Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamal Bharakhda

Inspirational Others

3  

Kamal Bharakhda

Inspirational Others

સમજોતા એક્સપ્રેસ

સમજોતા એક્સપ્રેસ

5 mins
13.9K


વર્ષ ૧૯૭૬માં શિમલા કરાર પછી સમજોતા એક્સપ્રેસનાં શ્રી ગણેશ સાથે કાયદેસર રીતે રેલ્વેમાર્ગ દ્વારા બે દેશો વચ્ચે

મોટા પાયે “સામાન્ય વ્યક્તિ વ્યવહાર” ફરી શરુ થયો. રાજકીય તકલીફોને લીધે કેટ-કેટલાય પરિવારો અને લોહીનાં સબંધીઓએ પાર્ટીશન બાદ અનુભવેલી વિરહ(વિરલ)-વેદનાં એટલી આત્યંતિક હોય છે કે, ક્યારેક સરહદ પાર રહેલા પોતાના સ્વજનની યાદ આવી જાય તો આંખના ખૂણામાંથી એક લાગણીનું મોતી વહી પડતું હશે.

જયારે જૂની દિલ્લીનાં સમજોતા એક્સપ્રેસના “સ્પેશિયલ પ્લેટફોર્મ” પર છ કલાક પહેલા આવી ગયેલી એકમાતા, છવ્વીસ વર્ષનાં લાંબા સમય બાદ લાહોરથી આવી રહેલી પોતાની દીકરીને જે રીતે ભેટી પડે છે એ ખરેખર ભાવનાત્મક દ્રશ્ય હતું. એ દીકરી સમજોતા એક્સપ્રેસનો પણ તહે-દિલથી આભારમાની રહી હોય એમ, પોતાની માતાને ભેટ્યા પછી પ્લેટફોર્મ પર ઉભી રહેલી સમજોતા એક્સપ્રેસને જઈને ચૂમી આવે છે.

સ્ટોરીમાં એક એ ફેમિલીને પણ કવર કર્યું હતું કે, જેમાં લાહોરમાં રહેતા એક યુવકને એક આંખમાં કંઈક ઈજા થાય છે જેનાથી એને એક આંખથી સંપૂર્ણ અંધાપો આવે છે. તેનો ઈલાજ છેલ્લે કરાચીમાં પણ નથી થતો ત્યારે એ યુવક ઇન્ટરનેટની મદદથી દિલ્લીનાં એક આઈ-સર્જનના કોન્ટેકમાં આવે છે અને ડોક્ટર એ યુવકની પરિસ્થતિ સમજતાં જ એને, લાહોરથી દિલ્હી ઈલાજ માટે આવવાની તમામ પ્રક્રિયા તરત જ પૂરી કરી આપે છે. પાર્ટીશન બાદ યુવકના દાદા ભારતથી પાકિસ્તાન ગયેલા અને હવે એ છોકરો અને એના પિતાજી ત્યારબાદ પહેલી વખત ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને એમને એક પ્રકારની નર્વસનેસ પણ છે કે, ભારત પહોંચીને શું થશે. વિઝા ક્લીઅર થતાં જ એ યુવક ભારતનાં હૈદરાબાદમાં રહેતા દુર સગાનો કોન્ટેક કરે છે અને એ સગા એમના દિલ્હીમાં રહેતા અને એ પાકિસ્તાની યુવકના તદ્દન અપિરિચિત વ્યક્તિની ઓળખાણ આપે છે કે, જેથી તેઓ જયારે લાહોરથી  દિલ્હી પહોંચે ત્યારે એમની મદદે કોઈ રહે. ડોક્ટર એ યુવકનો વધારે સમય વ્યર્થ ન કરતા, એ જ દિવસે તમામ રિપોર્ટો બરાબર આવતાની સાથે જ સર્જરી કરે છે અને રીઝલ્ટ જેવું જોઈએ એવું જ મળે છે. પોઝીટીવ.

