Vijay Prajapati

Inspirational Others

4  

Vijay Prajapati

Inspirational Others

બસ એક તું જ પાસે છે

બસ એક તું જ પાસે છે

5 mins
218


સ્વ સવિતાબેન,

સ્મૃતી ભવન,

ઈશ્વરના મહેલની બાજું,

સ્મરણ ચોકડી,

અનંત નગર,


વ્હાલી મા,

કેમ છે તું મજામાં ?

આમ તો તું મજામાં જ હોઈશ. તું મારાથી બહુ દૂર દૂર સ્વર્ગમા છો ને.

હું પણ મજામાં છું પણ તારા વગર કેવો મજામાં હોઉં એની કલ્પના તું કરે છે ક્યારેય ? સહેજ કલ્પના તો કર. આમ તો બચપણથી તને ક્યારેય જોઈ જ નથી. બસ એક આછી તુટેલી છબી છે જેમાં કોઈના લગ્નના ટોળામાં તું ઉભી હતી. એ જ જોયું હતું માત્ર, એ પણ કેવળ છબી પૂરતું એ છબી બતાવી લોકો કહેતા આ તારી મમ્મી છે, બસ તારી એ જ છબી મેં મનમાં ઘૂંટી રાખી છે,અને હા એ છબી પણ જેમની પાસે છે એની પાસેથી નથી લાવ્યો હું કેમ કે એમની પણ એ છબી પૂરતી આખરી નિશાની તારા સંબંધોની છે.

તું એમની સાથે રમી, કૂદી ,ભળી ને રહી એ એમનું સૌભાગ્ય છે. એટલે એ એમને આપી દિધી પાછી.

હા જવા દે એ બધી વાત આગળ કહે, જે પણ મળે એ કહેતા તારી મા કામ બહું કરતી કપાસના કાલા વીણવા જતી,  મીલોમા તેલની ઘાણી  પીલવાનું અને અધધ કામના ઢગલા કરતી, પાડોશમાં જો કોઈ રોટલી બનાવી દેવાનું કહે તો તું રોટલીઓ બનાવી એમની બધી રસોઈ બનાવીને રસોડાનું બધું કામ આટોપી પછી ઘરની રસોઈ બનાવતી. તો હે મા એવાં કામ તને એ દુનિયામાં મળી તો રહે છે ને ? ત્યાં કપાસના ખેતરો હશે ત્યાં તું તારા ભાઈઓ(મામા)ને કાખમાં બેસાડીને નાનાને ભાથું દેવા જતી હોઈશ. ત્યાં ખેતરની સીમમાંથી ઢોર માટે ઘાસની અઢીમણની ગાંસડી માથા પર રાખી હસતી હસતી ઘેર આવતી હશે, શું એવું બધું ત્યાં હશે ને મા ?

હા એ પણ જવા દે મા બહું જૂની વાતો એ તો હવે. લોકો કહે મા તને યાદ આવે ક્યારેય, હવે હું એ બધાને એવા ક્યાં સ્મરણે કહું કે માને જોઈ હશે એ કેટલી નાની ઉંમરમા સાવ દસ બાર  મહીનાનો. અને આ યુવાની વચ્ચે ખાસ્સો સમય વિત્યો અને મને એ સમય ક્યાંથી યાદ પણ હોય. બચપણની તોફાન મસ્તી વાળી વાતો યાદ રહે. પણ, ઘોડીયામાં હોય એ તો બિલ્કુલ યાદ નાજ હોય ને.

તોફાન મસ્તી  ભરેલું બચપણ તારા વસવસામાં ચાલ્યું ગયું કોઈ પણ ભોગે, એ વાતોને વણવા આજે તારાથી ઘણો દૂર દૂર બેસીને આ કાગળ લખું છું. એ પણ આ ડીજીટલ કાગળ પર. સાંભળ્યું હતું કે હાલરડામાં એટલી તાકાત હતી કે બાળકની આજુબાજુ એક અલગ પ્રાકૃતિક સંગીત રેલાતુ. બાળકની આજુબાજુ એવું પ્રાકૃતિક વાતાવરણ બની જતું અને તેના લીધે બાળક સુઈ જતું અને આમ પણ બાળક જીદ્દે ભરાયેલું હોય તો માનો હુફાળો હાથ માથાથી લઈને પગ સુધી ફરે ત્યાંરે આખા શરીરની રગરગમાં બધી જીદ્દોની ભરપાઈ થઈ જાય. અને અદભૂત એવી શાંતીનો હાશકારો થતો. બસ મા આ શાંતી અને એવા વ્હાલપ અધૂરાં રહ્યાં છે તારી સાથેના. ગીતો સાંભળીને એમ થાય કે ઘડીક તો સંભારણા રોકી શકું કે મનમાને મનમા ઉલેચી પણ લેતો હોઉં પણ એ હાલરડાંનું શું એ તો સાવ અધૂરાં મારા કાન સતત આજે પણ ઊંઘમાં એ સંગીત વગરનો અવાજ ગોત્યાં કરે છે.

પાંચમના મેળામા પેલી ઉછળતી દડીવાળું રમકડું લેતા કોઈ બાળકને જોઉં ત્યારે મને થાય મારી જીદ ક્યાં લુપ્ત થઈ ગઈ હશે તારાં વગર ?  સોસાયટી કે ઘરની બહાર ગામડે કોઈ બાળક રેતીમાં આળોટતુ કે ધમપછાડા કરીને છેવટે એ માંગણી પૂરી કરી લેતો હશે. મને એમ થાય મારા આ ધમપછાડા ક્યાં ગયા હશે ? ઊંઘમાં ડરામણા સપનાઓ આવે ત્યારે અચાનક રાડ પાડીને તને શોધું.પણ તું ક્યાં છો જ કોઈ જ નથી આજુ બાજુંમા પછી હતાશા ને સાથે લઈ સાચવીને સૂઈ જવું.

હા મા હવે કદાચ હું જીવવા લાગ્યો છુ કેમ કે તારા ગયા પછી તો કેવળ મારામા અદ્રશ્ય સ્મૃતિઓ જ છે એ જોવી હોય છે તો પણ આ દુનિયાંની ઘટનાઓ સાચી ગણાવી માની લેવું પડે કે હા હવે તું દૂર છે મારાથી... હા રડવાનું ને આંસુ વહાવી નાંખવાની આદત તો હોય જ બધા બાળકને પણ હવે આંસુઓની આ ધારાઓ સીધી હૃદયમાં ઉતરી ગઈ છે. જે કેવળ માયુસી જેમ છવાઈ રહે છે. એ ઉદાસી બનીને આંસુઓને ક્યાંક ખૂણામાં સંતાડી બેઠુ છે આ કોરુંકટ અધૂરાં ઓરતાનું દલડું.

જયાં પણ ગયો એક તારા નામને લીધે જ ગયો હોઈશ અને કોઈ પણ મારા હોવા પાછળ તારું જ નામ લઈ લે છે જ્યારે તારા પડછાયે પણ હું ક્યાં દૂર દૂર ક્યાંય નથી દેખાઈ રહ્યો, કેવળ અંદરની પ્રતીતિ સુધી મંડરાઈ રહ્યો છું,

