ભગવાન જોયાં
ભગવાન જોયાં
સમયના વ્હેતા વ્હાણા સાથે બધું જ બદલાતું જતું હોય છે, ચાહે એ સંસ્કૃતિ હોય સંસ્કાર હોય કે પછી હોય માનવીની વ્યક્તિગત માન્યતા.
પરિવર્તનશીલ સંસારમાં અમૂક સવાલના પ્રત્યક્ષ જવાબ ન મળે એવું પણ બને ને પરોક્ષ મળે તો સંકેતને પારખવાનુ સામર્થ્ય પણ એટલું જ જરૂરી છે.
એક નગરમાં એક નાનો દુકાનદાર પાન મસાલાની નાની દુકાન ચલાવતો હતો. નામ એનું કિશન. કંઈક અલગારી વ્યક્તિત્વ ધરાવનાર હસમુખો ને હેતાળવો એ માસુમ ચહેરો જોનારને પ્રિય બની રહે તેવો હતો. હસીને વાત કરવાની આદતને વિજળી વેગે કામ કરવાની ઢબ ઉભા રહેનાર તમામ ગ્રાહકને આકર્ષતી.
એકવાર બપોરના સમયે રાબેતા મુજબ કિશન પોતાનું કામ કરી રહ્યો હતો ત્યાં એક વ્રૃદ્ધ માણસ તેની સામે આવીને ઉભો રહ્યો, કિશને ચહેરા સામે જોયા વિના પૂછી નાખ્યું 'શું આપું,કાકા ?' જવાબમાં એક લાચાર અને દુર્બળ અવાજ એના કાને અથડાયો'કંઇ નહીં, બેટા થોડું પાણી આપીશ?'
કિશન એ વ્રૃદ્ધને એકીટશે અનેક દ્વંદ્વ સાથે જોઈ રહ્યો. ચીંથરેહાલ વસ્ત્રો, અલ્પદ્રષ્ટિ ધરાવતી આંખો, સફેદ મેલા વાળને કાંપતુ શરીર. વ્રૃદ્ધે ફરી કહ્યું 'પાણી'. કિશન સમાધિ માંથી જાગ્યો હોય એમ સ્વસ્થ થઈ પાણી આપ્યું . વ્રૃદ્ધ ધ્રુજતાં હોઠ અને હાથથી પાણી પીતાં પીતાં કિશનને જોતો રહ્યો. કિશન પણ હવે સહજભાવમાં હતો. પાણી પીવાથી થયેલી થોડી રાહત તે વ્રૃદ્ધના ચહેરા પર જોઇ શકતો હતો.
બપોરનો સમય હોવાથી દુકાન પર વ્રૃદ્ધ માણસ અને કિશન સિવાય બીજું કોઇ ન હતું. વ્રૃદ્ધ માણસે ફરી પૂછ્યું, 'બેટા, જમવાનું...'.આગળ કંઇ બોલી ન શક્યા, તેનો મજબૂર અવાજ જાણે છાતીમાં ગુંગળાઇ ગયો. કિશનને સમજતા વાર ન લાગી, તરત જ પોતાના માટે લાવેલ ટીફિન વ્રૃદ્ધ માણસ ના હાથમાં પકડાવી દીધું. વ્રૃદ્ધ બોલ્યા' પણ તમે ?..' કિશને બોલતાં અટકાવી ને કહયું, 'તમે સામે ઓટલા પર બેસીને જમી લ્યો'. વૃદ્ધ માણસ મનોમન આભાર માનતો ઓટલા તરફ ગયો, કિશન તરફ જોઇ એ ટીફિન ખોલવા લાગ્યાં. કિશને પણ એની સામે જોઈ એક ખુશીનું સ્મિત આપ્યું. વ્રૃદ્ધ માણસ મનોમન દુઆ આપતાં જમવા લાગ્યો, પોતાનું કામ કરી રહેલો કિશન થોડી વારે એ માણસ સામે જોઈ અનહદ આનંદ સાથેનું હળવું સ્મિત રેલાવતો રહ્યો.
તો કિશનને પ્રત્યક્ષ ગણવો કે પરોક્ષ ? શું આ સંકેત પૂરતો નથી ?
