THE VILLAGE BOY "ગોપાલ"

Inspirational Tragedy

4  

THE VILLAGE BOY "ગોપાલ"

Inspirational Tragedy

ગામને પાદર હવે ઇ ગામ નથી રયું

ગામને પાદર હવે ઇ ગામ નથી રયું

9 mins
14.8K


“ધરમરાજનો ઓતાર હતો ઓતાર ઇતો.”

“હા, બાપ નીકર એક કોરણનાં નીયાય સારું કોઈ સગા ભાણેજને ગામ બાર કરે ખરો? અને ઈ ય આં ઘોર કળજુગમાં?”

“બાપડો ધરમની ઓથે સાત-સાત પેઢીને તારતો ગ્યો.”

વાટાણાનાં મુખી જશુભાનાં મરણને આજે છ-છ વરસના વાણા વાયા છતાં ઝાલાવાડ પંથક હજી એને ભૂલી શક્યું નથી. ધરમની ઓથે વિતેલું એનું જીવન અને પંચની બેઠકે બેસીને એણે કરેલા ન્યાયની આવી આવી તો કઈ કેટલીય વાતો લોકમુખે રમે છે.

જશુભાના મરણથી દુનિયાને તો ફક્ત એક વિરલો ગુમાવ્યાનું જ દુઃખ હતું પણ વાટાણાને માથે તો બેવડો ઘા પડેલો, એક તો પ્રજાએ બાપ જેવા મુખીની છત્રછાંયા ગુમાવી અને બીજી બાજુ એમની ખાલી પડેલી જગ્યા. આવા સમયે ગામ માટે આશાનું એક જ કિરણ હતું જશુભાના સંસ્કારોનો વારસદાર એમનો એકનો એક દીકરો. હજી તો જવાનીમાં ફાંટ ફાંટ થાતા ત્રેવીસ વરસના ખીમભાને બાપના બારમાના દિવસે જ ગામના મુખી તરીકે નીમવામાં આવ્યો. આજે છ વરસથી ખીમભા વટાણાનું મુખીપદુ સંભાળે છે. શરૂઆતમાં તો એણે બાપના સગડ પકડેલા પણ સમય જાતા ખીમભાના વર્તાવમાં બદલાવ આવતો ગયો. બાપના વારસામાં મળેલી દોલત અને માન-મરતબાના ગુમાનમાં એ અવળી સંગતે ચડ્યો પણ ગામલોકો એને જવાનીનો રંગ જાણીને દરગુજર કરતા. આમ જ દિવસ અને રાતના પગલે ઋતુની કેડીઓ બદલાતો સમય ચાલ્યો જાય છે.

શિયાળાના દિવસો ચાલી રહ્યા છે. ગૌધુલીનું ટાણું છે. ગામને અડીને જ જાણે પાદરના ચરણ પખાળતી હોય એમ ખળખળ કરતી બ્રાહ્મણી વહી જાય છે. ક્ષિતિજની સોળમાં જવા તત્પર સુરજદેવતા પોતાના આછા-આછા કનકવર્ણા કિરણો બ્રાહ્મણીના નીર ઉપર ઢોળી રહ્યા છે. કાઠાં પર આવેલા શંકરના મંદિરમાંથી આવતા “ઓમ નમઃ શિવાય”ના નાદ નદીના મોજા હારે ભટકાઈને વાતાવરણને સંગીતમય બનાવી રહ્યા છે અને વર્ષોથી મંદિરને ઘેરીને ઉભેલો લીંબડો જાણે આં સંગીતમાં મગ્ન થઇ ગયો હોય એમ પવનની લહેરખીયો સાથે કાયાને ડોલાવી રહ્યો છે. વિભો રબારી આજે ધણ વાળવામાં મોડો પડ્યો હોય એમ ભેસુને “ઝટ હાલો, ઝટ હાલો”ના સાદ કરતો હોય એવા ડચકારા દેતો ચાલ્યો આવે છે. મંદિરનાં ઓટલે બેઠા બેઠા ઠઠ્ઠા-મશ્કરી કરતા જુવાનીયાની નજર ધણ ઉપર પડી. વચમાં બેઠેલો જુવાન મૂછોને લાડ લડાવતો હોય એમ એક હાથે મુછને વળ ચડાવતા બોલ્યો, “અલ્યા, જગા આં ચાંદરી કોની છ ?”

