Appar Ami joshi

Inspirational

3  

Appar Ami joshi

Inspirational

દેશના ભાવિ પર  કોણ હાવી ?

દેશના ભાવિ પર  કોણ હાવી ?

3 mins
14.9K


સંસારનો નિયમ છે કે કોઈપણ ઘટના બને એટલે લોકો એકબીજાના માથે દોષના પોટલાં ઠાલવવા નીકળી પડે. એમાં પોતાના દોષનું પોટલું કોઈ જોઈ શકતું નથી અથવા કહો કે જોવા ઇચ્છતું નથી.

આજકાલ સમાચારમાં આત્મહત્યાનાં સમાચાર વધતા જાય છે. આને એકવીસમી સદીનો વિકાસ કેમ ગણવો ? શા માટે આત્મહત્યા ? દરેક વ્યક્તિએ પોતાના જીવનમાંથી આ "સુસાઈડ"ના વિચારને "સાઈડ"માં જ રાખવો જોઈએ. એની જરૂર કુદરતે આપેલ આ અનમોલ મનુષ્ય દેહમાં છે જ નહીં... દેશનું ભાવિ એટલે યુવાપેઢી, વિદ્યાર્થીઓ, ત્યારબાદ ઉંમરના અનેક પડાવ, જીવતા વ્યક્તિઓ ખેડૂતો, ગૃહણીઓ, મોંઘવારીથી ત્રસ્ત આમ આદમી આવા અનેક લોકો દુઃખ પડ્યું નથી કે આત્મહત્યાનો હલકો વિચાર કર્યો નથી, પણ આ હલકો વિચાર શા માટે દોસ્ત !

સુખ દુઃખ તો જીવનની કહાની છે. દુઃખ પડશે તો જ સુખની કિંમત થશે. અરે કુંતીને યાદ કરો કે જેણે ઈશ્વર પાસે સામેથી દુઃખની યાચના કરી હતી કે જેથી એને ઈશ્વરનું સ્મરણ ક્યારેય ન ભુલાય. જીવનમાં તકલીફ આવે... દુઃખ આવે.. ત્યારે એમ માનવું જોઈએ કે આ સંસારની મોહમાયામાંથી એક કદમ દૂર કરાવી ઈશ્વરે એક કદમ પોતાની પાસે આપણને બોલાવ્યાં. નરસિંહને યાદ કરો પોતાની પત્નીનાં મૃત્યુ સમયે પણ સ્થિર મન રાખી કહેલું કે,

"ભલું થયું ભાંગી જંજાળ  સુખે ભજશું શ્રીગોપાલ"

હું ના નથી પાડતી, દુઃખ આવે ત્યારે બેશક એક ક્ષણ હિંમત ડગમગે, માણસ મનથી હારે પણ એનો અર્થ એવો નથી કે જીવનને આત્મહત્યામાં હોમી દેવું. બીજી જ ક્ષણે સ્વસ્થ થઈ એમાંથી બહાર નીકળવાનાં રસ્તા શોધવા જોઈએ. માણસ પોતાની જાતને સામાન્ય ગણે છે પણ એક વાત ભૂલી જાય છે કે એની અંદર રહેલો આત્મા તે સ્વયં પરમાત્મા છે.

અત્યારના સમયમાં કોઈને પણ કઈ બે શબ્દો સાચા કે સારા કહેવા જાવ એટલે તરત જ મોઢું તોડી લે કે આ તો બધી વાતો છે જ્યારે પોતાના પર વીતે ત્યારે જ ખબર પડે.

પણ, દોસ્ત..! તમને સલાહ આપનાર પણ માણસ જ છે એણે પણ આવા સમયના દુઃખના "ઘા" સહન કરેલા હોય જ છે. દિલથી અનુભવથી નીકળેલા શબ્દો જ બીજાના દિલ સુધી પહોંચતા હોય છે. મનથી હિંમત હારી આત્મહત્યાનો રસ્તો અપનાવનારા માટે, આવા નબળા વિચારો મનમાં લાવનારા માટે મારે એટલું જ કહેવું છે કે આવા વિચાર આવે ત્યારે સૌ પહેલા તો બે-ત્રણ ગ્લાસ પાણી પીવો, જે જગ્યાએ આ મનોસ્થિતિનું સર્જન થયું છે તે છોડી કોઈ મંદિર કે શાંત પવિત્ર જગ્યાએ થોડી વાર માટે ચાલ્યા જાઓ. આત્મહત્યા, ગુસ્સો આ બધા આવેગો ક્ષણભર જ હોય છે. એક પળને તમારા પર હાવી ન બનવા દો. મનના રાજા બનો ગુલામ નહિ.

અત્યારના સમયના લોકોને બધું ઝડપી જોઈએ. લાબું લચ કોઈને ગમતું નથી શોર્ટ અને સ્વીટ પસંદ કરનારાઓ વધ્યા છે અને આ ઝડપી આધુનિક યુગમાં એ યથાયોગ્ય જ છે. સાચું અને સારું જ છે. એટલે મારૂં કહેવું એટલું જ છે કે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેલું છે - મનુષ્ય અવતાર ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થયા બાદ મળે છે તો આ ક્ષણિક ગુસ્સો એમાં આત્મહત્યા કે બીજું કોઈ આડું પગલું ભરીને આ માનવ અવતારને શા માટે વ્યર્થ જવા દેવો. ફરી પાછા કૂતરા, વાંદરા, બિલાડા કે કોઈ પણ ચોર્યાસી યોનિમાંથી શીદને પસાર થવું ? એના કરતાં સહેલું એ છે કે, જે કઈ તકલીફ, દુઃખ, કષ્ટ પડે તે આ માનવ અવતારમાં જ ભોગવી મોક્ષને પામીએ.

રણકો.. અપારનો...

શિદને હાર માની જગ છોડીએ માનવ

દુઃખને હરાવી , જીત મનાવીએ માનવ,

લડી જ લેશું છેલ્લાં શ્વાસ સુધી..

છે "અપાર" વિશ્વાસ ખુદ પર હે માનવ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational