STORYMIRROR

Aarti Rajpopat

Inspirational

4  

Aarti Rajpopat

Inspirational

વિરા સદન

વિરા સદન

2 mins
395

એમની લાક્ષણિક ટેવ મુજબ બે હાથને પાછળ બાંધી વિનોદરાય દિવાનખંડમાં આંટા મારી રહ્યા હતા. પણ આજે એમનો રઘવાટ એમની ચાલમાં વર્તાઈ રહયો હતો. ચાલતા ચાલતા ઘડીકમાં ઘડિયાળ તરફ કે ઘરના મુખ્ય દરવાજા પર, તો ઘડીકમાં પત્નીના ફોટા પર અને બાલ્કનીના ખુલ્લા બારણામાંથી આવતા પવનને લઈ ફરફરતા કેલેન્ડરના પાના પર વારાફરતી ઉઠતી એમની નજરમાં બેચેની સાફ દેખાઈ રહી હતી. દિલોદિમાગની આ અવઢવ વચ્ચે અચાનક બે ઘડી થોભી એમને મનોમન કશોક નિર્ણય કર્યો. ફટાફટ તૈયાર થઈ બહાર નીકળી, ઘર બંધ કરી રોડ પરથી રીક્ષા પકડી. 

વસંતના વધામણાં કરવા ડોલતા વૃક્ષો સંગ વહેતો ગુલાબી પવન વિનોદરાયના વ્યાકુળ મનને એક અનોખી શાતા બક્ષી રહ્યો હતો. રસ્તા પર સરકતી રિક્ષાની સાથે દોડતા વિચારોમાં રિક્ષાની ઘરઘરાહટ કે અચાનક આવી જતા સિગ્નલ બ્રેક લગાવી રહ્યા હતા. તે દિવસે વિધિ આવીને કેટલો આગ્રહ કરીને ગઈ હતી.

"પપ્પાજી તમારે અમને આશીર્વાદ આપવા આવવાનું જ છે. તમારા વગર અમારો પ્રસંગ, ખુશી, આનંદ બધું અધૂરું છે."

પણ, સંબંધોના તાલમેલમાં પોતાના 'હું પણું' અને પૂર્વગ્રહથી મન ખાટું કરી બેઠેલા વિનોદરાયનો અહમ એમની આડે આવી રહ્યો હતો. પત્નીના અવસાન બાદ એકલા પડી ગયેલા વિનોદરાય દિકરા-વહુના ખૂબ કહેવા છતાં એમની સાથે રહેવા જવા તૈયાર ન જ થયા. 

"સાહેબ પહોંચી ગયા તમારા સરનામે"

"હમ્મ અહ હા..

રિક્ષાવાળાના શબ્દોથી ચમકી એ વિચારોમાંથી બહાર આવ્યા. એને મીટર મુજબ પૈસા ચૂકવી ધીમી ગતિએ એક મકાન પાસે પહોંચ્યા. ફૂલો અને તોરણથી સુશોભિત મેઈન ડોરની બહાર જડેલી તખ્તી પર નજર પડી. 'વિરા સદન'

અને વિનોદરાયની આંખો છલકાઈ ગઈ. પોતાના નામનો અને પત્નીના નામ રાધિકાનો પહેલો અક્ષર 'વિરા' લઈ મકાનનું નામ વિરાસદન રાખ્યું હતું એ સમજતા એમને વાર ન લાગી. એમના મનમાં ભાવનાઓનું, પસ્તાવાનું પુર ઉમડયું..

'એ દીકરી વિધિ જેણે મારા પરિવાર માટે કેટકેટલો ભોગ આપ્યો. સદા હસતે મોઢે દરેકની સેવા કરતી રહી. એકલપંડે ઘર, નોકરી અને વહેવાર એમ ત્રણ થોકી જવાબદારી નિભાવતી રહી. અમ બાપ દીકરાની વચ્ચેના સબંધ માટે હંમેશા સેતુ બની રહી. પણ મારા જ સ્વભાવને લીધે કંટાળી દીકરાએ અલગ રહેવા જવાની રજા માંગી ત્યારે પોતાનો વાંક ન જોતા બધું વિધિને લીધે થયું, ને એ જ દીકરાને ઉશ્કેરે છે એવી ધારણા બાંધી બેસી ગયા. રાધા એમને કાયમ કહેતી "મારી વહુ તો હીરો છે હીરો.' ત્યારે હમેશાં છણકો કરી એને ચૂપ કરી દેતા. 

મનમાં ઉત્પાત મચાવતા વિચારોએ પગને આગળ વધતા અટકાવી દીધા. "મા.. પપ્પા.. દાદા આવી ગયા.." પૌત્રના મીઠા રણકારે જાણે તંદ્રામાંથી જાગ્યા. વહુ દીકરો દોડીને તરત જ બહાર આવ્યા.

"આવો પપ્પા...." કહી હાથ પકડી પ્રેમથી અંદર દોરી ગયા.

નવગૃહ પ્રવેશ નિમિતે પૂજા ચાલી રહી હતી. સામે દિવાલ પર ઝૂલતો રાધિકાનો ફોટો મીઠું મલકી કહી રહ્યો હતો જાણે.

"જોજો ને મને વિશ્વાસ છે મારી દીકરી વિધિ એક દિવસ જરૂર તમારું મન જીતી લેશે."

વિનોદરાય મનોમન પોતાની હાર કબૂલી આભારવશ નજરે, ભીની આંખે એકટક ત્યાં જોઈ રહ્યા. સંબંધોની ખીલતી વસંત જોઈ સુશોભિત ઘર વધુ સોહામણું થઈ દીપી ઉઠ્યું.


Rate this content
Log in

More gujarati story from Aarti Rajpopat

Similar gujarati story from Inspirational