બહાદૂર બાળક
બહાદૂર બાળક
એક ગામ હતું. તે ગામનું નામ સુંદરપુર હતું. તે ગામ ખરેખર હતું પણ સુંદર જ. તે ગામની આજુબાજુ પહાડો આવેલા હતા. તે ગામની નજીક એક નદી વહેતી હતી. તેમાં ચોમાસામાં ભરપુર પાણી આવતું હતું. પણ ચોમાસું પૂરું થતા તે પાણી દરિયામાં વહી જતું. એટેલે ગામ લોકો એ નદીનું પાણી બારેમાસ વાપરી શકાય એટલા માટે તે નદી પર આડો એક ડેમ બાંધ્યો હતો. તે ડેમના પાણીથી લોકો બારેમાસ ખેતી કરી શકતા. એટલે ગામના લોકો સુખી પણ હતા.
એકવાર ચોમાસામાં ખુબ જ વરસાદ પડ્યો. પહાડો પર વધારે વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું. નદીનું બધું જ પાણી ડેમમાં આવ્યું એટલે ડેમમાં ખુબ જ પાણી ભેગું થયું. ડેમની ક્ષમતા કરતાં વધારે પાણી આવવાથી ડેમ કમજોર પાડવા લાગ્યો. તેની એક બાજુની દીવાલમાં જરાક કાણું પડ્યું. એ દીવાલ ગામ બાજુ હતી. જો એ દીવાલ તૂટે તો આખું ગામ પાણીમાં તણાઈ જ જાય.
એ જ વખતે ગામનો એક છોકરો નદી બાજુ થઈને ડેમ બાજુ પસાર થયો. તેનું નામ શ્યામ હતું. તેણે ડેમની દીવાલમાં પડેલું કાણું જોયું. તે ચિંતામા પડી ગયો.
તેણે તેજ વખતે પોતાની બુદ્ધિથી નિર્ણય લીધો કે મારે ગમે તેમ કરીને આ કાણું પૂરાવું
જ જોઈએ. તે ગામ તરફ દોડી ગયો. અને પોતાના મિત્રોને બોલાવી લાવ્યો. તેઓ એ વરસતા વરસાદમાં સિમેન્ટ, રેતી કપચી વગેરે ભેગું કરીને એ કાણું પૂરી દીધું એટલે પાણી જતું અટકી ગયું.
આ બાજુ ગામલોકો ચિંતામાં તો હતા જ, કે આવો વરસાદ પહેલાં ક્યારેય પડ્યો નથી. જો ડેમ તૂટશે તો. પણ શ્યામૂની મહેનતના લીધે એવું કશું બન્યું નહિ.
બીજા દીવસે સવારે વરસાદ બંધ થયો. એટલે ગામના સરપંચ અને બીજા ગામલોકો ડેમની સ્થિતિ જોવા માટે નદીએ ગયા. તેમણે જોયું તો ડેમ સલામત હતો. તેમણે ડેમની ચારેય બાજુ ફરીને નિરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે કોઈએ જોરદાર મહેનત કરીને ડેમનું કાણું પૂર્યું હતું. સરપંચે ગામલોકોને જાહેર કર્યું કે આ નેકીનું કામ કરનાર બહાદુર વ્યક્તિનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે બધા એ એ કામ કરનાર માણસની તપાસ કરી. તપાસ કરતાં શ્યામનું નામ જાણવા મળ્યું.
સરપંચ એ એક જાહેર બહુમાન સમારંભનું આયોજન કર્યું. અને શ્યામ અને તેના મિત્રોને બોલાવી જાહેરમાં તેમના ખુબ વખાણ કર્યા. એમને ઇનામ પણ આપ્યું. સારા કામની કદર હંમેશા થાય જ છે. આપણે હંમેશા સમાજના કલ્યાણનું કામ કરવું જોઈએ.