Ketki Vaidya

Inspirational

4  

Ketki Vaidya

Inspirational

માટલી એવી ઠીકરી, મા એવી દીકરી

માટલી એવી ઠીકરી, મા એવી દીકરી

3 mins
14.3K


એક મધ્યમવર્ગીય પરિવાર હતો. એ પરિવારમાં પાંચ સભ્યો હતા - હેતલબેન (માતા), શંકરભાઈ (પિતા), નેત્રા (દીકરી), નરેશભાઈ (દાદાજી) અને શીતળબેન (દાદીજી).

શં કરભાઈને મર્ચન્ટ નેવીમાં કેપ્ટન હોવાથી સમુદ્ર યાત્રાઓ પર રહેવું પડતું. આમ કહીએ તો નેત્રા હેતલબેન હેઠળ જ મોટી થઈ હતી અને ભાગ્યે જ પિતાનો લાડ-પ્રેમ મળતો પરંતુ હેતલબેને નેત્રાને સંસ્કાર આપવામાં કોઇ કમી રહેવા દીધી ન હતી. શહેરી જીવન વિતાવ્યું હોવા છતાં નેત્રામાં છત્રીસ ગુણ પુરવાની હેતલબેને પૂરી કોશિશ કરી હતી.

હેતલબેન પોતે પણ ખૂબ સંસ્કારી અને લાગણીશીલ હતા. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ સારી ન હોવા છતાં દરેક તહેવારમાં તેમનું સગા-વ્હાલાને ભાવભર્યું આમંત્રણ હોય જ. ઘરમાં ખૂબ ધૂમઘામથી તહેવાર મનાવવામાં આવતો. શંકરભાઈની ગેરહાજરીમાં પણ હેતલબેન નણંદો, ભાણેજો તથા બીજા પરિવારજનોને કોઈ દિવસ ખાલી હાથે ન મોકલતા અને તેથી જ પરિવારમાં સૌનાં લાડલા તથા માનીતા પણ હતાં. સાથેસાથે તેઓ ખૂબ બચત પણ કરી લેતાં હતાં.

નેત્રા પણ મોટી થવા લાગી. તેના લગ્ન થઈ ગયાં. નેત્રાના સાસરાપક્ષમાં બધાનો સ્વભાવ ખૂબ સારો હતો અને નેત્રા પણ મિલનસાર હોવાથી બધા સાથે ખૂબ લાગણીથી રહેવા લાગી. તેના સાસુ હેતલબેનના ખાસ સખી હતાં અને એટલે જ નેત્રાને ત્યાં પણ માની કમી જરાય લાગતી ન હતી.

દિવાળી આવી. એક મહિના અગાઉથી નેત્રાનાં સાસરામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ. તેના પતિ સુમિતને કંપનીના કામે બહારગામ જવું પડે તેમ હતું પણ તેણે જરા પણ દુઃખી થયા વિના સંજોગોને સ્વીકારી લીધા. હવે બધાં ભેગાં થયાં. તૈયારીઓ શરૂ થઈ ગઈ. નોકરીની સાથેસાથે નેત્રાએ ઘરના બધાં કામ પણ સંભાળી લીધાં. દિવાળીમાં નેત્રાના સાસુએ બધાંને કવર આપ્યા. સાથે જ નેત્રાની પણ સૂઝબૂઝ જોઈને સૌએ તેના ખૂબ વખાણ કર્યા અને તેણે સૌનાં દિલ જીતી લીધાં.

હવે બધાંનો જવાનો સમય આવ્યો. જયારે બધા નીકળવાની તૈયારીમાં હતાં ત્યારે જ, "એક મિનિટ, ઉભા રહો !" નેત્રા બોલી અને ઓસરીમાં જતી રહી. બહાર આવી તો બધા માટે ભેટ હતી. છોકરાંથી માંડીને વડીલો સુધી સૌ માટે કંઇકને કંઇક હતું. તેણે તે સૌને આપીને કહ્યું, "આ લો, આ મમ્મીજી અને પપ્પાજી તરફથી છે... તેમણે જ મને આ બઘું અંદરથી લઈ આવવા કહ્યું હતું." આ કહેતાં જ વાતાવરણમાં ખુશીની એક લહેર દોડી ગઈ.

બધાંએ હર્ષોલ્લાસ સાથે વિદાય લીધી. દસેક મિનિટ પછી જ્યારે તેઓ ફળિયામાંથી ઘરમાં પાછા ફર્યા અને નેત્રા રસોડામાં જઈ રહી હતી ત્યારે તેના સસરા દિવ્યકાંતભાઈએ તેને રોકીને પૂછ્યું, "નેત્રા બેટા, જરા ઊભાં રહો. અમે તો કોઈની માટે ભેંટ લીધી ન હતી તો પછી આ બઘું...?"

"પપ્પા, મને ખબર છે. પણ મારા મમ્મી મને કહેતા હતા કે કોઈપણ મહેમાનને ખાલી હાથે પાછા ન મોકલાય અને જો મોકલીએ તો વડીલોનું એક જાતનું અપમાન કહેવાય. જેમ મારા માટે મારા માતાપિતા છે તેમ જ તમે બંને પણ મારાં માતાપિતા જ છો. તમારું સમ્માન જાળવવું એ એક વહુ તરીકે મારી ફરજ છે... તેથી જ મેં મારી બચતમાંથી આ બધી ભેટો ખરીદી." નેત્રાએ કહ્યું.

ત્યાં તો તેના સાસુ સુનિતાબેન ભીની આંખો સાથે બોલ્યા, "બેટા, અમને તારાથી જેટલી અપેક્ષા હતી, તું તો તેનાથી પણ સારી રીતે આ પરીક્ષામાં ખરી ઉતરી. સાચું જ કહેવાય છે કે માટલી એવી ઠીકરી, મા એવી દીકરી !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational