Rajendrasinh Jadeja

Inspirational

3  

Rajendrasinh Jadeja

Inspirational

નજરે નિહાળેલી સત્યઘટના ભાગ -૨

નજરે નિહાળેલી સત્યઘટના ભાગ -૨

5 mins
474


"ગોંડલના સરાણિયા પરિવાર પર કુદરતનો કહેર કે શું ?"

“નવ-નવ વ્હાલસોયા સંતાનોને કોઈ બાંધીને રાખે ?


જાહેર જીવન એટલે કે પાઠશાળા હોય ત્યાં રોજ એક જીવનનો નવો પાઠ શીખવા મળે. ગમે તેવા જાહેર-જીવનમાં હોઈએ પણ રવિવાર તો લગભગ બધાં જ અધિકારીઓ અને પદાધિકારીઓને રજાનો માહોલ હોય, સવારમાં મોડેથી જાગવું, આખો દિવસ વધારાના કાર્યો પતાવવા અને ફરવા જવું, ટી.વી. જોવું - હોટેલોમાં જમવું, અને મિત્રો સાથે ગપ્પા મારી અને અઠવાડિયાનો થાક ઉતારવો.


પરંતુ એક દિવસ વિચાર આવ્યો કે જાહેર જીવનમા છીએ તો રવિવારની રજાનો સદુપયોગ થાય તેવું કાર્ય કરીએ, લોકોના કાર્ય તરફ ધ્યાન ખેંચાયું અને મગજમાં કબડ્ડી રમાવાનું શરુ થયું, શું કરવું ! થોડીવાર "ગૂગલ" ઉપર કુસ્તી ચાલુ થઇ. (ઘણું એવું સાંભળ્યું છે કે તમારે જે સદ્કાર્ય કરવું હોય તેમાં સમગ્ર કાયનાત કામે લાગી જાય.) એમ જ નેટ ઉપર સ્લોગન આવ્યું "સન્ડે સ્લીપડે" અને તરત જ મનમાં વીજળીની જેમ ચમકારો થયો "સન્ડે સ્લ્મડે ! બસ, મને મારી મંજિલ મળી ગઇ ! રવિવાર એટલે નાના-નબળાં માણસોના વિસ્તારમાં જવું અને એમની વ્યથા અને વાત સાંભળવી અને તેનાં પ્રશ્નોનો ઉકેલ સોમવારથી શનિવાર સુધીમાં કરવા.


તાત્કાલિક કાર્યકરો અને નેતાગણ સાથે વિચાર રજુ કર્યોં, અને એક સાથે અવાજ આવ્યો "સારું કાર્ય છે." - જોતજોતામાં તો સોશ્યલ-મીડિયામાં વિડીયો અને પોસ્ટ બની અને અમારું "મિશન સન્ડે - સ્લ્મડે"ની શરૂઆત થઇ . તેને વર્તમાનપત્રો અને સોશ્યલ-મીડિયા એ ખુબ જ આવકાર્યું અને લોકો દર રવિવારે જોડાવા લાગ્યા.


આજે અમારા મિશનનો આઠમો રવિવાર હતો અમારા સંનિષ્ઠ આગેવાન એ.જી.જાડેજાનો ફોન આવ્યો કે અમારા વોર્ડમાં થોડો સ્લ્મ-વિસ્તાર છે તો આપણે ત્યાં જઈશું. મેં કહ્યું -સારું..! અમે બપોરે લગભગ સાડા ચાર વાગ્યે સરાણિયા-વિસ્તારમાં પહોંચ્યા , અમારી સાથે ૫૦ જેટલા કાર્યકર અને આગેવાનો હતા. ત્યાંનાં અગ્રણીઓ ધીરુભાઈ સરધારા અને પંકજભાઈ કાથરોટીયા પણ જોડાયા.

            

સરાણિયા વિસ્તારમાં પહોંચતા જ વયોવૃદ્ધ રત્નાભાઇ અને ત્યાંનાં લોકો અમને આવકારવા આતુર હતા. આમ તો રત્નાભાઇ અને તેમના ભાઈ સાયબાભાઈ સાથે જુના વ્યવહારો અને સંબંધ. ચૂંટણીઓમાં અવાર-નવાર મળવાનું થાય. ક્યારેક માતાજીના માંડવાના પ્રસંગો હોય ત્યારે ભાવપૂર્વક આમંત્રણ આપે. ખુબજ ખુમારીવાળો પરિવાર. (આમતો, સરણીયા જ્ઞાતિ મૂળ રાજસ્થાનનાં પરંતુ આ પરિવાર આશરે ૫૦ વર્ષોથી ગોંડલમાં વસવાટ કરે અને ખેડૂતો સાથે બળદોનાં સાટા-પાટાનો ધંધો કરે.

સરાણિયા પરિવારનાં લગભગ સાડા ત્રણસો વ્યક્તિઓ હાજર હતાં અને બહેનો પોતાના પ્રાથમિક પ્રશ્નો સંભળાવતા હતાં

 

ત્યાં જ એક વૃદ્ધ "મા" ટોળા વચ્ચે આવ્યા. તરત જ બીજા બહેનો વાતો કરતા બંધ થયા અને ટોળામાં જગ્યા થઇ. મને લાગ્યું "માં"નું બહેનો પર વર્ચસ્વ સારું છે. મેં "માં" ને "જય માતાજી" કર્યા અને પૂછ્યું: "માં" આપ અહીં રહો છો ?" ટોળાની બહેનોમાંથી અવાજ આવ્યો - "રત્નાબાપાના ઘરનાં છે.."  પણ " માં"ની આંખોમાં મને દુઃખનો ઓછાયો લાગ્યો, મેં પૂછ્યું:" "મા" આપને મારુ કાંઈ કામ છે?" "માં" એ કહ્યું: "બાપુ, મારુ ઝૂંપડું બાજુમાં છે, તમે ઘરે થોડીવાર આવો તો વાત કરવી છે." મેં કહ્યું: " મા, થોડી વારમાં જ આવું છું, આપ ઘરે પહોંચો." 


મેં લોકોના પ્રશ્નો સાંભળીને પુરા કરવાની ખાતરી આપી. મને તાલાવેલી હતી "માં"ના ઝૂંપડે પહોંચવાની. અમે ઝૂંપડે પહોંચ્યા; ત્યાં "માં" મારી રાહ જ જોતાં હતાં .

મેં કહ્યું: " માં, હવે કહો શું કામ હતું ?" ત્યાં જ રત્નાભાઇ આવી ગયા અને બંને વૃદ્ધદંપતીની આંખોમાં આંસુ પણ ! મેં આશ્વાસન આપતા કહ્યું "શું વાત છે, રત્નાભાઇ?" રત્નાભાઇ એ ઝુંપડાનો ઓટલો ચડતા કહ્યું : "જોવો બાપુ... ! " ... 


અરે આ શું ? નજર પડતા જ મારાં રૂંવાડે-રૂવાંડા ઉભા થઇ ગયા ! આખા દેહમાં થી કંપારી છૂટી ગઈ ! એક સાથે સાત નાના બાળકોને, કોઈ ને હાથેથી, તો કોઈને પગેથી બાંધેલા જોયા ! હું કંઈ સમજી ન શક્યો ! આટલા વર્ષોમાં હું પહેલી વાર સ્તબ્ધ થઇ ગયો ! , મને એવું લાગ્યું કે હું કોઈ ભયાનક સ્વપ્ન જોઉં છું કે શું ?

 

થોડીવારમાં સ્વસ્થ થઈને મેં પૂછ્યું: "માં, આ નાના-નાના સાત બાળકોને શું કામ બાંધ્યા છે..?" "માં" એ વાત કરી આ સાત બાળકો જ નથી, હજી તમારી બાજુમાં ઉભા છે તે બીજા બે પણ છે. બધાંય થઈને અમારા એક જ કુટુંબમાં નવ દીકરા-દીકરીયુ ઘેલાં (મનો-દિવ્યાંગ) છે. અમે શું કરીયે અને કોને કહેવાં જઇયે." મારી સાથેના તમામ લોકોના ચહેરા "ઉતરી" ગયા હતાં. થોડીવાર માટે હું પણ મૂંઝવણમાં આવી ગયો કે મારે શું વાત કરવી. પણ મને મનમાં વિચાર આવ્યો કે કદાચ ઈશ્વરે જ મને આ ઝુંપડા સુધી પહોંચાડ્યો છે.


રત્નાભાઇ પાસે વાત સાંભળી કે : "મને પણ લકવા (પેરાલીસીસ)નો આંચકો આવી ગયો છે, કંઈ કામ નથી કરી શકતો અને હવે ટ્રેકટરોનો જમાનો આવ્યો એટલે "કબાલા" (બળદોની લેતી-દેતી )નો ધંધો પણ નથી. મારે પાંચ દીકરા અને ત્રણ દીકરીઓ છે , તેમાંથી એક દીકરો અને બે દીકરીઓ "મનો-દિવ્યાંગ" છે, (તેમની દીકરી "દેવુંબેન" ઉ.૩૩વર્ષ; મંજુબેન ઉ.૨૬ વર્ષ; દીકરો સની ઉ. ૧૭ વર્ષ ) તેમજ મોટો દીકરો અરજણ છે, તેમના ત્રણ બાળકો "મનો-દિવ્યાંગ" છે (અરજણના બાળકો - અંજલિ ઉ. ૧૪ વર્ષ; કાનો ઉ.૧૩વર્ષ ; ઉમેશ ઉ.૧૦ વર્ષ ) તથા બીજો દીકરો અજય છે તેમના ત્રણ બાળકો (અનિતા ઉ.૧૦ વર્ષ; વિરાજ ઉ. ૮ વર્ષ; જય ઉ. ૬ વર્ષ ) "મનો-દિવ્યાંગ" છે.!"


આ સઘળી વાત કરતા જ વૃદ્ધ દંપતી ભાંગી પડ્યું, અને મારાં મનમાં અરેરાટી વ્યાપી ગઈ કે આ તે સરાણિયા પરિવાર પર કુદરતનો કહેર કે શું ? મેં પૂછ્યું:"આ બધા માટે જમવાનું શું કરો છો ?" ત્યારે "માં" (દૂધીબેન) એ કહ્યું: "બાપુ હું ઘરે ઘરે જઈને જમવાનું માંગુ છું, અને કુટુંબને પૂરું પાડું છું !" મારાં મનમાં વિચાર આવ્યો કે અત્યારના આ આધુનિક યુગમાં ઘણાં લોકો કહેતા હોય કે "ભિખારીને ભીખ નોં અપાય." પરંતુ એક જૂની કહેવત છે ને કે "પેટ કરાવે વેઠ" ! માણસ મજબૂરીમાં શું કરે !


ફરી વાતચીત આગળ ધપાવતાંપાછું મેં પૂછ્યું કે : "આ લોકોને શું કામે બાંધીને રાખવા જોઈએ ?" ત્યારે રત્નાભાઇ એ કહ્યું: " બાપુ, ઝૂંપડાની એકબાજુ મેઈન રોડ છે અને બીજી બાજુ રેલવેના પાટા (રેલવે-ટ્રેક ) છે ક્યારેક ધ્યાનચૂક થાય તો અકસ્માત થાય અને અમારી કઠણાઈ હાલે છે અને અમે વધુ ઉપાધિમાં આવી જઇયે ! અને "મનો-દિવ્યાંગ" બાળકો ક્યારેક કોઈને પથ્થરનો ઘા મારે તો નિર્દોષને લાગી જય. એટલા માટે આવું કરવું પડે. નહીંતો ફૂલ જેવા વ્હાલસોયા નવ-નવ સંતાનોને બાંધતા જીવ કેમ હાલે. !" મેં કહ્યું:" સરકારી હોસ્પિટલોમાં કે બીજી કોઈ વ્યવસ્થા વિષે, ઈલાજ માટે વિચાર્યું છે ?" "માં"એ કહ્યું: " કેટલાકની હવે દવા કરાવીએ, કોને, ક્યાં અને કેવી રીતે લઇ જવા એ જ ઉપાધિ છે. છોકરાઓ પણ છૂટક મજૂરી કરી માંડ રાતે ઘરે થાક્યા-પાક્યા આવે છે. અમારા કુટુંબ ઉપર આભ ફાટ્યું છે એમાં થીગડું ક્યાં મારવું !"

 આ સઘળી વાત સાંભળી મેં ખાતરી આપી કે: "હું તમારી વાત લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડીશ..!"

  

અમારી સાથે જોડાયેલ તમામ "સન્ડે - સ્લ્મડે મિશન"ના કાર્યકરોએ એક સાથે ઈશ્વરને પ્રાર્થના કરી કે "સરાણિયા-પરિવાર આ આપત્તિમાંથી જલ્દી બહાર આવે અને ઈશ્વર અમને બળ આપે તો આ પરિવારને કાંઈ મદદરૂપ થઇ શકાય "


આ સત્યઘટના લખવાનો મારો ઉદ્દેશ્ય એટલો છે કે કોઈના પરિવારમાં એક વ્યક્તિ પણ સામાન્ય બીમાર હોય તો પણ લોકો હાફળા-ફાંફળા થઇ જાય છે, ત્યારે સરાણિયા પરિવારના નવ-નવ મનો-દિવ્યાંગોને સાચવતા દૂધીમાં તેમજ રત્નાભાઇ તથા તેના પરિવારને નત-મસ્તકે વંદન છે. સમાજ અને સરકાર સુધી આ વાતનો પ્રકાશ પડે અને આ પરિવારને સહાયરૂપ થવાનું માધ્યમ બનીએ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational