Mohammed Saeed Shaikh

Inspirational

3.3  

Mohammed Saeed Shaikh

Inspirational

પુરુષાર્થ

પુરુષાર્થ

7 mins
4.9K


પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે

ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે

જીવનમાં સફળતા મેળવવા માટેની પ્રથમ શરત છે કે એક ચોક્કસ ધ્યેય હોવો જોઈએ. ધ્યેય નક્કી કરી લીધા પછી ત્યાં સુધી પહોંચવા માટે પરિશ્રમ, મહેનત કે કાર્યની આવશ્યક્તા રહે છે. જગતમાં મહેનત વિના કશું જ મળતું નથી. હા, એક વસ્તુ મળે છે ઘડપણ, મહેનત કે પરિશ્રમ વિના બાગમાં કાંટા ઊગી નીકળે છે. પરંતુ જો તમારે સારા રંગબેરંગી કે સુગંધી ફૂલો મેળવવા હોય તો એના માટે ઘણી મહેનત કરવી પડે છે. છોડવાઓને નિયમિત પાણી સીંચવું પડે છે, ખાતર નાખવું પડે છે અને વધારાના નકામાં ઊગી ગયેલા છોડવાઓને વીણી વીણીને કાઢી નાખવા પડે છે. ત્યારે કંઈ સારા ફૂલો ડાળીઓ પર ઊગી નીકળે છે.

વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાં જેની ગણના થાય છે એ થોમસ આલ્વા એડીસનના નામથી કોણ અજાણ હશે? માનવજાતને ઉપકારક ઘણી બધી શોધો એણે કરી છે. દા.ત. વીજળીથી ચાલતું બલ્બ, ફિલ્મ જોવા માટેનું પ્રોજેક્ટર, આજની સીડી કે ડીવીડીના પૂર્વ જ જેવું ગ્રામોફોન, રેકર્ડ સાંભળવા માટેનું ફોનોગ્રાફ વગેરે. આ બધી શોધો એણે કેવી રીતે કરી? સખત પરિશ્રમથી.સવારથી સાંજ સુધી લેબોરેટરીમાં પોતાના કામમાં માનવજાતને કંઈક ઉપકારક થઈ શકે એવું કશુંક શોધવામાં લાગ્યો રહેતો અને ક્યારેક તો રાત્રે પણ લેબોરેટરીમાં જ ઊંઘી જતો - સખત પરિશ્રમ કરી ૧૦૯૩ પેટન્ટ મેળવનાર આવો મહાન વૈજ્ઞાનિક જ્યારે કહે કે

“અલૌકિક પ્રતિભા (જીનિયસ) એક ટકા પ્રેરણા અને ૯૯ ટકા પરસેવા પાડ્યા પછી જ પ્રાપ્ત થાય છે.”

અર્થાત્‌ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ત્યારે આ વાત ૧૦૦ નહીં પરંતુ ૨૦૦ ટકા સાચી લાગે છે.

આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે છે. હવે ભારતના કેટલાક સામયિકો પણ એની દેખાદેખ ભારતના ૫૦ કે ૧૦૦ સૌથી ધનિકોની યાદી બહાર પાડે છે. આ ધનિકો વિશે તમે જાણશો તો સમજાશે કે આ લોકો ‘મોઢામાં ચાંદીનો ચમચો’ લઈને જન્મ્યા ન હતા. (આમાં તો મને માત્ર બે જ અપવાદ દેખાય છે, ૧. જવાહરલાલ નહેરૂ અને ૨. વિક્રમ સારાભાઈ પરંતુ સખત ગરીબીમાંથી સતત સંઘર્ષ અને સખત મહેનત કરીને તેઓ બે પાંદડે થયા છે. દૂર જવાની જરૂર નથી. આપણા ગુજરાતમાં જ આવા કેટલાક લોકો જન્મી ગયા જેમણે ‘પ્રસ્વેદરૂપી પાણી છાંટીને એમના ભાગ્યને જગાડ્યા’ હતા. ધીરૂભાઈ અંબાણી જૂનાગઢના ચોરવાડમાં માથે કાપડની પોટલી લઈને ફરતા હતા. આજે એમના પુત્ર મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન માણસ છે. એમાં ખરી મહેનત તો ધીરૂભાઈ અંબાણીની હતી, જેમની દૂરંદેશી, મહેનત અને કાર્ય પ્રત્યેની ધગશે એમની કંપનીને ભારતની મોટી કંપનીઓમાંથી એક બનાવી દીધી. બીજું ઉદાહરણ છે કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ઇન્દ્રવદન મોદી અને રમણભાઈ પટેલનું.વર્ષો પહેલા બાળકો માટે સુવાનું પાણી બોતલોમાં ભરી સાયકલ ઉપર આ બંને મિત્રો વેચવા નીકળતા હતા.એમાંથી કેડીલા કંપની સ્થપાઈ. આજે જો કે આ બંને મિત્રોના બાળકો જુદા પડી ગયા છે અને હવે બે અલગ કંપનીઓ થઈ ગઈ છે. ઝાયડસ કેડીલા ફાર્માસ્યુટીકલ્સ અને કેડીલા ફાર્માસ્યુટીકલ્સ. સામાન્ય સાબુની ટીકડીઓ વેચીને નિરમા યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાનાં સ્થાપક કરસનભાઇ પટેલની સંઘર્ષગાથા બીજા કોઈને પણ પ્રેરણાદાયક બની શકે એવી છે. આવા તો અનેક ઉદાહરણો છે. એ બધા ટાંકવા બેસીએ તો આખું પુસ્તક લખાઈ જાય.કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘર્ષ અને સખત પરિશ્રમ દ્વારા જ નિષ્ફળતાને હરાવી શકાય છે. આજના યુવાનોમાં લઘુતાગ્રંથિ એવી છે કે સખત મહેનત તો આપણાથી થાય જ નહીં. હું એમને પૂછું છું કે પાણીમાં ડૂબી મરવાના ઘણા દાખલા આપણને જોવા કે સાંભળવા મળે છે પરંતુ શું કોઈ એવો દાખલો પણ જોવા મળ્યો છે કે માણસ પોતાના જ પરસેવામાં ડૂબી મર્યો હોય? અમે તો આજ દિન સુધી એવો કોઈ કિસ્સો સાંભળ્યો નથી અને કદાચ સાંભળીશું પણ નહીં. કારણ કે જેના હાથપગ વ્યવસ્થિત ચાલતા હોય તેઓે ડૂબતા નથી કે થાકતા પણ નથી. કામ કરીને એ લોકો જ જલ્દી થાકે છે જેઓ બેદિલીથી કામ કરે છે, અથવા તો એને ભાર સમજીને કરે છે. યહૂદીઓના ધર્મગ્રંથ તાલ્મૂદમાં કહેવામાં આવ્યું છે કે ‘લવ ધાય વર્ક’ અર્થાત્‌ તારા કાર્યને પ્રેમ કર. માણસ ઝડપથી, સક્ષમતાથી અને પ્રેમથી કાર્ય કરે છે ત્યારે એની સફળતાની તકો વધી જાય છે. એટલું જ નહીં માણસ જ્યારે પોતાના કાર્યમાં પ્રેમ ઉમેરી દે છે ત્યારે કામની ગુણવત્તા તો સુધરે જ છે પરંતુ પ્રમાણ પણ વધે છે અને થાક ઓછો લાગે છે એવું એક સામાન્ય તારણ છે.

ભારતની ‘લોખંડી મહિલા’ અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું તારણ તો આનાથી પણ વધુ રોચક છે. એમણે નોંધ્યું હતું કે મારા દાદાએ એક વખત કહ્યું કે

“દુનિયામાં બે જાતના લોકો હોય છે:એક જેઓ કામ કરે છે અને બીજા કે જેઓ શ્રેય લે છે.”

એમણે મને સલાહ આપી હતી કે પહેલા પ્રકારના લોકો જેવી બનજે કારણ કે ત્યાં હરિફાઇ બહુ ઓછી હોય છે. સામાન્ય રીતે રાજકારણીઓ બીજા પ્રકારના (શ્રેય લેનાર) લોકો હોય છે. પરંતુ ઇન્દિરા ગાંધી એમના દાદાની સલાહ માની પ્રથમ પ્રકારના લોકો જેવા બન્યા. અને ઇતિહાસ ગવાહ છે કે તેઓ એક સફળ વડાપ્રધાન બની શક્યા અને બીજા રાજકારણીઓથી ઉપર ઊઠી શક્યા.

ઇન્દિરા ગાંધીના દાદા (મોતીલાલ નહેરૂ)ના મતે બે પ્રકારના માણસો હોય છે પરંતુ સામાન્ય રીતે જોવામાં તો એવું આવ્યું છે કે

જગતમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. ‘કરીશું’, ‘નહિ કરીશું’, અને ‘કરી શકીશું નહીં’,

પહેલા પ્રકારના બધા જ કાર્યો પૂરા કરે છે, બીજા પ્રકારના દરેક બાબતમાં વિરોધી વલણ ધરાવે છે, અને ત્રીજા પ્રકારના મહેનત કરવાવાળા નથી હોતા. સ્વભાવિક રીતે જ પ્રથમ પ્રકારના લોકો સફળતા મેળવે છે. સફળ થવા માટે માણસે ખૂબ જ ઊંચો બુદ્ધિ આંક ધરાવવાની આવશ્યક્તા નથી હોતી. આવશ્યક્તા માત્ર આ જ હોય છે કે ખંતપૂર્વક, ચોક્કસ લક્ષ્ય માટે ધીરજ રાખી પરિશ્રમ કરતા રહેવું. બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા વાંચી હતી. એનો બોધપાઠ માણસ હંમેશાં પોતાની દૃષ્ટિ સમક્ષ રાખે તો જરૂર સફળ થઇ શકે છે.

ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધતાં રહેવું એ જ સફળતા છે.

તમે એમ માનતા હોવ કે સફળતાના કોઇ બહુ મોટા રહસ્યો હોય છે, તો જોણી લો કે સફળતાના કોઇ રહસ્ય હોતા નથી. એ તો ઓેપન સિક્રેટ છે. તૈયારી, પરિશ્રમ અને નિષ્ફળતામાંથી બોધ લઇ આગળ વધતા રહેવું એ જ તો છે સફળતા. માણસ ખૂબ ઊંચો બુદ્ધિઆંક ધરાવતો હોય કે પેલા સસલાની જેમ વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતો હોય અને મહેનત કરવાની, પરસેવો પાડવાની તૈયારી ન હોય તો એણે સફળતા મળશે જ એવી આશા પણ ન રાખવી જોઈએ.

જે લોકો આળસ રાખે છે, કામથી દૂર ભાગે છે એ લોકો કદાચ જીવનના આનંદથી પણ દૂર ભાગે છે. કાર્યનો પણ એક આનંદ હોય છે. કોઇ કાર્ય સારી રીતે પૂરૂં કર્યા પછી મનમાં થતા સંતોષને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. અને આવા સંતોષ સામે પૈસાનો પહાડ પણ કોઇ કિંમત ધરાવતું નથી. થોમસ કાર્લાઇલે કહ્યું હતું કે

“જે માણસને પોતાનો ઉદ્યમ મળ્યો છે તે સુખી છે. બીજા કોઇપણ સુખ માટે તેણે માગણી કરવી નહીં. જેને કામ મળ્યું છે, જીવનમાં કરવાના કાર્યનો હેતુ તેને મળ્યો છે, તેણે ઉદ્યોગ મેળવ્યો છે અને તે ઉદ્યોગ કરશે.”

કાર્યથી માણસ આનંદ અને ખુશી એટલા માટે પણ મેળવે છે કે આ જ કાર્ય માણસને કંટાળા, દુષ્ટ વિચારો અને ગરીબીથી પણ છુટકારો અપાવે છે. એક કામ અને ત્રણ લાભ ! આજના બાય વન ગેટ વન ફ્રીના જમાનામાં તો આ ત્રણ ગણો લાભનો સોદો કહેવાય! આવા સોદા માટે દોટ ન મૂકે એ મૂર્ખ કહેવાય. તોય ઘણા લોકો એવા છે જે આ સોદા માટે તત્પરતા દાખવતા નથી. આળસ એમને રોકી રાખે છે. શરીરનો સૌથી મોટો શત્રુ કયો? આળસ. જીવનના યુદ્ધમાં સફળતા મેળવવી હોય તો આ શત્રુ સામે માણસે લડવું જ રહ્યું. એના માટે કોઇ બાહ્ય અસ્ત્રો કે શસ્ત્રોની જરૂર નથી. એના માટે હકારાત્મક વિચારસરણી પ્રેરે એવા શાસ્ત્રોની અને પુસ્તકો પછીના સૌથી શ્રેષ્ઠ એવા બે હાથ અને દસ આંગળા જેવા મિત્રોની જ જરૂર પડે છે.

સખત પરિશ્રમ માટેના આ ગાણા પછી કેટલાકને એવો પ્રશ્ન પણ થશે કે નાગા પગે કે ફાટેલી ચંપલો પહેરીને લારી ખેંચતો મજૂર, ધખધખતા તાપમાં પરસેવો પાડીને પણ મેળવે તો છે માત્ર થોડાક જ રૂપિયા. કદાચ એટલા રૂપિયામાં એના કુટુંબનું ગુજરાન પણ બરાબર ચાલતું નથી. જ્યારે કે એસીમાં, ઠંડકમાં બેઠેલો, કોમ્પ્યુટર ઉપર કામ કરતો માણસ, આ બંને વચ્ચે સફળ કોને કહીશું ? એક રીતે જોવા જઇએ તો એસી ઓફિસમાં બેસીને કાર્ય કરતો વધારે સફળ ગણાય. પરંતુ સાચી વાત તો આ છે કે જે માણસ ધખધખતા તાપમાં માલ-સામાનની હેરાફેરી કરે છે એના પરસેવાને લીધે જ પેલો માણસ એસીની ઠંડકમાં બેસીને કામ કરી રહ્યો હોય છે. એટલે મારી દૃષ્ટિએ તો પેલો નાનકડો મજૂર પણ એટલો જ સફળ છે જેટલો ઓફિસર છે. ફરક માત્ર એટલો જ છે કે એક શારીરિક પરિશ્રમ કરે છે, બીજો માનસિક. શારીરિક પરિશ્રમનો સૌથી મોટો ફાયદો એ છે કે રાત્રે પથારીમાં પડતા જ સુખચેનની નીંદર આવી જાય છે. જ્યારે આ જ મજૂરોના પરસેવાના કારણે કરોડપતિ બનેલા શેઠિયાઓને રાતની સુખભરી નીંદર માટે દવાની ગોળીઓ ખાવી પડે છે !! ક્યાંક વાંચેલી કવિતાનો ભાવાનુવાદનો આસ્વાદ કરાવવા માટે પોતાની જોતને રોકી શકતો નથી.

શ્રીમંતના છોકરાને જમીન, ઈંટો અને સોનાના ઢગલા વારસામાં મળે છે !

તેને મૃદુ કોમળ હસ્ત અને શરદી લાગે તેવું પોચું શરીર મળે છે.

એક જૂનું કપડું પહેરવાની તેની હિંમત ચાલતી નથી.

મને એમ લાગે છે કે આવો વારસો મેળવવો ભાગ્યે જ કોઇને પસંદ પડે

શ્રીમંતના છોકરાને વારસામાં ચિંતાઓ મળે છે.

બેંકો તૂટે, કારખાનું સળગે, એક ફૂંક જ શેરના પરપોટા ફોડી નાખે.

એવા સમયમાં કોમળ અને ગોરા ગોરા હાથ જોઈએ તેવા નિર્વાહના સાધન ઊભા કરી શકે નહિં.

ગરીબના છોકરાને વારસામાં શું મળે છે ?

મજબૂત સ્નાયુ અને બળવાન હૃદય,

મજબૂત બાંધો અને તેના કરતાં વધારે મજબૂત જુસ્સો,

બે હાથનો તે રાજા, દરેક ઉપયોગી ઉદ્યોગથી, કળાથી પોતાનું કાર્ય કર્યે જાય છે.

આવો વારસો મેળવવાની તો રાજાને પણ મરજી થાય.

આપણે થોમસ એડીસનથી વાત શરૂ કરી હતી, એના જ શબ્દોથી વાત પૂરી કરીએ કે,

“કશું પણ પ્રાપ્ત કરવું હોય તે માટે માત્ર ત્રણ બાબતોની જરૂર પડે છે - સખત પરિશ્રમ, ખંતપૂર્વક ચીટકી રહેવું અને સામાન્ય બુદ્ધિ.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational