બોણી
બોણી
વૈશાખ ધોમ ધખી રહ્યો છે, ૪૩ ડિગ્રી તાપમાન પશુ, પંખી, માનવ સાથે તમામ જીવજંતુને અકળાવી રહ્યું છે. ધીમે ધીમે પોતામાં ગરમીનો પ્રચંડ વેગ ભરી દેતો ભાણ બપોરે એટલો બધો તપી જાય છે કે તમે મૂઠી ભરી અને જુવાર જો જમીન ઉપર નાખો તો ફટ-ફટ ફૂટી જાય.....બાઈકની સીટ પર પાપડ મુકોને તો ઘડીભરમાં શેકાઈ જાય ... મધ્યાહને ભૂલથી કોઈ ચકલી નભમાં ઊડવા નીકળી પડે તો તેનું પળમાં પ્રાણપંખેરું ઊડી જાય એવી પ્રચંડ ગરમી....
કોઈ દિવસ એક છોડ રોપવાનો પણ વિચાર ન આવ્યો હોય એ બધાને ઝાડવું ખૂબ પોતીકું અને વહાલુ લાગવા માંડે.
ત્યારે મારી કવિતાના શબ્દોનું અવતરણ મને સાર્થક લાગવા માંડે.
સૂરજના કિરણોની આગઝરતી જ્વાળાઓ આખી સૃષ્ટિને અકળાવી જાય છે,
પોતીકા લાગતા એ પાંદડાઓ પાનખરમાં એક પછી એક ખરી જાય છે,
દિગંબર બનાવી કુણી કૂંપળો ફૂટતી એને વસંતનો વૈભવ કહેવાય છે ?
સમજાતું નથી મને ઈશ્વરની સૃષ્ટિમાં આવું ને આવું કેમ થાય છે !
આવી આ વૈશાખી સવારે ભાસ્કરના ઊગવાથી દસે દિશામાં અજવાસ ફેલાયો. ગણેશ ચોથનો એ પાવન દિવસ એટલે દરેક ઘરમાં બનતા લાડુની સોડમ જાણે શેરી સર કરવા નીકળી પડી હોય એવી સુંગધ મનને લલચાવે એમાંય પાછો મામા મહિનો એટલે બધા જ ભાણેજોનું ઘરમાં આગમન, ખુબ રાજીપો, આનંદ, ઉલ્લાસ અને મોજ હોય એ તો સહજ છે.
સવારમાં હું બસ સ્ટેન્ડ સામે એક દુકાને દૂધ લેવા માટે નીકળ્યો હતો.. પાછા વળતી વખતે મારી નજર રોડની જમણી સાઈડ એક સુકલકડી દેહવાળો, રેકડીમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા થોડાક પુસ્તકો લઈને એ ધીમે- ધીમે ચાલ્યા આવતા આધેડ વયના માણસ પર પડી ... પુસ્તક એટલે મારું જીવન.. જોયા પછી નજર નાખ્યા વગર રહી ના શકાય... .હાથમાં પકડીને એના અંદરનો ખલક ખજાનો પામ્યાં વગર રહીજ ન શકાય પણ પાછું યાદ આવ્યું કે કે બધા દેવને દૂર્લભ એવી ચા, દૂધ વગર કેવી રીતે મેળવી શકે માટે મનને પાછું વાળી હું ઘર તરફ વળ્યો પણ જીવ એ પુસ્તકોની લારીએ રહ્યો.
ધીમે ધીમે ભગવાન ભાસ્કર મધ્યાહને તપવા લાગ્યો... બપોરનો તડકો જોઈ ઘરની બહાર નીકળવાનું પણ મન ન થાય એવી પ્રચંડ ગરમી એ આખા વાતાવરણને ઘેરી લીધું હતું. મોટા બહેન આજે સુરત જવાના હતા માટે એમને મને કહ્યું થોડી ખરીદી કરવી છે. તડકો બહુ છે પરંતુ હાલને આપણે જતા આવીએ આમ હું બેના સાથે બોટાદની પાંજરાપોળની ખચાખચ શેરીએ પહોંચી એક દુકાનની બહારના છાંયડે બાઈક સાથે હું ઊભો રહ્યો ને બહેન ખરીદી કરવા ગયાં.
અચાનક મારી નજર બિલકુલ સામે પડી. અરે ! એજ પેલો સવારે પુસ્તકોની રેકડી લઈને નીકળેલો એ જ માણસ,
પરસેવે રેબજેબ, કાળઝાળ ગરમીમાં પોતાની રેકડી ને ક્યાંક દુકાનની ઓથે થોડીવાર ઊભી રાખવા મથતો એ માણસ ધીમે-ધીમે ચાલ્યો આવે છે ખચાખચ બજારમાં એ માણસને કોઈ એની દુકાનની સામે ઊભો રહેવા દેતું નથી. દૂરથી હું જોઈ રહ્યો...એના ચહેરા પર એક ઉદાસી એક ગમગીની એક નિરસતા છવાયેલી છે.. અસહ્ય ગરમીથી એનો ચહેરો કાળો ધબ પડી ગયો હતો ચામડી જાણે બળી ગઈ હોય ને બે આશભરી આંખો તગતગી રહી હોય એવું દ્રશ્ય મને સામે દેખાયું.
સવારનો રેકડીએ ચોટેલો જીવ ફરી એ જ્ઞાનના ખજાનાને ખોળવા તલસી રહ્યો હતો... અને આમેય હું સાવ ફ્રી હતો તો થયું કે લાવ ને જરાક પુસ્તકોની દૂર્લભ દુનિયા પર નજર નાખું. મેં જરા હાથ ઊંચો કરી અને એની નજરને મારી તરફ દોરી પણ ઝાંઝવાના જળ ભાળીને હરણું દોડે એમ એ માણસ તરત જ આશાભરી નજરે મારી તરફ રેકડીને ઝડપથી લાવી દીધી.... પણ પછી જે સંવાદ થયો એણે મારા હૃદયને હચમચાવી નાખ્યું.
જ્ઞાન ખજાનો સામે જ હતો એક પછી એક પુસ્તકને મારા હાથમાં લઈ અને હું જોવા લાગ્યો પેલા માણસની દયામણી નજર મારા ચહેરા તરફ ચોંટી ગઈ હતી. રેકડી આગળના ભાગમાં સાક્ષાત મહાલક્ષ્મીની એકથી વધારે ચોપડીઓ સાથે અનેરી વ્રત કથાઓ, વાર્તાઓ, સુવિચારો, મહાપુરુષોના જીવન ચરિત્રોના, રસોડા વિજ્ઞાનના પુસ્તકો તરફ મારી નજર ફરી વળી કદાચ મને ગમતા પુસ્તકો રેકડીમાંથી ગાયબ હતા એટલે મેં મારા હાથ ને પાછો લીધો એટલે પેલો ભાઈ અધીરો થઈ અને ઝડપથી બીજા પુસ્તક મને દેખાડતા દર્દ ભર્યા અવાજે બોલ્યો સાહેબ એકાદ ચોપડી લઈ લો... ને સવારની બોણી નથી થઈ. આટલું બોલતા એના ગળે ડૂમો ભરાયો.. એનો અવાજ મારા ભીતરને વીંધીને આરપાર નીકળી ગયો ...સવારના પુસ્તકના સહારે પેટિયું રડવાની આશાએ નીકળેલા એ માણસને બપોરના બે વાગ્યા સુધી કોઈએ એક પુસ્તક લેવા સુધી તસદી લીધી નહોતી. કેટલી કરૂણ વાત... આગળના ભાગમાં લક્ષ્મીજીને રાખતા એ માણસના જીવનમાં દરિદ્રનારાયણની કેવી કરુણતા... હું પણ કશું જ બોલી શક્યો નહીં એની આંખોના ખૂણાની જેમ જ મારી આંખોના ખૂણા ભીંજાયા હું કશું જ બોલું એ પહેલા એ માણસના મોઢામાંથી બીજા શબ્દો સરી પડ્યા "સાહેબ સવારે છોકરાઓને કહીને નીકળ્યો હતો કે આજે ગણેશ ચોથ છે ને હમણાં જ હું બજારમાંથી તમારા માટે તૈયાર લાડવા લઈને આવું છું આપણે સાથે મળીને ખાશું પણ સાહેબ સવારનો શેરીએ-શેરીએ રખડું છું કોઈએ એકપણ બુક નો લીધી સાહેબ ! આના કરતાં બકાલાની લારી કાઢી હોતને સાહેબ તો આજે મારા છોકરા લાડવા ભેગા થઈ જાત.".. મારી આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા એની આંખમાંથી એક આંસુ છેક દાઢી સુધી આવીને અટકી ગયું.. શબ્દનો ધની હોવા છતાં મારા મારા મુખે એક પણ શબ્દ માણસ માટે બોલાયો નહીં સ્તબ્ધ હતો,દુઃખી હતો... અંતે મૌનને તોડી અને કીધું " અરે !! ભાઈ ચિંતા ન કર લે હું તને બોણી કરાવું... એમ કહી અને બે-ત્રણ સુવિચારોની બુક મેં મારા હાથમાં લીધી. આના કેટલા રૂપિયા આપું ભાઈ ?
"સાહેબ એ એમનામ જ લઈ જાઓ સાહેબ એના કોઈ રૂપિયા નથી." એનો આવો જવાબ સાંભળીને નવાઈપૂર્વક મેં એની સામે જોયું ...કેમ ભાઈ ?
સાહેબ આ ચોપડીના મેં પણ કાંઈ રૂપિયા ચુકવ્યા નથી, આજે સવારથી શેરીએ-શેરીએ ફરતો ત્યારે તમારા જેવા કોઈ સારા માણસે હવેલી ચોક પાસે આ આઠ -દસ પુસ્તકો મારી રેકડીમાં મૂકી દીધા હતા એટલે સાહેબ તમે સારા માણસ લાગો છો, તમે લઈ જાવ. "
સવારના એક પણ રૂપિયાની બોણી નથી થઈ છતાં પણ આ માણસની દિલેરી મારા હૃદયને સ્પર્શી ગઈ મારે વધુ કાંઈ બોલી એના હૃદયને વધુ રંજાડવું નહોતું. ઝડપથી મેં બે-ચાર બુક લઈ એની થાતી કિંમત ચૂકવી એના ચહેરાની રેખાઓ બદલાવવાનો પ્રયાસ કર્યો. એ માણસ એકીટશે મારી નજર સામે જોઈ રહ્યો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ એના હૃદયમાં ટાઢકનો શેરડો પડ્યો હોય એવો થોડો ભાવ એના ચહેરા પર દેખાયો કશું બોલ્યા વગર એ બે હાથ જોડી મારા તરફ જોઈ રહ્યો.
મેં આ દિલદાર માણસને ખબર ન પડે તેમ એના ગલ્લામાં એના બાળકો ગણેશ ચોથ કરી શકે એટલા રૂપિયા મૂક્યા.. મારો દિવસ અને ગણેશચોથ સાર્થક થઈ ગઈ.
મેં એ માણસનું નામ પૂછ્યું પ્રત્યુતરમાં એણે રમણભાઈ જૈન કહ્યું...એ માણસના ચહેરા પર થોડી ખુશીઓ હવે ઝળહળતી હતી. મેં ધીમેથી લીધેલા પુસ્તકો સાથે એની સાથે એક સુંદર તસવીર ખેંચી અને એને દર મહિનાના પહેલા રવિવારે મારી પુસ્તક પરબમાં આવવા માટે મારો ફોન નંબર અને તાલુકા સેવા સદનનું સ્થળ એને લખી આપ્યું અને કીધું ભાઈ તું તારી રેકડી લઈને મારી પુસ્તક પરબની બાજુમાં આવી જાજે મારા મિત્રો તારા ઘરમાં અજવાળુ કરવામાં કામ લાગશે.... " ભગવાન તમને ખૂબ સુખી રાખે સાહેબ" એ માણસના રાજીપામાંથી નીકળેલા ઉદગારે મને ધન્ય બનાવી દીધો... નાના માણસનો આશીર્વાદ કેટલો સસ્તો હોય છે.
કદાચ આ માણસને બોણી કરાવવા માટે જ ગણેશજીએ મને અને બેનને ખરા બપોરે ત્યાં મોકલ્યા હશે, એવા ઉમદા ભાવ સાથે રાજીપાની ખેતી કરી હું ઘર તરફ પાછો વળ્યો..
આ મારી વાર્તાના જીવંત પાત્ર શ્રી ભરતભાઈને સમગ્ર બોટાદકર સાહિત્ય સભા દ્વારા સંવેદના વ્યક્ત કરતાં....ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર અને પ્રખ્યાત લેખક શ્રી રાઘવજી માધડ સાહેબ અને ઋષીતુલ્ય શ્રી ઉમાકાંત રાજ્યગુરુ સાહેબ અને પરમ વંદનીય શ્રી માધવસ્વરુપદાસજી અને બોટાદકર સાહિત્ય સભાનાં તમામ મિત્રો અને બોટાદ સમાચારના તંત્રી શ્રી નિરજભાઈ દવેની હાજરી સાથે 10,000/-(અંકે રુપિયા દસ હજાર) નો ચેક સંવેદના માટે અર્પણ કરાયો હતો.......જય હો.
