Mitra Writes

Inspirational

2.5  

Mitra Writes

Inspirational

'આંખ નો પરસેવો'

'આંખ નો પરસેવો'

7 mins
14.5K


ડીંગ ડોંગ, ડીંગ ડોંગ...’, આ લગભગ પાંચમી વખત હું ઘરની ડોરબેલ વગાડી રહ્યો હતો... પણ હજી સુધી કોઈ દરવાજો ખોલવા આવ્યું ન હતું. મેં ફરી એક વખત બેલ મારી, અને ત્યાં જ સવિતાએ બારણું ખોલ્યું. અને મને દરવાજામાં જ ઉભો રાખવા માંગતી હોય એમ, બારણું ખોલતાંની સાથે જ બોલી,

“સાબ... હવે તમે કાં તો વંશ બાબાને સમજાવો, કાં તો મને નોકરીએ થી રજા આપો!”

“અરે શાંતિ સવિતા શાંતિ..., હવે પાછું શું કર્યું એણે.? અને મને ઘરની અંદર તો આવવા દે.!”, કહી હું અંદર પ્રવેશ્યો, અને સોફા પર મારી ઓફિસબેગ મૂકી, ગળામાંની ટાઈ ઢીલી કરી સોફામાં બેઠો...

“અરે તમે પૂછો છો શું કર્યું..!? શું નથી કર્યું એમ પૂછો.? છોકરો છે કે ‘શૈતાન’ એ જ નથી સમજાતું...!”

“સવિતા...!”, મેં લગભગ એની પર બુમ પાડી, “તારે કાલથી નોકરીએ ન આવવું હોય તો ન આવતી! પણ ખબરદાર જો વંશ વિષે કંઈ પણ એલફેલ બોલી છું તો...”, હું સહેજ વધારે પડતો ગરમ થઇ ગયો. સવિતા નખશીખ ધ્રુજી ઉઠી હતી... વંશ પણ બુમ સાંભળી એના રૂમની બહાર સુધી આવી ચુક્યો હતો !

“આઇ એમ સોરી...”, વંશને ડરેલો જોઈ, મેં સવિતા તરફ જોતા કહ્યું.

“સાબ... આપની તકલીફ, હું પણ સમજુ છું!”, કહી એ ચુપ થઇ ગઈ.

“સાબ... ટેબલ પર બધું જમવાનું મુક્યું છે, અને વંશ બાબાનું હોમવર્ક માટે બેસાડ્યા હતા, એટલે એ પણ કદાચ પૂરું થઇ ચુક્યું હશે... છતાં એમને સુવડાવતા પહેલા, એક વાર એમની નોટબુકસ જોઈ લેજો! નહિતર, બાબાને કાલે સ્કુલમાં પનીશમેન્ટ થશે..!” એ મને કામની યાદી ગણાવતી હોય એમ બોલતી ગઈ!

ખરેખર સ્ત્રી મમતાનું સ્વરૂપ હોય છે, ભલે વંશ એને કેટલોય હેરાન કેમ ન કરે, પણ એને કોઈ લઢે, કે માર પડે એ સવિતાથી પણ ન જોયું જાય!

“ચલો વંશ બાબા... હું જાઉં છું!”, કહી એણે વંશને ગાલે ચુંબન કર્યું, અને મારી તરફ જોતા કહ્યું, “કાલે આવીશ હવે... શુભ રાત્રી!” અને એ ચાલી ગઈ.

સવિતા, આ સ્ત્રી લગભગ એક – દોઢ મહિનાથી જ અમારા સંપર્કમાં હતી, વંશની ‘આયા’ તરીકે મેં એને નોકરી રાખેલ. પણ એટલા ઓછા સમયમાં જ એ અમારા બંને બાપ દીકરાની નજીક આવી ગઈ હતી! એ, અમને સમજતી હતી, અમારી મનોદશાને સમજતી હતી... અને સૌથી મોટી વાત, વંશની બધી બાલીશ હરકતોને અવગણી એનું ધ્યાન રાખતી હતી...!

“વંશ... દીકરા, ચાલ હાથપગ ધોઈ લે... પછી જમી લઈએ!”, મેં બાથરૂમ તરફ જતા કહ્યું.

એ આવ્યો, અને જાતે જ હાથપગ ધોઈ ટેબલ પર ગોઠવાઈ ગયો.

“વંશ... કેમ આંટી ને બહુ હેરાન કરે છે.?”, ટેબલ પર જમતી વખતે મેં પૂછ્યું.

“.અરે પણ, સવિતા આંટી મને જબરદસ્તી દૂધ પીવડાવે છે... અને મને દૂધ નથી પસંદ!”

“ઓકે... હવે હું એમને કહી દઈશ. એ તને દૂધ નહિ પીવડાવે બસ...”, અને મને યાદ આવ્યું, નિરાલી વંશને દુધમાં સહેજ ચા ઉમેરી, તેનો રંગ બદલીને પીવડાવતી હતી, અને એ બડા ચાવથી પી પણ જતો હતો... અને કહેતો ‘દૂધ તો સફેદ હોય, આ તો બીજા રંગનું છે!’, અને હું સહેજ હસી પડ્યો.

“વંશ આજે સ્કુલમાં શું ભણ્યો..?”

“ડેડી, મમ્મી કહેતી હતી કે, જમતી વખતે વાતો નહિ કરવાની!”, એ નિર્દોષતાથી બોલી ગયો. અને હું ચુપ થઇ ગયો... અમે બંને ચુપ થઇ ગયા!

____________________________________________________________________________________

જમવાનું પતાવી અમે વંશના રૂમમાં ગયા. સવિતાના કહ્યા મુજબ મેં એની નોટબુકસ ચેક કરી લીધી. બધું હોમવર્ક પૂરું હતું. એમ તો મારો વંશ ડાહ્યો છે... પણ થોડો શરારતી પણ છે! બિલકુલ એની મમ્મી જેવો... નિરાલી જેવો!

“હોમવર્ક તો બરાબર છે... ચાલ હવે તું સુઈ જા!”

“ડેડી, હમણાં ઊંઘ નથી આવતી...”

“મમ્મી એ કીધું હતું ને તને... વહેલું સુઈ જવાનું! ચાલ સુઈ જા...”, કહી મેં એને ઊંચકીને પલંગમાં સુવડાવ્યો, અને ઉપર ચાદર ઓઢાડી. એણે મારો હાથ પકડી લીધો,

“ડેડી, વાર્તા સંભળાવો ને...”

“ડેડીને વાર્તા કહેતાં ના આવડે... ચાલ તું સુઈ જા...”

“પ્લીઝ ડેડી... મને વાર્તા સાંભળ્યે બહુ દિવસો થઇ ગયા... પ્લીઝ”, એના સ્વરમાં બાળસહજ આજીજી ભળી, અને હું પીગળીને એની બાજુમાં બેસી ગયો.

“ઓકે... ચાલ તને એક રાજાની વાર્તા કહું...”, વંશ ઉત્સુક ‘આંખો’એ મને જોઈ રહ્યો.
“એક રાજા હતો.”
“પછી..!?”
“...એની પાસે બહુ મોટું રાજ્ય હતું.”
“પછી..?”
“....એના રાજ્યમાં બધા સુખી હતા. અને પછી...”
“પછી શું ડેડી...?”
“પછી બધાએ ખાધું, પીધું અને રાજ કર્યું...”

વંશ ખડખડાટ હસી પડ્યો... “આવું ના હોય ડેડી... એ તો બહુ છેલ્લે આવે! તમને તો વાર્તા કહેતા પણ નથી આવડતી...” અને એના નિર્દોષ હાસ્યમાં હું પણ સામેલ થઇ ગયો.

“ડેડી... મને આખી વાર્તા કહો ને... આમાં તો ‘કંઇ ખાસ’ નહોતું !”

હા, આમાં ‘કંઈ ખાસ’ ન હતું... વાર્તામાં ‘કંઇક ખાસ’ હોવું જોઈએ... જેમાંથી કંઇક શીખી શકાય! એટલે જ તો વાર્તાઓ લખાતી, અને કહેવાતી હોય છે!

“ઓકે... ચાલ કંઇક નવું કહું બસ... પણ એના પછી તું સુઈ જજે!”

“હા...”

“...એ રાજાને એક રાણી પણ હતી. અને એમને એક રાજકુમાર પણ હતો...”

“ડેડી, રાજકુમાર મારા જેવો હતો...?”

“ના... એ તારા ડેડી જેવો હતો...”

“હં... પછી...?”

“પછી રાજકુમાર મોટો થયો... ખુબ ભણ્યો. અને પછી એક રાજકુમારીને ઘરે લઇ આવ્યો!”

“પછી...?”

“પણ રાજા અને રાણીને એ રાજકુમારી પસંદ ન હતી. એટલે એમણે, એ બંને ને મહેલની બહાર કાઢી મુક્યા...”

“પછી ડેડી...?”

“પછી, રાજકુમાર અને રાજકુમારી એ પોતાનું એક મહેલ લીધું... અને ત્યાં રેહવા લાગ્યા... થોડા વર્ષો બાદ એમને ત્યાં પણ એક નાનકડો ‘રાજકુમાર’ આવ્યો...”

“આ નાનો રાજકુમાર મારા જેવો હતો...?”

“હા... બિલકુલ તારા જેવો... તોફાની !”

વંશ હસ્યો.

“પછી શું થયું ડેડી...!”

“પછી એમનો રાજકુમાર થોડોક મોટો થયો. બધા ખુશ હતા. પણ રાજકુમારીની તબિયત બહુ ખરાબ રેહવા લાગી. રાજકુમાર પણ ઉદાસ થવા લાગ્યો.... અને પછી એક દિવસ રાજકુમારી, બધાને છોડીને ચાલી ગઈ...!”

“રાજકુમારી ક્યાં ચાલી ગઈ ડેડી...?”

“મરી ગઈ... રાજકુમારી મરી ગઈ...!”, હું બોલી ગયો.

“મમ્મી મરી હતી એમ...!?”, વંશ ની આંખમાં સહેજ ભીનાશ તરી આવી.

“હા... બસ એ રીતે જ...”, હું મારો ધ્રુજતો હાથ એના માથા પર ફેરવવા માંડ્યો.

“પછી શું થયું...?”, થોડીવાર શાંત રહી વંશે પૂછ્યું.

“પછી...? હા, પછી રાજકુમાર એકલો નાના રાજકુમાર નું ધ્યાન રાખવા માંડ્યો. બિલકુલ એમ જેમ હું તારું ધ્યાન રાખું છું..., પણ જયારે મોટો રાજકુમાર, નાના રાજકુમારથી દુર રેહતો ત્યારે એ બહુ ઉદાસ રેહતો...”

“એને રાજકુમારીની યાદ આવતી હતી?”

“હા... અને એટલે જ એ ઉદાસ રેહતો !”

“ડેડી રાજકુમારીના ગયા પછી, એ રાજકુમાર રડ્યો નહી...!?”

“ના...”

“મમ્મી કહેતી હતી કે, કોઈ વાતનું દુઃખ લાગે તો રડી લેવું જોઈએ... એનાથી દુઃખ હળવું થઇ જાય !”

“પણ રાજકુમાર તો પુરુષ છે, એટલે રડવું એના સ્વભાવમાં નથી !”, હું પણ વંશની વાતોમાં બાળક બનતો ચાલતો હતો.

“હું પણ તો પુરુષ જ છું ને... હું તો રડું છું ! મમ્મી કહેતી હતી, કે આપણા આંસુએ ‘આંખને થતો પરસેવો’ છે ! જયારે હૃદયમાં લાગણીઓની ગરમી વધી જાય, ત્યારે આંખને પરસેવો થાય ! એટલે એ રાજકુમાર ને કહેજો, કે મનભરીને રડી લે... કારણકે, એ તો આંખોને પરસેવો જ પડાવે છે ને, બસ...!”, વંશ એની બાલીશ વાતોમાં બહુ મોટી વાત કરી ગયો !

“ઓકે... હવે હું રાજકુમારને કહીશ, એ રડી લેશે... અને હળવો પણ થઇ જશે !”

“હ્મ્મ્મ, પછી શું થયું ડેડી !?”

“બસ... આટલું જ. વાર્તા પૂરી !”

“પણ ડેડી પેલું તો આવ્યું જ નહિ...? ‘ખાધું, પીધું અને રાજ કર્યું’ !”

“બેટા... બધી વાર્તાઓમાં એવું ના આવે! કેટલીક વાર્તાઓમાં એ રહી જાય!”

“ના... એવું ના હોય.... મમ્મીની બધી વાર્તાઓમાં ‘ખાધું, પીધું અને રાજ કર્યું’, એવું આવતું જ હતું ! આમાં પણ આવશે જ...”

“હા આવશે જ...,” કહી હું એને ચૂમ્યો. “...ચાલ હવે સુઈ જા... આગળની વાર્તા કાલે કહીશ!”

“ઓકે ડેડી... લવ યુ...”, કહી એણે પડખું ફેરવી આંખો મીંચી દીધી.

હું કલાકો સુધી ત્યાં બેસી રહ્યો, એકદમ શૂન્યમય બની! નિરાલીને ગયે હજી માંડ એક-દોઢ મહિનો થયો હતો! પણ જાણે લાગતું હતું, નિરાળી હજી અમારી જોડે જીવતી હતી! આ ઘરની દીવાલોમાં, એની હવાઓમાં, એના નાનકડા રસોઈઘરની ખુશ્બુમાં, મારા શ્વાસમાં, વંશની વાતોમાં... હા, એ હજી અમારી સાથે જ હતી! મારા હ્રદયમાં લાગણીઓની ગરમી વધી રહી હતી, અને અનાયસે જ એ ‘આંખનો પરસેવો’ બની, વહી રહી હતી!

સવારે વંશે સવિતાને દરવાજો ખોલ્યો ત્યારે હું બાથરૂમમાં હતો, “ગુડમોર્નિંગ વંશ બાબા...”, સવિતાનો અવાજ સંભળાયો.

“સ્કુલ માટે તૈયાર...!?”

“હા... પણ આંટી જલ્દી નાસ્તો બનાવો, મને ભૂખ લાગી છે...!”, વંશનો અવાજ.

“ઓહ... આજે તો સવિતા આંટી લેટ થઇ ગયા... સોરી! ચાલ, ફટાફટ ગરમાગરમ નાસ્તો બનાવી દઉં.”

“વંશ બાબાના ડેડી ક્યાં છે?”, સવિતાએ પૂછ્યું.

“બાથરૂમમાં છે... હમણાં આવશે...” અને બંને એમની વાતોમાં પડ્યા.

“આંટી તમને ખબર છે... કાલે ડેડીએ મને એક સરસ વાર્તા કહી...”

“અચ્છા...! મજા આવી...?”

“હા... મતલબ ના... કારણકે, હજી એમાં ‘ખાધું પીધું અને રાજ કર્યું’ એવું નથી આવ્યું! એ આવશે ને એટલે પછી મજા આવશે!”

“મતલબ વાર્તા હજી અધુરી છે, એમ ને !”, અને બંને હસી પડ્યા.

હું બાથરૂમમાંથી ટુવાલ લપેટી બહાર રૂમમાં આવ્યો અને કપડાં પહેરવા લાગ્યો. એ બંને હજી એમની વાતોમાં મશગુલ હતા, અને હું પણ એમણે સાંભળી હસી રહ્યો હતો.

“...અને આંટી તમને ખબર છે...”, વંશ બોલ્યો, “...કાલે રાત્રે ડેડીને ‘આંખ’ પર બહુ જ પરસેવો પણ થયો હતો!”

એનું એ વાક્ય સાંભળી હું ઘડીભર સુન્ન રહી ગયો!

સવિતાને કંઇ સમજાયું નહી, એ ફિક્કું હસી!

નાસ્તો ટેબલ પર ગોઠવાયો. અને હું બહાર આવી ટેબલ પર બેઠો.

“ગુડ મોર્નિંગ...”, કહેતા મેં હસીને એ બંનેનું અભિવાદન કર્યું.

“શું વાત છે સાબ... આજે બહુ ખુશ લાગો છો!”, સવિતાએ નાસ્તો પીરસતા કહ્યું.

“આ બધી વંશની મહેરબાની છે... એણે મને વાર્તાકાર જો બનાવી દીધો છે...!”, અમે હસી પડ્યા.

“સાબ... બાબા કહેતા હતા, તમને કંઇક ‘આંખ નો પરસેવો’...!?”

એ આગળ બોલતા અટકી પડી... અને ઉજાગરા અને રુદનના કારણે લાલ થયેલી મારી આંખોમાં તાકી રહી!

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational