માતૃદેવો ભવ:
માતૃદેવો ભવ:


ઉત્તર ભારતમાં એક નાનકડું ગામ હતું. તે ગામમાં બધી જ જાતિના લોકો રહેતા હતાં. એ ગામમાં સતત બરફવર્ષા થતી રહેતી હતી. ઘણીવાર તો એટલી બધી બરફવર્ષા થતી કે લોકો બહાર પણ નીકળી શકતા નહિ. ઘણીવાર તો અઠવાડિયા સુધી આવું ચાલ્યા જ કરતુ. આ ગામમાં અજય નામનો એક છોકરો રહેતો હતો. આ અજય ખુબ નાનો હતો ત્યારે તેના પિતાજીનું એક અકસ્માતમાં અવસાન થયું હતું. ભર યુવાનીમાં પોતાના પતિનું અવસાન થવાથી અજયની મા પર જાણે આભ તૂટી પડ્યું હતું. તેમ છતાં અજયની મા ખુબ જ લાડકોડથી અજયને મોટો કરવા લાગી હતી.
અજયને સારું જીવન આપવા માટે તેની મા ખુબ જ મજુરી કરતી. તે ઘણીવાર આજુબાજુના લોકોના ઘરના કામ કરતી. તો ઘણીવાર કોઈના ખેતરમાં મજુરી કરવા પણ જતી હતી. ધીમે ધીમે અજય મોટો થયો. તેની માતાએ તેણે શાળામાં ભણવા બેસાડયો. એમ કરતાં કરતાં સમય પસાર થયો. હવે અજય દસ વરસનો થઈ ગયો હતો. હજી પણ તેની મા લોકોના ઘરે કામ કરીને જ અજયનું પાલનપોષણ કરતી હતી. એમ કરતાં એક વખત સખત બરફવર્ષા થઈ. તેના લીધે એટલી ઠંડી વધી ગઈ કે કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નહિ. તેમ છતાં અજયની મા લોકોના ઘરે કામ કરવા ગઈ.
આવી ઠંડીમાં બહાર જવાથી તે બિમાર પડી ગઈ, સખત તાવ આવી ગયો. તે સાવ પથારીવશ થઈ ગઈ. અજય નાનો હતો પણ ખુબ જ સમજુ હતો. તેણે વિચાર કર્યો કે મા રોજ મારા માટે કામ કરવા જાય છે. પણ આજે તે બિમાર થવાથી કામ પર જઈ શકે તેમ નથી. એટલે આજે મારે કામ પર જવું જોઈએ. આમ વિચારી અજય ગામમાં ઘર ઘર અને દુકાને દુકાને ફરી કામ માંગવા લાગ્યો. પણ અજયની ઉમર ખુબજ નાની હોવાથી કોઈ કામ આપતું નહિ. આમ આખો દિવસ ફરવા છતાં તેણે કોઈ જગ્યાએ કામ મળ્યું નહિ. એટલે તે નિરાશ થઈને એક પથ્થર પર બેસીને રડવા લાગ્યો.
ત્યારે તેની બાજુમાંથી એક ભાઈ પસાર થયો. અજયને આમ રડતો જોઈ તે તેની પાસે ગયો અને તેનું રડવાનું કારણ પૂછ્યું. ત્યારે અજયએ એ માણસને પોતાની અને ઘરની સઘળી વાત કરી. એ માણસને અજય પર દયા આવી. તેણે ખીસામાંથી પૈસા કાઢ્યા અને અજયના હાથમાં મુક્યા. પણ અજયે પૈસા લેવાની ના પડી દીધી. તેણે કહ્યું કે મને પૈસા નહિ, કામ આપો. હું મફત નહિ લઉં. નાના અજયની આવી નિષ્ઠા જોઈ તે ખુશ થઈ ગયો. તેમણે અજયને નાનામોટા કામ આપ્યા. અને બદલે પૈસા પણ આપ્યા. અજય એ માની મદદ કરાવી. અને તેની મા સજી થઈ ગઈ.
મા-બાપ હંમેશા પોતાના સંતાનો માટે ભૂખ તરસ તડકો અને દુ:ખ વેઠતા હોય છે. એટલે સંતાનોએ પણ મા-બાપની સેવા કરવી જોઈએ.