Neeta Shukla

Inspirational

4.4  

Neeta Shukla

Inspirational

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ

2 mins
225


મારા પ્રિય પપ્પા

વાદળોની પેલે પાર, સ્વર્ગલોકમાં સુખી હશો.

નિરાંતની પળો અનુભવી રહ્યાં હોય એવી કામના.

પપ્પા, તમને ખુશીના સમાચાર આપવા છે. મેં હમણાં હમણાં મારા સાહિત્ય પ્રેમને વાચા આપવાનું શરુ કર્યું છે. તમે કદાચ સાંભળ્યું હશે વોટ્સએપ વિશે. એવું જ એક સાહિત્ય રસિકોનું ગ્રુપ છે, સાહિત્ય પરિષદ. એમાં અમને એક શબ્દ આપવામાં આવે, જેના પરથી સભ્યો એ પોતાની રચના અથવા કૃતિ લખીને મોકલવાની. નિર્ણાયકો પછી ક્રમાંક આપી વિજેતા જાહેર કરે. સમયની ખેંચતાણ હોવા છતાં, હું પ્રયત્ન જરૂર કરું છું લખવાનો.. ક્યારેક ક્યારેક મારી કૃતિ વખણાય છે. તમને ખબર છે પપ્પા, તમને નવાઈ લાગશે કે શાળામાં હતી ત્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ લાવનાર ટપાલીની રાહ નહોતી જોતી પરંતુ સાહિત્ય પરિષદનાં પરીણામની હું અધિરાઈ પૂર્વક રાહ જોઉં છું.

આ સમયગાળામાં મેં જેટલી રચનાઓ લખી છે એને ફરી ફરીને વાંચું તો મને સમજાય છે કે મારા ભાષા પ્રત્યેના અભિગમનો પૂર્ણ શ્રેય મમ્મી અને તમારા પીઠબળનું પરિણામ છે.

ગુજરાતી પાઠશાળામાં દશમાં ધોરણ સુધી ભણાવવું, ભાષાનો પાયો એવા કક્કો બારાખડી શીખવાડી આગળનું ભણતર સ્વપ્રયત્નથી પ્રાપ્ત કરવાનાં પ્રોત્સાહન થકી જ હું ઇતર ભાષા પર પ્રભુત્વ 

પ્રાપ્ત કરી શકી.

મને હજી પણ યાદ છે, તમે દર પખવાડિયે ચિત્રલેખા લાવતા અને હું એકજ રાતમાં વાંચી લેતી. 

તમે આપેલી મુકત વિચારની આઝાદીએ મને પોતાને માટે નિર્ણય લેવાનું બળ આપ્યું ને સાથે આપ્યું સાચા નરસાં ફળ ભોગવવાની હિંમત.

પપ્પા, તમને લાગશે હું આજે આ બધી વાત કેમ કરી રહીં છું..તો જણાવું કે સ્ટોરી મિરર. કોમ તરફથી એક સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, પોતાના પ્રિય પાત્રને પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરવાની.. મેં ખૂબ વિચાર્યું... કોને લખું.. બધાં જ પ્રિય છે... પરંતુ પપ્પા તમારા પ્રત્યેની લાગણી તમે હતાં ત્યાં સુધી ક્યારેય વ્યક્ત ન કરી શકી એનો મને ભારોભાર રંજ હતો.. આ સ્પર્ધાનાં માધ્યમથી હું તમને એ જણાવવાનો નાનો એવો પ્રયત્ન કરી રહી છું.

પપ્પા આપણે હંમેશા મોઘમ રહી ઘણું બધું સમજી લેતા પરંતુ સંવાદ ક્વચિત જ સાધતા.

ત્યારે તમે કહેલી કેટલીક કહેવતો જેમકે રામ રાખે તેમ રહીએ એ આજે પણ કોરોના કાળમાં યથાર્થ છે. આટલાં સંકટમાં પણ બધી જવાબદારીઓ યથાવત જળવાઈ રહી છે.

નવરાત્રીમાં પીળુ પીતાંબર અંગીકાર કરી અનુષ્ઠાન કરતા તમારું જાજરમાન સ્વરુપ, આદ્યશક્તિની ઉપસ્થિતિ ઉપર ભારોભાર વિશ્વાસ કરાવતું.. હું જન્મે સ્ત્રી હોવા છતાં આધ્યાત્મ તરફ આગળ વધવા દીધી..અંતે શિવ અને શક્તિ એક જ છે.

પપ્પા, પુરુષાર્થ જ પ્રારબ્ધની કડી છે એ મારા માટે તમે આપેલો મહામંત્ર છે. ધન્યવાદ કે થેંક્યું બહું નાના શબ્દ છે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે..તેમ છતાં આ માધ્યમથી હું તમને આ મેસેજ મોકલવા માગું છું.

તમારા સસ્નેહ સંભારણા મારા જીવનની પૂંજી છે.

ભરતભાઈની ભલમનસાઈને જીવંત રાખવાનું આપણી વચ્ચેનું વણલિખિત વચન આજીવન નિભાવિશ.

જે હંમેશા હૃદયમાં અંકુરિત થતું અને નયન દ્રારા અભિવ્યક્ત થતું પણ ક્યારેય હોઠે ન આવ્યું એ આજે કહું છું પપ્પા મારા અંતરમાં આપના પ્રત્યે સાદર અનરાધાર પ્રેમ હતો અને આજે પણ છે.

વંદન

નીતા.. તમારી નીતા.


Rate this content
Log in

More gujarati story from Neeta Shukla

Similar gujarati story from Inspirational