આરક્ષણ
આરક્ષણ
"સીધીવાત છે આ તો... તમે હજીપણ જ્ઞાતિવાદ અને ઊંચ નીચ છૂત અછૂતમાં માનો છો અંકલ ! બરાબર જ છે આ આરક્ષણ અમારા માટે... હું ખોટો હતો કે મનમા એમ વિચારતો હતો કે આ આરક્ષણ હટાવવું જોઈએ. કારણકે મારા મિત્રને એટલે કે તમારા દીકરાને એક સવર્ણ હોવાને લીધે સરકારી નોકરી ન મળી અને મને મારી નીચી જ્ઞાતિનાઆરક્ષણને કારણે સરકારી નોકરી મળી ગઈ. પણ હું સદંતર ખોટો હતો. મારો પૂરે પૂરો અધિકાર છે આ આરક્ષણ. કારણકે તમે અમને લોકોને હજી પણ નીચલી કક્ષાના, હલકા વરણનાલોકો ગણો જ છો" એમ કહી અવિનાશ તાડુક્યો. એ આખો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એના કપાળ અને ચહેરા પર અચાનક જ પરસેવો બાજી ગયો.
અવિનાશ એ જી પી એસ સીની પરિક્ષા સારા માર્કસે પાસ કરી હતી એ ખુશીમાં એ એના દરેક મિત્ર અને સંબંધીને ત્યાં મીઠાઈ વહેંચવા નીકળ્યો હતો. એ નાત જાતમાં માનતો ન હતો. અને કોઈ એને એની જ્ઞાતિ વિશે નીચું બતાવવા પ્રયત્ન કરે એ બિલકુલ સાંખી ન લે એવો એનો સ્વભાવ.
એ એના એક સવર્ણ મિત્રનાઘરે પણ ગયો. અલબત્ત એના મનમાં એવું કાઈ સવર્ણ કે નીચું વરણ એવો ખ્યાલ જ ન હતો. એનેતો એ વાતનું પણ દુઃખ હતું કે પોતાનો મિત્ર ઓપન કેટેગરીમાં હોવાને લીધે મેરીટમાં ન શામેલ થયો. બંને મિત્ર હોલમાં બેસી વાતો કરતા હતા અને ચાયની ચુસ્કીઓ લેતા હતા. કપ ખાલી થતાં જ આંટીને બોલાવવા ન પડે એ માટે પોતે જ ઉભો થઇ કપ રસોડામાં મૂકવા ઊઠી ગયો. પણ પિનાકીનનાપપ્પા મહેશભાઈ આ શું બોલી રહ્યા હતા ? સાંભળીને અવિનાશના શરીરમાં એક ગરમ લિસોટો છવાઈ ગયો.
"આવા હલકા વરણના મિત્રો શું રાખતો હશે પિનાકીન ? આની દુકાને તો હજામત કરાવીને પણ ઘરે આવીને હાથપગ ધોવા પડેને આ એને ઘરમાં ઘુસવા દે છે. અક્કલ જ નથી આનામાં પણ." અવિનાશ તરફ હંમેશા પ્લાસ્ટિકની મુસ્કાન આપતા મહેશભાઈનો સાચુકલો ચહેરો દેખાય આવ્યો.
અવિનાશને થયું કાઈ પણ નથી બોલવું. પણ એ કંઈપણ સહન કરી શકે પણ પોતાની જ્ઞાતિ વિશે કોઈ એલફેલ બોલે એ સહન ન કરે. અને એ પોતે એ પરિવારમાં જન્મ્યો એમાં એનો શું વાંક હતો ? અને દરેક જ્ઞાતિ એ સમાજનું અવિભાજ્ય અંગ છે. સમાજને દરેક જ્ઞાતિની સરખી જ જરૂર છે. તો પછી કેમ સવર્ણ લોકો પોતાને ઉચ્ચ અને એમને નીચા ગણી શકે ? શા માટે કચેરીઓમાં પણ જ્યાં સવર્ણ કર્મચારીની સંખ્યા વધુ હોય ત્યાં એને નીચલી જ્ઞાતિનો કર્મચારી ખટકે છે ? શા માટે ?
અવિનાશ : #સીધી વાત છે અંકલ તો એનો અર્થ તો એ થયો કે અમે હજી નીચા જ છીએ. તમે હજીપણ અમને અછૂત જ ગણો છો. તો તો પછી એમને એ નીચા હોવાનો ફાયદો તો મળવો જ જોઈએને ? હુ સદંતર ખોટું વિચારી રહ્યો હતો કે આ આરક્ષણ હટાવવું જોઈએ. કદાચ એવું વિચારીને તો હું જ મારા પગ પર કુહાડો મારી રહ્યો હતો.
મહેશ ભાઈ કંઈપણ બોલી ન શક્યા ? એના ચહેરા પર પકડાઈ ગયાનાભાવ ઉપસતા હતા પણ પોતે જે બોલ્યા એના માટે એને શર્મિંદગી જરા પણ ન હતી.
અવિનાશ: જાતે જ રસોડામાં જઈ ઘડા માથી પાણી પીને પોતાની જાતને થોડો સ્વસ્થ કરતા ચહેરા પર એક ગંભીર મુસ્કાન (જે ઘણું બધું કહેતી હતી) રાખી બોલ્યો માફ કરજો અંકલ વધારે બોલાઈ ગયું હોય તો. પણ "આરક્ષણ હટાવો" એ નારો હું સૌથી પેલો લગાવીશ જ્યારે તમે પોતે સવર્ણ હોવાનું આ મિથ્યા અભિમાન તમારા મનમાંથી હટાવશો. વ્યક્તિ ઉચ્ચ છે કે નીચ એ એના સંસ્કાર પરથી નક્કી થાય નહિ કે એની જ્ઞાતિ પરથી.
