અધૂરા પ્રેમની અધૂરી
અધૂરા પ્રેમની અધૂરી
તમને થશે કે શીર્ષક મેં અધૂરું કેમ રાખ્યું છે ? શું કાયમ પ્રેમ અધૂરો જ રહેતો હશે ? જેમણે પ્રેમ પ્રાપ્ત કરી લીધો હશે તેમનો જવાબ ના હશે અને જેમના પ્રેમની પૂર્તિ નથી થઈ એ જવાબ નહિ વિચારતા હોય પણ પોતાના એ પ્રેમ પ્રસંગો જે પૂર્ણ નથી થઈ શક્યા એને વાગોળતા હશે.
મારુ માનવું છે કે પ્રેમ ક્યારેય પણ અધૂરો નથી હોતો એ પૂર્ણવિરામ મૂકીને જ જાય છે અને જો અલ્પવિરામ આવ્યું હોય તો પ્રેમ હજી પૂર્ણ થયો જ નથી. પ્રેમ તો પૂર્ણ જ હોય છે..અધૂરી તો આપણી ઈચ્છાઓ રહી જાય છે, પ્રસંગો રહી જાય છે, વાતો રહી જાય છે, મિલન રહી જાય છે પણ પ્રેમ..પ્રેમ ક્યારેય અપૂર્ણ નથી હોતો.
વાત વધુ જૂની નથી ત્રણ વર્ષ પહેલાની જ છે. મારા પાપાની જોબ ગોવેર્નમેન્ટમાં એટલે દર ત્રણ વર્ષે બદલી થાય અને એવા જ ત્રણ વર્ષના સમયની સાથે અમે નવી સિટીમાં આવ્યા.. વલસાડ..
સરસ મજાનો દરિયો અને નૈસર્ગીક સુંદરતાનો સમન્વય.. રોજ સાંજે મારી આદત, હું સરસ મજાની મારી સાયકલ ઉપર સાયકલિંગ કરતા મારા ઘરેથી બીચ પર જવા નીકળું. શીતળ પવનની સાથે જાણે સૂર્યને પણ આળસ આવતી હોય એમ સુસ્ત થઈને આછો કેસરી રંગ વિખેરે જાણે રસ્તાઓ અને મારી વચ્ચે ખાસ એકલતા મળી જતી અને મારી પોતાની ધૂનમાં જે સૂઝે એ ગુનગુનાવાતી અને પહોચી જતી સાગરની સુંદરતા નિહાળવા.
સાયકલ ઉ૫૨થી નીચે ઉતરી સૂઝને સ્ટેન્ડ ૫૨ ફિટ કરતી અને જેવા ઠંડી રેતીમાં પગ મૂકતી, જાણે એવું લાગે કે સ્વર્ગ મળી ગયું. શાંત થઈને મોજા જાણે કે કેહતા હોય આજે તો ના સાંભળેલું મ્યુઝિક સાંભળવું હું તને. ઠંડા પવન થકી જયારે વાછંટ મને સ્પર્શે ત્યારે આછા કેસરી રંગનો સૂરજ પણ મંદ મંદ હસતો હોય. હું કલાકો ત્યાં બેસીને મારા અને કુદરત ના પ્રેમને અનુભવું. સાચું જ કહે છે લોકો કે પ્રેમ કઈ વ્યક્તિવિશેષ લાગણી નથી એ તો એવી અનુભૂતિ છે જે ક્યાંય પણ કોઈની પણ સાથે કોઈ પણ સમયે અનુભવી શકાય.
પ્રથમ દિવસથી જ મારી નજર એક યુવાન ઉપર અટકી ગઈ હતી, એની પાછળનું ખાસ કારણ એની વર્તણુક હતી. એ લગભગ દ૨૨ોજ જ આવતો, બેથી ત્રણ કલાક ત્યાં વિતાવતો, પણ ના એ લટાર મારે કે ના કોઈ વ્યાયામ કરે, ના કુદરત ના સૌંદર્યનું ૨સપાન કરે કે ના જિંદગીનો ગુસ્સો ત્યાં ઉતારે. ના કાનમાં હેડફોન હોય કે ના હાથમાં પેન અને કાગળ, પણ એની પાસે હતી એક ડાયરી.
હવે તમને થશે કે એમાં અજુગતું શું હતું ? ખાસ વાત એ હતી કે એ ના તો એમાં કશું લખતો કે ના કશું વાંચતો. બીચ ઉપર થોડા એકાંત પસંદિત લોકો એ એક સરસ મજાનો પથ્થરોનો પાર્ક બનાવ્યો છે.દરરોજ આવીને એ પાર્કમાં એક ચોક્કસ જગ્યા ઉપર આવે, બેસે, બાજુમાં ડાયરી મૂકે, બે- ત્રણ કલાક પછી ડાયરી લઈને જતો રહે.
આમ મને બીજાની જિંદગીમાં દખલ કરવાની આદત નહિ, કુતુહલ થતું હતું પણ એવું નહોતું કે મારુ ધ્યાન માત્ર ત્યાં જ કેન્દ્રિત થયેલું રહેતું.. આમને આમ એક મહિનો થઈ ગયો, એ જ રોજનીશી, એ જ અવલોકન મારુ અને એ જ મૌન એનું. કશું બદલાય નહિ, જાણે કે કુદરત એ સરસ મજાની શતરંજ ગોઠવી હોય અને ચાલ ચાલ્યા વગર રમતનો આનંદ ઉઠાવતા હોય.
એટલા એક મહિનામાં ના તો કોઈ એની સાથે દેખાયું કે ના કોઈએ એને બોલાવ્યો હોય, ના તો એને કોઈને કશું પૂછ્યું હોય કે ના કોઈએ એને કશું કહ્યું હોય .જાણે કે કુદ૨તે સાંકેતિક સંકેત મોકલાવ્યો હોય મારા સિવાય દરેક ને. અને મારી પણ હિંમત ક્યાં હતી ત્યાં જઈને એને કશું પૂછું ? આમ પણ એ પાર્ક એ લોકો જ પસંદ કરતા જે એકાંત પ્રિયે હોય, કોઈની સાથે વાત ના કરવી હોય, તો મારી જિજ્ઞાસા અધૂરી રહી ગઈ.
કહેવાય છેને કે ભગવાનની ચાલ સામે આપણે તુચ્છ છીએ, એક દિવસ એવો આવ્યો કે જેને મારી જિંદગી બદલી દીધી. મને એની સાથે લાગણી હતી, કુતુહલ હતું, સ્નેહ હતો કે શું હતું, હું નહોતી જાણતી ત્યારે, પણ કંઈક હતું જે જોડાવાનું હતું. શ્રાવણ મહિનાની એક સાંજ, શીતળ વાયરો અને મોજાનો સંવાંદ, મંત્રમુગ્ધ કરી દે એવા સૌમ્ય રંગો આકાશમાં અને એમની સજાવટ કરતા કાળા ઘેરા વાદળો.
વરસાદની ઋતુમાં એ હંમેશા એક પ્લાસ્ટિકની બેગ અને છત્રી સાથે જ આવતો, ડાયરીને સાચવા. તે દિવસે તો ઝરમર છાંટા પણ પડતા હતા એટલે એને પ્લાસ્ટિક બેગ કાઢી અને એમાં ડાયરી મુકવા જ જતો હતો અને એક દાદા એ એની પાસેથી એ બેગ માંગી. દાદા એ આજે બીચ ઉપર દાદી સાથે મસ્ત કપલ ફોટો પડાવ્યો હતો અને એની કોપી મુકવા એમને એ બેગ જોઈતી હતી.સ્વાભાવિક છે કોઈ પણ ના પાડવાનો વિચાર શુધ્ધા ના લાવી શકે એટલી રોમેન્ટિક એ વાત હતી, એટલે એને પણ સહજ ભાવે પ્લાસ્ટિકની બેગ દાદાને આપી દીધી.
એના સત કર્યોનું ફળ મને મળ્યું અને મેઘરાજે વરસવાનું શરુ કરી દીધું. એ ડાયરીને છત્રી ના સહારે બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. અને અમે બંને એક સાથે પાર્કિંગ તરફ જઈ રહ્યા હતા.એની વ્યાકુળતા એના ચાર્મિંગ ફેસ ઉપર દેખાઈ આવતી હતી.વરસાદ એ જોર પકડ્યું અને મારા નસીબ એ પણ, એને મને કહ્યું કે "તમારી પાસે આ વોટરપ્રુફ બેગ છે તો મારી આ ડાયરી એમાં મૂકી દેશો ? હું તમને દરરોજ જોવ છું તો કાલે લઈ લઈશ તમારી પાસેથી. પણ એક વિનંતી છે આ મારી ખુબ જ અંગત વસ્તુ છે, જે આજ સુધી કોઈને નથી આપી અને જીવની જેમ સાચવી છે, તો તમે એને સાચવીને કાલે પરત કરજો અને ખોલતા પણ નહિ." મેં એને નિશ્ચિંત રહેવાનું આશ્વાસન આપ્યું અને હું સાયકલ લઈને અને એ ચાલતા પોત પોતાને રસ્તે નીકળી પડ્યા. બે વાતની ખુશી હતી, એક કે એની ડાયરી મારા હાથમાં હતી, અને બીજી કે એની નજરો એ પણ મને નિહાળી હતી.
મારા માટે તો જાણે એ સાંજ કુદરતે આપેલી અનમોલ સોગાત માંથી એક હતી. ઘરે જઈને બધું કામ પતાવી મારા રૂમમાં આવી, ડાયરી બેગ માંથી કાઢી અને ટેબલ ઉપર મૂકી.જાણવા છતાં હું પોતાને રોકી નહોતી સકતી એ વાંચવાથી. પણ મેં મારી જાતને વચન આપ્યું કે મારા સિવાય કોઈ નહિ જાણે કે આ ડાયરીમાં છે શું ? એ પોતે પણ નહિ.
અને મેં ડાયરી ખોલી.પ્રથમ પેજ ઉપર સુંદર હસ્તાક્ષરે એનું નામ લખેલું હતું- સાગર. સાગર દરિયાની જેમ જ ગંભીર પણ મોહક, વિશાલ પણ આલ્હાદક, સરળ પણ ઈન્ટરેસ્ટિંગ . બીજા પેજ ઉપર એક નામ હતું કિનારા. હવે મારી ધીરજ વધારે ખૂટતી હતી અને મેં ત્રીજું પેજ ખોલ્યું. એક જ શ્વાસે વાંચી ગઈ આખું પેજ અને મેં ચોથું પેજ ખોલ્યું. એ પણ પાંપણના ઝબકારા વગર વાંચી ગઈ અને લખાણ પૂર્ણ થતાની સાથે આંખનું આંસુ રોકાયુ ના અને સરી પડ્યું.
આગળ ના બધા જ પેજ કોરા હતા અને મને લાગ્યું મારા જીવનનો નવો અધ્યાય લખાઈ ગયો. એ આખી રાત હું સૂઈ ના સકી. સવારે મળસ્કે મારી આંખો મીચાઈ એ મને ખબર પણ ના પડી. લગભગ બપોરે હું જાગી, તૈયાર થઈને સાયકલ લઈ બીચ ઉપર પહોંચી. મને આજે છુપાવવાના હતા બધા જ વિચારો, આંખો એ આંસુ અને મારે એ દર્દ. રોજ ક૨તા હું એક કલાક વહેલી પહોંચી ગઈ હતી, આકાશ આજે સાફ હતું જાણે કે આખી રાત વરસીને તૃપ્ત થઈ થયું હોય.અને મારા આશ્ચર્ય વચ્ચે સાગર પણ ત્યાં જ હતો, અધીરાઈથી મારી રાહ જોતો હતો.
હું ત્યાં પહોંચી અને કઈ જ ઔપચારિક ઈન્ટ્રોડકશન વગર એને હાથ લંબાવ્યો, ડાયરી માટે અને મેં બેગ માંથી કાઢીને એને આપી દીધી.ના એને મારુ નામ પૂછ્યું ના મેં એને, બસ દિલથી આભાર વ્યક્ત કરી એક ગુલાબ આપી સાગર એની જગ્યા એ જતો રહ્યો. મેં પણ એ પછી ક્યારેય એની સાથે વાત કરવાનો કે એને પૂછવાનો પ્રયત્ન જ ના કર્યો. રોજની જેમ જ એની રોજનીશી ચાલુ જ હતી. કશું બદલાયેલ નહોતું સિવાય મારા મન.
આમને આમ ત્રણ વર્ષ વીતી ગયા અને મારા પાપાની ફરી બદલી થઈ અને મેં કાયમ માટે વલસાડને અલવિદા કહી દીધું. તમને પણ ખબર છે ત્યાંથી હું એકલી નહોતી આવી, મારી સાથે એક એવી લાગણી આવી હતી જે મારા મૃત્યુ સાથે જ જશે. એક એવું સત્ય હું જાણતી હતી જે કોઈને નથી ખબર. હું સાથે લઈને આવી હતી અનંત પહેર સુધીની કોઈની વાટ.
તમને ખબર છે સાગર ત્યાં કોની રાહ જોતો હતો ? કેમ આવતો હતો ? એ પેજમાં શું લખેલું હતું ? હું કેમ રડી હતી ? તો સાંભળો- સાગર ત્યાં કિનારાની રાહ જોતો હતો. ત્રીજા પેજ ઉપર કિનારા એ સાગરને પ્રેમનો એકરાર કરેલો અને ચોથા પેજ ઉપર સાગર એ "હા" લખી હતી. એના એકરાર ના અંતમાં કિનારા એ લખ્યું હતું કે "જો તારા હૃદયમાં પણ આ જ લાગણી હોય તો આજ ડાયરીમાં તું જવાબ લખી, સાંજે આ દરિયા કિનારે આવીને પાર્કમાં ડાયરી મૂકી દેજે. હું આવીશ અને એમાં લખેલો જવાબ વાંચીશ અને નવા જીવનની શરૂઆત કરીશું.જવાબ હા હશે તો સાથે અને ના હશે તો એકલા. પ્રથમ પેજ ઉપર મેં તારું નામ પહેલેથી જ લખ્યું છે જે મને તારી હોવાનો અહેસાસ અપાવે છે. આવતી કાલે હું તારી આતુરતાથી રાહ જોઈશ અને તું પણ મારી રાહ જોજે, હું જરૂરથી આવીશ.મોડું થશે તો પણ હું આવીશ. રાહ જોજે."
અને તે સાંજે કિનારા ના આવી કયા કારણથી એ ના હું જાણું છું ના સાગર જાણે છે, પણ એ ના આવી. એ સાંજથી લઈને આજની સાંજ સુધી સાગર કિનારાની રાહ જોવે છે, રોજ... આજે હું નથી એની સાક્ષી થવા પણ વિશ્વાસ છે સાગર કિનારાની રાહ જોતો જ હશે, જેમ રોજ જોતો હતો.
તે મેઘલી સાંજે એક અધૂરા પ્રેમની કહાની એ બીજા એક અધૂરા પ્રેમને જન્મ આપ્યો હતો. એ પ્રેમ મારો સાગર પ્રત્યેનો હતો. હા હું સાગરને જિંદગીભર નહિ ભૂલું, પ્રેમ કરતી રહીશ. ભલેને મારા લગ્ન થઈ જાય, જીવન આગળ વધારીશ પણ પ્રેમ કે જેમાં મેળવવાની ઝંખના નથી પણ કટિબદ્ધતાનો ગર્વ છે એ હંમેશા મારા હૃદયમાં અંકિત રહેશે... અધૂરો સાગરનો પ્રેમ અને એ અધૂરા સાગર માટેનો મારો પ્રેમ.
તારા સંગાથ વગર પણ તારા પ્રેમ માત્રથી મારો પ્રેમ પૂર્ણ છે ! અધૂરી હતી હું પહેલા હવે તારી લાગણી ઉમેરાઈ અને જીવન સંપૂર્ણ છે !

