વાયરસ
વાયરસ
લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહેવાની સાથે સામાજિક દૂરીનું પણ ચુસ્ત પાલન કરતા અમે લોકો શરીરનું પણ એટલું જ ધ્યાન રાખીએ છીએ હો ! આથી જ અમે લોકોએ નિયમિત રીતે ચાલવા જવાનો ક્રમ નથી તોડ્યો. મધ્યમ વર્ગના લોકો માટે તો બે રૂમ રસોડાનો ફ્લેટ એટલે જાહો-જલાલી અને ખુલ્લા આકાશ નીચે આનંદ લૂંટવાનું સ્થળ એટલે અગાશી. અમારો નિત્યક્રમ જાળવી રાખવા માટે અમે અગાશીનો સહારો લીધો.
સાંજના ૬:૩૦ વાગ્યા અને મારા શ્રીમતીજીની બુમ સંભળાઇ "ચાલો થોડું વોકિંગ કરતા આવીએ."
મેં ફટાફટ હાથમા સેનેટાઈઝર લગાવીને મારા શ્રીમતીજી સાથે અગાશી તરફ પ્રયાણ કર્યું. ત્રીજા માળે રહેણાંકી ફ્લેટ પછી તરત જ અમારી અગાશીનો દરવાજો આવે. અમે બંને વાતો કરતા દરવાજે પહોંચ્યા અને જોયું તો... દરવાજે તો તાળુ !
આ દ્રશ્ય જોઈને મને તો ગુસ્સો આવી ગયો. મારા શ્રીમતીજીને મેં કહ્યું 'અલી હમણાં તો કંઈ આવી મિટિંગ પણ નથી થઈ, અગાશી ને તાળું મારવાની કઈ વાત કરી જ નથી, આ તાળું મારનાર કોણ ? ', શ્રીમતીજીએ દાદરા ઉતરતા ખૂબ શાંતિથી જવાબ આપ્યો 'હશે કોઈ કે કંઈક કારણથી તાળું માર્યું છે'
પણ મારા મનમાં શાંતિ નહોતી. મન ચકરાવે ચઢી ગયું હતું, મગજમાં વિચારોનું ઘમસાણ મચી ગયું હતું ! કોણ હશે આ તાળુ મારનાર ? સવાલ અગાશી ને તાળું મારવાનો ન હતો, સવાલ હતો અગાશી પરના અમારા પણ અધિકારનો.
સૌથી પહેલા મારા મનમાં વિચાર આવ્યો કે આ કૃત્ય કરનાર ઓલા પ્રેમી-પંખીડા તો નહી હોય ને ? અને ઘરમાં પેસતા જ આ વાતને મારા શ્રીમતીજીના કાનમાં પણ નાંખી. શ્રીમતીજીએ ખૂબ સરળતાથી જવાબ આપ્યો "અરે, અરે ! આ શું બોલો છો તમે ? એ લોકો શા માટે આવું કરે ? અને કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ મિત્રો હોય તો એમાં કંઈ આપણે શંકા-કુશંકાઓ ન કરવાની હોય. મને તો નથી લાગતું કે એમણે કંઈ કર્યું હોય. પણ તમને કેમ એવું લાગે છે ? "
મેં કહ્યું ' લે તું જો ને એમનો અગાશીમાં આવવાનો સમય અને આપણો સમય બંને એક જ હોવાથી એને આપણે નડીએ છીએ" શ્રીમતીજીએ મને સામે કશું જ પૂછ્યા વગર માત્ર મલકાઈને રસોડા તરફ પ્રયાણ કર્યું.
પણ, મારા મનને શાંતિ ન હતી.
આ કૃત્યની કરનાર ઓલી ઝઘડાળુ રમામાસી તો નહીં હોયને ? આ રમામાસી એટલે બાજ કા બાજનારી દે એવી પ્રકૃતિના માસી. આખા ફ્લેટમાં બધા સાથે એક વખત તો ઝઘડો કરી જ ચૂક્યા છે. તેમને અમારો આનંદ આંખમાં કણાની જેમ ખૂંચતી હોય અને તાળું મારી દીધું હોય એવું તો નથી કર્યું ને ?
