Appar Ami joshi

Others

3  

Appar Ami joshi

Others

મૃત્યુ, એ તો અલૌકિક ઉત્સવ જ

મૃત્યુ, એ તો અલૌકિક ઉત્સવ જ

6 mins
14.5K


ઈશ્વરે મનુષ્યમાં એક જોરદાર તંતુ મુકેલો હોય તો તે છે લાગણીનો. વસ્તુ હોય કે વ્યક્તિ હોય, સજીવ હોય કે નિર્જીવ કે પશુ-પ્રાણી.માનવી તેના માટે લાગણીથી બંધાયા વગર રહી જ નથી શકતું અને હોવું જ જોઈએ. પ્રેમ થકી તો જીવન છે પણ દોસ્ત ! યાદ રાખજો હો. માયામાં નથી બંધાવાનું. મિલન અને વિરહ એક સિક્કાની બે બાજુ જેવા છે. ખૂબ જ સનાતન સત્ય છે કે જે વ્યક્તિ કે વસ્તુનું મિલન હોય તેનું એકવાર વિરહ હોવાનો જ. આ વાત બધા જાણે છે છતાં વિરહમાં દિલ દુઃખી થઈ જાય કારણ એકમાત્ર "લાગણી" નાં તાર.

મનગમતા મહેમાન ઘરે આવ્યાં હોય અને પાછા જાય અથવા તો કોઈ ગમતી વસ્તુ તૂટી જાય તો તે બન્ને વિરહમાં પણ આપણને દુઃખ થઈ આવે છે તો તો સ્વાભાવિક જ છે કે જ્યારે પ્રિયજન, સ્વજન કે પરીચિત વ્યક્તિની જ્યારે ચિરવિદાયની ક્ષણ આવે ત્યારે ભલભલા કઠોર વ્યક્તિ, મજબૂત વ્યક્તિ, પ્રેક્ટિલ વ્યક્તિનાં જીવનમાં દિલ-દિમાગમાં વિનાશક ભૂકંપ આવ્યા જેવી સ્થિતિ સર્જાય જે સ્વાભાવિક છે. માનવસહજ આવી પરિસ્થિતિ થાય અને થવી જ જોઈએ. એ પણ એક શારીરિક માનસિક સ્વસ્થતા માટે જરૂરી છે. પરંતુ મારે જે વાત કરવી છે તે છે મારા મૃત્યુ વિશેનાં વિચારો. જે આપની સાથે શેર કરવા છે. તેમાં મુખ્ય વાત એ જ છે કે દુઃખી થાઓ તે સહજ છે પરંતું કોઈપણ એવા મોટા દુઃખમાં ગરકાવ થઈ જવું તેમાં જીવનને જીવવાનું અટકાવી દેવું, સતત ઉદાસ રહેવું તેમાંથી બહાર ન જ નીકળી શકવું. એ બધી અયોગ્ય વાતો છે.

અત્યારના સમયમાં કોઈના સારા માટે બે શબ્દ કહો એટલે તરત સામે જવાબ આવે "એ તો તમે સહન કરો, તમારી પર વીતશે ત્યારે તમને ખબર પડે." આજે મૃત્યુ માટે જે કંઈ પણ લખું છું તેની વેદના મેં સહન કરી લીધી છે એમાંથી પસાર થઈ ચૂકેલી છું અને મારા વિચારો મુજબ મારા વર્તન સાથેનું અનુકરણ ઈશ્વર કૃપાથી હું કરી શકી છું. મૃત્યુને જોવાની સમજવાની એક નવી દિશા આપવાની ઈચ્છા સહ આ લખાણ લખાઈ રહ્યું છે.

જે રીતે જન્મ થવો એ આનંદ ઉત્સવની વાત છે કે એક જીવ અનેક સંબંધોને મળશે. નવી દુનિયામાં આવશે માણશે જીવશે એ જ રીતે 'મૃત્યુ' પણ ઉત્સવ છે. તેના આગમનથી જીવનો પરમાત્મા સાથે મિલનનો અવસર પ્રાપ્ત થતો હોય છે. જન્મ લઈએ ત્યારથી સમજણ શક્તિ વધતા આપણી સારી લાઈફ સ્ટાઇલ માટે આપણે ઘણું બધું ભેગુ કરવા લાગીએ છીએ તો સાથેસાથે આપણા મૃત્યુને સુધારવા, સહજ સ્વીકારવા પણ આપણે પૂર્વ તૈયારીઓ કરવી જ જોઈએ. દરેકનું મૃત્યુ નિશ્ચિત હોય છે પણ ક્યારે આવશે તે વાત આપણા માટે અનિશ્ચિત હોય છે એટલે જીવનમાં મળેલી દરેક પળને એવી રીતે જીવો કે મોજમાં રહીએ અને મોજમાં રાખીએ. કોણ ક્યારે ઊપરની ટિકિટ લઈને ઉપડી જશે એ લેનારને પણ ઘણી વાર ખબર નથી હોતી. મૃત્યુથી ડરવાનું નથી તે તો ખુબસુરત છે જ્યારે આવે સહર્ષ સ્વીકારવા તૈયાર રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરવી. 

મૃત્યુમાં પણ કર્મના સિદ્ધાંત લાગુ પડતા હોય છે કર્મને આધારે મૃત્યુ થતું હોય છે અને તેને આધારે મૃત્યુને અલગ અલગ નામ સાથે આપણે સંબોધતા હોઈએ છીએ. વર્ષોથી બીમાર હોય, રિબાતા હોય તે જો મૃત્યુ પામે તો જીવ છૂટી ગયો તેની પાછળ દુઃખ ઓછું થાય. ઈશ્વર ભક્તિમાં લીન હોય તેવા ભક્ત માટે તો મૃત્યુ એ મુક્તિ બની જાય છે. દેશની રક્ષા કરવા માટે જે વ્યક્તિઓ મૃત્યુના શરણે જાય તો તેને શહીદ કે વિરગતિથી નવાજવામાં આવે છે અને અચાનક જ સાજાનરવા માનવીને કંઈક થઈ જાય અથવા અકસ્માતનો ભોગ બની જાય તો તેને 'કમોતે' તેવું નામ આપી સ્વજનો દુઃખ દરિયામાં ડૂબી જતાં હોય છે. ઘણી વાર તો એટલી નાની વયના મૃત્યુ પામે ત્યારે વડીલો સહજ વિચાર આવી જાય કે એના કરતાં તો આપણે મરી ગયા હોત તો સારૂ હતું. પરંતુ આમાં કોઈના હિસ્સાનું કોઈ લઈ શકતું નથી. દરેકને જે ભાગ્યમાં હોય તે ભોગવવુ જ પડે છે. તો ઘણા અઘરા સ્વભાવ વાળા, લાંબા આયુષ્ય પણ ટૂંકા જીવ સાથે જીવનારા, અડચણ બનનારા જો મૃત્યુ પામે તો તે સમયે ઘણાના જીવને હાશકારો થાય છે કે હાશ સારૂં થયું કે તે ગયા.(આશા રાખીએ કે આપણે સૌ આ અંતિમ વાળા મૃત્યુમાં ન આવીએ..)

