Chetna Thakor

Inspirational Children

3  

Chetna Thakor

Inspirational Children

બચ્ચાગીરી

બચ્ચાગીરી

6 mins
14.1K


સુમેરનગર મધ્ય મુંબઈમાં આવેલો મધ્યમ વર્ગીય વિસ્તાર છે. અહીં નાની-મોટી અનેક ચૉલ, રીહેબના મકાનો (જૂની ચાલની જગ્યાએ નવા બિલ્ડિંગ આવે ત્યારે ચાલના લોકોને જગ્યા આપવામાં આવે તે) તથા મ્હાડાના નિમ્ન મધ્યમ વર્ગીય લોકોના ફ્લેટ્સ આવેલા છે. આવા નાના બિલ્ડિંગો વચ્ચે રાજનીતિક પાર્ટીઓની મહેરબાનીથી નાના રમતના મેદાનો તથા બાળકો માટે બાગ હોય છે. આ વાર્તા, આ વિસ્તારમાં રહેતી, બહાદુર ટોળીની છે જેમણે ગયા વર્ષે દિવાળીમાં મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી. ટોળીના થોડા સભ્યોને ઓળખીએ. તેમના નામ છે સુબ્બુ, ભગો, મન્યો, સુન્દર, અર્જુન, પ્રતાપ, અસલમ, અમાન, ચન્દુ, નીશા, ભક્તિ, મીનુ, સરુ વગેરે અને તેમનો ખાસ દોસ્ત ટોમી જે મેદાનનો ચોકીદાર કૂતરો હતો.. આ નામોની યાદી ઉપરથી લાગ્યું ને કે, મુંબઈનું કલ્ચર યાને સંસ્કૃતિ પચરંગી છે અને આ બધા બાળકો જે કાલના નાગરિક છે તે આજથી જ વિશ્વનાગરિક બનવાની તાલીમ લઈ રહ્યા છે. આ બાળકોની સરેરાશ ઉમર આઠથી ચૌદ વર્ષની હતી. ચોથા ધોરણથી આઠમા ધોરણ સુધીના બાળકો હતાં. આજકાલ નવમા અને દસમા ધોરણના બાળકોને તો રમવાનો સમય જ નથી મળતો. હરીફાઈનો જમાનો છે. દસમાના પરિણામથી જ કોલેજમાં એડ્મીશન લેવાનું હોય, એટલે બિચારા ટ્યુશન ક્લાસીસમાંથી ઉંચા જ નથી આવતાં. મુંબઈમાં લગભગ બધી શાળાઓ સવારે નવથી બે વાગ્યા સુધી હોય છે. ત્યાર બાદ બાળકો ઘેર આવીને જમે અને થોડું હોમવર્ક કરે એટલે સાંજે પાંચ વાગે રમવા માટે છૂટા થાય. સાંજે બાગ અને મેદાનોમાં એ લોકોની ભીડ જામે. બાગમાં રમત ગમતના સાધનો, હીંચકા, લપસણી, વગેરે હોય, ઉપરાત સંતાકૂકડી રમવી હોય તો બાગમાં છુપાવાની જગા પણ હોય. મેદાનમાં મોટેભાગે ક્રિકેટ અને ફૂટબોલ રમાય. ટોમીનું કામ સાંજે જ શરૂ થાય. છોકરાઓ પોતાનો રમત ગમતનો સામાન મૂકે, એની સંભાળ રાખવા પોતાના આગળના બે પગ મૂકીને, પોતાની માલિકી બતાવતો હોય એમ બેસી રહે.  બોલ મેદાનની બહાર જાય ત્યારે, છોકરાઓ ‘ટોમી ગો’ કહે એની જ રાહ જોતો હોય, એમ ભાગે અને બોલ લઈ આવે, જાણે બારમો ખેલાડી અને ફિલ્ડર હોય. ફૂટબોલની મેચમાં એને વચ્ચે બેસાડે જાણે રેફરી હોય. એની નજર બોલ ઉપર હોય. અને વચ્ચેની લાઇન ઓફ કંટ્રોલ સચવતો બેસી રહે. એ પણ સાંજે ભુલકાંઓની રાહ જોતો જ હોય. બાળકો તથા પ્રાણીઓને સાચા પ્રેમની ઓળખ હોય છે. મુંબઈનું કોઈ જાહેર મેદાન જુવો તો, ચાર –પાંચ પીચ ઉપર જુદી જુદી વયના છોકરાઓની અને જુદી જુદી ટીમોની ક્રિકેટ મેચ ચાલતી હોય.

