચાહું છું" જેનો સાક્ષી પણ આ લીમડો છે.
અમે આઠમાં ધોરણ માં આવ્યા. લોકો અને સમાજને લીધે મારું અને ધરતીનું મળવાનું ઓછું થાતું. લીમડાનું થળ ફૂલાયેલું હતું અને તેમાં એક ગોખલું હતું. હું અને ધરતી વાત કરવા પત્રો લખતાં. પત્ર અમે તે લીમડાના ગોખલા માં રાખતા. મારો પત્ર ધરતી લઈ જાતી અને હું તેનો. અમારા પ્રેમ જીવનને આ લીમડાના ગોખલા એ આજીવન રાખ્યો. બારમું ધોરણ પાસ કર્યા બાદ આગળ ભણવા શેહર જાવું પડ્યું. આમ, ચાર વર્ષ આ લીમડા એ અમારા માટે મોબાઈલ ટાવર જેવું કામ કર્યું. વેકેશન, રજા, કે વાર-તેહવારે હું ગામડે આવતો ત્યારે હું અને ઘરતી લીમડા નીચેજ મળતાં અને તેના મીઠા પવનમાં ખોવાઈ જાતા. જ્યા સુધી રહું ત્યા સુધી પેલા લીમડાના ગોખલાનો ઉપયોગ તો ખરોજ .
ડબલ ગ્રેજ્યુએટ બાદ શેહરમાં તરત નોકરી મળી ગઈ સાથે ધરવાળા મારી માટે છોકરી જોવા લાગ્યા. માટે તરત ગામડે જાઈને બા બાપુજીને શાંતિથી મારા અને ધરતીના પ્રેમ વિષે વાત કરી, થોડી આના કાની બાદ બધા સંમત થયા. તેવી જ રીતે ધરતીના માતા-પિતા સંમત થયા અને લગ્નની તારીખ અને સ્થળ નક્કી થયું. સ્થળ એટલે અમારુ ખેતા બાપાનુ ખેતર અને તેજ ખેતા લીમડો જે હવે મારા અને ઘરતીના સાત ફેરાનું સાક્ષી બન્યું. શહેરમાં નોકરી હોવાને લીધે અમે બંને શહેરમાં રહેતા. ક્યારેક ગામડે આવતા તો જરૂરથી ખેતા લીમડે જાતા.
આજથી સાત દિવસ પેહેલા જ રીટાયર્ડ થયો. હંમેશ માટે હું અને ધરતી ગામડે રેહવા આવ્યા. રોજ સવારે ખેતા લીમડાનું દાતણ લેવા અને ફરવા હુ અને ઘરતી જઈએ. જૂની યાદ તાજા કરીએ. ધરતી તો એમ જ કહે કે "આ ખેતા લીમડો નહી આપણા પ્રેમ નું પ્રતિક છે."
જ્યારે મારી માટે તો બીજું ઘર જ છે. કેમકે વિચારો જો આ ખેતા લીમડો ના હોત તો ? હું ક્યાં હોત ?

