દીકરી અને દરિયો
દીકરી અને દરિયો
થોડા મહિનાઓ પહેલાની વાત છે.
હું ને મારી બહેનપણી હોટલમાં જમવા આવ્યા હતાં.
હોટલમાં ખુબજ ભીડ હતી અમે વેટિંગમાં બહાર બેઠા હતાં.
મારી બહેનપણી વિદ્યા ખૂબ જ ચિંતિત દેખાઈ રહી હતી. મેં એને કહ્યું શું થયું થોડી મૂંઝવણમાં લાગે છે.
વિદ્યા થોડીવાર પછી બોલી. એણે કહ્યું કે પ્રાચી મારા લગ્ન નક્કી થવાના છે.
મેં કહ્યું હસી ને,અરે આતો આનંદની વાત છે.
એમાં શું ચિંતા વળી.. વિદ્યા એ ભારે અવાજે કહ્યું આ મારા અસ્તિત્વનો સવાલ છે.
હું થોડી સ્તબ્ધ થઈ ને વિચારમાં પડી કે એમાં વળી શું અસ્તિત્વનો સવાલ હોય. લગ્ન દરેક છોકરીને કરવાના જ હોય ને.
વિદ્યાએ કહ્યું તને નહીં સમજાય પ્રાચી તારા લગ્ન થઈ ગયા છે અને તારી પરિસ્થિતિઓ જુદી જ હતી.
મારે પારકી થાપણ નથી બનવું. મારું અસ્તિત્વ મારા માતા પિતા અને મારા થકી જ છે.
અમારો વારો આવી ગયો, હું અને વિદ્યા જમવા બેઠા. જમતી વેળાએ મારા મનમાં સેંકડો સવાલ ફરી રહ્યા હતાં. જમીને અમે બગીચામાં ચાલવા જવાના હતાં,પણ મેં વિદ્યા ને કહ્યું ચાલ દરિયા કિનારે જઈએ.
તે તરત માની ગઈ. અમે રેતી પર બેઠા. મેં વિદ્યાને પૂછ્યું વિદ્યા આ રેતી દરિયાની છે કે દરિયો રેતીનો છે ?
વિદ્યા હસી ને બોલી દરિયો તો પાણીનો છે. પણ રેતી દરિયાની જ છે. મેં હસીને કહ્યું તો પછી અહીં પારકું કોણ છે ? પાણી રેતી કે દરિયો.
મારી વાત સાંભળ વિદ્યા દરેક છોકરીનું જીવન આ દરિયા જેવું જ હોય છે.
તે પાણી થકી દરિયો કહેવાય છે.
જીવનના કડવા સત્યો સ્ત્રી સહજતાથી પચાવી શકે છે. એટલે જ એનું જીવન દરિયા જેટલું વિશાળ હોવાની સાથે ખારા અનુભવોથી ભરેલું હોય છે.
પણ દરેક સ્ત્રી મહાન છે આ દરિયા જેવી પણ વિદ્યા તે પારકી નથી.
દરિયાનું આગવું અસ્તિત્વ છે. છોકરી તેના માતા પિતાની તો છેજ પણ લગ્ન બાદ તેની જવાબદારી બમણી થઈ જાય છે. તેના સાસુ સસરા અને પતિ સાથે નો સંબંધ તેને મજબૂત બનાવવા નો હોય છે.
તો અહી સ્ત્રી એ દરિયો છે. એના બે કિનારાએ એનું પિયર અને સાસરું છે.
સ્ત્રીના અનુભવો એ એનું ખારું પાણી છે. પણ એની સમજણ અને પ્રતિભા એ જ એનું સૌન્દર્ય છે. જે રેતી અને ઉછળતા મોજાઓ છે.
સ્ત્રીના જીવનમાં ભરતી અને ઓટ આવ્યા જ કરે છે. દીકરી પારકી થાપણ નથી પણ લક્ષ્મી સ્વરૂપા છે.
પારકી વસ્તુ હોય શકે મનુષ્ય નહીં. અને એમાં તો ખાસ દીકરીઓ તો બિલકુલ નહીં.
