આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
કશું પણ કહ્યાં વગર...
પાર્થ ઘરની બહાર નીકળી ગયો!!
નિયતીને ચિંતા થવા લાગી, છેલ્લા કેટલાક દિવસોથી પાર્થ ની વર્તણૂંક બદલાયેલી લાગતી હતી.
તે માનસિક અસ્વસ્થ લાગતો હતો અને જીવન સંઘર્ષ નો સામનો કરતાં થાકી ગયો હોય એવું લાગતું હતું, પરંતુ, પાર્થને તે જાણતી હતી ....અર્ધાંગિની હતી ને? એ તો પથ્થરમાંથી પણ પાણી કાઢે એવો છે...
પાર્થને ખબર ન હતી કે એના પગલાં એને
ક્યાં લઇ જઈ રહ્યાં છે?
અંઘારુ ઘીરે ધીરે ગાઢ થતું જતું હતું અને આગળ દૂર દૂર સુધી ખૂલ્લું મેદાન પથરાયેલું હતું.
પાર્થ એકાંતમાં એકલાં બેસી ક્ષુબ્ધ થયેલાં
મનને શાંત કરવાની ઈચ્છાથી નજીક આવેલ એક ટેકરી પર બેઠો.
અચાનક એની નજર ખુલ્લા સ્વચ્છ આકાશ તરફ ગઈ.
આકાશમાં અસંખ્ય તારાઓ ઝગમગી રહ્યાં હતાં!!
પાર્થ ને સમજાયું કે આ તારાઓ પણ જો અંધકાર ના હોય તો ક્યાં ચમકી શકે છે?
અને પાર્થ ને જીવન રહસ્ય સમજાઈ ગયું જીવન છે, તકલીફો રૂપી અંધકાર તો આવશે જ.
પાર્થ ઉભો થયો અને આત્મવિશ્વાસ સાથે ઝડપભેર ડગલાં ભરતો ઘર તરફ ચાલી નીકળ્યો... નિયતી રાહ જોતી હશે!
વરંડામાં રાહ જોતી નિયતી પાર્થ ને ઝડપભેર આવતાં જોઈ સમજી ગઈ એની બધી જ ચિંતાઓ રાતનાં અંઘકારમાં ઓગળી ગઈ... પોતે અર્ધાંગિની ખરીને!