ગૃહલક્ષ્મી
ગૃહલક્ષ્મી
એક સુખી, સંપન્ન, સમૃદ્ધ પરિવાર જેમના પર લક્ષ્મીજી ખૂબ જ કૃપા વર્ષેલી હતી. સંજયભાઈ ઘરના મોભી જે ખૂબ જ મહેનતું હતા. પરિણામે તે એક સફળ બિઝનેસમેન બન્યા. તેમના પરિવાર માં તેમની પત્ની, દીકરો અને દીકરી એમ ચાર વ્યક્તિઓ રહે. તેમના બાળકોએ જન્મથી જ ખૂબ પૈસો જોયેલો. સંજયભાઈ રાત - દિવસ જોયા વગર પોતાના વ્યવસાય ને આગળ વધારવા અથાક પરિશ્રમ કરે. તેમનો વ્યવસાય ખૂબ વધતો ગયો. સાથે -સાથે તેમનો પુત્ર સમીર પણ મોટો થઈ ગયો હતો.
સમીરે તેના પિતા સંજયભાઈ સાથે તેમનો વ્યવસાય સંભાળ્યો. સમીર હોંશિયાર અને મહેનતુ હતો તેથી આ બંને બાપ -દીકરાએ સાથે મળી વ્યવસાય માં ઉત્તરોત્તર સફળતા મેળવતા ગયા. તેમનો પરિવાર દરેક દિવાળીમાં સાથે મળી માં લક્ષ્મી ની પૂજા, અર્ચના કરતો અને લક્ષ્મીજીની કૃપા અને આશીર્વાદ હંમેશા એમના પર વરસતા રહે તેવી પ્રાર્થના કરતો.
જોતજોતા માં સમીર ના લગ્ન પણ નક્કી થઇ ગયા. છોકરી ખૂબ જ સુંદર, ગુણવાન અને સુસંસ્કારી સ્વભાવની હતી. પરિવાર ને એક તાંતણે બાંધી રાખે તેવા સરળ સ્વભાવ ની હતી. તેનું રૂપ તો જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોય તેટલું સુંદર હતું. તે એક સાધારણ પરિવારમાંથી આવી હતી. તેનું નામ સીમા હતું. સીમા માં નમ્રતા છલકાતી હતી.
લગ્ન ની શરૂઆત માં તો બધું જ બરાબર ચાલી રહ્યું હતું. બધા ખુશ હતા, પરંતુ લગ્ન ના થોડા વર્ષોમાં જ પરિવારે સીમા ને હેરાન કરવાનું શરુ કરી દીધું . વાતે વાતે મેના - ટોણા મારવા, તેના પરિવાર ને પોતાનાથી નિમ્ન ગણવો, પોતાના પૈસા નો ઘમંડ કરવો આ બધું શરૂ થઇ ગયું. સીમા નમ્ર હતી, સંસ્કારી હતી તેથી તે ચૂપચાપ આ બધું સહન કરે જતી હતી.
આમ ને આમ વર્ષો વીતતા ગયા. સંજયભાઈ અને તેના પુત્રના વ્યવસાય પર કાળા વાદળો ઘેરાવવા લાગ્યા. હવે તે જે પણ કરતા તેમાં તેમને નુકસાન જ થતું. ટોપ પર પહોચાડેલ વ્યવસાય ધીરે -ધીરે તળેટી માં આવી રહ્યો હતો. તેમની આર્થિક સ્થિતિ નબળી પાડવા લાગી હતી. તેઓ કંઈ જ સમજી શકતા ન હતા કે આ બધું શા માટે બની રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાની તૈયારી સંજયભાઈ ના પરિવાર ના સભ્યો કરી રહ્યા હતા. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા. તેમની સ્થિતિ પહેલા જેવી રહી નહતી, પણ લક્ષ્મી પૂજન કરી લક્ષ્મીજી ને રીઝવવા માટે તૈયારી કરી રહ્યા હતા.
દિવાળી ના બે -ત્રણ દિવસ પૂર્વે સંજયભાઈ ના સપનામાં માં લક્ષ્મીજી એ દર્શન દીધા અને કહ્યું , "તારા પરિવારજનો એ ગૃહલક્ષમી નું અપમાન કર્યું છે, દુઃખી કરી છે, ધૂતકારી છે, તો આ લક્ષ્મી તારા ઘરમાં શા રીતે ટકે? જ્યાં ગૃહલક્ષ્મી ને ધૂતકારવામાં આવે છે ત્યાં હું પણ પ્રવેશ કરતી નથી."
એટલું કહી તે અંતર્ધ્યાન થઇ ગયા.
સવારે ઉઠી સંજયભાઈ આ સ્વપ્નની વાત પોતાના પરિવાર ને કરી. હવે બધા સમજી ગયા કે ગૃહલક્ષ્મી ની પૂજા કરીશું, તેને માન આપીશું તો જ લક્ષ્મીજીના આશીર્વાદ આપણા પર સદા વરસતા રહેશે.
મિત્રો, આજના સમયમાં પણ ઘણા પરિવારે આ વાત સમજવાની છે કે, દિવાળીમાં લક્ષ્મી પૂજન કરતા પહેલા 'ગૃહલક્ષ્મી' ને પૂજો તો જ લક્ષ્મીજીના આશીર્વાદ વરસતા રહેશે.