હવે આ અહેવાલની ગાડીને ભાવનાત્મકનાં પાટા પરથી રસપ્રદ અને રોચક માહિતીઓનાં પાટા પર લઈ જાઉં છું. પાકિસ્તાનમાં ભારતની સરહદ પાસે આવેલુ છેલ્લું ફાટક, બોર્ડરથી લગભગ ત્રણેક કિલોમીટર જ દુર છે, અને ત્યાં ફાટક પર છેલ્લા બત્રીસ વર્ષથી એકધારૂ ફરજ બજાવી રહેલ અધિકારીનું કામ ટ્રેન આવતાની સાથે જ ફાટક ચાલુ-બંધ કરવાનું છે. તેઓ આ સમજોતા એક્સપ્રેસ અને ભારત પાકિસ્તાન વચ્ચેના રેલ્વે માર્ગના એકમાત્ર એવાં વ્યક્તિ છે કે, જેઓ ૩૦ વર્ષથી આ સમજોતા એક્સપ્રેસનાં વ્યવહારનાં સાક્ષી છે. એમના કહેવા મુજબ, પહેલા માલગાડી અને સમજોતા એક્સપ્રેસની સાથે સાથે અન્ય કુલ ૪૪ ટ્રેનો દરરોજ ભારત-પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરતી હતી. હવે સમય જતા ફક્ત એક જ ટ્રેન વધી છે અને એ છે, સમજોતા એક્સપ્રેસ.

દિલ્હીથી લોહોરની અને લાહોરથી દિલ્હીની ટ્રેનયાત્રાનો વહીવટ પણ ખુબ રસપ્રદ છે અને કદાચ ઘણાને ખ્યાલ નહીં હોય, એટલે જ આ લેખ લખવાની ઈચ્છા થઈ. ભારત-પાકિસ્તાન બોર્ડર પર, ભારત બાજુ “અટારી ગામ” અને પાકિસ્તાન બાજુ “વાઘા ગામ” આવેલું છે. અટારી સ્ટેશન અને વાઘા સ્ટેશન વચ્ચે લગભગ ૩ કિલોમીટરનું અંતર છે. બંને સ્ટેશનો પર પોતપોતાના દેશોની સુયોજિત અને કડક, ઈમિગ્રેશન અને સિક્યોરીટી પ્રોસેસ છે.

ભારતથી નીકળતી સમજોતા એક્સપ્રેસ છેક લાહોર સુધી નથી જતી! પણ બોર્ડર ક્રોસ કરીને ફક્ત પાકિસ્તાનના વાઘા સ્ટેશન સુધી જ જાય છે. ત્યાં દરેક પેસેન્જરોએ ઉતરીને ઈમિગ્રેશન પ્રોસેસ અને અત્યંત જરૂરી એવી સિક્યોરીટી પ્રોસેસો પૂરી કરવી પડે છે. ત્યાર પછી ૩થી ૪ કલાક બાદ યાત્રીઓને વાઘા સ્ટેશનથી લાહોર જવા માટે પાકિસ્તાન રેલ્વેની ટ્રેનમાં સફર કરવી પડે છે. તેમ જ પાકિસ્તાનથી નીકળતી સમજોતા એક્સપ્રેસ ભારતની બોર્ડર ક્રોસ કરીને ફક્ત અટારી સ્ટેશન સુધી આવે છે અને ત્યાંપણ યાત્રીઓએ બધી લીગલ પ્રોસેસ પૂર્ણ કરીને આઠ કલાક બાદ અટારીથી દિલ્હીની નોન-સ્ટોપટ્રેન મળે છે. જી હા! નોન સ્ટોપ, અને એ એટલા માટે કે, કોઈ વ્યક્તિ ટ્રેનમાંથી નીકળી-આવી ન શકે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય થયો. આ બધું પતે એટલે ટ્રેન લગભગ અડધી રાત્રે ત્રણ ને વીસે દિલ્હી પહોંચાડે છે. લાહોરથી-દિલ્હી ભલેને ફક્ત ૫૦૦ કિલોમીટરનું અંતર કેમ ન હોય, દરેક પ્રોસેસોમાંથી પસાર થતાં થતાં આખરે યાત્રીઓ સમજોતા એક્સપ્રેસ દ્વારા બંને જગ્યા એ પહોંચતા લગભગ ૨૪ કલાક જેટલો સમય લાગે જ છે.

દિલ્હીમાં ફક્ત સમજોતા એક્સપ્રેસને ધ્યાનમાં રાખીને એક અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને ત્યાં સંપૂર્ણ સ્વતંત્ર સિક્યોરીટી, સુયોજિત તંત્ર અને અધિકારીઓની વ્યવસ્થાઓનો સંપૂર્ણ બંદોબસ્ત છે.

ટ્રેન વાઘા બોર્ડરથી અટારી પહોંચે અથવા અટારીથી વાઘા પહોંચે ત્યાં સુધી અટારી અને વાઘા એમ બંને સ્ટેશનનાં હેડ માસ્તરોનાં ફોન સદંતર ચાલુ જ હોય છે. જેથી તાત્કાલિક સમયમાં અગર ટ્રેનની બોર્ડર ક્રોસ પર રોક લગાવવામાં આવે તો એ લોકો નિર્ણયો લઈ શકે. યાત્રીઓ માટે પાકિસ્તાન જવા માટેનાં વિઝા અને ભારત આવવા માટેનાં વિઝા મળવા ખરેખર ખુબ અઘરા છે. બંને દેશોની ઈન્ટેલીજન્સ બ્યુરો દ્વારા ક્રોસ ચેક કરીને જ વિઝા ઓફર થાય છે અને ક્યારેક વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે વિઝા પાસ થતા. સમજોતા એક્સપ્રેસના આટલા મોટા સમયકાળમાં ફક્ત ૨૦૦૭માં એક જ વખત આંતકવાદી હુમલો થયો છે.

પાકિસ્તાનથી સમજોતા એક્સપ્રેસ દ્વારા ભારત આવનાર લોકો દર વર્ષે લગભગ પચાસ હજાર જેટલા હોય છે અને ગુરુનાનકનું જન્મ સ્થળ હાલ પાકિસ્તાનમાં હોવાને લીધે ભારતના શીખ સમુદાયનાં લગભગ દોઢ લાખ લોકો દર વર્ષે ગુરુનાનકનાં જન્મ સ્થળે ગુરુદ્વારાની મુલાકાત લેવાનો સુવર્ણ અવસર મળે છે. શીખોનાં મતે ગુરુનાનકનાં જન્મ સ્થળની મુલાકાત લેવી એટલે હજ કરી કહેવાય.

આ માહિતી કરતા પણ કંઈક વિશેષ જાણવા મને મળ્યું હોય તો એ એ છે કે બંને દેશના લોકોને એકબીજાના દેશમાં આવ્યા બાદ પોતાના દેશ જેવી જ અનુભૂતિ થાય છે. પેલા યુવકને લાહોર અને જૂની દિલ્હીમાં બાંધકામ, બોલી, રહેણી કરણી, નાના નાના ગલી ખુંચા એમ બધું સરખું લાગ્યું. છેવટે એક સમયે બંને દેશ એક જ તો હતા. તો વિભિન્નતાઓની અપેક્ષા શું કામ રાખીએ? ઠીક છે મુળ મુદ્દે બંને દેશનો મુસાફરોએ પોતપોતાના પાડોશી દેશ મુદ્દે સુખદ અનુભવ લઈને જ ગયા છે.

હવે તો એજ અપેક્ષા રાખી શકીએ કે, કાશ એક દિવસ એવો આવશે જયારે બંને દેશોનીવચ્ચે એક નહીં પણ ઘણી, એવી સમજોતા એક્સ્પ્રેસો ચાલી નીકળશે અને એકંદરે છુટ્ટા અને વિખુટા પડી ગયેલા પરિવારો એકબીજાને આસાનીથી મળી શકશે.

અત્યારે હાલમાં પણ વિશાળ ઉજ્જડ રણ જેવા ભારત પાકિસ્તાનનાં સબંધો હોવા છતાય એક સુગંધિત ગુલાબનાં ફૂલ જેવી સમજોતા એક્સપ્રેસ બંને દેશોને પોતાની સુગંધ આપી રહી છે અને એકદંરે એ પણ સમજાવી રહી છે કે, અમન અને શાંતિ સિવાય કોઈ બીજો રસ્તો નથી સમાધાન માટે. મને આશા છે કે એ દિવસ આવશે, જરૂર આવશે એ દિવસ.

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational