દાદાનો રંગ
દાદાનો રંગ
સોમનાથ શાહના દિકરા વિજયના ઘરમાં જ્યારે અનુનો જન્મ થયો ત્યારે સોમનાથ શાહનો હરખ સમાતો ના હતો ! એમની ખુશીનો લાલીમા નો રંગ ચોમેર ફેલાયો હોય એવું લાગતું હતું, હા. લાગે જ ને વ્યાજ હતું એમના જીવનનું વ્યાજ કોને વ્હાલું ના હોય.
સોમદાદા તો અનુના કાલા ઘેલા રંગમાં એવાં રંગાતા ગયા કે એ રંગ ધીરે ધીરે પાક્કો બની ગયો ! અનુ પણ અદલ દાદા જેવીજ એવું ઉઠવા બેસવાનું, ચાલ, બોલવાનો લહેકો અરે દાદા જેવો જ એનો જમવાનો ટેસ્ટ. બંનેના લોહીનો એકજ રંગ હતો તો સ્વાભાવિક છે આ બધુ. બંને જાણે મિત્રો હોય એવા, એકબીજા માટે ખુબ વ્હાલ અને કાળજી પણ એટલીજ રાખે.
અનુએ સ્કુલ પુરી કરી કોલેજમાં આવી, સોમદાદાથી દુર જવાનો સમય આવ્યો ! પાક્કા રંગ કેમ છૂટે ? સોમદાદા જાતે જ અનુની કૉલેજ અને હોસ્ટેલ જોવા જાય છે, બધું નક્કી કરી અનુને મુકવા જતા સોમદાદા અનુને કહે છે:-
"અનુ બેટા બધું જ સારું છે પણ જો કાંઈ ના સારું લાગે તો એને છોડી દેવું બેટા. જરૂરી નથી બધું જ આપણા મન મુજબ હોય, પણ હા એ વસ્તુને ચલાવી લેવી કે નહી એ તારા હાથમાં છે.. અને કાંઈ જ સમજ ના પડે તો હું તારો દાદો બેઠો જ છું એક જ ફોન કરજે હું હાજર, પણ મનમાં કોઈ વાત રાખીશ નહી".
અનુ હસતા મુખે દાદાની સલાહ સાંભળતાં એની આંખો પટપટાવતી "હા" કહે છે અને વ્હાલા કરતા કહે છે "દાદુ તમારી દિકરી છું ફિકર નોટ" બંને ખડખડાટ હસતા લાલ ગુલાબી થઈ જાય છે.
હોસ્ટેલમાં જતાં અનુ દાદાને કહે છે:-"દાદુ પ્રોમિસ કરો દવા ટાઈમે ટાઈમે લેશો.
દાદુ:- 'હા'
અનુ:- 'ક્યાં પણ જવાનું હોય આપણે નક્કી કર્યું એ મુજબ મારી અનુમતિ લેવાની.'
દાદુ:- 'હા મારી મા તને કહીને જઈશ.'
અનુ:- 'દાદુ દવા ટાઈમે લેજો ભૂલતા નહી, યાદ છે ને મારા લગ્ન માટે તમારે જ વર શોધવાનો છે ? દાદુ જીવશો તો વર શોધશો અને દવા લેશો તો જીવશો પ્લીઝ દાદુ દવા લેજો.'
દાદુ:- 'હા બેટા મને બંધુ યાદ છે તું બેફિકર રહી ભણ હું તારા માટે મારી પસંદગીનો જ જમાઈ શોધીશ.બસ તારા કૉલેજના ત્રણ વર્ષ પુરાને આપણા સ્વપ્ન પણ પુરા જોજે તુ. બંને ખડખડાટ હસી એકબીજાને આઆલિંગન આપી વ્હાલપના રંગને એટલો પાક્કો બનાવે છે કે અનુના પિતા વિજય હસે છે અને મનમાં ગણગણતા "શુ થશે આ બેનું "
અનુના કૉલેજના ૨ વર્ષ પાણીની જેમ વહી ગયા, અનુ ક્લાસમાં છે એના મોબાઇલની રિંગ વાગે છે, વિજયનો ફોન છે :-"હેલ્લો અનુ બેટા દાદાની તબિયત બગડી છે તને યાદ કરે છે તું હમણાં કેબ બુક કરાવી આવી જા." અનુએ પિતાને અનેક સવાલો પૂછ્યા પણ પિતાનો એકજ જવાબ અરે સારું છે દાદાને, બસ તને યાદ કરે છે એટલે તું ફિકર ના કર બેટા.
અનુની ગાડી બારણે આવી ઉભી રહી, એ ગાડી માંથી તો ઉતરી પણ આ શું ? માણસોના ટોળે ટોળા અને ઘરમાંથી કલ્પાંત અને રુદન !
એ ગાડીના દરવાજા પાસે જ ફસડાઈ પડી એના પગ થરથર ધ્રૂજવા લાગ્યાં આંખો બંધ થવા લાગી કાળો રંગ એની આસપાસ ભમરાવા લાગ્યો. ચહેરાનો રંગ સાવ ફીક્કોફસ ! બસ આજુબાજુ થી અવાજ આવતો હતો "અનુ ઉઠ બેટા ઉઠ" .
અનુ સફાળી થઈ જાગી જોયું તો એ રુમમાં હતી, હિંમત કરી ઉભી થઈ દોડતી દાદાના પાર્થિવ દેહ પાસે ગઈ પણ આ શું ! ચીસો પાડતી કલ્પાંત કરતી અનુ દાદાને સવાલ પુછે છે "કેમ આમ દાદા?તમે મને પ્રોમિસ કર્યું હતું દાદુ મને કહ્યાં વીના ક્યાંય નહી જાઓ. દાદુ તમે ચીટીંગ કર્યું હું તમારી જોડે ના બોલીસ હવે કોઈ દિવસ કેમ દાદુ કેમ ?"
પણ સોમદાદા તો પ્રેમનો રંગ ઉતારી સફેદ રંગ ઓઢી વિલિન થઈ ગયા અને અનુ દાદુ વિના બેરંગી બની ચોધાર આંસુ સારતી રહી ગઈ. બસ અનુ પાસે એકજ રંગ હતો દાદાના લોહીનો રંગ.
