વરદાનરૂપી દાગ
વરદાનરૂપી દાગ


ધમધમતા શહેરની સાંજ, આંખોમાં એક હાશ, મનમાં એક સવાલ, ભીની લટોની સુવાસ, ચોખ્ખું ગુલાબી આકાશ, ઢાળતા સૂરજનો આછો પ્રકાશ અને દિલમાં ઉમળકાનો રાગ.
તે આજથી પંદર વર્ષ પેહલા કદાચ ૬ ધોરણના દિવસો ને યાદ કરી રહી હતી. તે ભૂતકાળ માં ઝાંકી રહી હતી, એને બાળપણના એ દિવસોમાં પ્રકાશ ઝાંખો ઝાંખો લાગી રહ્યો હતો. એના મન માં આજે પણ એ વાતની ઘૃણા હતી જે તેની આંખોમાં આજે પણ તરવરી રહી હતી. બેંક માં મૅનેજર, આકાશે કૅરિયર અને લાઈફ માં મસ્ત સેટ થઇ ગયેલી કાવ્યા ને મનોમન એમ થતું કે પોતાના સફેદ દાગવાળા શરીરને જે પોતે વારંવાર કોસતી રહી હવે તેને તે પ્રેમ કરવા લાગી છે.
વાત છે તેને એ દિવસોની જયારે તે નવી નવી સફેદડાગ રૂપી રાક્ષસના ચુંગાલમાં આવી અને પોતે ધીરે ધીરે બધામાં કદરૂપી અને અણગમી થવા લાગી. સ્કુલમાં બધા એની જોડે વાત ના કરતા ના તો રમતા. પોતાનામાં ફૂટી ફૂટી ને ભરેલું કૌશલ્ય તે ક્યારેક પરીક્ષામાં, ક્યારેક ચિત્ર હરીફાઈમાં તો ક્યારેક કથ્થક કરીને બતાવી દેતી. શિક્ષકો પણ બધા તેનો જુસ્સો બિરદાવતા. રોજ સાંજે કથ્થક કરતી અને મનમાં રહેલો બધો ગુસ્સો નાચીને કાઢી દેતી. તે પોતે સમજી શકતી ના હોતી કે તેને જ કેમ આમ કદરૂપી થવાનો વારો આવ્યો? તેના જ માં બાપ ને જ કેમ સાંભળવામાં આવતું કે દીકરીના લગ્ન માં તકલીફ આવશે? તેને બહાર કશે પ્રસંગમાં કેમ ન લઇ જવામાં આવતી? તેની નજીક આવવામાં લોકો કેમ ડરતા હતા? તેને લીધે કદાચ તેના નાના ભાઈ બહેનને સહન કરવું પડશે? બહુ બધી લાચારી તેના કુમણા મગજમાં ઘર કરી ગઈ હતી. કોઈની જોડે કશી વાતો નહિ કરવાને કારણે તેને દિમાગ માં ચાલતી આ વાતોને જ તેની અલગ દુનિયા બનાવી લીધી હતી.
પહેલા તો મમ્મી પણ માર મારતી એને, કદાચ એને પણ ચીડ હતી થોડી, પણ પપ્પા તો અહીં તહીં કોઈ જ્યાં પણ કે ત્યાં દોડી જતા દવા કરવા. દવા અને દુવા બંને માં અટલ. એ દુનિયાની સામે લડી લેતા. મમ્મીમાં એટલી હિમ્મત નતી કદાચ તે પોતે પોતાને જ ના સમજાવી શકી કે પોતાની ખુબસુરત ચાંદ જેવી દીકરીને દાગ લાગ્યો છે કે પછી એ કાવ્યા ને ના સમજાવી શકી કે દાગ એના જીવન નું જનૂન ઓછું કરી શકે તેમ નથી.
સમય વીતતો ગયો, ૧0 અને ૧૨ માં બોર્ડમાં નંબર લાવ્યા પછી તે ખુલવા લાગી કારણકે હવે લોકો તેની નજીક આવા લાગ્યા. એની જોડે વાતો કરવા લાગ્યા. તેને પોતાના કંઈક ખૂબી દેખાવા લાગી. તે વાતો કરતી તો બધા ને હસાવતી તો ખરી જ. લોકો તેના સ્વભાવ ના વખાણ કરતા થાકતા નહિ. તેની મમ્મી પણ હવે તેને સમજવા લાગી. એને કૉલેજની સાથે પ્રોફેશનલ ડિગ્રી પણ શરૂ કરી. અહીંથી એના જીવનની નૈયા દરિયો પાર કરવા લાગી. તેને ખબર પાડવા લાગી કે બહારનો દેખાવ તેના રોજિંદા જીવન પર અસર ના કરી શકે અને સમાજવાળા પણ ધીમે ધીમે આને સ્વીકારવા લાગ્યા. હવે તેનો ભણવાનો જુનૂન વધતો ગયો કારણકે તેને મમ્મીની કરકસર અને પપ્પાની મહેનત જોઈ હતી. તેને ક્યારેય પોતે લગ્ન કરશે એવુ વિચાર્યું જ નહોતું. એની આંખોમાં તો બસ લોકોને બતાવી દેવાનું ઝનૂન સવાર હતું.
સમય ચાલતો ગયો, અને ધીરે ધીરે એના દોસ્તોની કતાર થઇ ગઈ. આ બધા દોસ્તોએ એના જીવનમાં એટલી ઉર્જા ભરી હતી કે તે બધી પરિસ્થિતિને સમજદારીથી જીવતા શીખી ગઈ. હવે તે ખુબ મોકળાશથી લોકો સાથે ખુલવા લાગી.તે લોકોને સમજાતી ગઈ ને કંઈક ને કંઈક નવું શીખતી ગઈ.લોકો તેની જુસ્સાભેર જિંદગી જીવવાની કળા ને બિરદાવા લાગ્યા અને બદલામાં તેને લોકોના હોઠો પર સ્મિત આપવાને મંત્ર બનાવ્યો.
તેની આંખોમાંથી મોતી ટપકીને ગુલાબી ગાલ પર પડ્યું અને સાથે બેવકૂફીભર્યું સ્મિત પણ! તે વિચારોની ફ્લેશબેકમાંથી પછી આવી. કેટલી ખુશ હતી આજે એ કારણેકે તેને જે કરવું હતું એ બધું કરી ગઈ, પપ્પાનું નામ ઊંચું કર્યું, મમ્મીને દોસ્ત બનાવી અને દુનિયાના ડરથી જીતી ગઈ. આ બધું કરવું તેની માટે સરળ ના હતું. આજે તેની આંખોની ચમક જ કંઈક અલગ હતી, તેને સમજાઈ ગયું હતું કે જે સફેદડાગને તે વારંવાર કોસતી હતી આજે તેની માટે વરદાનરૂપ સાબિત થયું છે કારણકે તેને માત્ર જીવન જીવનાની કળી જ નહોતી આપી હતી એને બલ્કે લોકોને એમની આંખોથી અને બાહરી દેખાવ કરતા લોકોને પારખવાની નજર પણ આપી હતી !
એક જ સવાલ તેના મનમાં હતો કે સમય ખરાબ હતો, લોકો ના અપનાવી શક્યા કે એનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો? મૉટેથી હસીને, લટોને ગાલથી દૂર કરીને તે કહી રહી હતી કે આજે પોતે ખુશનસીબ છે અને અમીર પણ, આજે એની પાસે બધુજ છે ઘર, ગાડી, પતિ અને પ્યારી ફેમિલી, જે બધાની પાસે હોઈ પણ એની ઉપરાંત એની પાસે સફેદ દાગ છે જે બધા પાસે નથી હોતા!!! એક સૂસવાટાભેર પવન સાથે તેના શબ્દો બધે પ્રસરાઈ ગયા અને આકાશમાં તારા પણ ઝગમગી રહ્યા હતા!