તાજેતરમાં જ મૃત્યુનો કમકમાટી ભર્યો ખેલ રચાયો હોય તેવી ઘટના ભાવનગરના રંઘોળા પાસે બની ગઈ. ન ધારેલું થઈ ગયું ઉત્સવની ક્ષણ માતમમાં ફેરવાઈ ગઈ તો આટલા બધાના મૃત્યુ એકસાથે એ પણ કોઈ નાની એવી ભુલ કે જીદના લીધે તે ખરેખર નિંદાપાત્ર વાત છે. એમના સ્વજનોને સાંત્વના અર્થે શબ્દો સાથ ન જ આપે તે સ્વાભાવિક છે. પેલી કહેવત છે ને "વિનાશ કાળે વિપરીત બુદ્ધિ" આ ઘટનામાં મરનારા તમામનો અંતિમ સમય આવ્યો જ હોય અને તેમના આ વિનાશનું કારણ બન્યો તે ડ્રાઈવર એની બુદ્ધિ ફરી તે માન્યો નહિ અને આટલા લોકો હોવા છતાં તેની જીદને કોઈ ટાળી શક્યું નહિ. આ બધું જુઓ, સમજો વિચારો તો ખ્યાલ આવશે કે તેમના ભાગ્યમાં તે લખેલું જ હશે. એમના પૂર્વજન્મના કર્મો પણ એમના મૃત્યુને લાગુ પડતા હોય છે. તેવા દ્રષ્ટાંતો જોઈએ તો - ધૃતરાષ્ટ્ર જે પોતે અંધ અને જીવતા જીવત સો પુત્રોનું મૃત્યુ સહન કરવું પડ્યું.- દશરથ રાજા જે ભગવાન શ્રીરામના પિતા હોવા છતાં તેમના વિરહમાં મૃત્યુ થયું,- ભગવાન શ્રીકૃષ્ણ જે પૂર્ણ પૃરુષોત્તમ તેઓ પણ શ્રાપને આધીન મૃત્યુને વશ થયા આમ આવા તો અનેક ઉદાહરણો છે જ જેનાથી આપણે સમજી શકીએ કે મૃત્યુ સનાતન સહજ સત્ય છે એટલે આપણું ગમે ત્યારે મૃત્યુ થશે અને અનંત લાગણીથી બંધાયેલા સ્વજનોનું પણ એકવાર મૃત્યુ તો થશે જ. તો આ વાતને શોકાતુર બનીને ન લઈએ એમ સ્થિતપ્રજ્ઞ બનવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કોઈના વગર કઈ અટકતું નથી પણ અઘરું જરૂર પડે તે એકદમ સાચી વાત છે. એટલે જ જન્મ થયો. આનંદ કરો. હસો-બોલો. સુખે થી જીવો. તે આનંદ અને મૃત્યુ આવ્યું તો પણ તે જીવનું શિવમાં મિલન એ વાત સ્વીકારીને આનંદ. સાવ સરળ વાત છે બસ એક વાર તેને સમજી જાઓ અને મોજથી જીવો. આપણા જે તે વ્યક્તિ સાથેના ઋણાનુબંધ લેણ-દેણ હવે પુરા થયા તેમ માનીને જીવવું જોઈએ.

મૃત્યુનો આઘાત જીવતા માનવી પર પડવો જ ન જોઈએ. આમ, તો કોઈ પણ આઘાત સારા જ નહીં જે મૃત્યુ પામ્યા છે તેમને તેમની ખરાબ દશા જોઈને આનંદ નથી થવાનો કદાચ એ જોવા પરોક્ષ રૂપે હાજર પણ ન હોય પરંતુ અન્ય સંબંધો જે પ્રત્યક્ષ હાજર છે. તેમની કાળજી રાખવી તેમના પ્રત્યેની ફરજથી આપણે બંધાયેલા છીએ. તે વાત માનવીએ ન ભૂલવી જોઈએ. એટલે જ મૃત્યુને સ્વસ્થતા સાથે સ્વીકારવું જોઈએ.

અંતે એટલું જ કહીશ કે મૃત્યુ સમયે હરિનામની પુંજી જેટલી જમા કરી હશે તે જ કામ આવશે. પ્રભુ સ્મરણ જેટલું કર્યું હશે તે જ આપણને સરળ સહજ મૃત્યુ અપાવશે. હાલતા-ચાલતા, પરવશ થવું ન પડે અને ઈશ્વર બોલાવી લે તેવી ઈચ્છા સૌ કોઈને હોય છે પણ તેના માટેના પ્રયત્ન કરવા આધુનિક યુગનાં માનવીને સમય મળતો નથી એના કરતાં સમય કાઢતો નથી કહેવું વધુ યોગ્ય રહેશે. મૃત્યુ બાદ "ગીતાજી" વંચાવવામાં આવે છે. ગમે ત્યારે "ગીતાજી" વાંચો સારૂ જ છે. પણ તેની ખરી જરૂર જીવતેજીવ વાંચવાની છે, સાંભળવાની છે, સમજવાની છે અને જીવનમાં ઉતારવાની છે. શ્રીકૃષ્ણ ભગવાને જીવનની તમામ વિકટતાના સરળ રસ્તા તેમાં આપેલા જ છે. એટલે જ "ગીતાજી" હવેથી જીવતે જીવ વાંચીને સમજીએ એવી પ્રતીજ્ઞા લઈએ. જાણતા અજાણતા કઈ પાપ દુષ્કર્મ થયાં હોય તેને ભૂલીને ઉત્તમ મૃત્યુ, શાંત મૃત્યુ આપવાની ક્ષમતા આપણાં પ્રભુમાં જ છે એટલે જ પ્રભુ સ્મરણ હંમેશા રાખવું. એ વગર કોઈ જીવનનો ઉદ્ધાર નથી.

જય શ્રીકૃષ્ણ...


Rate this content
Log in