STORYMIRROR

Sanket Shah

Inspirational Tragedy

4  

Sanket Shah

Inspirational Tragedy

અધૂરી સમજણ

અધૂરી સમજણ

2 mins
30K


ભીડ એ મધ્યમવર્ગનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. આપણે એ સહજ રીતે ભીડમાં ઓતપ્રોત થઇ જઈએ છીએ કે જાણે આપણને પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એ અનુભવ કૉલેજ માટે ઘરથી પચાસ કિલોમીટર દૂર શહેરમાં ભણવા જતાં બસમાં મને રોજ થાય છે. ‘ટાઈટેનિક’ ડૂબતી હતી ત્યારે બચાવ-નૌકામાં બેસવા જે અંધાધુંધી સર્જાઈ હતી તેવી જ અંધાધુંધી જગ્યા મેળવવા અહીંયા રોજ થાય છે. નવી જો કે એ છે કે તેનાથી કોઈને ફરક નથી પડતો.

એમ તો એ ભીડમાં મારા જાણીતા ચહેરા જ રોજ અથડાતા હોય. તેના વિશે બધું જાણતા હોય પણ નામ ન જાણતા હોય તેવું. સવારે આઠ ને દસની એ બસ ચલાવવી એ કાચા-પોચાં ડ્રાઈવરનું કામ નહીં. એટલા કોલાહલમાં સ્વસ્થતા જાળવવા ન જાણે તેણે શું ય કરવું પડતું હશે. એક હળવા આંચકા સાથે બસ ઉપડી, અડધા જાણીતા તો અમુક અજાણ્યા ચહેરાઓ લઈને. આજે તો હું પણ ત્રણ બાય બેની સીટની વચ્ચેની જગ્યામાં ગોઠવાયો હતો. આમ તો મને ઊભા રહેવાની આદત હતી, પણ તોય ઉભા રહેવાનું કોને ગમે? મારી આગળ એક વૃદ્ધ ઉભાં હતાં. અશક્તિ શબ્દ કેટલો ક્રૂર છે. તેમાં શક્તિ આવે છે પણ હોતી નથી, બિલકુલ તેવી જ હાલત તે વૃદ્ધની હતી. મને તેમને જોઇને દુઃખ થયું કે આટલી અશક્તિ છતાંય તેમને ઉભાં રહેવાનું? શરીરનો દરેકે દરેક હિસ્સો જાણે નિવૃત્તિ લઇ ચુક્યો હતો. શરમ આવી મને, મારી એ પેઢી પર કે જે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટના દેશભક્તિનું ડી.પી. મૂકી આખું વર્ષ સૂઈ જાય છે.

કંડકટરને તો અમે વર્ષોથી જાણતાં હતાં. ખૂબ ધાર્મિક માણસ. કહો તે કથા તમને સંભળાવે પણ બાકી નીકળતા એકાદ-બે રૂપિયા પાછા માંગો તો પછી શ્ર્લોક જ સંભળાવે. તે વૃદ્ધની આગળ એક સ્ત્રી ઉભી હતી, લગભગ ત્રીસી વટાવી ગયેલી. સામાન્ય ભારતીય પરિધાનમાં સજ્જ તે ભીડમાં અલગ તારી આવતી ન હતી.

‘આવો ને, બેસી જાવ અહીં આગળ…’ કંડકટરે બેસવા માટે આગ્રહ કર્યો. ક્યારનોય ગંભીર મારો ચહેરો મલકાઈ ઉઠ્યો. તે વૃદ્ધને તો ચાર-ધામ ફર્યા હોય તેટલો આનંદ થયો. અને કેમ ન થાય તેની હાલત એ હતી કે બેસીને પણ આરામ ન મળે અને તે તો ઉભો હતો. નીચે મુકેલી થેલી મહામુશ્કેલીએ ઉપાડીને તે આગળ વધ્યો. મને તો મારો દેશ આગળ વધતો લાગ્યો. ‘તમને નહીં હવે… હું તો આ બેનને કહું છું, જાવ પાછા… ગામ આવશે ત્યારે બોલાવીશ.’ ત્યાં જ કંડકટરે ઉદ્ધતાઈથી બોલેલા તે શબ્દો મારા કને અથડાયા, અને મારી નજર પડી ગયેલા ચહેરાવાળા તે વૃદ્ધ પર પડી. તે ચુપચાપ હતો ત્યાં આવીને ઉભો રહી ગયો.

મારા મનમાં પ્રશ્નોનું વંટોળ ઉઠ્યું કે જે શાસ્ત્રોની આટલી ‘સમજણ’ ધરાવતો હોય તેનો વ્યવહાર આટલો છીછરો? ‘ભાઈ, તમને નથી લાગતું કે આમને વધારે જરૂર છે જગ્યાની?’ મેં તેને પૂછ્યું. ‘એલા, તું છાનો રહે, તારામાં સ્ત્રી દાક્ષિણ્ય જેવું કઈ છે કે નહિ? અને એક સ્ત્રી થોડી ઉભી રહે?’ તેનો જવાબ તેના જ્ઞાન અને સમજણની સાબિતી હતો. આખા રસ્તે પછી હું તે વૃદ્ધને જોતો રહ્યો.


Rate this content
Log in

More gujarati story from Sanket Shah

Similar gujarati story from Inspirational