સેવ એન્ડ કંટીન્યુ
સેવ એન્ડ કંટીન્યુ
હું હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં એનરોલર તરીકે કામ કરું છું. મોટેભાગે લોકો મને એમના અટકી ગયેલા ઇન્સ્યોરન્સ કે બીજી કોઈ ઇન્સ્યોરન્સ રિલેટેડ સમસ્યાઓ માટે કોલ કરે છે. અને મોટેભાગના ટેક્નોલોજી ઇસ્યુના સોલ્યૂશનની જેમ જ અમારા મોટેભાગના ઈશ્યુ એપ્લિકેશન રીસબમીટ કરતા જ સોલ્વ થઇ જાય છે. કોલ આવે કે તરત એકાદ મિનિટમાં જ અમને ખ્યાલ આવી જાય છે કે સામેની વ્યક્તિ આ કામ જાતે કરી શકશે કે નહીં.
રોજની જેમ જ એક વ્યક્તિનો કોલ આવ્યો અને એમની સમસ્યા સાંભળી મેં કહ્યું 'આના સોલ્યૂશન માટે તમારે એપ્લિકેશન ફરી સબમીટ કરવી પડશે તો તમે તમારા એકાઉન્ટમાં લોગઈન કરો અને જરૂર જણાય તો હું તમને ગાઈડ કરું.'
આટલું સાંભળતા એ કાકા, કાકા જ કહી શકું કેમકે એમની ઉંમર લગભગ સાઈઠની પાસે હતી. એમણે બોલવાનું ચાલુ કર્યું, "અરેરે આનું લોગીન ક્યાં હશે ? કેવી રીતે કરું ? કેમ થશે ?" અને મને લાગ્યું આમની એપ્લિકેશન મારે જ કરી આપવી પડશે. પણ તેઓ બોલવાનું બંધ કરે તો હું એમને જવાબ આપુંને કે કાકા તમે રહેવા દો, હું તમને કરી આપું છું. પણ તેઓ બોલતા જ રહયા ને હું જે સોલ્યૂશન આપવાની હતી એ પણ જાતે જાતે જ સમજતા ગયા. કાકા બોલતા જાય ને એપ ભરતા જાય. પચાસ સાંઇઠ પાનાંની એપ અને એના દરેક પાને આવતું સેવ એન્ડ કંટીન્યુ. કાકા બોલતા ગયા ને એપ્લિકેશન ભરતા ગયા. દરેક નવા આવતા પાનાની શરૂઆતમાં બળાપો ને વિથ ઈન ટુ સેકન્ડ ફરી પેલું સેવ એન્ડ કંટીન્યુ .
મને પહેલા પાંચેક પાનાઓ પર કાકાનો બળાપો સાંભળીને થયું કાકા હવે અટકી જવાના,પણ ના ! કાકા એક પછી એક પાનું ભરતા ગયા ને સેવ એન્ડ કંટીન્યુ બોલતા ગયા. હું મારું હસવાનું ખાળી એમને સાંભળતી રહી. જિંદગી પણ કંઈક આવી જ છે ને ? સમસ્યા આવે અને આપણે બોલીએ, બડબડ કરીએ ને પછી સેવ એન્ડ કંટીન્યુ કરી આગળ વધીએ. ને એમ સફર આગળ વધે.
મારા આશ્ચર્ય સાથે કાકાએ વાયુ વેગે બોલતા, બડબડ કરતાં એપ્લિકેશન સબમિટ કરી દીધી ને પછી કાકા હાશકારો લઈને હસ્યા અને હું પણ હસી !
એ જિંદગી !
કે સાથે આવ લઈને તું ગમે એટલા પડકાર ;
સાવ અટકી પડું ,હું એટલો નથી નિરાધાર !
"દિવ્યતા"
