STORYMIRROR

Parth M Suriya

Abstract Tragedy

3  

Parth M Suriya

Abstract Tragedy

અનોખી અને અલબેલી વર્ષાઋત્તુ

અનોખી અને અલબેલી વર્ષાઋત્તુ

2 mins
252

કવિઓએ અને કુદરત પ્રેમીઓએ જેને 'ઋતુઓની મહારાણી' કહી છેે તે વર્ષાઋત્તુ સૃષ્ટિનું સૌભાગ્ય, માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે. 'રેઈની સીઝન ઇઝ ધ કવીન ઓફ ઓલ સિઝન'

ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાનાં વધામણાં થતાં જ પ્રકૃતિમાં પ્રાણ પૂરાઈ જાય છે. નદી, સરોવર, કૂવા, વાવ, તળાવો, નાળાં, ઝરણાં ને જળાશયો પાણીથી છલકાઈ જાય છે. ઉનાળાની નિષ્પ્રાણ ને સૂકી ધરતી વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. 

વીજળીના ચમકારા, કડાકા ને કાળાં ડિબાંગ વાદળાંના ગડગડાટ વચ્ચે રિમઝીમ વરસતી વર્ષારાણી જ્યારે મુશળધાર હેલીઓ વરસાવે ત્યારે ચારે બાજુ આનંદ-આનંદ છવાઈ જાય છે. મોર, બપૈયા, ચાતક જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતનાં ગીતો ટહુકા કરી-કરીને ગાય છે. માછલીઓ હિલોળા લે છે. દેડકાંઓ “ડ્રાઉં... ડ્રાઉ.. ડ્રાઉં...''ના અવાજથી વાતાવરણને ભરી દે છે. ખેડૂતો પોતપોતાના ખેતરોમાં બળદો સાથે હળ જોડી, મીઠાં મીઠાં ગીતો ગાઈ વાવણીકામ કરે છે. બાળકો સૌ ગેલમાં આવી ગયા છે : 'આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ ! ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.'

 વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભા ને સૌંદર્ય ભલે ઋતુરાજ વસંત કરતાંય શ્રેષ્ઠ હોય પરંતુ જો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહાવિનાશ સર્જાય છે. "જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી''ના નિયમ અનુસાર વર્ષા વિનાશક બને ત્યારે: જનજીવન છિન્નભિન્ન થઈ જાય છે.

જાનમાલની પારાવાર હાનિ થાય છે. અતિવૃષ્ટિથી ખેતરોમાં મબલખ પાકનો નાશ કરીને કે નદીઓમાં વિનાશક ઘોડાપુર લાવી, બંધો છલકાવી દેતી વર્ષાઋત્તુ કેટલીકવાર જનસૃષ્ટિ માટે પ્રલયકારી બની જાય છે. અતિવૃષ્ટિથી ગામનાં ગામ ડૂબી જાય છે, મહાનગરો ભયમાં મૂકાય છે, ઘરવખરી તણાઈ જાય છે, પશુ-પંખીઓની દશા બગડે છે, ગામના કે શહેરના રસ્તા ધોવાઈ જાય છે. વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, તાર-ટપાલ ને બસ-સેવા ખોરવાઈ જાય છે. કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જૂનાં ખખડધજ મકાનો ભોંયભેગાં થઈ જાય છે. ને પૂર સાથે વાવાઝોડાથી તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે. આમ, પ્રાણીઓના પ્રાણ સમો વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાંને અમૃત જેવો મીઠો લાગે; પણ જો હદ કરતાં વધુ વરસે તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે !

અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ઘણો વધારે, બેહદ વરસાદ, એક દિવસમાં વીસથી પચીસ ઈંચ પાણી પડી જાય ત્યારે અતિવૃષ્ટિ થઈ કહેવાય. વરસાદ માઝામાં રહે, જરૂર જેટલો જ વરસે તો અમૃત જેવો લાગે, પરંતુ જો હદ કરતાં વધુ વરસવા માંડે અને અટકવાનું નામ જ ન લે તો અન્નદાતા સમો એ વરસાદ કાળો કેર વરતાવીને આપણો સર્વનાશ કરી દે !

આમ, તો વૃષ્ટિ એટલે સૃષ્ટિની ધાત્રી, જીવનદાત્રી અને સંજીવની ! પરંતુ એ જ્યારે પ્રલયંકર ભવાનીનું રૌદ્ર સ્વરૂપ દાખવે તારે માનવીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે ! બાપરે ! અતિવૃષ્ટિનું અડપલું જેને એકવાર પણ થયું છે એને પૂછી આવો કે કુદરત આગળ માનવીની શી હેસિયત છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract