સ્નેહના સાથી ભાઈ-ભાભીને પત્ર
સ્નેહના સાથી ભાઈ-ભાભીને પત્ર


વ્હાલા ભાઈ-ભાભી,
આશા રાખું છું કે આપ કુશળ હશો..
એમ તો આપણે ફોન પર, મેસેજ પર, વિડિઓ કોલિંગ પર અઢળક વાતો કરીએ છીએ તેમ છતાં આજે પત્ર દ્વારા મનની લાગણીઓને વહેતા મૂકવાનું મન થયું, કારણ કે મારા મતે જે લાગણી, જે સ્નેહ, જે આદર, જે સત્કાર પત્ર લખવાથી અનુભવી શકાય છે ને એ કદાપિ ફોન પર કે મેસેજ પર નથી અનુભવી શકાતો. એટલે જ વિચાર્યું કે તમારા જીવનની સૌથી યાદગાર પળને પત્ર દ્વારા સજાવું. તમારી એનિવર્સરી નિમિત્તે તમને મારા આ નાનકડા પત્ર દ્વારા શુભેચ્છા પાઠવવાની ઈચ્છા થઈ.
તમારી જિંદગીનો સૌથી યાદગાર એ દિવસ, જે અમારા સૌના માટે પણ એટલો જ ખાસ છે. હું મારી વાત કરું તો એ દિવસ મારા માટે તો જાણે ખુશીઓનો ખજાનો હતો, કારણ કે એ દિવસે મારા ભાઈને એક ખૂબ પ્રેમાળ જીવનસંગિની તો મળી પણ સાથે મને ખૂબ જ વ્હાલ કરનારી એક માતા જેવી ભાભી મળી. ખરેખર ભાઈ તમે ખૂબ જ નસીબદાર છો કે ભાભી જેવા જીવનસાથીનો સાથ તમને મળ્યો, જેમણે તમારી જિંદગીને તો ખુશીઓથી સજાવી પણ સાથે ઘરના સૌને એમના સ્નેહ અને લાગણીમાં ભીંજવી દીધા. ખરેખર ભાભી તમે આપણા ઘરને મંદિર બનાવ્યું. મારી દિલથી ઈચ્છા છે કે હું તમારા જેવી બનું. જેમ દરેક પરિસ્થિતિનો સામનો તમે હિંમત અને સંયમથી કર્યો એને ખરેખર દિલથી સલામ છે.
ભાભી, તમે આવીને મારા નટખટ ભઈલાને જવાબદારીથી જીવતા શીખવ્યું. મારો ભાઈ, ખૂબ પ્રેમાળ છે, હા થોડો ગુસ્સાવાળો છે. ગુસ્સો તો હંમેશા એમની નાક પર જ હોય. પણ એકદમ નારિયેળ જેવો સ્વભાવ ભાઈનો, અંદરથી નરમ ને બહારથી કઠણ.
તમે બંને મારા જીવનના સૌથી ખાસ વ્યક્તિ છો. કદાચ ક્યારેય કહી નહીં શકું છે તમે બંને મારા માટે શું છો? પણ ભગવાને આપેલી સૌથી ખાસ ભેટ છો તમે.તમને કહેવા માટે મને શબ્દો નથી જડતા બસ લાગણીઓનો પ્રવાહ જ વહ્યા કરે છે. તમે હંમેશા મને દરેક ખુશી આપી, પણ જીવનની&nb
sp;સૌથી મોટી ભેટ આપી મને ફઈ બનાવીને.. એ ક્ષણ ખૂબ જ અમૂલ્ય છે, એને વ્યક્ત કરવા માટે શબ્દો નથી, બસ પુષ્કળ લાગણી અને હેત છે.
આજે તમે અમારાથી દૂર છો પણ એ માત્ર કિલોમીટરની જ દૂરી છે, દિલની નહીં..
"રસ્તાઓની દૂરી આપણા હૃદયના તાંતણે જોડાયેલા સંબંધોને ક્યારેય વિખેરી ના શકે..!"
તમારા બંનેના આ ખાસ દિવસ પર તમારા માટેની મારી લાગણીને પંક્તિમાં કંડારી છે:
"ઝરણું અવિરત વહ્યા કરે જેમ,
સાથ તમારો અકબંધ રહે તેમ..!
વ્હાલનો વરસાદ ને પ્રેમની કૂંપળો,
બનાવે તમારા સંબંધને હંમેશા હૂંફાળો..!
આપી મને તમે વાત્સલ્યની ભેટ ઘણી,
રાખજો સદા મને તમારા હેતની ઋણી..!
જેમ ચાંદને લાગે વ્હાલી એની ચાંદની,
એમ સદા ભીંજવે મને આપની લાગણી..!
દિલથી કરું હું દુઆ પ્રભુને હરપળ,
બની રહે આ સફરનું સંભારણું જીવનભર..!"
તમને બંનેને એનિવર્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આવા રંગીન પળ સાદા આપના જીવનમાં વર્ષોવર્ષ આવતા જ રહે એવી દિલથી પ્રભુને પ્રાર્થના..!
બસ, હવે વધારે નથી લખી શકતી, કારણ કે પછી તમારી યાદમાં બાંધી રાખેલો આ આંસુઓનો પુલ તૂટી જશે. તમારો વાત્સલ્યરૂપી હાથ સદા મારે માથે રાખજો. તમે બંને એકબીજાનું ધ્યાન રાખજો અને પ્યારા છોટુંને એની ફીયા વતી ખૂબ ખૂબ લાડ આપજો.
ઘરે કોઈની ચિંતા ના કરતા, તમારા જેટલી તો નહીં પણ હું બધાની પુરેપુરી સંભાળ રાખવાનો પ્રયત્ન કરીશ. પરિસ્થિતિ એ આપણને થોડો સમય દૂર કર્યા છે પણ એ સમય પણ વીતી જશે. બસ, તમે જલ્દી પાછા આવી જાઓ.
બધા વતી મારા જયશ્રી કૃષ્ણ..!
લિ. આપની લાડલી ગુડિયા