એંજલ !
એંજલ !
'ધ મોર્નીગ ન્યુઝ ઓફ ડલાસ'
અમેરિકાના પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરના બે નંબરના પેજ પર આવતી. કોલમમાં ટીન એજના પ્રશ્નો વાંચવાનો આદિત્યને શોખ હતો. શોખ ક્યાંય જરૂરિયાત હતી. ઈરા હવે થર્ટીનની બોર્ડર પર હતી. સીંગલ ફાધર તરીકે જીવવાનું આટલું અઘરું હશે તેનો તેને ખ્યાલ જ ન હતો !
‘આદિ, લેટ અસ બી સેપરેટ.’ આદિત્યના લાખ વખત સમજાવ્યા પછી પણ અનુશ્રી તેની સાથે રહેવા તૈયાર ન હતી. ઈરા, ત્યારે માત્ર ૬ વર્ષની હતી.
‘આઈ કાન્ટ બેર યુ મોર, આઈ ડોન્ટ વોન્ટ યોર ચાઈલ્ડ ઓલ્સો, આઈ વોન્ટ ટુ લીવ માય લાઈફ એટ ઈસ્ટ ફુલેસ્ટ.’ પશ્રિમની હવામાં ઉછરેલી અનુશ્રી, સાપ કાંચળી ઉતારે એટલી સહજતાથી, તેની જિંદગી ખાલી કરીને ચાલી ગઈ. ઈરાની ભોળી આંખોમાં પોતાનું ભવિષ્ય આંજીને, આદિત્યએ તેને છ વર્ષથી બાર વર્ષ સુધી તો પહોંચાડી દીધી હતી. પણ હવેનો રસ્તો ચઢાણવાળો હતો !
“ડેડી, હું મારી ફ્રેન્ડની સાથે મુવીમાં જાઉં ?” સમાચાર, ચાઈલ્ડ એલ્યુઝ, મોલેસ્ટેશન ઓફ ગર્લ્સ વગેરે વગેરેની વાતો કરતાં રહેતાં. આદિત્ય ખૂબજ મુંઝાતો રહેતો. કાશ પોતે એક સ્ત્રી હોત ! આદિત્ય વિચારતો હતો એ પોતાની દીકરીને છૂટથી પુરુષો વિશે, તેમની જાતિઓ વિશે કહી શકત. કેવી રીતે એ એને સમજાવે ? "બેટા, નજર ઓળખતાં શીખજે. ગમે તેની પર ભરોસો ના કરીશ." આદિત્ય એક પુરુષ થઈને પુરુષની ખામીઓ, પોતાની ટીનએજર દીકરીને કેવી રીતે સમજાવે ? તેની કેટલીય રાતો, હમણાં હમણાંથી આ જ વિચારથી વધુ ને વધુ લાંબી થઈ જતી !
“ડેડી, આઈ વોન્ટ ટુ ગો ફોર નાઈટ આઉટ.” ઈરા પણ બીજી ફ્રેન્ડની જેમ કરવા માગતી. સીંગલ ફાધર તરીકે તે તેનો બેસ્ટ ફ્રેન્ડ બની શક્યો હતો. બંન્ને એકબીજા સાથે ખૂબ નિખાલસતાથી વાત કરતાં. પણ હવેના આ ચાર વર્ષો કેવા જશે ?
આદિત્યએ પોતાના સ્ત્રી મિત્રો, બહેન બધાંની સલાહ લેવાનો પ્રયત્ન કર્યો, પણ આ માટે કોઈ પાસે સમય જ ન હતો.
તે સતત ને સતત તણાવમાં રહેવા લાગ્યો હતો. તેની ઉંમર જાણે અચાનક ચાર વર્ષ વધી ગઈ હતી. તેણે ન્યુઝ પેપરની કોલમમાં આ પ્રશ્ન પૂછ્યો પણ તેને સંતોષકારક પ્રત્યુતર ન મળ્યો.
“ડેડ, આઈ વીલ નોટ ગો આઉટ વિથ શ્યામ.”
“કેમ બેટા તે તો તારો ક્લાસમેટ છે ને !”
“હા ડેડ, પણ મને હવે તે નથી ગમતો.”
નિરાલી, ઈરાની બેસ્ટ ફ્રેન્ડ ઘરે રહેવા આવી હતી. બંન્ને ખૂબ ખુશ હતા, કિચનમાં નવી વાનગી બનાવતા બનાવતાં વાતો કરતાં હતાં.
“મારી પેલી વોટ્સઅપની ફ્રેન્ડ છે ને એંજલ ! એણે મને એક નવી રેસીપી શિખવી છે.”
“શી ઈઝ ટુ કુલ, એણે જ મને છોકરાઓની બદનામીથી કેવી રીતે ચેતવું ? તેની સલાહ આપી.” ઈરા ઉત્સાહમાં હતી.
“મારે પણ તેની ફ્રેંન્ડ બનવું છે ! ઈરા.”
“ચાલ, તું પણ એડ થઈ જા, આપણે એક ગ્રુપ બનાવીએ વોટ્સઅપમાં, હું એંજલને રીક્વેસ્ટ કરી દઉં.”
અને આદિત્યએ નિરાલીને પણ ફ્રેંન્ડ બનાવી દીધી! વોટ્સઅપનું ગ્રુપ ધમધમવા લાગ્યું !
