અંધકારે ઉજાસ
અંધકારે ઉજાસ


એ કાળી ડિબાંગ રાત ને યાદ કરું છું તો પણ હું ધ્રુજી જાઉં છું. મારી આ દીકરી લક્ષ્મી ને જોઈ એ રાત યાદ આવે છે. હા, એ રાત જે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલી હતી, વીજળી ચમકી રહી હતી અને વરસાદ મન મૂકી ને વરસી રહ્યો હતો. એ રાત આજે પણ હું નથી ભૂલી શકતો.
હું એ રાતે એટલે કે આજથી ઓગણીસ વર્ષ પહેલા મારા ગામે પાછો ફરી રહ્યો હતો. વાદળો નો ગડગડાટ થઇ રહ્યો હતો, વીજળી ચમકારા સાથે પોતાનો પ્રકાશ પાથરી રહી હતી, વરસાદ તો જાણે ધરતી ને મળવા ગાંડોતૂર થયો હોય તેમ મન મૂકી ને વરસી રહ્યો હતો. હું એક વેરાન જગ્યામાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે મને એક નાના બાળકનો રડવાનો અવાજ સંભળાયો. પહેલા તો મને કાંઈ સમજાયું નહીં. અંધારા માં કંઈ જ દેખાતું ન હતું. અચાનક વીજળી ચમકી તો તેના તેજ પ્રકાશમાં ઝાડીઓની વચ્ચે એક નાના બાળક ને જોયું. તે બાળક ખૂબ જ રડી રહ્યું હતું.
મને કંઈજ સમજાયું નહીં. પહેલા મેં આસ - પાસ નજર નાખી કોઈ દેખાતું ન હતું, દૂર દૂર સુધી કોઈ જ ન હતું. પ્રથમ તો મને એ બાળક ને એમ જ ત્યાં છોડી જતા રહેવાનો વિચાર આવ્યો , પરંતુ પછી એમ વિચાર્યું કે જો હું આ બાળક ને આ જ પરિસ્થિતિ માં છોડી જતો રહીશ તો આ માસુમ બાળકને પ્રાણીઓ ફાડી ખાશે. આ વિચાર આવતા જ મેં તેને ત્યાંથી ઉપાડી લીધું. આસ - પાસ પૂછવાનું વિચાર્યું પણ પછી થયું કે આ કોઈ એવા વ્યક્તિના હાથમાં પહોંચી જશે તો તેની જિંદગી બરબાદ થઇ જશે. એમાં પણ એ એક દીકરી હતી, પછી એમ પણ વિચાર્યું કે તેને કોઈ અનાથાશ્રમમાં મૂકી આવું. પરંતુ અંતે મન માં એ ચમકારો થયો કે કદાચ ભગવાને અમારા બાળક વિહોણા અંધકારમય જીવનમાં આ દીકરીના પગલાંથી અજવાળું ફેલાવવાનું નક્કી કર્યું હશે તો ?
આ વિચાર આવતા જ હું આ બાળકીને લઇને ઘરે પહોંચ્યો. આને જોઈ મારી પત્નીની ખુશીનો પાર ન રહ્યો. અમારા જીવનમાં લક્ષ્મીના આગમનથી બધુંજ બદલાઈ ગયું. અમારા જીવનને નવી દિશા મળી, અમને નવું જીવન મળ્યું. જોત જોતામાં લક્ષ્મી મોટી થતી ગઈ. તે ભણવામાં હોંશિયાર એટલે ખૂબ ભણી. આજે ઓગણીસ વર્ષ પહેલાની જે રાત હતી તેવી જ રાત છે. હું ઓગણીશ વર્ષ પાછળ જતો રહ્યો અને એ રાત ને યાદ કરી થોડી ક્ષણ માટે ધ્રુજી ઉઠ્યો. પણ લક્ષ્મી પર નજર જતા ફરી વર્તમાનની ખુશી અનુભવી.