ભણવાનું લક્ષ્ય
ભણવાનું લક્ષ્ય
એક કાનપુર નામનું નાનકડું ગામ હતું. ત્યાં એક તૂટેલી ફૂટેલી ઝુંપડીમાં એક સ્ત્રી અને તેનો દીકરો મનોજ રહેતો હતો. તેઓ પણ ખુબ ગરીબ હતા. ઘણીવાર તો એમને બે ટાઈમ જમવાનું પણ ન મળતું. તેઓ ભૂખ્યા પેટે જ સુઈ જતા. મનોજની પાસે સારા કપડા પણ ન હતા પહેરવા માટે. મનોજની મા બીજા લોકોના ઘરે કામ કરવા જતી. તેમાંથી જે પૈસા મળતા તેમાંથી તે મનોજને ભણાવતી હતી.
મનોજ આઠમા ધોરણમાં ભણતો હતો. તે શાળામાં પણ ફાટેલા તૂટેલા કપડાં પહેરીને જતો. શાળાના બીજા છોકરાઓ મનોજને જોઈને હસતા. તેની મજાક ઉડાડતા હતા. રીસેસમાં બીજા બાળકો ભેગા મળીને રમતા અને ભેગા મળીને નાસ્તો કરતાં, પણ મનોજને કોઈ પોતાની સાથે રમાડતું નહિ. શાળાના એક શિક્ષક આ બધું જોતા હતા.
બીજા દિવસે એ શિક્ષકે બધા બાળકોને ભેગા કર્યા અને મનોજ સાથે મિત્રતા કરવાનું કહ્યું. પણ કોઈ બાળક મનોજ સાથે મિત્રતા કરવા તૈયાર ના હતું. પણ શિક્ષકે મનોજને ખુબ હિંમત આપી. તેમણે મનોજને કહ્યું કે ‘જો તું ભણવાના ખુબ હોંશિયાર છે, હું જયારે વર્ગમાં પ્રશ્નો પુછું છું, ત્યારે તને બધા જ પ્રશ્નોના જવાબ આવડે છે. એક દિવસ તું એટલો બધો હોંશિયાર બનીશ કે બધાં સામેથી તારા મિત્ર બનવા દોડી આવશે.
એ દિવસે મનોજ એક છોકરા સાથે દોસ્તી કરવા જાય છે. પણ એ છોકરો મનોજ સાથે દોસ્તી કરતો નથી. ઉપરથી તેને ધકકો મારી નીચે પાડી દે છે. અને તેનું અપમાન કરે છે. મનોજને આ વાતથી ખુબ જ ખોટું લાગે છે. તે રડતો રડતો ઘરે જાય છે. મનોજને રડતો આવેલો જોઈને તેની મા પણ ખુબ જ દુ:ખી થાય છે. જયારે તેની મા તેણે રડવાનું કારણ પૂછે છે, ત્યારે મનોજ મને બધી જ વાત કરે છે. મનોજ કહે છે, ‘મા હવે હું નિશાળ ભણવા નહિ જાઉં. મને બધા ખીજવે છે. મને બધા હેરાન કરે છે. કોઈ મારી સાથે મિત્રતા નથી કરતું.
ત્યારે મનોજની મા તેને સમજાવે છે. ‘જો બેટા મનોજ, તું નિશાળ જઈશ નહિ અને ભણીશ નહિ. તો તું પણ અમારી જેમ ગરીબ જ રહીશ. અને અમારી જેમ તારે પણ આખી જિંદગી મજુરી કરવી પડશે. હું નથી ઇચ્છતી કે અમારી જેમ તારી જિંદગી પણ લોકોની વેઠ કરવામાં ને મજુરી કરવામાં જાય.
મા ની વાત સંભાળીને મનોજને પોતાની ભૂલ સમજાય છે. તે પોતાની માને કહે છે, ‘મા તું ચિંતા ન કર. હું ખુબ ધ્યાન રાખીને ભણીશ અને ખુબ હોંશિયાર બનીશ. મોટો થઈને તારા બધા દુ:ખ દુર કરીશ.’ એમ કરતાં શાળામાં પરીક્ષાના દિવસો આવે છે. મનોજ ખુબ મહેનત કરી પરીક્ષા આપે છે. જયારે પરિણામ આવે છે. ત્યારે તે વર્ગમાં પ્રથમ નંબરે પાસ થાય છે. શાળા તરફથી પ્રાર્થનામાં તેનું સન્માન કરવામાં આવે છે. અને મોટું ઇનામ પણ મળે છે. તેની સફળતા જોઈ, જે મિત્રો તેને ખીજવતા તે જ તેના મિત્રો બની જાય છે.
માટે જ કહ્યું છે, કે ‘વિદ્યા એ સૌથી મોટી મૂડી અને સાચો મિત્ર છે.’