“ઈ તો તળશી ડોહાની રૂખી છ, બૌ ચાકરી રાખે છ ડોહો.”

“હા ઈતો દેખાય આવે છ, વીસેક હજાર તો આવે કેમ?”

“હોતું હયશે કઈ ? ઓછામાં ઓછા પચી હજારની ભેહ છ.”

“તે શું વિચાર છ?”

“ધરમના કામમાં કઈ ઢીલ કરાય છ ? એમ ય ડોહાનો વસ્તાર આજ પરગામ ગ્યો છ.” પૂછવા વાળો જવાન ગામના આગેવાન શનાભાઈનો દીકરો અને ખીમભાનો ગોઠિયો મંગળ. શનાભાઈ જશુભાના વખતથી જ પંચના સભ્ય. સદાય વાટાણા અને જશુભાના નામથી એમની છાતી ફુલાયેલી રહેતી. જિંદગીભર કોઈનું ખોટુ નહિ કરેલુ અને ખોટું થતા જોઈ શકે એવી એમની છાતી પણ નહિ. જશુભાના ગયા પછી શનાભાઈ જ પંચ ચલાવતા. ખીમભા મુખી ખરો પણ અનુભવની ઉણપના લીધે બધો આધાર શનાભાઈ ઉપર રહેતો. ગામલોકોને પણ શનાભાઈ ઉપર જશુભા જેટલો જ વિશ્વાસ અને જશુભા જેટલું જ ગામમાં એમનું માન. આ મંગળ એમનો જ દીકરો પણ દીવા વાસે અંધારું. દારૂ-પરમાટી, ચોરી બધા ધંધામાં માહેર. પોતાની ધાક જમાવવા ગામના ઢીલા-પોચા માણસોને રંજાડતો ફરે. બધા જાણે પણ કોઈ શનાભાઈ અને ખીમભાની બીકે તો કોઈ શરમના લીધે એને ટોકતું નહિ એટલે એને ફાવતું મળતું અને ગામમાં એનો ત્રાસ વધતો ગયો. એની અને જગાની બેલડી. બંનેને ચમચાઓ રાખવાનો શોખ એટલે નાના માણસોને દબાવીને કે નાની-મોટી ધાડ પાડીને સાંજ પડ્યે ભેળા બેસનારાને દારૂ પીવડાવે અને ચમચાગીરીનો આનંદ લુંટે. આં વખત એની નજર તળશી ડોસાની રૂખી ઉપર બગડી છે. ઘરે જતા જતા બંને જણાએ રાતે ધાડ પાડવાનું નક્કી કર્યું. બાજુના ગામે ડાયરામાં જવાના બહાને રાત પડતા પહેલા જ ઘરેથી વાળું કરીને બેઉ નીકળી ગયા.

અડધી રાતનો ગજર ભાંગ્યો છે. ચૌદશનો ચંદ્રમાં ધરતી પર ઉજાસ ઢાળી રહ્યો છે. આખું ગામ ટાઢને સલામ કરતું સોળ તાણીને સુતું છે. ચારે કોર સૂનકાર ફેલાયો છે. એવામાં ક્યારેક ક્યારેક ભસતા કૂતરાને લીધે શિયાળાની ભેંકાર રાત વધારે બિહામણી લાગે છે. એવે ટાણે બે બુકાનીધારી જવાનિયા હળવે અવાજે ગામના પછવાડે આવેલા વાડાની વાડના છીંડામાંથી જ બારોબાર ભગાડી જવાના વિચારે ભેંસને ખીલેથી છોડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પણ માલિકની સુવાસથી ટેવાયેલી ભેંસ જાણે અણસાર આવી ગયો હોય અને મદદ માટે પોકાર કરતી હોય એમ ભાંભરવા લાગી. આં સંભાળીને વાડાની બાજુની ઝુંપડીમાં સુતેલો તળશી ડોસો સફાળો બેઠો થઇ ગયો અને ખાટલાના ટેકે પડેલું આડુ લઈને સીધી વાડામાં દોટ મૂકી. ડોસાને વાડામાં આવતો જોઈ બંને જણ સાવધ થઇ ગયા. ડોસાએ આવતાની સાથે જ કઈ વિચાર્યા વગર આગળ ઉભેલા પર આડાનો ઘા કર્યો પણ ડોસો ઘા ચુકી ગયો અને બીજો ઘા કરવા જાય એટલામાં તો સામે વાળાની ડાંગે ડોસાનો વાસો ચૂમી લીધો. ડોસો ધરતી પર ઢળી પડ્યો. ઘા કરવા જાતા પેલા જવાનના મોઢા પરનું કપડું છૂટી ગયું. ડોસો ચાંદનીના આછા અજવાળામાં જગાને ઓળખી ગયો. આવરદાને કારણે ડોસો બીજી વખત ઉભો તો નાં થઇ શક્યો પણ પડ્યા પડ્યા રડમસ અવાજે બોલ્યો, “રેવાદે... જગા, મારી રૂખીને રેવાદે. બાપ, આવો અધમ રેવાદે.”

ડોસાની નજર સામે જ બંને જણ રૂખીને હાંકીને ચાલતા થયા.

બંને જણ અંધારી રાતમાં રૂખીને દોડાવતા ઉતાવળા પગલે ચાલ્યા જાય છે. ગામનો સીમાડો વટ્યા એટલે જગાએ મૌન તોડ્યું, “અલ્યા, મંગળીયા આતો જોવા જેવી થઇ. મારો સાળો ડોહો અંધારામાં ય મને ઓરખી ગ્યો.”

“તે એમાં શું છ ?” જાણે કઈ બન્યું જ નાં હોય એવી બેફિકરીથી મંગળે પૂછ્યું.

“શું, શું છ ? મહળકે ખીમભાનાં ઘીરે પુગશે અને મારી ભેરુ તારું ય નામ આલશે.”

“તું સવારની ચંત્યા છોડ, ઈ મારી માથે મેલી દે ને અતારે આને ઠેકાણે પાડ્ય.”

જગો મજાક ઉડાવતો હોય એમ બોલ્યો, ”ઠીક તારે એવું કરી.”

આં બાજુ ડોસાના ઘરમાં ભીડ જમા થઇ ગઈ છે. આડોશ-પાડોશમાં જેમ જેમ જાણ થતી જાય છે એમ એમ લોકો આવતા જાય છે. દરેક આવનારનો એક જ પ્રશ્ન, “શું થ્યું ડોહા ?” અને ડોસો આંખના આંસુ લૂછતો જવાબ વાળે “ઓલા નરાધમ મારી રૂખીને ઉપાડી ગ્યા” અને પાછો ચોધાર આંસુએ રડવા લાગે. આવનાર ડોસાની પરિસ્થિતિને જોઈને આગળ કઈ પુછવાનું માંડી વાળી ભીડની ચર્ચામાં જોડાઈ જતો.

ડોસીની જીવલેણ માંદગી અને ગરીબી વચ્ચે પણ ડોસાનો પરીવાર સંતોષની જિંદગી જીવતો હતો. દીકરા મનુની પરવરીશમાં બંને જણ જાણે બધું દુઃખ ભુલી જતા. પણ જ્યારે ડોસીએ પરધામ પ્યારું કર્યું ત્યારે ડોસો સાવ ભાંગી પડ્યો. આખો દિવસ મૂંગો મૂંગો ઘરમાં બેસી રહે અને દીકરો થાળીમાં જે પીરસે તે ખાઈ લે. મા જતા મનુના જીવાનમાંથી તો મા-બાપ બંનેનો પ્રેમ ઓસરી ગયો. એવા સમયે ગામના શેઠે ડોસા પર દયા ખાઈને આં રૂખી દાનમાં આપેલી. બાપ-દીકરાના નીરસ જીવનમાં રૂખી આવતા બંને એ પોતાના હૈયામાં ગૂંગળાઈ રહેલો બધો વ્હાલ એની ઉપર ઠાલવી દીધો. ડોસામાં જાણે નવો જીવ આવ્યો. રૂખીને નવડાવવામાં, નીર-પુરો કરવામાં, પાણી પીવડાવવામાં અને એની સાથે વાતો કરવામાં ડોસાના દિવસો વિતવા લાગ્યા. આમ પણ ડોસાને એકેય દીકરી નહીં એટલે રૂખી આવતા પોતાની એ ખોટ પુરાઈ ગઈ હોય એમ એની ચાકરી રાખતો. અને આજે એની નજર સામેથી જગો એની દીકરી રૂખીને ઉપાડી ગયો. એ દુઃખમાં ડોસાને ઘાની પીડા વિસરાઈ ગઈ. સવાર પડતા જ એ ખાટલામાંથી ઉભો થયો. પડોશમાં રહેતા જસાને બાજુના ગામમાં મનુને તેડવા મોકલ્યો અને પોતે પાંચ જણ લઈને ખીમભાનાં ઘરે ગયો.

