જેવા હતા તેવા જ રહી ગયા
જેવા હતા તેવા જ રહી ગયા
સવિતા : લીલાબેન કેટલા વર્ષોથી તમને જોઉ છું. પણ તમે તો 'જેવા હતા તેવા જ રહી ગયા.' ન જીમમાં જાઓ છો, ન નોકર રાખ્યા છે. ને તમારા બાળકો પણ ખુશામદ કરવાનું નથી જાણતા. નોકરીમાં ઉચ્ચ હોદ્દો મેળવવા માટે ઉપરી અધિકારીના થોડા વખાણ કરવા પડે હોં ! સમજાવો તમારા બાળકોને નહી તો ' જેવા છો તેવા જ રહી જશો' કહી દઉ છું હાં ! તમારા પરીવારને ક્યારે પણ મોજ મજા માણતો જોયો જ નથી. પોતાનો મોભો વધારવો હોય તો પાર્ટી આપતા રહેવાય લોકોને ખવડાવતા પીવડાવતા રહેવાય તો જ તમારા ઘરની વાહ ! વાહી ! થશે. સાચુ કહુ છું. માની જાવતો સારી વાત છે. નહી તો પાછા ' જેવા હતા તેવા જ રહી જશો. '
લીલા : સાવ સાચી વાત કરી સવિતાબેન તમે 'જેવા હતા તેવા જ રહી ગયા.' અમે જીમમાં ગયા વગર પણ ઘરકામ કરી કસરત કરી પૈસા અને સમયની બચત કરી લઈએ છીએ. જ્યારે હાથ પગ નહી ચાલે ત્યારે કામવાળા રાખી લઈશું. હું પરીવારમાં રહેવા વાળી મને તમારી જેટલી સમજ ક્યાંથી ! કે વખાણ કરાવવા ખવડાવું પીવડાવવું જોઈએ. અમે તો બધાને સ્વાદીષ્ટ , પૌષ્ટીક ને આનંદ આપે એવુ જાતે બનાવેલ ભોજન કરાવીએ હો ! હાં ! અમે ફરવા જઈએ ત્યાં સહપરીવાર ખુબજ મોજ મસ્તી કરીએ. જ્યાં જે કોઈને પણ મદદની જરુર હોય અમે કરી પણ દઈએ છીએ. એક વાત તો જણાવો ! તમે જે જે લોકોને પાર્ટી આપી તેમાંથી તમને કેટલાએ પાર્ટી આપી ? મારે બે પરીવાર છે અને બે ઘર. સાસરીનું અને પિયરનું. તમારે કેટલા મકાન ?
મને તમારી જેમ બે - બે કલાકે ઘરે ફોન કરી બાળકોની જાણકારી નથી લેવી પડી. કારણ મારા ઘરે મારા બાળકોનું ધ્યાન રાખવા સાસુ-સસરા , નણંદ, દેર-દેરાણી હતા. જેથી હું જ્યાં પણ ગઈ છું મને ચિંતા રહી નહી. મારા બાળકોનો સારો ઉછેર થયો અને પૈસાની બચત થઈ અને સાથો સાથ મને કોઈ પણ પ્રકારની ક્યારેય પણ ચિંતા રહી નહી.
મને રસોઈ બનાવવી ગમતી નથી ને મારી દેરાણીને બહારનું કામ જેવુ કે કચરા પોતા, વાસણ વગેરે. તો અમે કામ વહેંચી લીધું અને અમારુ ઘર સરસ ચાલવા લાગ્યું.
મે મારા સાસુ-સસરાથી મારા પતિને દુર નથી કર્યા કારણ મને મારા બાળકોથી દુર નથી રહેવુ. મારુ જોઈ મારા બાળકો શીખે ને, મે મારા સાસુ-સસરાની જગ્યા પર રહીને પણ વિચાર કર્યો. જેથી દુર ન કરી શકી.
મારા સાસુ જ્યારે બિમાર પડ્યા ત્યારે હું મારા સાસુ પાસે હોસ્પિટલમાં રહી. મારી દેરાણીએ ઘર સંભાળ્યું ને આમ પણ મારી દેવરાણી થોડી ઢીલી છે. જેથી હોસ્પિટલનું કામ મે સંભાળ્યું. તમને તકલીફ પડી હશે નહી ! તમારા પતિ બિમાર પડ્યા ત્યારે એકલા હાથે ઘર અને હોસ્પિટલનું કામ સંભાળ્યુ ! આમ તો તમે ખરા હિમ્મત વાળા હોં ! કોઈ તો મદદે આવ્યા હશે નહી ! જેમને પાર્ટી આપી હતી. પણ , એ બધા જ તબિયતના સમાચાર પુછી ચાલ્યા ગયા. કેમ કે તમે પણ તબિયતના સમાચાર પુછવા જ જાઓ છો ને. ઉપર છલ્લો દેખાવ કરવા. એ તો અમારા ઘરના જેવા હોય દયાળુ, નિ:સ્વાર્થી, સેવાભાવી એ જ મદદે આવે.
રહી વાત મારા બાળકોની પ્રગતિની તો એ મહેનત કરીને પ્રગતિ કરી લેશે. તેમને ઉપરીની ચાપલુસી કરવાની જરુર નથી. મારા બાળકો ખોટુ કરતા નથી. જેથી એ કોઈની નજરથી નીચે પડશે નહી કે ન કોઈનો વિશ્વાસ તોડશે.
સાચુ કહ્યું સવિતાબેન અમે " જેવા હતા તેવા જ રહી ગયા " એક પરીવાર અને તમારો પરીવાર વિખેરાઈ ગયો...