હા વધારે વાંચવું તને નહીં ફાવે આ કાગળમાં એટલે કહીંશ કે તું મારા સ્મરણ રૂપી આ જિંદગીના હરેક ક્ષણમા દેખાય છે. મને યાદ અને અધૂરાં અરમાનો જે એક મા સાથે વિતાવી લેવા જોઈએ જીવનની એક પળમાં એ મને નથી પ્રાપ્ત થયુ એ તું યાદ રાખજે. આમ તો ભૂખ લાગે એટલે તરત જમીં લઉ છું કેમ કે તારા હુંકારની કોઈ ખાતરી જ નથી, કપડાને પાણી જાતે જ કાઢી લઉં છું. નાનપણમા નવ વર્ષ સુધી જે લાંબા વાળ રાખતો અને એની ગુંચો છોડતા જે વાળ ખેંચાય ને એમ મને મારા દિલમા તારા નામની ખેંચ અનુભવાય છે. હા એ વાળથી યાદ આવ્યું કે મા એ વાળમા તે ક્યારેય તેલ નથી નાંખ્યુ કે સરસ ઓળી નથી આપ્યાં છેવટે એ રૂપાળાં વાળોને દસમાં વર્ષે મેં વીધીસર કપાવી નાખ્યા તારા વગર માવજત પણ ક્યાં કરી શકું હુ. 

હે મા તારા ગયા પછી તો જિંદગી ભાવવા લાગી કેમ કે જીવવા માટે બધું ખપાવુ જરુરી છે એ માટે હવે બધું જ ભાવી જાય છે. અને ત્યાં હું મારા શૈશવના લાડકોડ તારા વગર વાપરુ પણ ક્યાં તું જ કહેજે મા. સ્કુલમાં દર મહીનાની વાલીમીટીંગ હોય તો બધાજ છોકરાઓ વાલી લઈને આવતાં ત્યાંરે મને મેડમ આવીને પૂછતા હું ડરેલી હાલતમાં હતો જેમ નાના ગલૂડીયા અજાણ્યાં માણસની આંખમાં કેમ જોઈ રહે એમ જ હું મેડમ સામે જોઈને કહી દેતો વણબોલ્યા અવાજે અને અવાજ નિકળે એ પહેલા એ મેડમ પૂછવાનું રોકીને પોતે પાલવ પાસે લઇને મને ભાઈબંધ બનાવી ઘડીક ફોસલાવે અને આમ જ મેં સાત વર્ષ દર મહીનાના અંતે મે ગુજાર્યા હતા. સ્કૂલ કે કોલેજ વખતે રોજ પરોઢે મને ક્યારે ઉઠાડવા નથી જ આવી તું તો પણ હું તુ છે મારી ભીતરમાં એમ માનીને નિત્યક્રમે ઉઠીને કર્મ તરફ લાગી જતો લોકો કહેતાં કે તારી મા ખૂબ ઉતાવળી હતી કહેવું જ ન પડતું એટલા માટે કોઈને કહેડાવે એ પહેલા સફાળી જવાબદારી ઉપાડી ફરતો.

હા વધુ ફરિયાદો નહીં કરું અને તને રડાવીશ પણ નહીં. હવે તું જ્યાં હોય ત્યાંથી મને બે પાંખો મોકલજે અને ક્યાંય રોકાઈ ન પડું એ માટે પ્રબળ હૈયું અને શીખવા માટેની ધગજ ત્યારબાદ ચિત્તમાં સતત એકાગ્રતા અને હિમ્મત આપી દેજે.

રોજબરોજની સંઘર્ષના આ દિવસોમા નવી ઉર્જા પ્રગટાવજે અને હા અહીં બધા જ છે મારા માટે ને સારા છે મને ક્યારે તારાં ગયાનું ઓછુ નથી આવવા દીધું તું નિશ્ચિંત રહેજે. માની મા એટલે નાની એ ક્યાંરે ઓછાયો નથી આવવા દીધો.

હા હું અહીં આ કાગળ પૂરો કરવાનો છું તુ આ મોતીના દાણા જેવા અક્ષરો વાંચીને ખુશ થઈશ એની ખાતરી છે અને તને ઓછું ફાવશે અચકાઈશ એટલે ધીમેથી અડધો અડધો કાગળ વાંચજે. હું તને અને તારા સંસ્મરણોને હંમેશા મારી ભીતરમાં લઈને ફરું છું.  

લિ. તારો વિજલો...


Rate this content
Log in

More gujarati story from Vijay Prajapati

Similar gujarati story from Inspirational