જેવી કરણી તેવી ભરણી
જેવી કરણી તેવી ભરણી


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક ગામ હતું. તે ગામમાં એક માજી રહેતા હતા. તેમનું નામ જીવીમાં હતું. જીવીમાં સ્વભાવના ખુબ જ દયાળુ અને પરોપકારી હતી. તે હંમેશા જીવ-જંતુ, પશુ-પક્ષી અને જરૂરીયાતવાળા માણસોની સેવા કરતા હતા. આ જીવીમાં ભરયુવાનીમાં જ વિધવા થયા હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ રાજુ હતું.
જીવીમાં એ આકરી ગરીબીમાં પેટે પાટા બાંધીને રાજુને મોટો કર્યો હતો.
રાજુ પણ ખુબ જ ડાહ્યો અને સંસ્કારી છોકરો હતો. તે પણ પોતાની માનો પડ્યો બોલ ઝીલતો હતો. ધીમે ધીમે રાજુ મોટો થયો. એટલે એક સારું ઘર જોઇને રાજુનું સગપણ કરવામાં આવ્યું. થોડાક મહિના પછી લગ્ન પણ કરવામાં આવ્યા. રાજુના ઘરે વહુ આવવા લાગી. પણ આ રાજુની સાસુ ખુબ જ વસમી હતી. તે પોતાની દીકરી અને જમાઈ રાજુને તેની મા વિરુધ ચઢામણી કરતી હતી. તે પોતાની દીકરીને સમજાવતી કે આવી ઘરડી સાસુની સેવા અને ઘસરડા કોણ કરે. રાજુને કહે, ‘તેની માને જંગલમાં મૂકી આવે.
રાજુની વહુએ રાજુ સાથે ઝઘડો કર્યો. અને કહ્યું, ‘તમારી માને જંગલમાં મૂકી આવો, નહીતર હું મારે પિયર ચાલી જઈશ.’ રાજુનો જીવ માને જંગલમાં મુકવામાં ચાલતો ન હતો. પણ રાજુની મા રાજુ અને તેની વહુ વચ્ચેનો ઝઘડો સાંભળી ગઈ. એટલે તે જાતે જ જંગલમાં રહેવા ચાલી ગઈ. તે જંગલમાં એક ઝુપડું બનાવી રહેવા લાગી.
હવે એક વખત રાજુની મા જીવી ડોશી જંગલમાં ઝુપડામાં રહેતી હતી. ત્યાંથી એક બકરીવાળો નીકળ્યો. તેને ખુબ તરસ લાગી હતી. એટલે તે જીવીમાની ઝુપડીએ આવ્યો અને કહ્યું, ‘માજી થોડું પાણી પાશો ?’ જીવીમાએ ઠંડા માટલામાંથી ટોપરાના પાણી જેવું મીઠું પાણી પાયું. પાણી પીને બકરીવાળો ખુશ થઇ ગયો. તેણે જીવીમાને એક બકરી ભેટમાં આપી. થોડા દિવસ પછી ત્યાંથી એક ગાયવાળો નીકળ્યો. તેને ખુબ જ ભૂખ લાગી હતી. તે જીવીમાની ઝુપડી જોઈ ત્યાં આવ્યો. અને બોલ્યો, ‘માજી ખુબ જ ભૂખ લાગી છે, કઈ જમવાનું મળશે ? જીવીમાએ એ ગોવાળને ગરમા ગરમ રોટલો, ઘી અને ગોળ જમવા માટે આપ્યું. આવું ખાવાનું ખાઈ ગોવાળ તો ખુશ થઇ ગયો, અને જીવિમાને એક ગાય આપતો ગયો.
આમ કરતા કરતા જીવીમા તો પોતાની સેવાથી લોકોનું દિલ જીતતા ગયા. અને બધા પાસેથી કોઈને કોઈ ભેટ મેળવતા ગયા. એમ કરતા કરતા તો જીવીમા પાસે બકરી, ઘેટા, ઘોડા, ગાય, હાથી, ઊંટ અને ભેંસ આમ અનેક પ્રાણીઓ થઇ ગયા. અને જીવીમાં તો ધનવાન થઇ ગયા. આ વાતની ખબર રાજુને પડી. તેને પોતાની ભૂલ સમજાઈ. તે પોતાની મા જીવીમાને ઘરે પાછા લઇ આવ્યો. અને તેની વહુને કહ્યું કે જંગલમાં ઝુપડી બાંધીને રહેવાથી ઘણું ધન મળે છે. જો મારી મા તો ખુબ ધન કમાઈને આવી. તારી માને પણ ત્યાં રહેવા મોકલ.
રાજુની વહુમાં બહુ બુદ્ધિ ન હતી. તેને રાજુની વાત સાચી લાગી. અને પોતાની માને જઈને જંગલમાં મૂકી આવી. આમ રાજુની માને જંગલમાં મોકલનાર રાજુની સાસુને જ એક દિવસ જંગલમાં જવાનો વારો આવ્યો. એટલે જ તો કહેવાય છે. ‘જેવી કરની તેવી ભરણી.’