સંવાદ
સંવાદ
આજ ફરી સંવાદ ઉદાસ હતી. કાનમાં ઇયર ફોન નાખીને પોતાની બાલ્કનીની ખુરશીમાં જગજીતજીનું "કોઈ ફરીયાદ" સાંભળતી હતી પણ એમ એનું ધ્યાન જ ન હતું. લમણા પર હાથની પહેલી બે આંગળીઓ રાખીને કૈક ઊંડા વિચારોમા ગરકાવ હતી એ.
હા, આજે એ એડલ્ટ ક્લિપ વાળી વાતને એક એક વરસના વાયરા વાયી ગયા હતા. મનમાં ફરી દાવાનળ ભભુકી ઉઠ્યો હતો. એ આગમાં તે દિક્ષિતને હોમી દેવા માંગતી હતી. એને દિક્ષિતને ઘણી બધી વાતો પૂછવી હતી. એક અઢાર વરસની છોકરી જ્યારે તેના પ્રેમીને સર્વસ્વ સોપી દે એ પછી આવો દગો શા માટે એને મળ્યો હતો? આમા મારો જ વાંક હતો?" એ વિચારતી હતી. "મે જ માણસ ને ઓળખવામાં થાપ ખાધી હતી?" આંખની અંદર ઉમટેલી વાદળ અચાનક જ વરસી પડ્યું. મોઢું સખત અને અડગ હતું છતાં આંખમાંથી એક પછી એક આંસુ પડતા જતા હતા. સંવાદને દિક્ષિત સાથે ગાળેલો સમયનું સ્મરણ થતાં આંખનાં ખૂણા ભીંજાતા અને એણે આપેલી પીડાઓને યાદ કરી એજ આંસૂઓનો પૂર ઉમટીને છલકાઈ જતો. ગળામાં લાગણીનો ડૂમો ભરાઈ જતો. પરિવારની સામે એનો પડઘો પાડવો મુશ્કેલ થતું જતું હતું.
આ ઘટનાને લીધે સંવાદની કોલેજ લાઇફ બરબાદ થઈને રહી ગઈ હતી. કોલેજ જતી ત્યારે આજુ બાજુ હરતાં ફરતાં છોકરા-છોકરીઓની શાંત મુસ્કાન એને અકળાવી દેતી.
તેનું જીવન તેને હવે નરક સમાન લાગ્વા મંડ્યું હતું. પોતાના માનની વાત તે કોને કહે? જે બહેનપણીઓ માટે તે જાન છિડકતી, એ છોકરીઓ તેને બોલાવવામાં પણ ખચકાતી. કારણ કે તેઓનું નામ જો સંવાદ સાથે જોડાય તો તેમની પણ બરબાદી થાય એવી તેમને બીક હતી. વળી આવી વાત જ્યારે ઘરમાં ખબર પડી હતી.
ત્યારે એ આઘાત ઘરનાં કોઈ ઝીલી ન શક્યું. સંવાદને આ ઘટના પછી ઘરમાંથી કોઈનો સપોર્ટ પણ નહોતો. એ જ કારણે તેની કોલેજ કાયમ માટે બંધ થઈ ગઈ. આવા ક્રુત્યને લીધે સંવાદના મા-બાપને પોતાનું ઘર, પોતાનું શહેર છોડવાની ફરજ પડી હતી. તેઓ ત્યાંથી થોડે દુર બીજા શહેરમાં વસ્યા હતા.
હવે જુની વાતોને ખંખેરીને તે ફરીથી જાગૃત અવસ્થામાં આવી. જગજીતનું પેલુ ગીત ક્યારનુય ખતમ થઈ ગયું હતું અને કોઈ બીજું ગીત ચાલતું હતું.
કોઈક અજાણ્યા આવેશમાં આવીને એણે પોતાનો દુપટ્ટો સહેજ સરખો કર્યો અને ઊભી થઈ. તેના પગ ઝડપથી પોતાના રૂમની અંદર આવ્યા. પોતાનુ પર્સ ઉપાડીને રસોડામાં ગઈ અને પછી તરત બહાર આવી, બહાર જવા તરફ પગ ઉગામ્યા ત્યાં અવાજ આવ્યો. "ક્યાં ચાલી...?" મોમનો અવાજ હતો.
"આવું છું થોડી વારે.." મોમની સામે જોયા વગર સંવાદ બોલી. અને મોમનો જવાબ આવે તે પહેલા જ ચાલી નીકળી. ઘરની બહારથી જ હાઇવે રોડ હોવાથી ત્યાંથી બસ આરામથી મળી જતી. તે સ્ટોપ પર ગઈ કે તરત જ એક બસ આવી. સંવાદ એમાં ચડી. એક વિન્ડો સીટમાં બેસીને ટિકિટ કઢાવી. ને ફરી વિચારોમાં ગરકાવ થઈ ગઈ.
બસ ઉપડી. આજુ બાજુ શું થઈ રહ્યું છે તેનુ તેને ભાન ન હતું. પોતાના કોમળ, લીસ્સા ગાલ પર તેના વાળની લટ કબડ્ડી રમી રહી હતી.
"શું આવુ ક્રુત્ય કર્યા પછી પણ દિક્ષિતને છોકરી કેવી રીતે મળી ગઈ?"
“શું જેની સાથે તેના લગ્ન થયા છે તે બિચારીને ખબર પણ હશે દિક્ષિતની વાસ્તવિક્તા?” નહિ.. નહિ.. આવા બધા વિચારો ફગાવી દે સંવાદ...! આ વિચારોના કારણે તું પોતાને જ હેરાન કરી રહી છે. જેને પસ્તાવું જોઇએ તે તો તેના લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે, આમ પણ એમા મારો વાંક તો હતો જ નહિ. મેં જે કર્યું હતુ તેના વિશે અફસોસ શા નો? અરે, મે તો એજ સમજી ને કર્યુ હતું. કે જે કંઈ પણ હું કરી રહી છું તેની સાથે જ હુ લગ્ન કરવાની છું!"
તેનું સ્ટેશન આવી ગયું હતું. વિચારોની રજને ખંખેરીને તે નીચે ઉતરી અને ચાલવા માંડી. એના ડગ તેને કઈ તરફ લઈ જઈ રહ્યા હતા?
હા, આ સંવાદનું જન્મસ્થળ હતુ. જ્યા સંવાદનો ઘણા લાડથી ઉછેર થયો હતો. ચાલતાચાલતા આજુ બાજુના નઝારા જોઇને તેને ઘણી નવાઇ લાગતી હતી.
પોતાના જુના શહેરમા નાના-મોટા ઘણા ફેરફારો થયા હતા. ત્યાં તેને પેલો રાજુ પાણી પુરી વાળો દેખાણૉ.. જ્યા રોજ સાંજે તે તેની બહેનપણીઓ સાથે પાણીપુરી ખાવા અવતી. જુની વાતો યાદ આવવાના લીધે તે વધારે બેચેન થઈ ગઈ હતી.
થોડી વારે તેના પગ રોકાયા. એક ઓફીસની સામે આવીને તે ઊભી હતી. દિક્ષિતની ઓફિસ. પગથીયા ચડી. અંદર રીસેપ્શનમાં બેઠેલી યુવતી પાસે આવીને બોલી, "મિસ્ટર દિક્ષિત?”
યુવતીએ આંગળીનો ઇશારો કરીને દિક્ષિતને દેખાડ્યો. દિક્ષિત સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેરીને સંવાદ બાજુ પીઠ કરીને બેઠો હતો.
દિક્ષિતને જોઇને તેના શરીરમા ઝણઝણાટી પ્રસરી ગઈ. તે આગળ વધી. તેને ઘણુ બધું પૂછી નાખવું હતું આજે. અરે! તેને તો ખબર પણ ન હતી કે આજે સંવાદની આત્માને મર્યે એક વર્ષ થઈ ગયું હશે.
તેના મગજમાં ઉદાસિનતા અને આક્રોશનું મિશ્રણ હતું.
ગમે તેમ કરીને તે દિક્ષિતની પીઠ પાછળ આવીને એટલું બોલી, "દિક્ષિત...."
દિક્ષિત દોસ્તો સાથે વાતોએ વળગ્યો હતો અને હસ્તો હતો. તેનું હસવું પૂરું થાય એ પહેલાં એના કાનમાં કોઈ બહુ જ જાણીતો અવાજ ભટકાયો હતો.
"યસ....!" હસવું બંધ કરીને મુસ્કુરાતા મોઢે તે બોલ્યો.
પાછળ જોયુ તો લાલ આંખો સાથે સંવાદ ઊભી હતી.
દિક્ષિત કઈ જ બોલવા જાય તે પહેલા એક જ ક્ષણની અંદર સંવાદના પર્સમાંથી ચાકુ નીકળી ચૂક્યું હતું.
સંવાદે જોરથી રાડ પાડી... તે સાથે જ સેન્ટ્રલ એ.સી. ઓફિસમાં સોપો પડી ગયો. અને તે કઈ સમજે તે પહેલા દિક્ષિતના ગળા પર ફરી વળ્યું. થોડી વાર દિક્ષિતને કોઈ દર્દ ન થયું.
તે સમજે તે પહેલા દિક્ષિતનો હાથ સમજી ગયો હોય તેમ તે પોતાના જ ગળા પર વીંટળાયેલો હતો. તેના હાથ લોહીથી ખરડાઇ ગયા હતા. તેની શક્તિ જાણૅ નિચોવાઇ ગઈ હોય તેમ તે સંવાદ પર પડ્વા ગયો પણ તેનો દુપટ્ટો જ પકડી શક્યો. દુપટ્ટો હાથમાં જ રાખીને તે નીચે ફસડાઇ પડ્યો. સંવાદ હજીયે એમની એમ નિઃશબ્દ ઊભી હતી.
દિક્ષિત ફર્શ પર પડ્યો હતો અને તેનો સ્કાયબ્લુ શર્ટ લાલ થઈ ગયો હતો. તે કઈ બોલવા જતો હતો પણ અમુક સ્વર અને વ્યંજનો નીકળ્યા.પણ તે સમજાય તેવા ન હતા. તે સાથે જ આખી ઓફીસમાં કોલાહલ મચી ગઈ. કોઈ એ રાડ પાડી. "૧૦૮ને ફોન કરો…"
રાડારાડી વચ્ચે સંવાદ એક્દમ શૂન્યમનસ્ક થઈને ઊભી હતી. જેને તે ગાંડાની જેમ પ્રેમ કરતી હતી. જેને તે ગાંડાની જેમ નફરત કરતી હતી તે આજે એન જ પગ પાસે મરેલો પડ્યો હતો. આજુ બાજુ શું ચાલી રહ્યુ છે તેની તેને ખબર જ ન હતી, આવા દેકારા વચ્ચે પણ તેને એકદમ શાંતી અનુભવાતી હતી.
સંવાદની અંદરના સંવાદો હવે શમ્યા હતા....