ખીમભા આજે તો સવાર સવારમાં જ ડેલીએ ડાયરો કરીને બેઠા છે. સામેના ખાટલામાં જગો અને મંગળ બેઠા છે. એક બીજાને તાળીઓ દેતા ત્રણેય ઠઠ્ઠા-મશ્કરી કરે છે અને નીચે બેઠેલા ચાર-પાંચ જણ હસીને સુર પુરાવી રહ્યા છે. ડોસાને ઉતાવળથી ડેલીએ આવતો જોઈને ખીમભાએ આવકારો દીધો, “આવ ડોહા આવ,અતારમાં મુખીની ડેલીએ ?”

જગાને અને મંગળને જોઈને ડોસો ઘડીક તો અચકાણો પણ ખીમભા વાતથી અજાણ હશે એવા વિચારે હિંમત કરીને બોલ્યો, “નીયાય માગવા આયો સુ બાપ.”

“સેનો નીયાય ?” કઈ જાણતો ના હોય એમ ખીમભાએ આશ્ચર્યથી પૂછ્યું.

“મારી ઘીરે ધાડ પડી, મારી રૂખીને હાકી ગ્યા.” આટલું બોલતા ડોસાના ગળે ડૂમો બાજ્યો. આંખો વરસવા ઉતાવળી થઇ પણ ડોસાએ આંસુ ખાળ્યા.

ખીમભા થોડો કડક થઈને બોલ્યો “કોની હિંમત થઇ?”

“જશુભાના વાટાણામાં પરગમનો તો આવી હેમત શે કરે?” ડોસાએ જગા સામે જોઈને કાતર મારી.

“કૂંડાળાનો વાયળ ડોહા ફોડ પાડીને વાત કે.”

“બાપુ મે જગાને મારી નરી આંખે જોયો છ.”

આટલું સાંભળતા જ મંગળ ઉભો થઇ ગયો અને ગુસ્સાનો ડોળ કરતો હોય એમ ઉચા અવાજે બોલ્યો, “વચારીને શબદ ભણ ડોહા તારે તો આબરૂ નથ પણ અમારી કાં ગામ વચાળે કાઢ છ ?”

ખીમભા ઉભો થયો. મંગળને ખભે હાથ મૂકીને બેસવા ઈશારો કર્યો અને પરિસ્થિતિ સંભાળતો હોય એમ નરમાશથી બોલ્યો, “ડોહા, તારી ભૂલ થાતી હયશે, મંગળીયો અને જગો તો કાલ આખી રાત મારી ભેરા ડાયરામાં હતા.”

ડોસાના પગ નીચેથી જમીન ખસી ગઈ. આખી વાતનો ભેદ એને સમજાઈ ગયો. ઘડીવાર તો એને સગા કાન ઉપર શક થયો પણ હકીકતને સ્વીકારવી રહી. ખીમભા ઉપર જશુભાની આબરૂની દયા ખાતો હોય એવી નજર નાખીને ડોસો ત્યાંથી ઉતાવળે પગલે નીકળી ગયો.ઘરે આવીને ડોસાએ થાંભલીનાં ટેકે મન ભરીને રડી લીધું.

સાંજ પડ્યે જસો મનુને લઈને ઘરે પહોચ્યો.ડોસો થાંભલીનાં ટેકે સૂન મૂન બેઠો છે.દીકરાને જોતા ફરીથી એનું હૈયું ભરાઈ આવ્યું.બાથે વળગીને પાછી પોક મૂકી.બંને જણાએ ડોસાને છાનો રાખી ખાટલા પર સુવડાવ્યો.મનુએ પડી ગયેલું કેળીયુ ખભા પર નાખ્યું અને બારણા પાછળ પડેલી ડાંગ હાથમાં લીધી ત્યાં પાછળથી અવાજ આવ્યો, “ક્યાં જાય છ?”

“પાદરે પંચની બેઠક બોલાવા” અને એ બારણું વટાવી ગયો.

ડોસાએ અને જસાએ મનુને રોકવા પાછળ દોટ મૂકી.માથા પર દેતવા મૂકીને નીકળેલો મનુ ભરબજારે લાકડીને પછાડતો રણે ચડેલા શૂરવીરની જેમ ચાલ્યો જાય છે.દીકરાનું આવું રૂપ જોઈને ડોસો ગભરાઈ ગયો.જાણે ચક્રવ્યૂ ભેદવા જાતા અભિમન્યુને રોકતો હોય એમ પાછળથી હાથ લાંબા કરી કરીને ડોસો દિન અવાજે દીકરાને સમજાવે છે કે

"મેલ ઇ વાતને, ભૂલી જા મારો બાપ.હવે એનો કંઈ અરથ નથી."

અડધું ગામ આ દ્રશ્ય જોઈને શું બન્યું હશે? એવા અચંબા સાથે સાચી-ખોટી વાતું કરતું પાછળ ચાલ્યું. પણ મનુને જાણે આજુબાજુની દુનિયાનું કાંઈ ભાન નથી રહ્યું. એનું મન એક જ રટ લઈને બેઠું છે, "કોની હેમત થૈ કે પંચની બીક મેલીને ધાડ પાડી? અને ઈ ય જશુભાના વાટાણામાં !"

પાદરમાં શનાભાઈ સાથે પંચના બે-ત્રણ જણ અને બીજા ડોસલાઓ ઓટા ઉપર એક-બીજાને વીંટળાઈને બેઠા છે. આ શનાભાઈની રોજની બેઠક. સાંજ પડ્યે નવરા થઈ ગામના ડોસલાઓ પાદરના ઓટે બેઠક જમાવે અને આખા દિવસ દરમિયાંનની નવા-જૂનીનો બધો હિસાબ શનાભાઈને આપે. આજે તળશી ડોસાની ભેંસ ચોરાઈ એની જ વાતો ચાલી રહી હતી. એટલામાં મનુ સામેથી આવતો દેખાયો. પાછળ તળશી ડોસો હાંફતો-હાંફતો કેળીએથી પરસેવો લૂછતો દીકરાને આંબવા મથતો હોય એમ ઝડપભેર ચાલ્યો આવે છે. મનુએ આવીને દેકારો કરી મૂક્યો. મંગળ અને જગાની સાથે-સાથે શનાભાઈ વિશે પણ ખરી ખોટી કહેવા લાગ્યો. શનાભાઈ પીઢ માણસ. એણે ઉકાળા મારતા જવાન લોહીને નજરઅંદાજ કરી દીકરાને અહીં સુધી આવતા રોકી નહિ શકવાના દુઃખમાં આંખોથી જમીન ખોતરતા ડોસા સામે જોયું. ડોસાની આંખોમાં દયા માટેની આશા હતી. શનાભાઈ સહહૃદયી અને ભલા માણસ. એમણે મનુને શાંત પાડી ડોસાને પોતાની પાસે બેસાડ્યો. તાત્કાલીક પંચની બેઠક બોલાવવામાં આવી.

આજે ઘણા વર્ષો પછી ફરી પાછો એ જ માહોલ રચાયો. ઓટા ઉપર આસન પાથરીને બેઠેલા પંચો. એમની વચ્ચે જશુભાનું પદ શોભાવતો એમનો દીકરો અને ગામનો મુખી ખીમભા મૂછોને રમાડતો પગ ઉપર પગ ચડાવીને બેઠો છે. સામે એક બાજુ મંગળ અને જગો બંને ઉભા છે અને બીજી બાજુ ડોસો અને મનુ. અને બધાને ઘેરીને પરિણામની અટકળો લગાવતું ગામ બેઠું છે.

શનાભાઈ ઉભા થયા. ડોસાને આગળ બોલાવ્યો અને હકીકત કહેવા કહ્યું. ડોસો અતથી ઇતિ સુધીની સઘળી કહાની કહેવા લાગ્યો. ડોસાની જીભે પોતાનું નામ આવતા જગાએ વચ્ચે ડબકુ પૂર્યુંં.

"પણ શનાકાકા હું ને મંગળિયો તો ગઈ રાત ખીમભા ભેરા ડાયરામાં હતા."

શનાભાઈએ હાથના ઇશારાથી જ જગાને ચૂપ કર્યો. ડોસાએ વાતને આગળ ચલાવી. પૂરી વાત સાંભળ્યા પછી શનાભાઈએ ખીમભા સામું જોયું. ખીમભા ચૂપ રહ્યો પણ એની આંખો આડકતરી રીતે જગાની વાતને સંમતિ આપતી હતી. શનાભાઈને ખીમભાની ચુપી ખૂંચી.

"ખીમભા, આ ટાણે તમે ચૂપ રિયો એ સારું નથ, જબાની ટાણે ગામના મુખીનું જ મોઢું સિવાય જાય !"

શનાભાઈ જાણે ખીમભાના મૌનનું કારણ સમજી ગયા હોય એમ વાગબાણ મારવાનું ચાલુ રાખ્યું.

"તમારી ચુપી જશુભાની આબરુએ આવીને ઉભી રે'શે ઇ તો જાણો છો ને તમે?" પણ શનાભાઈના એક પણ શબ્દની અસર ખીમભાને થઈ નહીં.

"જગાએ કીધું તો ખરા કે એ રાતે બેય મારી ભેરા ડાયરામાં હતા વાત પતી."

ખીમભાની આ બેફિકરી ભાષાને સમજતા શનાભાઈને વાર ના લાગી. પોતાના દીકરા અને જગાએ મળીને રચેલી માયાજાળને પામી ગયા. મંગળને તો તેઓ ઓળખતા જ હતા. એની ઘણી બધી રાવ એમણે ગામ લોકોના મુખે સાંભળેલી. પણ કોઈ મંગળ વિરુદ્ધ જતું નહીં અને મંગળ એમના માન્યામાં નહોતો એટલે એમની પાસે પોતાનો જ દીકરો આવો અધર્મી પાક્યો એવો અફસોસ કર્યા સિવાય બીજો માર્ગ હતો નહીં. પણ આજે સમય હતો એને કુમાર્ગેથી વાળવાનો અને જશુભા ગયા પણ વાટાણામાંથી એમનો ન્યાય નથી ગયો એ વાતને મહોર લગાડવાનો.પણ જશુભાનું લોહી જ આજે અન્યાયને તાબે થયું. એમનાથી આ વાત કેમ હજમ થાય? એમનું શરીર ગુસ્સામાં ધ્રુજવા લાગ્યું. આંખો લાલ થઈ ગઈ. અચાનક જ મોઢામાંથી ત્રાડ નીકળી ગઈ, "ખીમભા...."

પાદરમાં જાણે સોંપો પડી ગયો.બધાની નજર શનાભાઈ ઉપર ખેંચાઈ. ઢીલા-પોચા હૃદયવાળાનો તો ઘડી બે ઘડી શ્વાસ થંભી ગયો. ખીમભા તો ગભરાહટના માર્યો જગ્યા પર જ ઉભો થઇ ગયો. શનાભાઈએ બીજી ત્રાડ નાખી.

"ખીમભા તું આ શું..." એટલામાં જ તળશી ડોસાએ બાથ ભીડી લીધી.

"રે'વાદો બાપ રે'વાદો. મુઈ મારી રૂખી. મેં તો નઈ નાયખું એના નામનું. મારે નથી જોતો નીયાય."

એટલું બોલતા તો ગળામાં ડૂમો બાઝી ગયો. ડોસો થોડોક અચકાયો. એક ઊંડો શ્વાસ લીધો. અવાજ ધીમો પડી ગયો. ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. કોઈ ભેદી વાત કહેતો હોય એમ ગામ સામે મોઢું કરીને બોલ્યો.

"હવે આ જશુભાનું વાટાણા નથી. હવે આ ઇ વાટાણા નથી. એ તો ગ્યું જશુભા ભેરુ. ગામને પાદર હવે ઇ ગામ નથી રયું"

વાતાવરણમાં સુનકાર છવાઈ ગયો. આખું ય ગામ જાણે ડોસાની વાતને સંમતિ આપતું હોય એમ વિલા મોઢે ડોસાની સામે મીટ માંડી રહ્યું. શનાભાઇની આંખેથી જાણે હયાતીનો અફસોસ ટપકવા લાગ્યો. અને આ નીરવ શાંતિમાં એક જ વાક્ય સતત પડઘાતુ રહ્યું,

"ગામને પાદર હવે ઇ ગામ નથી રયું..."


Rate this content
Log in

More gujarati story from THE VILLAGE BOY "ગોપાલ"

Similar gujarati story from Inspirational