દિવાળીનુ વેકેશન હતું. ચીલ્લર પાર્ટી ઘરમાં હતી. અચાનક ટોમી સવારે દસ વાગે ચાલીઓ અને આ બિલ્ડિંગો પાસે જઇને જોરજોરથી ભસવા માંડ્યો. કસમયે એનું ભસવાનું બચ્ચા પાર્ટીને અજુગતું લાગતું હતું. જાણે એના ઉપર કોઈ મુસીબત આવી હોય એમ રડવાનો અવાજ કાઢીને છોકરાઓને બોલાવતો હતો. છોકરાઓ ઘરની બહાર આવ્યાં અને ટોમી સાથે મેદાન તરફ દોડ્યાં. મેદાનમાં કોઈ સરકારી માણસો મેઝરટેપ લઈને માપણી કરતાં હતાં. બાળકોને આમાં કાંઈ અજુગતું લાગ્યું. તેથી બે-ત્રણ જણા દોડીને પોતાના વડીલોને બોલાવી આવ્યા. પેલા સરકારી માણસોએ પહેલાતો દાદ ના આપી પણ એક વડીલે કહ્યું, કે તે જર્નાલીસ્ટ હતાં, એટલે પેલા માણસોએ પોતાનું નામ ના આપવાની શરતે જણાવ્યું કે, એ પ્લોટ કોઈ બિલ્ડરને વેચવાની પૈરવી થઈ રહી હતી.. મોટા માથા અંદરથી ચાલ ચાલતા હતા, એટલે સમાન્ય લોકોનું કાંઈ ચાલવાનું ન હતું. બાળકો માટે તો આ જ કાશી અને આ જ રમત ગમતનું ધર્મ સંસ્થાન મથુરા હતું. એ હાથમાંથી જતું રહે તો એમનું બાળપણ ગુંગળાઈ જાય. પેલા જર્નાલીસ્ટ અંકલે બચ્ચાઓની એક મિટિંગ કરી અને મોટાઓની પણ સભા ભરી. અંતે નક્કી થયું કે બાળકોએ લડત આપવી અને સરકારને આઝાદીની લડતની યાદ અપાવવી. બાળકોએ પહેલાંતો એક અરજી તૈયાર કરી અને ઘેર ઘેર ફરીને તેમાં સહી લીધી. (સીગ્નેચર કેમ્પીયન). આ અરજી મુખ્ય પ્રધાનને મોકલી અને મોટેરાંઓની મદદથી સચિવાલયમાં પણ મોકલાવી. ત્યાર બાદ જર્નાલીસ્ટ અંકલે રેડિઓ જોકી અને ટી.વી.ના વી.જે..ને બોલાવીને આ મુવમેંટને યાને લડતને થોડી પ્રસિધ્ધિ અપાવી. બાળકોએ મીણબત્તીઓ લઈને સરઘસ કાઢ્યું. ટોમી પણ હવે ગેલમાં આવી ગયો હતો. એને તો આખા દિવસનું કામ અને બાળકોની કમ્પની મળી હતી. બાળકો એને સભા-સરઘસમાં લઈ જતાં. થોડો ઘોંઘાટ હતો પણ એ કઈઇ ફરિયાદ કરતું ના હતું. ધીરેધીરે આજુબાજુના વિસ્તારના લોકોને પણ રસ પડ્યો અને લોકો એમને જોવા તથા એમની સાથે જોડાવા, આવવા લાગ્યા. રજાઓ હતી એટલે નવમા, દસમા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ ઘેર હતા. એમણે કમ્પ્યુટર ઉપર મોટા મોટા બેનરો બનાવ્યાં. આ લડતથી એમને દૂર રાખ્યા, કારણ કદાચ પોલીસ ધરપકડ કરે અને સોળ વર્ષ ઉપરનાને શિશુસુધાર કેન્દ્રમા મોકલે તો એની આડ અસરો થાય. ત્યાંનું વતાવરણ ખતરનાક હોય છે. મેદાનમાં લગાવાતા બેનરો, સરકારી માણસો બીજે દિવસે કાઢી જતાં. પણ એ પહેલા ટી.વી. ચેનલો એના ફોટા અને ફિલ્મો પાડીને પોતાની ટી.આર.પી. વધારવા સમાચારોમાં બતાવતાં. એક ચેનલ વાળાએ આ બાળકોનો ઇંટરવ્યુ લીધો અને પૂછ્યું, કે શાળામા તેમની આવી દાદાગીરી કરવાની તાલીમ મળી હતી? ત્યારે બહાદુર બાળકોએ કહ્યુ, “ના, આ તો બચ્ચાગીરી છે.” ત્યારથી એમની મુવમેંટ યાને લડતને નામ મળ્યુ, “બચ્ચાગીરી”. એમના બેનર્સમાં પણ લોકોને રસ પડવા લાગ્યો. ગુજરાતી, મરાઠી, હિન્દી અને ઇંગ્લિશ માધ્યમની ભેગી સુગંધનો રસ લોકો માણવા લાગ્યા. ”આલા રે આલા, ચીલ્લર આલા, પળા રે પળા ---------- પળા..”

‘એક દો એક દો, નેતાજી કો ફેંક દો..'   'હટો હમારી ગાડી આયી, તુમ્હારે લીએ તકલીફ લાયી..'  ‘પાની માંગા તો સ્વીટ દેંગે, મેદાન માંગા તો કીક દેંગે.’  ’જોઈ શું રહ્યા છો, જોડાઈ જાવ.'

”બચ્ચે હૈં હમ, ઉમર કે કચ્ચે હૈં હમ, હમકો સમજો કિસી સેના કમ, દેખો બચ્ચાગીરી, છોડો સત્તાગીરી, છોડો મૈદાન, ભાગો ઉલટે કદમ.“   

આજુ બાજુની મ્યુનિસિપાલિટીની શાળાઓમાં પણ રમત ગમતની હરીફાઈ માટે આ મેદાન વાપરાતું.. એમના શિક્ષકોની નોકરી સરકારી હતી તેથી તે ના જોડાયા પણ એ શાળાના વિદ્યાર્થીઓ આ લડતમાં જોડાઈ ગયા. બાળકો નિર્દોષ હોય છે. એમને સત્તાનો અને વગદાર લોકોનો ભય લાગતો નથી કેમકે જીવનની ગંભીરતા એમને સમજાતી નથી. આપણે મોટાઓ જ ડરી-ડરીને જીવીએ છીએ. સત્તાને આપણા હક્ક માટે પણ પડકારતા નથી. નોકરી ધંધો છોડીને પડકારવાનો સમય ક્યાથી મળે? આપણને શું લાગે-વળગે? આપણી નોકરી છૂટી જશે તો ઘર કેમ ચાલશે? એમ કહીને ભાગી છૂટીએ છીએ. આપણા વડીલોએ એવો વિચાર કર્યો હોત તો આઝાદીની લડાઈ કોણ લડતે? રોજ લગભગ પાંચસો વિદ્યાર્થીઓ સવારથી મેદાનમાં ભેગા થતા અને નારા લગાવતા. ટી.વી.ચેનલોની વેનો સવારથી ત્યાં આવી જતી. દેશ-પરદેશમાં એમને પ્રસિધ્ધિ મળવા લાગી. પણ સત્તાવાળાઓએ ધ્યાન ના આપ્યું, ત્યારે એ લોકોએ ભૂખ હડતાલ કરવાની વિધિસર જાહેરાત કરી. એટલે આડકતરી રીતે ધમકી આપી. નાના બાળકોને કાંઈ થઈ જશે તો સરકારને માથે ટીલ્લી લાગશે એમ સમજીને હવે સરકારી તંત્ર પણ જાગી ગયું. ભૂખ હડતાળીયાઓને જેલભરો હુકમ પણ ના થાય કેમકે બાળકો સગીર હતા. ખરી કમાલ તો મીડીયાની હતી. જેણે બાળકોને પ્રસિધ્ધિ અપાવી. ”નમસ્કાર ઈન્ડિયા“ નામનો દસ મિનિટનો સવારનો સ્લોટ યાને રેડિયો ટાઈમ, રોજ ફાળવ્યો..

બિલ્ડર લોબીને લાગ્યું કે વાત હાથમાંથી જાય છે, એટલે છોકરાઓનું ધ્યાન બીજે ખેંચવા એમણે નવો રસ્તો અપનાવ્યો. મેદાનમાંથી એમણે ટોમીને ગાયબ કરી દીધો. બાળકોએ બીજે દિવસે ટોમીને ના જોયો એટલે શોધખોળ ચાલુ થઈ. બાળકોનું ધ્યાન પોતાની લડાઈ તરફથી હટીને કૂતરાની શોધખોળમાં પરોવાયું. એક-બે દીવસ બાળકો દિશાહીન થઈ ગયાં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા ગયાં પણ પોલીસે કહ્યું કે કૂતરું શોધવાનું કામ એમનું નથી. કૂતરો પાળેલો ન હતો, એના સર્ટિફિકેટ કોઈની પાસે ના હતા. કૂતરાના કોઈ ફોટા ના હતાં. બાળકો આ વાતથી નિરાશ થઈ ગયાં. પણ એમની મદદમાં ફરી ચેનલ વાળા આવ્યાં અને કૂતરાના ગુમ થઈ ગયાના સમાચાર સવારના “નમસ્તે ઈન્ડિયા” પ્રોગ્રામમાં આપ્યા. એક-બે ટી.વી. ચેનલના કવરેજમાં ટોમી દેખાયો હતો, એના ફોટા વારંવાર લોકલ ચેનલ ઉપર આવવા લાગ્યા. એના ગળા ઉપર દેખાતા લાલ પટ્ટા ઉપરથી પનવેલ બાજુ કોઇ ફાર્મ હાઉસના ચોકીદારે એને ઓળખ્યો અને લોકલ ચેનલને ફોન કરીને ખબર આપી. આમ ત્રીજે દિવસે એનો પત્તો લાગ્યો. એના પરથી પણ ચેનલવાળાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા. “ટોમીને કોણ ત્યાં સુધી લઈ ગયું? આ કોનું કાવતરું છે? આની પાછળ કોનો હાથ છે?” બિલ્ડરલોબી ઉપર શંકાની સોય નિર્દેશ કરતી હતી. કૂતરાના ગાયબ થવા સાથે, આ બચ્ચાગીરી મુવમેંટને જોડવાથી બાળકોને વધુ પ્રસિદ્ધિ મળી.

અને વાત દિલ્લી સુધી પહોંચી. તાત્કાલિક ત્યાંથી પૂછપરછ થઈ. બાળકોની સચ્ચાઈ અને નેતાઓની લુચ્ચાઈની વાત બહાર આવતાં જ ઉપરથી હુકમ થયો કે વાતનો નિષ્કર્ષ લાવવો. આ પ્લોટ તાત્કાલિક છોડી દેવાનો ઓર્ડર મળ્યો અને સત્તાધારીઓ ઉભી પૂંછડીએ, મેદાન છોડીને ભાગ્યા. મેદાન બિલ્ડરના હાથમાં જતું બચી ગયું. “બચ્ચાગીરી” રંગ લાવી. “જય હો બચ્ચાગીરી." આ ભૂલકાંઓ પાસે આપણે કેટલું બધું શીખવાનું છે! આપણે મોટાઓ ક્યારે જાગીશું અને આપણા હક્કમાં સરકાર સામે માથું ઉચકીશું? ડરીને જીવવાનુ બંધ કરીશુ? અંતરાઅત્માનો અવાજ સાંભળીશું? નિર્દોશ ભુલકાઓને પગલે ચાલીને સત્તા સામે સત્યના હક્કમાં માથું ઊંચકતા શીખીશું? સત્તાગીરી સામે સચ્ચાગીરી ટકશે અને જીતશે એવા ભવિષ્યના સપના જોઈશું?                      

 


Rate this content
Log in

More gujarati story from Chetna Thakor

Similar gujarati story from Inspirational