રસોડામાં જઈને ફટાફટ શ્રીમતીજીને આ વાત કીધી. શ્રીમતીજીએ શાક સમારતા માત્ર એટલું જ કહ્યું "ના રમામાસી ના હોય, અને તમે હવે આ બધું વિચારવાનું બંધ કરો, તમારું વાંચવાનું શરૂ રાખો' પણ બંદા ને તો હજુ પણ મગજમાં અમારા અધિકાર ઉપર જેણે તરાપ મારી છે તેને શોધવાનો કીડો સળવળતો હતો.
શ્રીમતીજી કંઈક કામ માટે અમારા ફ્લેટની બહાર નીકળ્યા...એ સાથે જ મગજમાં ઝબકારો થયો અને આ વખતે તો થયું કે હા હું સાચો છું... કેમ કે અમારા ફ્લેટમાં નવા રહેવા આવેલો અજીત અને તેનો પરિવાર, બધાથી અતડા, ફ્લેટના દરવાજા હંમેશા બંધ રાખે વળી, અજીત તો દેખાવે થોડો ક્રિમિનલ પણ લાગે.,આવતાંવેંત જ ફ્લેટના સેક્રેટરી તરીકે એણે કારભાર પણ સંભાળી લીધો. મારી સાથે તો એક વાર તેને મેન્ટેનન્સ બાબતે બોલાચાલી પણ થયેલી. હું શ્રીમતીજીના આવવાની કાગડોળે રાહ જોવા લાગ્યો. જાણે કોઈ મોટા સત્યશોધક સત્ય શોધ્યા પછી જે આનંદ અને ઉત્સાહ અનુભવે એવો આનંદ મારા મનમાં પણ અનુભવાયો.
શ્રીમતીજી ઘરમાં પ્રવેશ કરે તે સાથે જ તેમની બાજુમાં છલાંગ મારીને જીતી ગયેલ યુદ્ધ વીરની અદાથી તેમને કહ્યું કે 'આ અજીતના જ કારસ્તાન છે.'
શ્રીમતીજીએ મારી વાત પર ધ્યાન આપ્યા વગર મારી આંખમાં આંખ પરોવીને કહ્યું "તમે જાણો છો ? અત્યારે આખી માનવજાત કોરોના વાયરસના સંક્રમણ સામે જીત મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેમાં ક્યારે સફળ થવાશે તે મને ખબર નથી. પરંતુ, આપણે સૌ ઈર્ષા, દ્વેષ, ખોટી માન્યતાઓ, ગેરસમજણો જેવા કેટલાય વાયરસથી સંક્રમિત થઈ ગયા છીએ... કોરોનાની રસી તો મળી જશે પરંતુ, આ બધા વાઇરસની રસી ક્યાં શોધવા જશો.... ?'
મેં કહ્યું 'મને કંઈ સમજાતું નથી તું શું કહેવા માંગે છે ?'
શ્રીમતીજી કહે " એ જ કે અત્યારે હું નીચે જતી હતી ત્યારે વ્યાસ દાદા અને દાદી મળ્યાં, વાતમાંથી વાત નીકળતા દાદીએ કહ્યું કે 'આ ઉનાળામાં હવે અગાશીમાં સૂવાની ખૂબ મજા આવે અને તમારા દાદા ને અગાશી ખૂબ ગમે. આજે છ વાગ્યે જઈને મેં અને તમારા દાદાએ અગાશી કચરા અને પોતા જાતે કરીને સાફ કરી. નીચે ઉતરતા તારા દાદા એ કીધું કે પોતા હજી તાજા છે કોઈ ચાલશે તો પગલાં ન પડે એટલે થોડી વાર માટે અગાશી ને તાળું મારી દે.'
મને સમજાયું કે શારીરિક રોગ ફેલાવે એ જ માત્ર વાયરસ નથી.
