Hemangi Shukla

Inspirational

4  

Hemangi Shukla

Inspirational

સફર

સફર

5 mins
14.5K


“સિગ્નલ નડ્યું, અરે બાપ રે આજે પણ ઓફિસ કટ ટુ કટ ટાઇમે પહોંચીશ” ટ્રાફિકમાં ઉભેલી નેહા વારંવાર સિગ્નલને ચાતક નજરે જોઇ રહી. સિગ્નલના ડિસપ્લેમાં જેમ જેમ સેકન્ડ ઓછી થતી જાય છે તેમ તેમ તેની ઉતાવળ વધી રહી છે. છેલ્લી 10 સેકન્ડ, 9 , 8, 7, 6, 5 બીજા આવે કે ન આવે નેહા એ પોતાનું એક્ટીવા આગળ ધપાવી દીધું. હજી માંડ થોડી આગળ ગઇ હશે ત્યાં તો એક્ટિવાનું આગલું પૈડું ખાડામાં ઘુસ્યુ અને નેહાનું બેલેન્સ ડગ્યું. “આ અમદાવાદના રસ્તાઓ ક્યારે સારા થશે? ” નેહાએ લગભગ બુમ જ પાડી “રસ્તામાં ખાડા નહીં ખાડા રસ્તા બનાવ્યા હોય એવું લાગે છે. ઓફિસ જઇને પ્રાર્થના દીને કઇશ હવે અમદાવાદના રસ્તા પર સ્ટોરી કરો. કોર્પોરેશનની બરાબર બજાવજો..” આ બબડાટ આખા રસ્તે ચાલુ રહ્યો. ઓફિસના પાર્કિંગમાં પહોંચીને નેહાએ એક ઉંડો શ્વાસ લીધો “હાશ પહોંચ્યા તો ખરા” પોતાનો દુપટ્ટો, હેલ્મેટ, મોજા ડેકીમાં મુકીને ઉતાવળા તેણે પગ ભર્યા. નેહા આરએનએ ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર હતી. ઓફિસની ઇમારત પહેલા એક વિશાળ બગીચો હતો જેને જોઇને તે મૂડમાં આવી જતી. “કેમ છો, માળી કાકા” “બસ, મજામાં બેટા” કાકાએ કહ્યું. બગીચા જ્યાં પૂરો થતો હતો ત્યાં કાચનો વિશાળ દરવાજો હતો. આ દરવાજામાં પ્રવેશતા જ નેહા થોડી ગંભીર બની ગઇ. પોતાની ડેક્સ પાસે આવીને નેહાએ સામાન ગોઠવ્યો. રોજની જેમ પોતાના રાતના બુલેટીન માટે સમાચાર શોધવા લાગી. એન.ડી.ટીવી, એબીપી,વન ઇન્ડીયા બધી જ વેબસાઇટ્સ જોઇ લીધી પણ કઇં ખાસ મળ્યું નહીં. “આજે પણ કોઇ મોટા સમાચાર નથી. લાગી જાઓ બોન્ધુ” નેહા પોતાના કામમાં પરોવાઇ. “નેહા, એક વીઓ કરી આપીશ.” ધવલ ભાઇના અવાજથી નેહા ઝબકી “આ વીઓ કરી આપીશ” એક પેપર બતાવતા ધવલ ભાઇએ ફરી કહ્યું પણ નેહા એ કોઇ જવાબ ન આપ્યો પણ તે તેમને જોતી જ રહી. “તું વીઓ નહીં કરે” ધવલ ભાઇ ચાલવા લાગ્યા “અરે, અરે ધવલભાઇ હું કરી આપીશ ને મેં ક્યાં ના પાડી...” નેહા ઉભી થઇને તેમની પાસે પહોંચી. “ હું વી.ઓ. કરી આપીશ ધવલભાઇ.”  “ખરેખર ?”  “હા પાક્કુ.” “તો હું પેકેજ એડીટિંગ માટે આપી દઉં?” ધવલભાઇએ પુછ્યું “હા, આપી દો”  નેહા ઉત્સાહ સાથે વી.ઓ રૂમમાં આવી. વીઓ તો કર્યો પણ એડિટ કરતાં કરતાં તેને પોતાનો પહેલો દિવસ યાદ આવી ગયો. 3 વર્ષ પહેલાં નેહા ઇન્ટર્નશિપ કરવા આ ચેનલમાં આવી હતી. મલ્ટીકલર શર્ટ, બ્લુ જીન્સ અને થોડું શરીર સ્વાસ્થ્ય સારું હતું એટલે બેલા શાહ નેહાને જોઇ રહ્યાં. બેલા બહેન એસાઇમેન્ટ ડેસ્કના હેડ અને ચેનલના સિનીયર પર્સન હતા. “આવ, દિકરા” તેમનો અવાજમાંનો ઉત્સાહ નેહાને ગમ્યો. “તારૂં નામ..” તેઓ નામ યાદ કરવાનો પ્રયત્ન કરતાં હતાં. “મારું નામ નેહા, હું ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી માસ્ટર્સ કરું છું.”  “હા, હા બરાબર. પહેલા ચેનલ કેવી રીતે કામ કરે છે તે સમજાવું.” નેહા બેલા બહેનની પાછળ પાછળ ચાલવા લાગી. એક મોટા કાચનો દરવાજો ખોલતા બેલા બહેને કહ્યુ “નેહા, આ રૂમમાંથી જ ચેનલ ચાલે છે.” નેહા એ વિશાળ રૂમમાં ઘણા બધા લોકોને કામ કરતાં જોયા પણ તેને કશી ગતાગમ પડી નહી. “પહેલા બે કોમ્પ્યુટર અસાઇમેન્ટ ડેસ્ક છે જ્યાં બધા રિપોર્ટર્સ પાસેથી સમાચાર ભેગા થાય. એની પછી ટેબલ પર જે લોકો કોમ્યુટર પર કામ કરી રહ્યાં છે એ એડીટોરિયલ સ્ટાફ છે, જે સમાચારને મઠારવાનું કામ કરે અને એ સમાચાર એન્કર્સ વાંચે. એમની પાછળ વીડિયો એડિટર્સ છે. ડાબી બાજુ જે કાચના બે કેબિન છે ને એ પી.સી.આર અને એમ.સી.આર રૂમ છે, જ્યાંથી સમાચાર પ્રસારિત થાય.” નેહા બેલા બહેનની વાતને ધ્યાનથી સાંભળતી રહી. “ઇન્ટર્નશિપમાં તારે બધા જ ડિપાર્ટમેન્ટમાં કામ કેવી રીતે થાય છે એ જોવાનું. તને શેમાં રસ છે.?” “મેમ મને એન્કરિંગ કરવામાં રસ છે. હું સારું બોલતી હતી એટલે જ આ ફિલ્ડમાં આવી છું.” “ઓ.કે.” બેલા બહેન બે ક્ષણ માટે શાંત રહ્યાં “એક કામ કર તું આજથી ડેસ્ક પર બેસ, હું આવું.” નેહા છેલ્લા પી.સી. પાસે બેઠી. પોતાના સપનાની તરફ એક ડગલું આગળ આવી હતી જેની ખુશી તેના મોઢા પર છલકાતી હતી. “એક કામ કર આ ફકરાનો અનુવાદ કર.” “ઓ.કે. મેમ” અડધો ક્લાક પછી બેલા બહેને તેનું અનુવાદ જોયું “તારી ભાષા સારી છે. તું ડેસ્ક પર જ બેસ જે. એડિટર્સને કહેજે એ તને શીખવાડશે અને તું જ્યારે ફ્રી હોય ત્યારે નેટ પરથી સમાચાર શોધી ટ્રાન્સલેટ કરજે. આખા દિવસમાં તેં શું કર્યું એ મને બતાવજે.” “હા મેમ,ચોક્કસ” નેહા ખુશ હતી પહેલા દિવસે તેને આટલો સારો પ્રતિસાદ મળશે તેની તેણે કલ્પના પણ ન હતી કરી તેને એન્કરિંગમાં પણ રસ છે તેવું ફરી કહેવાની ઇચ્છા થઇ. પણ તેણે પોતાની આ ઇચ્છા મનમાં દબાવી રાખી. તેને થયું થોડા દિવસ અહીંયા કામ કરું પછી ધીમેથી ફરી વાત કરીશ. બેલા બહેન પોતાના કામમાં વળગ્યા નેહાએ જોયું કે બાકીના એડિટર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા કદાચ એમને આ નવા આગંતુક સાથે વાત કરવામાં રસ પણ ન હતો. આખા મેલ એડિયોરિયલ સ્ટાફમાં કોઇ ઇન્ટર્નશીપમાં આવેલી છોકરી સાથે વાત પણ શું કામ કરે. કદાચ આ જગ્યા જ એવી હતી. બહારથી દેખાતા ગ્લેમરના કારણે ઇન્ટર્નશિપ કરવા ઘણા લોકો આવતા, કોઇ શીખે કોઇ ન પણ શીખે. ન્યુઝ ચેનલમાં જ્યાં એક એક મીનિટના પણ હિસાબ આપવા પડતા હોય ત્યાં થોડા દિવસના મહેમાન સાથે વાત કરવી પોસાય એવી ન હતી. આ વાત તેને બહુ પાછળથી સમજાઇ. નેહાએ નેટ પરથી સમાચાર શોધવાના શરૂ કર્યા કોઇ સમાચાર ગમ્યા તો અનુવાદ કરવાનો શરૂ કર્યાં. થોડો સમય વિત્યો હશે ઓફિસના શાંત વાતાવરણમાં ફેરફારો આવ્યા. કેટલાક લોકો ઘરે ગયા તો કેટલાક નવા ચહેરાઓએ પોતાની જગ્યા લીધી. નેહાની પાસેના પી.સી પર પણ એક 28 થી 30 વર્ષના વ્યક્તિએ જગ્યા લીધી. તેમણે પુછ્યું “ઇન્ટર્નશીપ માટે આવ્યા છો?” “હા” નેહાએ કહ્યું. “શું નામ છે?”  “નેહા શર્મા.”  “અચ્છા બ્રાહ્મણ છો. સરસ સરસ. હું પણ બ્રાહ્મણ છું, ધવલ મહેતા. અહીંયા મોટા ભાગના લોકો બ્રાહ્મણ જ છે. જર્નાલિઝમ કરો છો?” “હા, યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી માસ્ટર્સ કરું છું. ” નેહા વધારે કશું બોલે તે પહેલાં તો ભાઇ વધુ બોલ્યા. “આ ઇન્ટર્નશીપ તો નક્કામી વસ્તુ છે છોકરીઓ તો રોટલા રાંધી જાણે એટલે બહુ થઇ ગયું એ તો આવડે છે ને ?” નેહાને ગુસ્સો આવી ગયો છતાં કશું વધારે બોલ્યા વગર તેણે હા કહીને વાત પતાવી. મનમાં થયું દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ છે અને આ વ્યક્તિ શું બકવાસ કરે છે. ધીમે ધીમે નેહાએ પોતાની જગ્યા બનાવી. ચાર મહિનાની ઇન્ટર્નશીપ પછી તે જ કંપનીની વેબપોર્ટલમાં પાર્ટ ટાઇમ જોબ મળી. કંપનીનો નિયમ હતો કે ભણતા વિદ્યાર્થીઓને નોકરી ન હતાં આપતાં છતાં પોતાને પાર્ટ ટાઇમ નોકરી મળ્યાનો પણ નેહાને આનંદ હતો કેમકે તે હવે પોતાનો ખર્ચો ઉઠાવતી થઇ હતી. દોઢ વર્ષ વેબમાં નોકરી કર્યા પછી નેહાએ ચેનલમાં ફરી કામ શરુ કર્યું પણ આ વખતે ફરક એટલો હતો કે નેહા હવે એડિટર હતી એ મેલ એડિટર ગ્રુપમાં એક ફિમેલ એડીટર હતી. થોડા સમયમાં તેની જવાબદારીઓ વધવા લાગી. તેનું બોલવાનું સપનું સાચું થવા લાગ્યું. તેના વોઇસ ઓવર્સ ઓનએર જવા લાગ્યા. ઠક ઠક અવાજ આવતાં તે ઝબકી. “વીઓ પતી ગયો કે હજી બાકી છે?” “હા, ધવલ ભાઇ વીઓ થઇ ગયો છે. લો આ કર્યો સેવ.” કી બોર્ડની સ્વિચ દબાવતા નેહાએ કહ્યું. “સારું” ધવલભાઇ ચાલતા થયાં. નેહા પણ તેમની પાછળ ચાલતી હતી ત્યારે તેને વિચાર આવ્યા મેં જગ્યા તો બનાવી લીધી પણ તેને જાળવવા માટેની સફર હજી બાકી છે.

 


Rate this content
Log in

More gujarati story from Hemangi Shukla

Similar gujarati story from Inspirational